Homeવીકએન્ડવિશ્ર્વની વસતિએ વટાવ્યો આંકડો આઠ અબજ નો

વિશ્ર્વની વસતિએ વટાવ્યો આંકડો આઠ અબજ નો

જન્મ ક્રમાંક -૫ અબજ-મેતાજ ગાસ્પર
જન્મ ક્રમાંક -૬ અબજ-અદનાન મેવિક
જન્મ ક્રમાંક -૭ અબજ-સાદિયા સુલતાના

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

૧૫મી નવેમ્બરે દુનિયાની વસતી આઠ અબજનો આંકડો પાર કરી ગઈ હોવાનો અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાત અબજનો આંકડો પાર કર્યા બાદ આઠ અબજના આંકડા સુધી પહોંચવા માટે એક દાયકા કરતાં થોડો વધુ સમય લાગ્યો હતો.
વીસમી સદીના બીજા તબક્કામાં જનસંખ્યા જે ગતિએ વધી છે એ હવે મંદ પડી હોય એવું લાગી રહ્યું છે. દુનિયાની વસતી આઠ અબજથી નવ અબજ સુધી પહોંચવામાં હવે આશરે દોઢ દાયકાનો સમયગાળો લાગશે, પણ ૨૦૮૦ સુધી દુનિયાની વસતી દસ અબજનો આંકડો પાર નહીં કરી શકે. જોકે, દુનિયામાં આવનાર લોકોની ચોક્કસ ગણતરી કરવાનું થોડું જટિલ કામ છે, પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ બાબતે એવું જણાવવામાં આવ્યું છે કે તેઓ આવનાર એક-બે વર્ષમાં વસતી ગણતરીના ચોક્કસ આંકડાઓ આપી શકશે.
એટલું જ નહીં, એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું કે દુનિયાની વસતીએ ૧૫ નવેમ્બરે આઠ અબજનો આંકડો પાર કરી દીધો છે અને આ પહેલાં પણ જ્યારે જ્યારે પાંચ, છ અને સાત અબજનો આંકડો પાર કર્યો એ વખતે યુએન દ્વારા પાંચ, છ અને સાત અબજમાં બાળકના પ્રતીકના રૂપમાં કેટલાક બાળકોની પસંદગી કરી હતી. હવે આ વાત સાંભળીને તમારા મગજમાં એવો સવાલ તો ચોક્કસ જ આવશે કે આજની તારીખમાં આ પાંચ, છ અને સાતમા અબજના નંબર પર દુનિયામાં અવતરેલાં બાળકો કરી શું રહ્યાં છે, બરાબર ને? તમારા આ સવાલના જવાબ સાથે જ અમે અહીં આવ્યા છીએ.
૧૯૮૭ના જુલાઈ મહિનામાં જન્મના થોડીક ક્ષણો બાદ જ એક નવજાતશિશુની નાની નાની અડધી ખુલી આંખો પર ફ્લેશ લાઈટ્સ ચમકવા લાગી. એ વખતે એ શિશુ સાથે હતી તેની માતા અને ચારે બાજુ સુટેડ-બૂટેડ અધિકારીઓ અને રાજકારણીઓ. આ નવજાત શિશુુનું નામ હતું મેતાજ ગાસ્પર કે જેને કારણે દુનિયાની વસતી પાંચ અબજના આંકડા સુધી પહોંચી હતી. આ કાફલામાં સ્થાનિક નેતાઓની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાના નેતાઓ પણ હાજર હતા અને બ્રિટિશ યુએન અધિકારી એલેક્સ માર્શલે જાગ્રેબની આ મેટરનિટી હોસ્પિટલમાં મચેલી ભાગદોડ માટે આંશિક રીતે પોતાને પણ જવાબદાર ગણે છે. એલેક્સના મતે ‘અમે દુનિયાની વસતી ગણતરીના આંકડાઓ જોઈ રહ્યા હતા અને અમને જાણવા મળ્યું કે દુનિયાની વસતી પાંચ અબજનો આંકડો ૧૯૮૭માં પાર કરશે અને એ માટે જુલાઈ, ૧૧ની તારીખ આપવામાં આવી હતી. ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું કે આ દિવસે જન્મેલાં કોઈ એક બાળકને પાંચ અબજમું બાળક જાહેર કરવામાં આવશે.’ જ્યારે એલેક્સ આ પ્રસ્તાવ લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘના ડ્રેમોગ્રાફર્સ પાસે પહોંચ્યા તો તેઓ આ વાત સાંભળીને જ ભડકી ગયા અને તેમણે એલેક્સને સમજાવ્યું કે તે શું કરવા જઈ રહ્યા છે અને ઢગલાંબંધ બાળકોમાંથી કોઈ એક બાળકની પસંદગી નહીં કરવી જોઈએ. જોકે, તેમ છતાં એલેક્સ અને એની ટીમે એવું જ કર્યું.
