મેટિની

ફિલ્મોમાં પત્ર અને પત્રકારત્વની રજૂઆત જાણવી-સમજવી જોઈએ

હેન્રી શાસ્ત્રી

કલમની તાકાત પુરવાર કરતા અનેક પ્રસંગ ઈતિહાસના ચોપડે નોંધાયા છે. જોકે, ૪૦૦ વર્ષ પહેલા નોંધાયેલા ઉઝબેકિસ્તાનના શાસક અબ્દુલ્લા ખાન (બીજો)ના શબ્દો ખૂબ જ ધારદાર છે. એક પુસ્તકમાં નોંધ છે કે ‘તેમને (અબ્દુલ્લાને) અકબરની તલવાર કરતા અબુ ફઝલ (કવિ અને અકબરના દરબારના નવરત્નોમાંના એક)ની કલમનો વધુ ડર લાગતો હતો.’ કલમની મદદથી વાસ્તવિકતાનું ચિત્રણ લોકો સમક્ષ રજૂ કરવું એ પત્રકારનું મુખ્ય એ કર્તવ્ય ગણાય છે. પત્રકારનો એ ધર્મ છે. “મુંબઈ સમાચાર ૨૦૦ વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે રૂપેરી પડદા પર પત્રકારત્વના નિરૂપણ વિશે વાચકને વધુ જાણકારી આપવી એ પણ પત્રકાર ધર્મ જ છે ને.
વાસ્તવિક જીવનનું પ્રતિબિંબ ફિલ્મોમાં પડે છે કે ફિલ્મની અસર વાસ્તવિક જીવનમાં અનુભવાય છે એ દલીલ વર્ષોથી થતી આવી છે અને થતી રહેશે. જોકે, ‘કમલા’ (૧૯૮૪) ફિલ્મમાં રિયલ લાઈફનું પ્રતિબિંબ રીલ લાઈફમાં જોવા મળ્યું હતું. અંગ્રેજી અખબારના એક સંવાદદાતાએ રાજસ્થાનના શહેરમાંથી એક યુવતીને ‘ખરીદી’ માનવ વ્યાપારને ઉઘાડો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મની ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે રિપોર્ટર માટે તો કમલા પોતાની સ્ટોરીની વેધકતા સાબિત કરવાનો એક સજજડ પુરાવો છે, જ્યારે રિપોર્ટરની પત્ની સરિતા (શબાના આઝમી)ને સ્ત્રીસહજ કમલા માટે લાગણી થાય છે. અંતે મુદ્દો એ છે કે પત્રકારે સત્યની શોધ અને મહત્ત્વાકાંક્ષા વચ્ચે ક્યાંક રેખા દોરવી જોઈએ. મરાઠી ભાષાના વિદ્વાન લેખક વિજય તેંડુલકરે એ વિશે નાટક લખ્યું અને પછી ‘કમલા’ની પટકથા લખી. આ ફિલ્મને વિવેચકોએ વખાણી પણ દર્શકો ઓવારી ન ગયા. કમલાનો રોલ કરનાર દીપ્તિ નવલની કારકિર્દીને વેગ મળ્યો પણ આ પ્રકારની ફિલ્મો બનાવવા વિશે ઉત્કંઠા ન જોવા મળી.
જોકે, હિન્દી કે ભારતીય ફિલ્મોની વાત કરીએ તો રાજકારણ ફિલ્મમેકરોનો માનીતો વિષય રહ્યો છે એ હકીકત છે. દિલીપ કુમારે કારકિર્દીના વિવિધ તબક્કે ત્રણ ફિલ્મમાં પત્રકારની ભૂમિકા (જુઓ બોક્સ) કરી હતી. કલમ અને બંદૂકનો દ્વંદ્વ ફિલ્મમેકરને કાયમ આકર્ષિત કરતો રહ્યો છે. ગુરુ દત્તના ભાઈ આત્મારામે (સંજીવ કુમારની ‘શિકાર’ યાદ છે?) વિનોદ ખન્ના અને સાયરાબાનુને લીડ રોલમાં ચમકાવી ‘આરોપ’ (૧૯૭૪) બનાવી હતી. સત્યને વફાદાર રહેવાના સિદ્ધાંતને વળગી રહેવામાં અને કોઈને મચક આપવામાં ન માનતો તંત્રી સુભાષ (વિનોદ ખન્ના) આતંક મચાવતી ગૅંગની મહિલા સાગરીતને ઠાર મારવાનો વિચાર કરે છે, પણ એને વિચાર આવે છે કે એનું કામ કલમ ચલાવવાનું છે, બંદૂક નહીં અને એ ‘તલવાર મ્યાન’ કરી દે છે. જોકે, એ મહિલા સાગરીતની હત્યા થાય છે અને એનું આળ સુભાષના શિરે આવે છે. ફિલ્મમાં અંતે શું થાય છે એની કલ્પના કરવી બહુ અઘરું નથી. ફિલ્મમાં સુભાષ જે રીતે લોકોમાં જુવાળ પેદા કરી તેમને કંચનની ક્લબ બંધ કરાવવા શહેરની કાઉન્સિલની મિટિંગમાં લઈ જાય છે એ દૃશ્ય આજની કોઈ પણ ફિલ્મમાં ફિટ બેસે એવું છે.
