જગદીપ ધનખડની ભવ્ય જીતનું રાજકીય ગણિત : ઉપરાષ્ટ્રપતિપદના કાયદા અને ફાયદા

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

આખરે ભારતને ૧૪મા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ મળી ગયા છે. ૭૨૫માંથી ૫૨૮ વોટની જંગી બહુમતી સાથે ધનખડે ભવ્ય જીત મેળવી. પણ તેની જીતથી ખુદ ભાજપના નેતાઓ અને ધારાસભ્યો નારાજ છે. જેનું મોટું કારણ છે આંતરિક જૂથ વાદ…, જયારે ભારતીય જનતા પાર્ટીએ ભારતમાં પોતાનું વર્ચસ્વ ફેલાવવાનું શરૂ કર્યું ત્યારે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, ‘અહીં પરિવારવાદને મહત્ત્વ નહીં મળે, અહીં એવા લોકો બિરાજશે જેણે જીવનમાં સંઘર્ષ કર્યો છે. જે પ્રજાના દુ:ખ, શોક, પીડાને સમજી શકશે.’ ધનખડ આ મુદ્દે ખરા ઉતર્યા.. જયપુરથી અંદાજે ૨૦૦ કિમી દૂર ઝુંઝુનુ જિલ્લામાં કિઠાના ગામમાં મધ્યમ વર્ગીય પરિવારમાં ૧૮મે, ૧૯૫૧ના રોજ જન્મેલા ધનખડ ચાર ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે. એટલે તેઓ પ્રજામાંથી તો આવે છે પણ ખુદ કોઈ પક્ષને વફાદાર નથી. હવે ધનખડના મોટા ભાઈ કુલદીપ ધનખડ રાજસ્થાન કૉંગ્રેસમાં છે. કુલદીપ બે દાયકા લગી ભાજપમાં હતા પણ ૨૦૧૮માં ભાજપે ટિકિટ ના આપતાં રાજીનામું આપી દીધું હતું. ધનખડ પણ એવા જ પક્ષપલટું છે. ત્યારે ભાજપના કાર્યકરોનો આંતરિક જૂથવાદ એક રીતે સાચો છે. ઘણાં નેતાઓ ધનખડની રાજકીય કારકિર્દીને પણ વખોડે છે.
ધનખડના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો ૧૯૬૫માં જવાહરલાલ નહેરુ તેના ગામમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા. એ સમયે કોંગી આગેવાનોને ઈંગ્લીશમાં પ્રચાર સૂત્રો લખવાં હતાં. આખા ગામમાં ૧૫ વર્ષીય જગદીપ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેને ફાંકડું અંગ્રેજી બોલતા આવડતું હતું. એ સમયે ગામમાં ખાલી પાંચ ધોરણ સુધીની શાળા હતા. અને સરકારી સ્કૂલની તો શું વાત કરવી.. પાયાના શિક્ષણના અભાવ વચ્ચે જગદીપ બહારગામથી અંગ્રેજી અખબારો મંગાવતા અને તેના અભ્યાસથી અંગ્રેજી બોલતા શીખી ગયા હતા. ૧૯૬૫નો સમય ગાળો એવો હતો જયારે કૉંગ્રેસ નબળી પડી રહી હતી અને દેશના અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા હતા. ભારત-ચીનના યુદ્ધને કારણે ચારેકોરથી કૉંગ્રેસની ટીકા થઈ રહી છે. આવા સમયે પ્રાદેશિક પક્ષો સાથે જનસંપર્ક કરવા ખુદ નહેરુને તેના આલીશાન બંગલામાંથી બહાર નીકળવું પડ્યું હતું.
