બોન ધર્મના અનુયાયીઓ ‘બોનપોસ’ કહેવાય છે. તેમની માન્યતા છે કે ધર્મની ઉત્પત્તિ ઝુંગઝુંગ રાજ્યમાં થઇ જેનું સ્થાન કૈલાસ પર્વત પાસે હતું જ્યાંથી આ ધર્મનું તિબેટમાં આગમન થયું
ફોકસ -રાજેશ યાજ્ઞિક
તિબેટની વાત આવે એટલે મનમાં સૌથી પહેલો બૌદ્ધ ધર્મ આવે. શાંત, અહિંસક, સરળ એવી તિબેટિયન પ્રજામાં બૌદ્ધ ધર્મ લગભગ આઠમી શતાબ્દીમાં ભારતથી જ પહોંચ્યો છે. પણ બૌદ્ધ ધર્મ પહેલા તિબેટની પ્રજા કયા ધર્મનું પાલન કરતી હતી અથવા કોઈ ધર્મનું પાલન કરતી પણ હતી કે નહિ?
બૌદ્ધ ધર્મની એક શાખા તરીકે અત્યારે પ્રચલિત એક સંપ્રદાય છે, ‘બોન’. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે તિબેટમાં બોનની હાજરી બૌદ્ધ ધર્મ કરતાં પણ પહેલા હતી. અર્થાત કે બોન એ તિબેટનો સ્થાનિક ધર્મ છે. બોન ને યુન્ગડ્રૂન્ગ બોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
બૌદ્ધ ધર્મની વાત કરીએ તો તિબેટનો બૌદ્ધ ધર્મ પણ ઘણી શાખાઓમાં વહેંચાયેલો છે. બોનને બાદ કરીએ તો વિશ્ર્વવિખ્યાત ધર્મગુરુ દલાઈ લામાના ઘેલુક સંપ્રદાય ઉપરાંત, ન્યીન્ગમા, કાન્ગયૂ, અને શાક્યા તેમાં મુખ્ય છે. કહેવાય છે કે બૌદ્ધ ધર્મના આગમન પછી, અને તેને મળેલા રાજકીય સ્વીકારને કારણે બોન ધર્મનું પાલન કરતા લોકો તરફ ભેદભાવ વધવા લાગ્યો. તેથી તેમણે કેટલીક બૌદ્ધ ધર્મની પરંપરાઓને પોતાની પરંપરાઓમાં સ્થાન આપ્યું. તેથી આ ધર્મનાં વિધિ-વિધાનોમાં પોતાની વિશિષ્ટતાઓ પણ છે અને બૌદ્ધ ધર્મ સાથે સમાનતા પણ જોવા મળે છે.
બોન ધર્મનો ઇતિહાસ લગભગ દસમી-અગિયારમી શતાબ્દીથી મળે છે. તેથી ઘણા ઇતિહાસકારોના મતે બોન સંપ્રદાય તેનાથી વધુ પુરાતન નથી. ઇતિહાસકાર જેફ્રી સેમ્યુઅલના મતે, “મૂળભૂત રીતે તિબેટિયન બુદ્ધિઝમનો પ્રકાર છે જેમાં બૌદ્ધ ધર્મની શાખા ન્યીન્ગમાનો પ્રભાવ જોવા મળે છે. અન્ય ઇતિહાસકર ડેવિડ સ્નેલગ્રો પણ લગભગ આવો જ મત ધરાવે છે. ઇતિહાસકાર જ્હોન પાવર્સના કહેવા પ્રમાણે, “ઐતિહાસિક પ્રમાણો સૂચવે છે કે બોન સભાનપણે બૌદ્ધ ધર્મની અસર તળે એક ધાર્મિક વ્યવસ્થા તરીકે વિકસિત થયો. કેટલાક ઇતિહાસકારો બોન ધર્મને તિબેટિયન સામ્રાજ્ય પહેલાના ઝુંગઝુંગ રાજ્ય સાથે પણ જોડાયેલો માને છે. બોનના ઘણીવાર બે ભેદ પાડીને પણ જોવાય છે, જેમાં એક પ્રાચીન બોન જે સામ્રાજ્ય કાળ પહેલા છઠ્ઠી સદીમાં અસ્તિત્વમાં હતો અને આધુનિકે બોન જે યુન્ગડ્રૂન્ગ બોન તરીકે ઓળખાય છે.