જન જાગૃતિ એ પણ પત્રકારની એક ફરજનો ભાગ જ છે ને.
ફ્રેન્ક કાપ્રાની ખયયિં ઉંજ્ઞવક્ષ ઉજ્ઞય પર આધારિત ‘મૈં આઝાદ હૂં’ (૧૯૮૯)માં શબાના આઝમી (સુભાષીની સેહગલ) ટકી રહેવા ફાંફાં મારતા અખબારના પત્રકારના રોલમાં છે. તુક્કો લડાવી સુભાષીની આઝાદ નામનું કાલ્પનિક પાત્ર ઊભું કરે છે જે સિસ્ટમમાં પ્રસરી ગયેલા ભ્રષ્ટાચાર સામે પોતાનો સંતાપ વ્યક્ત કરી આત્મહત્યા કરવાનો સંકેત આપે છે. તંત્રીના દબાણને કારણે સુભાષીની રસ્તે રખડતા ગુરુ (અમિતાભ બચ્ચન)ને આઝાદ બનાવી ખડો કરી દે છે. વાર્તા વળાંક લે છે, જ્યારે આઝાદ અખબારની કઠપૂતળી બની રહેવાને બદલે શહેરમાં રાજકીય જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કરે છે. રિપોર્ટિંગની મર્યાદા ઓળંગી વાત એક્ટિવિઝ્મ સુધી પહોંચી જાય છે અને પત્રકારના ધર્મ સામે સવાલ કરવામાં આવે છે. રાજીવ રાયની સુપરહિટ ફિલ્મ ‘મોહરા’માં રવીના ટંડન રિપોર્ટરના રોલમાં છે પણ લોકોના સ્મરણમાં તો ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ તરીકે જ સચવાઈ છે એ સખેદ નોંધવું જોઈએ. અલબત્ત સત્યજિત રાયની બંગાળી ફિલ્મ ‘નાયક’માં બાંધછોડ કરવા જરાય તૈયાર નહીં પણ સહાનુભૂતિ રાખતી અદિતી સેનગુપ્તા (શર્મિલા ટાગોર) છાપ છોડી જાય છે. આ સિવાય પણ અન્ય ઉદાહરણ છે. એકવીસમી સદીમાં અખબારના પત્રકારત્વની સરખામણીમાં ટીવી જર્નલિઝમ વધુ ચર્ચામાં રહ્યું છે. ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ‘કાબુલ એક્સપ્રેસ’ એના પ્રભાવી ઉદાહરણ છે. અનુશા રિઝવીની ‘પીપલી લાઈવ’ (૨૦૧૦)માં ટીવી જર્નલિઝમ પર ચાબખા મારવામાં આવ્યા છે. ખેડૂતોની આત્મહત્યા અત્યંત ગંભીર અને પીડાદાયક મુદ્દો છે. જોકે, વ્યવસ્થાતંત્ર આ મુદ્દા પ્રત્યે કેવી બેપરવાઈ, ભાવશૂન્યતા દર્શાવે છે એના પર સર્ચ લાઈટ મારવામાં આવી છે. સાથે સાથે વધુ ટીઆરપી મેળવવા કેવા ખેલ કરવામાં આવે છે એની વરવી બાજુ પણ રજૂ થઈ છે.
જોકે, મધુર ભંડારકરની ‘પેજ ૩’માં અલગ મુદ્દા સાથે અખબારી આલમ કેન્દ્રમાં છે.
