ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીનો હવે અર્થ નથી

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને ઉથલાવવા કરાયેલા બળવા વખતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે શિંદે જૂથના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી કરેલી. એ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરનું પદ ખાલી હતું ને ડેપ્યુટી સ્પીકર પાસે કાર્યભાર હતો તેથી ડેપ્યુટી સ્પીકરે ૪૮ કલાકમાં જવાબ આપવા નોટિસ આપેલી. શિંદે જૂથના ૧૬ ધારાસભ્યોએ નોટિસ સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખેલી ને સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈએ સુનાવણી કરવાનું નક્કી કર્યું તેથી સૌની નજર સોમવારે સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર મંડાયેલી હતી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો મહારાષ્ટ્રનું રાજકારણ કઈ દિશામાં જશે એ નક્કી કરશે એવી વાતો પણ ચાલતી હતી. આ મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તો થઈ પણ તેમાં કશું એવું નક્કર થયું નહીં કે જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણની દિશા બદલાઈ જાય. અલબત્ત સુપ્રીમ કોર્ટે લીધેલું વલણ જોતાં આ મુદ્દો બંધારણીય અર્થઘટનનો બહું મોટો વિષય બનશે એ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટ જે રીતે આગળ વધી રહી છે એ જોતાં ઐતિહાસિક ચુકાદો આવે એવું પણ બની શકે પણ તેના કારણે હાલની સ્થિતિ બદલવાની નથી કેમ કે સુપ્રીમ કોર્ટે મુદ્દાને લંબાવવા સિવાય કશું કર્યું નથી.
એક સરકારને ઉથલાવીને નવી સરકાર રચાય એ સાચી રીતે રચાઈ છે કે નહીં તેના આધારે કોઈપણ દેશની લોકશાહીની મજબૂતાઈ નક્કી થતી હોય છે. રાજકીય પક્ષોને સત્તામાં રસ હોય છે, લોકશાહીના સિદ્ધાંંતો જાળવવામાં નહીં. આ કારણે રાજકારણીઓ તો સિદ્ધાંતોની ઐસીતૈસી કરતાં શરમાતા નથી પણ સુપ્રીમ કોર્ટે સમયસર ચુકાદો આપીને લોકશાહીના સિદ્ધાંતોનું જતન કરવું જોઈતું હતું. તેના બદલે આ તો સિદ્ધાંતોની વાત બાજુ પર રહી ગઈ ને બીજા કેસોની જેમ તારીખ પર તારીખનો ખેલ શરૂ થઈ ગયો.
સુપ્રીમ કોર્ટે સૌથી પહેલાં તો ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી મુદ્દે કોઈ નિર્ણય નથી લીધો. ચીફ જસ્ટિસ એન.વી. રમનાના વડપણ હેઠળની બેંચે હાલ નવા વરાયેલા સ્પીકર રાહુલ નાર્વેકર આ મુદ્દે કોઈ નિર્ણય ના લે અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ કાર્યવાહીને આગળ ના ધપાવે એવો આદેશ આપીને સ્થિતિને જૈસે થે રાખવા કહી દીધું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના ચીફ સેક્રેટરી રાજેન્દ્ર ભાગવતે સુપ્રીમ કોર્ટમાં એવો જવાબ રજૂ કરેલો કે, ૩ જુલાઈએ રાહુલ નાર્વેકરને વિધાનસભાના સ્પીકરપદે ચૂંટવામાં આવ્યા છે ત્યારે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી અંગે તેમણે ચુકાદો આપવાનો રહે છે. આ સંજોગોમાં ડેપ્યુટી સ્પીકર તરફથી આપવામાં આવેલી નોટિસને પડકારતી ધારાસભ્યોની અરજીનો સુપ્રીમ કોર્ટ નિકાલ લાવીને નવા સ્પીકરને નિર્ણય લેવા દે.
સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નથી ને સ્પીકર કોઈ નિર્ણય ના લે એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે. તેના પરથી સ્પષ્ટ છે કે, અરજી થઈ ત્યારે નાર્વેકર સ્પીકર નહોતા તેથી આ અરજી વિશે નિર્ણય લેવાની તેમની યોગ્યતા અંગે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ થવા માગે છે. બંધારણીય જોગવાઈ સ્પષ્ટરીતે શું કહે છે તેના આધારે જ સુપ્રીમ કોર્ટ નિર્ણય લેવા માંગે છે એ સ્પષ્ટ છે.