વાતનો દોર આગળ વધારતા એલેક્સ જણાવે છે કે ‘પાંચ અબજના આંકડાને માનવીય ચહેરો આપવાનો આ એક પ્રયાસ હતો. અમે માહિતી મેળવી કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એ દિવસે ક્યા હતા અને ત્યારબાદ જે થયું એ એક ઈતિહાસ હતો.’ પોતાના જન્મના ૩૫ વર્ષ બાદ પાંચ અબજના આંકડા પર જન્મેલા મેતાજ તેના જન્મના દિવસે મચેલી ભાગદોડને ભુલવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી પરથી એટલું તો જાણવા મળે છે કે તે આજની તારીખમાં પણ જાગ્રેબમાં જ રહે છે અને પ્રોફેશનલ લાઈફમાં તેઓ એક મેકેનિકલ એન્જિનિયર છે. પણ મેતાજ મીડિયા અને પ્રસારમાધ્યમો સાથે વાત કરવાનું આજે પણ ટાળે છે.
માતેજના જન્મ બાદથી લઈને અત્યાર સુધીમાં ત્રણ અબજનો વધારો થઈ ચૂક્યો છે, પણ આગામી ૩૫ વર્ષમાં આ વધારો માત્ર બે અબજ પૂરતો જ મર્યાદિત રહેશે.
એટલું જ નહીં ત્યાર બાદ જનસંખ્યાના વૃદ્ધિ દરમાં સ્થિરતા આવે એવી શક્યતા સેવાઈ રહી છે.
પાંચ અબજ બાદ આગળ વધીએ અને વાત કરીએ વસતીના આંકડાને સાત અબજ સુધી પહોંચાડનારી ઢાકાની સાદિયા સુલ્તાના ઓઈશી. સાદિયા ઘરકામમાં માતાને મદદ તે છે અને તેની ઉંમર માત્ર અગિયાર વર્ષની છે. આ ઉંમરે તો તેણે પોતાની ઉંમરનાં બાળકો સાથે બહાર રમવું જોઈએ, પણ સાદિયાની ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તેમનો પરિવાર સાડી અને કપડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમાં પણ કોરોના બાદ તો તેમની સ્થિતિ વધારે કથળી. આ જ કારણ છે કે સાદિયાના પરિવારે ઢાકા પાછા ફરવું પડ્યું. ગામમાં પરિવારનું ગુજરાન ચલાવવું એટલું બધું અઘરું નથી અને સાદિયાનાં માતા-પિતા પણ તેમની ત્રણેય દીકરીની શાળાની ફીનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ હતા. સાદિયો તેની ત્રણેય બહેનોમાં સૌથી નાની છે અને પોતાના પરિવાર માટે લકી ચાર્મ છે. ૨૦૧૧માં તેણે દુનિયાની વસતી સાત અબજના આંકડા સુધી પહોંચાડી હતી. સાદિયાના જન્મ વખતે તો તેની માતાને તેમની આ દીકરી તેમના માટે તો ઠીક પણ દુનિયા માટે પણ કેટલી મહત્ત્વની છે એનો અંદાજો નહોતો. સાદિયાના જન્મ બાદ તેની અને તેની માતાની આસપાસ રાજકારણીઓ, કેમેરામેન અને અધિકારીઓનો મેળો ભરાયેલો હતો. આ બધા જ લોકો બસ આ બાળકીની એક ઝલક જોવા માટે ઉતાવળા થઈ રહ્યા હતા.