હિન્દુ ધર્મ અને બોન ધર્મનો સંબંધ
બોન ધર્મના અનુયાયીઓ ‘બોનપોસ’ કહેવાય છે. તેમની માન્યતા છે કે ધર્મની ઉત્પત્તિ ઝુંગઝુંગ રાજ્યમાં થઇ જેનું સ્થાન કૈલાસ પર્વત પાસે હતું જ્યાંથી આ ધર્મનું તિબેટમાં આગમન થયું. હિન્દુ ધર્મની જેમ આ ધર્મના લોકો પણ કૈલાસ પર્વત અને માનસરોવરને પવિત્ર માને છે. કૈલાસ-માનસરોવરની યાત્રાએ જઈ આવેલા ભાવિકોએ ત્યાં ‘બૌદ્ધ ધર્મ’ના (આપણી સમજ પ્રમાણે!) લોકોને વંદન કરતા જોયા પણ હશે. ત્યાં હિમાલય પર્વતમાળામાં પરંપરાગત રીતે નાની ધ્વજાઓનું તોરણ ચડાવાય છે. આપણે ત્યાં ઈશાન ભારતમાં પણ આ પરંપરા જોવા મળે છે. તે રીતે હિન્દુઓની જેમ બોનપોસ પણ તિબેટમાં ઉત્પન્ન નદીઓને પૂજ્ય માને છે. બોન ધર્મમાં હિન્દુ ધર્મના દૈવી સ્વરૂપોનો પણ સ્વીકાર જોવા મળે છે, જેમકે યમરાજ.
ભારતમાં બોન ધર્મનું અસ્તિત્વ
ભારતમાં પણ બોન ધર્મના અલગ અસ્તિત્વ વિશે મોટાભાગના લોકો અજાણ છે. તેથી એ ધર્મના લોકોની કે તેમનાં મઠોની હાજરીની અલગ નોંધ લેવાતી નથી. એક કારણ એ પણ છે કે તેમના પહેરવેશ અને પરંપરાઓમાં બૌદ્ધધર્મની રહેલી છાંટને કારણે સામાન્ય લોકો માટે તેમની અલગ ઓળખ કરવી પણ મુશ્કેલ છે.
બોન ધર્માનુયાયીઓની માન્યતા મુજબ બોન ધર્મની સ્થાપના તોનપા શેનરબ દ્વારા કરવામાં આવેલી જેઓ શાક્યમુનિ ગૌતમ પહેલાના બુદ્ધ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મના મૂળ મઠ મેનરીની તિબેટમાં સ્થાપના કરવામાં આવી હતી. મેનરી શબ્દનો અર્થ થાય છે “ઔષધીઓનો પર્વત.
જયારે ચીનના પ્રજાસત્તાક (ઙયજ્ઞાહયત છયાીબહશભ જ્ઞર ઈવશક્ષફ) દ્વારા તિબેટ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં ૪ લાખ બોન અનુયાયીઓ અને લગભગ ૩૦૦ બોન મઠો હોવાનો અંદાજ નિષ્ણાતો માંડે છે. આક્રમણ વખતે અસંખ્ય બોન અનુયાયીઓ તિબેટ છોડીને ભારતમાં શરણું લેવા આવ્યા. આક્રમણ વખતે અન્ય બૌદ્ધ સંપ્રદાયો જેવી હાલત બોનની પણ થઇ અને તેમનાં અનેક મઠો, તેમનું સાહિત્ય વગેરે નષ્ટ કરવામાં આવ્યું. તેમાં બોન ધર્મનો મૂલાધાર તેવો મેનરી મઠ પણ બાકાત નહોતો રહ્યો.
ભારત આવેલા શરણાર્થીઓ હિમાચલ પ્રદેશમાં વસ્યા. ૧૯૬૯માં હિમાચલના સોલન પાસે દોલાંજીમાં તેમણે પોતાની આસ્થાના કેન્દ્ર એવા મઠનું નિર્માણ કર્યું, અને તેને મેનરી નામ આપવામાં આવ્યું. આજે પણ આ મઠ તેમની આસ્થાનું કેન્દ્ર અને બોન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુનું સ્થાન છે. જોકે, ચીન સરકારે ૧૯૮૦ પછી તિબેટમાં મઠોના પુનર્નિર્માણને મંજૂરી આપી, પરંતુ નાસ્તિક સરકારની દખલગીરીને કારણે તિબેટના લોકો જેટલો ભરોસો ભારતનો કરે છે તેટલો ચીનનો કરતા નથી.