——–
દિલીપ કુમારની અનોખી હેટ-ટ્રીક
પત્ર અને પત્રકારત્વનું હિન્દી ફિલ્મોમાં આલેખનનો ઈતિહાસ લગભગ ૭૦ વર્ષ જૂનો હોવાની નોંધ છે. ખાંખાંખોળાં કરતા જાણવા મળે છે કે ૧૯૫૩માં દિલીપકુમારે ફિલ્મમાં પત્રકારની ભૂમિકા કરી હતી. ફિલ્મ હતી લેખક – દિગ્દર્શક ઝિયા સરહદીની ‘ફૂટપાથ’ બંગાળના ભીષણ દુષ્કાળની પાર્શ્ર્વભૂમિ પર બનેલી આ ફિલ્મમાં દિલીપકુમાર નોશુ નામના રિપોર્ટરના રોલમાં નજરે પડ્યા હતા. ફિલ્મની વાર્તા અનાજ અને ઔષધના કાળાબજાર ફરતે આકાર લઈ આગળ વધે છે. નોશુ પત્રકાર છે, પણ એની કમાણી સાવ નજીવી છે. અંગત તકલીફો અને પડોસમાં રહેતી યુવતીનો પ્રેમ જીતવા કાળાબજાર કરવાનું શરૂ કરે છે. પૈસાનો નશો ભાન ભૂલાવી દે છે અને ખોટે રસ્તે વધુ ને વધુ મિલકત મેળવવા પ્રેરાય છે. ઔષધના અભાવે લોકોને મૃત્યુ પામતા અને દુષ્કાળમાં ગરીબોની પીડા જોઈ નોશુનો અંતરાત્મા જાગી ઊઠે છે. સગા ભાઈનું અભાવમાં અવસાન થતા હચમચી ઊઠેલા નોશુને પશ્ર્ચાત્તાપ થાય છે અને ગુનો આચરવામાં સાથ આપનાર સાગરીતોને ઉઘાડા પાડી પોતાને પોલીસને હવાલે કરી જેલવાસ ભોગવે છે. આમ પત્રકાર તરીકે ફરજ બજાવવામાં એ જાતની પણ બાદબાકી કરી નાખે છે. ત્યારબાદ દિલીપકુમારે ‘લીડર’ (૧૯૬૪)માં ‘ફૂટપાથ’ કરતા સાવ અલગ જ પત્રકારની ભૂમિકા કરી હતી. ફિલ્મમાં વિજય ખન્ના લો ગ્રેજ્યુએટ હોવા ઉપરાંત ટેબ્લોઈડ અખબારના તંત્રી પણ છે. દેશમાં મહત્ત્વની ચૂંટણીનો સમય હોય છે. બે છાવણી (સારી અને નરસી) વચ્ચેના કાવાદાવામાં સારી છાવણીના નેતાની હત્યા થાય છે. આ હત્યાનું આળ વિજય ખન્ના પર આવે છે. જોકે, પ્રેમિકા સુનિતા (વૈજયંતિમાલા)નો સહકાર મળતા વિજય જીવન જોખમે ગુનેગારનો પર્દાફાશ કરી પોતે નિર્દોષ હોવાનું સાબિત કરે છે. એક પત્રકાર ગુનેગાર-રાજકારણીની સાંઠગાઠ ઉઘાડી પાડી પોતાનો ધર્મ બજાવે છે. ત્રીજી ફિલ્મ છે ‘મશાલ’ (૧૯૮૪) જેમાં દિલીપકુમાર પત્રકારની ભૂમિકામાં છે. વિનોદકુમાર મલ્હોત્રા એક પ્રામાણિક અને નીડર તંત્રી છે જે શહેરમાંથી ગેરકાયદે દારૂની હેરફેર, શરાબથી સર્જાતા અનિષ્ટ, જુગાર, સટ્ટો અને ગુંડાગીરીના તંત્રને ખતમ કરવા કટિબદ્ધ છે. વિનોદકુમાર ગુન્હાઓ કા દેવતા જેવા એસ. કે. વર્ધન (અમરીશ પુરી)ને ખતમ કરી નાખે છે, પણ એ પ્રયાસમાં પોતે પણ મૃત્યુને ભેટે છે. પત્રકારે પોતાનો ધર્મ બજાવતી વખતે જીવની પણ પરવા ન કરવી જોઈએ એ સિદ્ધાંતનો અહીં પડઘો પડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.