ભાવના-પ્રધાન ભારતમાં ભાવનાઓની રાજનીતિ

ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

‘આઉટલૂક’ નામના અંગ્રેજી સામાયિકના પોર્ટલ પર, મરાઠી-અંગ્રેજી કવિ દિલીપ ચિત્રે એક લેખમાં લખે છે, કોઈને એ વાતમાં શંકા ન હોવી જોઈએ કે ભારતના લોકો, તેમની જાત, ધર્મ, જ્ઞાતિ, લિંગ, ભાષા કે પ્રદેશ ગમે તે હોય, દુનિયાના અન્ય મનુષ્યોની જેમ, સંવેદનશીલ લોકો છે. કોઈને એ શંકા ન હોવી જોઈએ કે મોટાભાગના લોકો બિનસાંપ્રદાયિક લોકશાહીનાં મૂલ્યો પ્રમાણે જીવે છે અને સિવિલ સોસાયટી સર્વ જન હિતાય જાળવવાનું કામ કરે છે, પરંતુ ચૂંટણીના સમયે ભારતના દરેક વિચારવંત નાગરિકોએ એ ચિંતન કરવું જોઈએ કે તેઓ શું માત્ર લાગણીઓના આધારે સરકારને ચૂંટે છે? શું લોકો વિવિધતાથી ભરેલી સિવિલ સોસાયટીના આપણા સહિયારા આદર્શોને કોરાણે મૂકીને લાગણીઓની મુક્ત રીતે અભિવ્યક્તિ કરવાને પ્રોત્સાહન આપે છે? ૧૯૫૦ના દાયકાથી ચૂંટણી પ્રચારો ઉત્તરોત્તર ‘ભાવુકતાપૂર્ણ’ થતા ગયા છે, પરંતુ આ પાંચ વર્ષની ભાવુક ઘટનાઓ વચ્ચેના ગાળામાં, આપણી તમામ રાજકીય પાર્ટીઓઓ તેમના ‘પરિવારો,’ ‘સંગઠનો,’ ‘સેનાઓ’ અને બ્રિગેડો મારફતે આપણી “ભાવનાઓ’ને જીવંત રાખવાનું કામ કરે છે.
દિલીપ ચિત્રેની મૂળ ફરિયાદ એ છે કે ભારતમાં લાગણીઓ ઘવાવાનું વધતું જાય છે અથવા લાગણીઓના નામે રાજકીય ફાયદાઓ ઉઠાવવાનું વલણ વધી રહ્યું છે. દેશની અદાલતોમાં અત્યારે હત્યાના ઓછા અને ભાવનાઓને ઠેસ પહોંચ્યાના કેસ વધુ ચાલે છે. પોલીસ ચોરોને પકડવાનું છોડીને ‘ભાવનાખોરો’ની પાછળ લાગેલી છે.
કોઈકની વધુ, કોઈકની ઓછી, ભાવનાઓ એટલી નાજુક થઇ ગઈ છે કે વાત-વાતમાં ઘાયલ થઇ જાય છે. ભાવનાઓ એ જોતી પણ નથી કે કઈ વાત પર નારાજ થવું અને કઈ વાત પર ન થવું. તેને તો બસ ઘાયલ થઇ જવામાં જ રસ છે, કારણ કે ભારત ભાવના-પ્રધાન દેશ બની ગયો છે.
ભાવનાઓ સોશિયલ મીડિયાની પોસ્ટ પર દુ:ખી થઇ જાય છે, ભાવનાઓ ફિલ્મનાં પોસ્ટર જોઇને ડિપ્રેશનમાં આવી જાય છે. ભાવનાઓ રીટ્વીટ થઈને કે સ્ક્રીનશોટમાં કેદ થઈને જીવતી રહે છે. ભાવનાઓ કાર્ટૂનથી નારાજ થઇ જાય છે અને ઓટીટી સિરીઝથી પણ દુ:ખી થઇ જાય છે. અમુક ભાવનાઓ ફિલ્મના ડાયલોગથી અને અમુક છાપાના લેખથી ઘાયલ થઇ જાય છે. પહેલાં ભાવના ઘાયલ થાય તો ખાલી પોતાને જ ખબર પડતી હતી. હવે કોઈની ભાવના ભાવનગરમાં ઘાયલ થાય, તો ભિવંડીમાં તેની તરત ખબર પડી જાય છે.