બોન ધર્મનો અધિકૃત સ્વીકાર
દોલાંજી મેનરી મઠમાં યુન્ગડૂન્ગ બોન પુસ્તકાલય મોજૂદ છે, જે વિશ્ર્વમાં બોન સાહિત્યનું સૌથી મોટું સાહિત્ય ગણાય છે, પરંતુ બોન ધર્મને ૧૯૭૯ સુધી અલગ અને ઉપેક્ષિત રહેવું પડ્યું. ૧૯૭૯માં બોન ધર્મના પ્રતિનિધિઓ ચૌદમા દલાઈ લામાને મળ્યા ત્યાર બાદ દલાઈ લામાએ તિબેટની નિરાશ્રિત સરકારને બોન ધર્મને અપનાવવા વિનંતી કરી. તે પહેલા ૨૦ વર્ષ સુધી તેમને દલાઈ લામા મારફત મળતી આર્થિક મદદનો લાભ મળ્યો નહોતો અને તિબેટિયન નિરાશ્રિતોમાં તેમની અવગણના થતી હતી. હવે દલાઈ લામા બોન ધર્મને પાંચમા તિબેટિયન ધર્મ તરીકે ઓળખે છે અને ધર્મ પરિષદમાં તેમનું પ્રતિનિધિત્વ પણ છે.
વર્ષ ૨૦૧૮માં બોન મેનરી મઠને તેમના ૩૪માં ધર્મગુરુ તરીકે લૂંગતોક દાવા રીન્પોચે મળ્યા. તેમની પદવીધી નિરાશ્રિત તિબેટિયન સરકારના વર્તમાન પ્રમુખ ડૉ. લોબસાંગ સાન્ગ્યેની હાજરીમાં થઇ હતી. તેમણે જણાવ્યું કે સદીઓથી બોન ધર્મગુરુ કરતા આવ્યા છે, તેવી રીતે બોન ધર્મ અને તેની શિક્ષાના ફેલાવા માટે તેઓ કામ કરશે.
ધર્મ શાસ્ત્રના પીએચ ડી – ગેશે
મેનરી માત્ર ધર્મ સ્થાનક અથવા પુસ્તકાલય જ નથી, પણ તે એક ગુરુકુળ પણ છે, જ્યાં બોન ધર્મનું શિક્ષણ અપાય છે. ઓછામાં ઓછા ૧૨ વર્ષથી લઈને ૧૬ વર્ષના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને ધર્મ, દર્શન, વ્યાકરણ, છંદ, જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન અપાય છે. તેમાં પ્રવીણતા મેળવનાર વિદ્યાર્થીને ‘ગેશે’ની ઉપાધિ પ્રાપ્ત થાય છે જે પીએચડીની સમકક્ષ ગણાય છે. ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને થાન્ગકા (ભિક્ષુઓના કપડાં ઉપર થતું ચિત્રકામ), સુતારકામ, અગરબત્તી બનાવવા જેવી રોજગારલક્ષી તાલીમ પણ અપાય છે. વર્તમાનમાં મોંગોલિયા, મ્યાનમાર, નેપાળ, તિબેટ સહિતના લગભગ ૨૦૦થી વધુ ભિક્ષુઓ અધ્યયન કરી રહ્યા છે. યુરોપ અને અમેરિકાના શ્રદ્ધાળુઓ પણ અહીં ખેંચાઈ આવે છે.
વિશ્ર્વમાં શાંતિ અને સોહાર્દનો સંદેશ આપતા ધર્મને પણ નાસ્તિકતાની અડફેટે ચડીને પોતાના મૂળિયાં સહિત નવી ધરતી પર ઊગવા જવું પડે તે કેવું દુ:ખદ કહેવાય. સંકુચિત માનસિકતા અને ધાર્મિક જડતાથી પીડાતા સમાજ માટે બોન જેવા ધર્મો આશીર્વાદ સમાન છે, જે કોઈ પણ ઘોંઘાટ વિના બ્રહ્માંડમાં પોતાના અસ્તિત્વની શાંત ઉજવણી કરે છે અને આત્માના ઉત્થાન માટે મૌન ક્રાંતિ કરી રહ્યા છે.