જીવનમાં એવી ઘણી ઘટનાઓ બને છે જે માણસના સમુળગા જીવનને જ બદલી નાખે છે. સગીર વયના જગદીપે ભારે ઉત્સાહથી કૉંગ્રેસના કાર્યકરોને અંગ્રેજીમાં નારા લખી દીધા. પણ અનાયસે નહેરૂનો રાજસ્થાન પ્રવાસ કેન્સલ થયો. એટલે જગદીપનું લખાણ અને તેની મહેનત બન્ને વ્યર્થ ગયા પણ જેટલા સમય પૂરતા તે કોંગી કાર્યકરો સાથે રહ્યા એટલા સમય સુધી ગામમાં તેનો માભો જળવાઈ રહ્યો.., બસ ત્યારથી જ જગદીપના મનમાં સત્તા સ્થાને બેસવાની લાલસા જાગી. જાટ સમુદાયમાંથી આવતા ધનખડ પહેલેથી જ બુદ્ધિશાળી હતા. એટલે ગામમાં બધાના હક માટે લડવાનું સરપંચ સાથે શરૂ કરી દીધું, રાજસ્થાનની પ્રજા જેટલી પ્રેમાળ એટલી જ પરાક્રમી પણ છે. જગદીપને નાની ઉંમરે જ ખબર પડી ગઈ હતી કે જો સત્તા સ્થાને બિરાજવું હોય તો કાયદાની સમજ કેળવવી જરૂરી છે. એટલે બી.કોમ. અને એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરીને તેણે રાજસ્થાનના ધુરંધર કહી શકાય એવા ધારાશાસ્ત્રી લેખરાજ મહેતાના અન્ડરમાં વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. આગળ જતા ધનખડ જાણીતા વકીલ બન્યા. સ્ટીલ, કોલસા, ખાણ-ખનિજને લગતા વિવાદોના કેસો લડતા હોવાથી ધનખડના ક્લાયન્ટ્સ તરીકે મોટી મોટી કંપનીઓ હતી.
પોતાની આ સિદ્ધિને કારણે નાની ઉંમરે જ તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડન્ટ બની ગયા હતા. એટલે સ્વાભાવિક પણે મોટા ગજાના નેતાઓ સાથે તેની મુલાકાતો થતી રહેતી. તેમાં જ ધનખડનો ભેટો હરિયાણાના જાટ નેતા દેવીલાલ સાથે થયો અને તેના પક્ષમાં જોડાઈ ગયા. વી.પી. સિંહે જયારે રાજસ્થાનમાં પોતાનો અલાયદો પક્ષ જનતા દળ બનાવ્યો ત્યારે ધનખડ દેવીલાલનો સાથ છોડીને જનતા દળમાં જતા રહ્યા હતા અને ૧૯૮૯માં રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી જીતીને સાંસદ બન્યા. અડવાણીની હિન્દુત્વની રથયાત્રા પછી જનતા દળમાં ભંગાણ પડયું ને ચંદ્રશેખરે નવો પક્ષ બનાવ્યો ત્યારે ધનખડ તેમની સાથે જતા રહેલા ને કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી બની ગયેલા.
ચંદ્રશેખર સરકાર ગબડી પછી એકાદ વર્ષ આમતેમ ફાંફાં મારીને ધનખડ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. કૉંગ્રેસની ટિકિટ પર ૧૯૯૩માં કિશનગઢ બેઠક પર બે હજાર મતે જીતીને ધારાસભ્ય બનેલા. ધનખડને કૉંગ્રેસે ૧૯૯૮માં ટિકિટ ના આપતાં નવરા થઈ ગયેલા. રાજસ્થાનમાં ૨૦૦૩માં ભાજપ જીતતાં તેમણે ભાજપમાં ઘૂસવાના પ્રયત્નો શરૂ કર્યા પણ વસુંધરા રાજેને તેમનામાં રસ નહોતો તેથી મેળ ના પડયો.