આજકાલ ભાવનાઓ બહુ હોંશિયાર થઇ ગઈ છે. એ બેવકૂફ નથી રહી. અભિવ્યક્તિની આઝાદી આજકાલની નથી, પણ ત્યારે ભાવનાઓને નાસમજ હતી. તેમને ખબર નહોતી પડતી કે અભિવ્યક્તિમાં તેની મજાક ઉડાડવામાં આવી છે. પહેલાના જમાનામાં, જેમ પાનના ગલ્લે ઊભેલા રોમિયોની નજીકમાંથી એક સુશીલ છોકરી માથું નીચું કરીને પસાર થઇ જાય તેમ, ભાવનાઓ અભિવ્યક્તિની બાજુમાંથી ચૂપચાપ પસાર થઇ જતી હતી. હવે ભાવનાઓ ત્યાં ઊભી રહે છે અને અભિવ્યક્તિનો કાંઠલો ઝાલે છે.
ભાવનાઓ મેચ્યોર થઇ ગઈ છે. ભાવનાઓ માણસની હેસિયત મુજબ ઘાયલ થાય છે. એને નિશાન બનાવનારો માણસ જાણીતો હોય, તો ભાવનાઓ પાસે ઘાયલ થઇ જવાનું વેલિડ કારણ હોય છે, પણ ઘાયલ કરવાવાળો માણસ જો તુચ્છ હોય, તો ભાવનાઓના પેટનું પાણી પણ હાલતું નથી. એવું નથી કે એકવાર ઘાયલ થઇ ગઈ પછી ભાવના છ મહિના સુધી ઘરમાં બેડ-રેસ્ટ કરે છે. આજે ઘાયલ થઇને માંડ સાજી થઇ નથી કે બીજા દિવસે છપ્પનની છાતી પર બીજા ઘા ઝીલવા બહાર નીકળી નથી.
હિન્દીના સુપ્રસિદ્ધ લેખક પ્રોફેસર પુરુષોત્તમ અગ્રવાલે એક પુસ્તક લખ્યું છે, નાકોહસ (નેશનલ કમિશન ઑફ હર્ટ સેન્ટિમેન્ટસ). તેમાં તેઓ લખે છે, એક લેખકને તેના પુસ્તકની સાથે જીવતો સળગાવામાં આવે છે. આ સેંકડો વર્ષ પહેલાંના યુરોપની વાત છે. એક કવિ પર હાથીને દોડાવામાં આવે છે. આ સેંકડો વર્ષ પહેલાં ભારતમાં થતું હતું. એક પ્રોફેસરનો ડાબો હાથ કાપી નાખવામાં આવ્યો, તેની કૉલેજે તેને બરખાસ્ત કરી નાખ્યો. એક વૃદ્ધ લેખક તેની અપ્રકાશિત ચોપડી જાતે જ સળગાવી રહ્યો છે, કારણ કે ઘાયલ ભાવનાઓના વીર યોદ્ધાઓ તેના સાથી લેખકના દેહને ક્ષત-વિક્ષત કરીને જતા રહ્યા છે.
પ્રોફેસર અગ્રવાલ આ પુસ્તકના વિષયની વાત કરતાં એક ઇન્ટરવ્યૂમાં કહે છે, પાછલા દસ-બાર વર્ષમાં એવી સ્થિતિઓ પેદા થઇ છે કે ઘાયલ ભાવનાઓનો મુદ્દો એક રીતે કોઇપણ ચર્ચાની શર્ત બની ગયો છે. મતલબ કે ચર્ચા ત્યારે જ થશે જ્યારે તમારી ભાવનાને ઠેસ પહોંચે. ઘાયલ ભાવનાઓની રાજનીતિ અને ૨૪ કલાકના મીડિયાએ બહુ ખરાબ સ્થિતિ ઊભી કરી છે. આ અસહિષ્ણુતા નથી. પાછલા ૧૦-૧૫ વર્ષમાં એક રીતે સતત ગુસ્સાથી ભરેલા સમાજની રચના કરવામાં આવી છે. આ સમાજમાં ક્રોધનો વિસ્તાર થઇ રહ્યો છે, અને સમજદારી ઘટી રહી છે.
તેઓ કહે છે કે ભાવનાઓને બહુ ઠેસ પહોંચી રહી છે. ભાવનાઓ ઘાયલ થઈને કૂદીને સડક પર આવી જાય છે. તેનાથી રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન થાય છે એટલે સરકારે ઘાયલ ભાવનાઓ અને આક્રાંત અસ્મિતાઓનું એક પંચ બનાવવું જોઈએ, નેશનલ કમિશન ઑફ હર્ટ સેન્ટિમેન્ટસ.
ઉપર દિલીપ ચિત્રે વાત કરી હતી તે પ્રમાણે, આપણે ત્યાં લોકશાહી એક વિરોધાભાસ પર આગળ વધી રહી છે. એક બાજુ લોકતાંત્રિક ઢબે ચૂંટણીઓ થાય છે, સરકાર ચૂંટાય છે અને આપણને લાગે કે પ્રજાનું શાસન છે. બીજી બાજુ, રોજિંદા જીવનમાં સામાજિક ન્યાય અને કાનૂનના શાસનને નામે મજાક થાય છે. તમે વ્યક્તિગત સ્તરે કોઈને આંગળી પણ અડડો તો સજા થાય છે, પરંતુ સમુદાયના પ્રતિનિધિના નામે હત્યા કરી નાખો તો ફૂલહાર કરવામાં આવે.
તમને પ્રિયા પ્રકાશ વેરિયર નામની છોકરી યાદ છે, જેની આંખના ઉલાળે સોશિયલ મીડિયાના ધબકારા વધી ગયા હતા? હૈદરાબાદ પોલીસે, અમુક લોકોની ફરિયાદના આધારે, એની સામે ઈશનિંદા (ઈશ્ર્વરના અપમાન)નો અપરાધ નોંધ્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્યારે આ ફરિયાદ કાઢી નાખીને કહ્યું છે કે, “તમારી પાસે બીજો કોઈ કામ-ધંધો નથી કે, કોઈ વ્યક્તિ ફિલ્મમાં ગીત ગાય અને તમે એની સામે કેસ ફાઈલ કરો છો? આંખ મારવાની વાત સાચી હોય તો પણ, એ ધાર્મિક લાગણી દુભાવાના આશયથી નથી, અને કોઈ ગુનો બનતો નથી.
ભાવનાઓને ઠેસ પહોંચી છે તેવી ફરિયાદ પર આપણે જો સજા કરવા માંડીએ તો આ દેશના મોટાભાગના લોકો જેલમાં હોય. ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલે તેમની નવલકથા ‘નાઈન્ટીન એઈટી-ફોર’માં થોટ-ક્રાઈમ (વિચારવાનો અપરાધ) શબ્દ આપ્યો હતો. એમાં એકહથ્થુ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ટેલી-સ્ક્રીન મૂકવામાં આવેલા છે, જે સરકારનાં કામો, નીતિઓ અને યોજનાની જાણકારી આપે છે. ઉપરાંત તે જનતા પર નજર પણ રાખે છે. તેના માટે ‘થોટ-પોલીસ’ છે, જે કોઈપણ માણસને સરકાર વિરોધી વિચાર આવે તો તેને પકડી લે છે. અહીં અપરાધ થતાં પહેલાં ‘અપરાધી’ને પકડી લેવાની કાનૂન-વ્યવસ્થા છે.
ભાવનાઓનું પણ એવું છે. કોના મનમાં કેવી ભાવના આવે અને કોની ભાવના કેવી રીતે ઘાયલ થાય તેનો કોઈ કાનૂન કે વ્યાખ્યા તો છે નહીં, તો પછી કોઈને પણ જેલમાં નાખી દેવાય. અગાઉ ઋષિ-મુનીઓ ભાવનાઓનું નિયંત્રણ કરતાં હતા, હવે એ કામ આપણે પોલીસને સોંપ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.