સુપ્રીમ કોર્ટે આ વિવાદનો નિવેડો લાવવા માટે જજોની બેન્ચ બનાવવામાં આવશે એવું પણ કહ્યું છે. તેના પરથી સ્પષ્ટ છે કે, હવે આ મુદ્દો લંબાશે પણ સાથે સાથે ઘણી બધી બાબતો અંગે બંધારણ શું કહે છે તેની સ્પષ્ટતા પણ થશે. આ સુનાવણી પહેલાં ડેપ્યુટી સ્પીકર નરહરી જિરવાલાએ એફિડેવિટ રજૂ કરી તેમાં કહેલું કે, શિવસેનાના ૧૬ બળવાખોર ધારાસભ્યોને ૪૮ કલાકનો સમય આપવામાં આવ્યો હતો પણ તેમણે ૨૪ કલાકમાં જ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે તેથી હવે સુપ્રીમ કોર્ટે જ નિર્ણય કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કશું સ્પષ્ટ કહ્યું નથી પણ નવી બેંચ રચવાનો સંકેત આપી દીધો છે તેથી જે કંઈ કરશે એ નવી બેંચ જ કરશે એ સ્પષ્ટ છે. આ બેંચ લાર્જર હશે કે નહીં એ સુપ્રીમ કોર્ટે કહ્યું નથી પણ સુપ્રીમ કોર્ટ સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકરની સત્તાઓ અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવાવાના મુદ્દે બંધારણીય અર્થઘટનમાં કોઈ કચાશ રાખવા માગતી નથી એ સ્પષ્ટ છે.
સુપ્રીમ કોર્ટ ચોકસાઈ રાખે એ સારું છે પણ તેના કારણે સમય વેડફાશે ને સરવાળે ચુકાદાનો અર્થ નહીં રહે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર નરહરી સીતારામ જિરવાલે બળવો કરનારા શિંદે સહિતના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક કેમ ના ઠેરવવા તેનો જવાબ આપવા નોટિસ ફટકારી ત્યારે લીધેલા વલણના કારણે જ આ કેસ પતી ગયેલો. શિંદે સહિતના ૪૮ કલાકમાં જવાબ આપવાનો હતો પણ સુપ્રીમ કોર્ટે શિંદે સહિતના ધારાસભ્યોને રાહત આપીને ૧૧ જુલાઈએ સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવાનો સમય આપીને અભયદાન આપી દીધું. આ અભયદાન મળ્યું એટલે શિંદે સહિતના ધારાસભ્યોએ ભાજપની મદદથી જે ખેલ પાડવાનો હતો એ પાડી દીધો, સરકાર રચી દીધી. એકનાથ શિંદે અને ભાજપની સરકાર રચાઈ એ પછી સુપ્રીમ કોર્ટ પર જ બધું નિર્ભર હતું પણ હવે આ અરજી અર્થહીન બની ગઈ છે.
આ કેસની સુનાવણીમાં રમતાં રમતાં બે-ચાર વર્ષ નીકળી જશે એ જોતાં સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકરને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની સત્તાને સુપ્રીમ કોર્ટ માન્ય રાખે તો પણ તેનો અર્થ નહીં રહે કેમ કે સવા બે વર્ષ પછી તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ પહેલાં ચુકાદો આવે તો વ્યવહારીકરીતે તેનો અર્થ રહે, બાકી એ પછી ગમે તેટલો મોટો ચુકાદો આવે તેનો કોઈ અર્થ નથી.
આપણે ત્યાં સ્પીકરની સત્તા કે પક્ષપલટા બદલ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પહેલાં પણ ઘણા ચુકાદા આવ્યા છે. એ પછી પણ પક્ષપલટાની ઘટનાઓ બન્યા કરે છે, સત્તાપલટા થયા કરે છે. કોર્ટમાં આ મામલો પહોંચે ત્યારે પણ એ ચુકાદા તાત્કાલિકરીતે કોઈ કેસમાં લાગુ પડાતા નથી. નોટિસો આપવી, મુદતો પાડવી એ બધો ખેલ ચાલ્યા કરે છે એ જોતાં સુપ્રીમ કોર્ટ વિધાનસભાની ચૂંટણી પછી ગમે તેટલો મહત્ત્વનો ચુકાદો આપે તેનો અર્થ નહીં રહે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.