૨૦૦૮માં જાટ અનામત આંદોલન શરૂ થયું ત્યારે વસુંધરાને જાટ નેતાઓની ગરજ પડી એટલે ધનખડનાં નસીબ ખૂલી ગયાં ને ભાજપમાં પ્રવેશ મળી ગયો. અલબત્ત ભાજપમાં પણ તેમને કોઈ જવાબદારી નહોતી સોંપાઈ તેથી ફરી પાછા તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કામ કરવા લાગ્યા. ૨૦૧૨માં ગુજરાતનાં એન્કાઉન્ટરના કેસ ગાજ્યો ત્યારે અમિત શાહને એક હોશિયાર વકીલની જરૂર હતી. હોશિયારી જેને ગળથૂથીમાં મળી છે એ ધનખડ સામેથી અમિત શાહ પાસે ગયા અને તેનો કેસ લડવાની તથા શાહને ક્લીન ચિટ અપાવવાનો વાયદો કર્યો. રાજકારણનો તો નિયમ છે ને.. ‘એક હાથ લે, એક હાથ દે’.. અમિતભાઇને કોર્ટ તરફથી રાહત મળી અને ધનખડને ભાજપમાં મહત્ત્વનું સ્થાન..
અમિત શાહ ગૃહ મંત્રી બન્યા પછી ૨૦૧૯ના જુલાઈમાં ધનખડને બંગાળનું રાજ્યપાલપદ મળ્યું. બંગાળના રાજ્યપાલ તરીકે તેમણે મોદીમાં વિશ્વાસુ નેતા તરીકે જ કામ કર્યું. બંગાળના રાજ્યપાલ તરીકે ધનખડે અનેક વિવાદો સર્જ્યા. ધનખડના વર્તનને કારણે એવો સવાલ પણ પૂછાવા લાગેલો કે, રાજ્યપાલ દેશના બંધારણને વફાદાર છે કે જે પક્ષની કેન્દ્રમાં સરકાર હોય તેને વફાદાર છે?
તેમના જીવનની આ આખી આત્મકથામાં જ્યાં સતા મળી ત્યાં ધનખડ જતા રહ્યા.. ભાજપના કાર્યકરોને એ જ વાતે વાંકુ પડ્યું કે, જે માણસ ક્યારેય કોઈ પક્ષમાં ચોંટીને નથી રહ્યા તેને મોદી-શાહ દ્વારા આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે? આ મુદ્દે મોદીએ બધાને ૨૦૨૪ની ચૂંટણીનું રાજકીય ગણિત સમજાવ્યું કે, ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવવાથી જાટ સમાજની નારાજગી કદાચ દૂર થઈ જાય, કૃષિ આંદોલનમાં હુલ્લડ મચાવનાર જાટ નેતાઓ પણ ભાજપની તરફેણ કરશે જેનો ફાયદો આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળી શકશે. છતાં ભાજપનો એક વર્ગ આ નિર્ણયથી નારાજ છે. પણ મોટો વર્ગ ધનખડના સમર્થનમાં છે.
ખેર! આ તો પક્ષનો આંતરિક જૂથવાદ હતો જે હાઇકમાન્ડના આદેશથી શમી ગયો પણ દેશના બુદ્ધિજીવીઓ એક વાતનો વિરોધ વર્ષોથી કરી રહ્યા છે. એ વિરોધ જ ઉપરાષ્ટ્રપતિના પદનો.., તમે શાળાકીય અભ્યાસમાં જાણ્યું હશે કે ગેરહાજરી, માંદગી કે એવા બીજા કોઈ કારણસર રાષ્ટ્રપતિ પોતાનાં કાર્યો બજાવી શકે એમ ન હોય ત્યારે તેઓ પોતાની ફરજો ફરીથી ન સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનાં કાર્યો બજાવે છે. એ સિવાય બીજું શું કરે છે? નથી ખબર ને.. દેશની ૯૦% આબાદી આ વાતથી અજાણ છે. આ તો એવું થયું કે સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર ન હોય ત્યારે વાઇસ પ્રિન્સિપાલ તેમનું કામ સંભાળશે. અને જો પ્રિન્સિપાલ હાજર હોય તો સ્કૂલના બધા પ્રોગ્રામમાં સ્પીચ આપી, દીપપ્રાગટ્ય કરીને વાઇસ પ્રિન્સિપાલ બેસી જાય, ખરી તાળીઓ તો પ્રિન્સિપાલના ભાષણમાં જ પડે.. એ જ રીતે આ ઉપરાષ્ટ્રપતિ પદનું કામ શું છે?
બંધારણની જોગવાઈ અનુસાર ઉપરાષ્ટ્રપતિએ સંસદીય કાર્યવાહીનું નિયમન કરીને રાજ્યસભાના સ્પીકર બનીને કામ કરવાનું હોય છે. સંસદીય કાર્યવાહીમાં કેવા ઉધામા થાય છે એ લખીને હું શબ્દો નહીં વેડફું.. પણ તેનું સૌથી મહત્ત્વ કાર્ય તો રાજ્યસભામાં પસાર થતા ખરડાને ચકાસવાનું છે. આમ જોઈએ તો એક આ જ સાધન છે મીડિયા અને પ્રજા વચ્ચે રહેવાનું.. જયારે કોઈ બિલ પસાર થાય એટલે પેલા ઉપરાષ્ટ્રપતિ વિરોધ કરે પણ સતાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે માથાકૂટ થયા અંતે કાર્યવાહી સ્થગિત કરવી પડે. પછી એ બિલને લગતા કાયદા અને ફાયદા મીડિયામાં રજૂ થાય.., છેલ્લે ઉપરાષ્ટ્રપતિના નિર્ણય પર સૌની મીટ મંડાયેલી રહે છે. ખાસ તો દર વર્ષે ઉપરાષ્ટ્રપતિ ત્યારે જ લાઇમ લાઈટમાં આવે જયારે સાંસદો પોતાની, સંસદભવનની અને લોકશાહીની ગરિમા ભૂલીને તોફાનો કરે અને કાર્યવાહીમાં ખલેલ પહોંચાડે.. આ કાર્યવાહી બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવે. અને સમાચારોમાં ઉપરાષ્ટ્રપતિના વિશેષાધિકારના દર્શન લોકોને થાય.
જેમનું પદ હવે પૂર્ણતાને આરે છે એવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના સ્પીકર વેંકૈયા નાયડુએ તાજેતરમાં સંસદીય કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ ટીએમસીના ૯, ડીએમકેના ૬ તેમજ ટીઆરએસ અને સીપીએમના બે-બે મળીને એકસાથે ૧૯ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ અગાઉ શિયાળુ સત્રમાં નાયડુએ ૧૨ સાંસદોને આગલા સત્રમાં તોફાન કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. વીતી ગયેલા સત્રની વર્તણૂક બદલ નવા સત્રમાં આવું પગલું લેવાયું હોય એવું પહેલી વખત બન્યું હતું. જેથી વેંકૈયા નાયડુને જતા જતા નવી પબ્લિસિટી મળી હતી.
ખેર આ બધા તો રમુજી કિસ્સા છે, ખાસ વાત તો એ છે કે ઉપરાષ્ટ્રપતિ પાસે એવો કોઈ મહત્ત્વનો હોદ્દો કે પદ નથી. જે દેશના વિકાસમાં સહભાગી થઈ શકે. આપણા દેશમાં સંસદીય કાર્યવાહી કેવી છે અને કઈ રીતે થાય છે તે સૌ જાણે છે. કેન્દ્રમાં જેની સરકાર હોય તેનો જ એક નેતા જયારે રાજ્યસભાનો સ્પીકર બને ત્યારે સ્વાભાવિક છે કે જે ખરડા પસાર થશે તેની સામે સ્પીકરને તો કોઈ વાંધો ન જ હોય.., કૉંગ્રસ હોય કે ભાજપ- વર્ષોથી સત્તાધારી પક્ષમાંથી કોઈ ઉપરાષ્ટ્રપતિ બને છે.. તો આ પદ થકી દેશને શું ફાયદો થશે એ વિચારવા જેવું છે. ઉપરાષ્ટ્રપતિ અત્યાર સુધી તોફાની બનેલી રાજ્યસભાને શાંત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા પણ ધનખડ મૂળે તો જાટ.. એટલે તેમના આવ્યા પછી જો રાજ્યસભામાં ઉધામા થશે તો ધનખડની શું પ્રતિક્રિયા હશે એ જોવાની રહેશે પણ આ ઉપરાષ્ટ્રપ્રતિનું પદ એમને એમ બીબાઢાળ પ્રણાલીથી કામ કરશે તેમાં બેમત નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.