આપણે દુનિયાના છ અબજના નંબર પર જન્મેલા બાળકને મળવા પહોંચી જવું પડશે યુરોપીય દેશ બોસ્નિયા હર્ઝેગોવિના અને તેનું નામ અદનાન મેવિક. ૧૯૯૯માં જન્મેલા ૨૩ વર્ષીય અદનાનના દેશમાં ઝડપથી ઘટી રહેલી જનસંખ્યાને લઈને ખૂબ જ ચિંતિત છે. અદનાનના દેશમાં ઝડપથી વસતી ઘટી રહી છે અને આ વિશે વાત કરતાં તે જણાવે છે કે ‘આવનારાં વર્ષોમાં રિટાયર્ડ લોકોને તેમના પેન્શનના પૈસા આપવા માટે કોઈ નહીં હોય, કારણ કે બધા યુવાન લોકો જતા રહેશે.’ અદનાને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને તે હાલમાં નોકરીની શોધમાં છે. માતા ફાતિમા સાથે રહેતાં અદનાનનો જન્મ દિવસ તેમની માતા ફાતિમાને ખૂબ જ સારી રીતે યાદ છે અને એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે મને થોડાક સમયમાં જ એહસાસ થઈ ગયો કે કંઈક જ વિચિત્ર ઘટી રહ્યું છે. ડૉક્ટર, નર્સ મારી આસપાસ ભેગા થઈ રહ્યા હતા, પણ ચોક્કસ શું થઈ રહ્યું છે તેનો મને ખ્યાલ નહીં આવ્યો. પણ જ્યારે અદનાનનો જન્મ થયો ત્યારે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ કૉફી અન્નાન અદનાનની દુનિયામાં જન્મેલાં સાતમા અબજમા બાળક તરીકે ઘોષણા કરવા માટે હાજર રહ્યા હતા. અદનાન એ વાતને લઈને આશ્ર્ચર્યચકિત છે કે ૨૩ વર્ષમાં દુનિયાની વસતીમાં બે અબજનો વધારો થઈ ગયો છે.
દુનિયાની વસતીમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિની સાખ પુરાવે છે. પણ બાંગલાદેશની વાત કરીએ તો ત્યાં જનસંખ્યાની વૃદ્ધિના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૧૯૮૦માં મહિલાઓ છથી વધુ બાળકોને જન્મ આપતી હતી, પણ હવે આ સંખ્યા ઘટીને બેથી પણ ઓછી થઈ ગઈ છે. વૈશ્ર્વિક જનસંખ્યાનો અભ્યાસ કરનારી સંસ્થાઓમાં સંયુક્ત રાષ્ટ્ર, યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન અને આઈઆઈએએસએ વિટિંગ્સટાઈન સેન્ટરનો સમાવેશ થાય છે. આ ત્રણે સંસ્થાઓના જનસંખ્યાના વૃદ્ધિદર પર શિક્ષણની અસરને લઈને અલગ અલગ અનુમાન છે.
સંયુક્ત રાષ્ટ્રની વાત પર વિશ્ર્વાસ કરીએ તો ૨૦૮૦માં વૈશ્ર્વિક જનસંખ્યા ૧૦.૪ અબજના પોતાના હાઈએસ્ટ ફિગરને ટચ કરશે, પણ આઈએચએમઈ અને વિટિંગ્સ્ટાઈનનું એવું અનુમાન છે કે આ આંકડો ૨૦૬૦ કે ૨૦૭૦માં જ પાર થઈ જશે. જોકે, આ તો બધા અનુમાન માત્ર છે.
સાદિયાના જન્મ બાદ દુનિયામાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે અને ડેમોગ્રાફર્સ આ પરિવર્તનને લઈને ખૂબ જ ચિંતિત છે. એટલું જ નહીં આ પરિવર્તન ઉપરાંત પ્રજનન દરમાં આવેલો ઘટાડો પણ તેમની ચિંતાનું એક કારણ છે. જોકે, દુનિયાની જનસંખ્યા આગામી એક અબજ લોકોમાંથી અડધા લોકો આઠ દેશોમાં હશે, જેમાં મોટાભાગના લોકો આફ્રિકી દેશ હશે. તેમાંથી મોટાભાગના દેશોમાં પ્રજનન દર ૨.૧થી ઓછો રહેશે તો જનસંખ્યામાં એટલો બધો ઘટાડો નહીં જોવા મળે…

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular