Homeઈન્ટરવલદમનકારીઓમાં સમ ખાવા પૂરતીય માનવતા નહોતી

દમનકારીઓમાં સમ ખાવા પૂરતીય માનવતા નહોતી

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૩૫)
કલ્પનાય ન થઇ શકે એવા ભયંકર હત્યાકાંડ, દેશી રજવાડાની પોલીસો અને અંગ્રેજોની ઝેરીલી ક્ધિનાખોરી છતાં ન મોતીલાલ તેજાવત ડગ્યા કે ન જરાય ડર્યા. તેમણે આદિવાસી-ઉત્થાન, જાગૃતિ અને ન્યાય માટેના અભિયાનને જરાય ઢીલું પડવા ન દીધું. ઇચ્છયું હોત તો કોઇ પણ રજવાડું કે બ્રિટિશરોએ તેમને માલામાલ કરી દીધા હોત.
સદ્ભાગ્ય, દઢવાવ હત્યાકાંડ, મોતીલાલના ગુપ્તવાસ, ધરપકડ અને જેલવાસ છતાં એકી આંદોલન ચાલતું રહ્યું. શત્રુ સમાદેશી રજવાડા અને ખાસ તો બ્રિટિશરો હવે એકદમ ભૂરાયા થયા હતા. આટઆટલા અત્યાચાર છતાં આંદોલન કે આદિવાસીઓ શાંત પડતા જ નહોતા. એકી આંદોલનના આરંભે અને દઢવાવ હત્યાકાંડ સમયે એક સ્થળ મહત્ત્વનું કેન્દ્ર હતું, સિરોહી.
સિરોહી રાજ્યના આદિવાસીઓ પાસે માત્ર વન્ય સંપદા હતી જેના આધારે જીવન ટકાવી શકાય. એમાંય પાછી જમીનની માલિકી આદિવાસીઓની નહીં, સિરોહીના શાસકની. એક પિતા કે પાલકની દૃષ્ટિથી આદિવાસીઓ વિશે વિચારવા કે એમને રાહત આપવાને બદલે રાજ્ય એક જ કામ કરે, નવા કરવેરા થોપવાનું વેરા પણ કેવા કેવા? વન્ય સંપદાના ઉપયોગ કરવા પર કર, શિકાર કરવા પર વેરો, મીઠા પરના ટેકસમાં વધારો, દારૂ બનાવવા પર પણ કરવેરો. પોતાનું પેટ ન ભરાતું હોય કે બાળકો ભૂખ્યા નાગા રહેલા હોય તો કોઇ ક્યાંથી અન્યાયી કરવેરા ભરે? અને શા માટે?
સિરોહીના ગરીબ અને લાચારોને કોઇનો સાથ કે સધિયારો નહોતો, ત્યારે મોતીલાલ તેજાવતના એકી આંદોલનમાં તેમને આશાનું પહેલુંવહેલું કિરણ દેખાયું હતું.
એકી આંદોલન દરમિયાન સિરોહીના અનેક ગામમાં યોજાયેલી તેજાવતની સભાઓમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ, ભીલો અને ગરાસિયાો ઊમટી પડયા હતા. ભૂલા ગામમાં યોજાયેલી સભામાં પાંચેક હજારની મેદની સમક્ષ મહત્ત્વના નિર્ણયો લેવાયા કે રાજ્યને વાર્ષિક સવા રૂપિયાના કરવેરા અને પાંચ મણ મકાઇ સિવાય કંઇ જ ન આપવું એટલે કે ચુકવવું.
આ સભામાં પીડિતોજનોને જાગૃત કરવા માટે અન્ય મહત્ત્વના નિર્ણય પણ લેવાયા. એ લોકોની પોતીકી આંતરિક વ્યવસ્થા ઊભી કરાઇ. આમાં આદિવાસીઓ મુખ્ય પ્રધાન, દીવાન, ફોજદાર અને મામલતદાર જેવા હોદ્દા ઊભા કરીને એમાં સ્થાનિક આગેવાની નિમણૂકો પણ જાહેર કરી દેવાઇ. આનો એકમાત્ર અને દેખીતો ઉદ્દેશ આદિવાસીઓમાં એકતા વધારવાનો, સરકાર પર અવલંબન ઘટાડવાનો અને સમસ્યાઓ અંદરોઅંદર ઉકેલવાનો હતો, પરંતુ આ બાબતથી સરકારી અમલદારોના પેટમાં કડકડતું તેલ રેડાયું. તેમને આમાં બળવાની ગંધ આવી, રાજ્ય એટલે સરકાર સામેનો વિદ્રોહ દેખાયો.
અંગ્રેજોના અને રજવાડાઓના વર્દીધારીઓ વધુ સક્રિય અને આક્રમક થઇ ગયા. તેમણે સૌ પ્રથમ તો એકી આંદોલનને નિશાન બનાવ્યું. એકી આંદોલનની બેઠક-સભા યોજના પર જ પ્રતિબંધ જાહેર કરી દેવાયો. અંગ્રેજો આટલેથી ન અટકયા. તેમણે જાતજાતના ગતકડાં અજમાવ્યાં. કમાંડિંગ ફોર્સના ઓફિસર લેફટનન્ટ આર. એલ. બેઝલગેટે સિરોહીના ભીલોના આંદોલન વિશે બ્રિટિશ સરકારને માહિતગાર કરતો અહેવાલ આપ્યો હતો. તેના મતે વાલોરિયા ગામમાં છસો જેટલા ભીલ અને ગરાસિયા જમા થયા હતા. તેમણે મેવાડ અને ગુજરાતના ભાકર પરગણાના આદિવાસીઓનેય મદદ માટે બોલાવી રાખ્યા હતા.
લેફટનન્ટ બેઝલગેટે ભૂલા, નવાવાસા અને વાલોરિયાના ભીલ મુખીઓને પત્ર મોકલ્યો, જેના પર સિરોહીના શાસકના ય હસ્તાક્ષર હતા. આ પત્ર તો ઠીક એક ચેતવણી જ હતી. જુઓ લખાણ ‘આપ લોકોને દરબારે ઘણીવાર બાકી નીકળતો કરવેરો ચૂકવવાની તાકીદ કરી આ ચુકવણી કરવાને બદલે તમે લોકો ગામ છોડીને પર્વતો પર જતા રહ્યાં. તમે કોટ્રા માર્ગ બંધ કરી દીધો. અન્ય સ્થળેથી ભીલોને બોલાવીને ભીડ જમા કરી. તમારો વ્યવહાર દરબારને બંધક બનાવવા સમાન રહ્યો છે. આપ સૌને સારી સલાહ આપવા માટે ત્રીજી મેએ રોહેરોમાં બોલાવવામાં આવે છે. આ મંત્રણાનું નિષ્કર્ષ ગમે તે આવે પણ મુખીઓને ઘરે પાછા જવા દેવામાં આવશે. જો આપ સહકાર ન કરો તો દરબારનો વાંક કાઢતા નહીં.
પરંતુ મુખીઓ તરફથી મંત્રણા માટે આવવાના તસુભાર અણસાર ન મળતાં અંતે ત્રીજી મેએ સિરોહી રાજ્યના લશ્કરી જવાનો મેવાડ ભીલ કોર્પ્સના જવાનોને રોહેરામાં જમા થવાનો આદેશ નીકળ્યો. આગલા દિવસે આ આજ્ઞાનો અમલ થતો દેખાવા માંડ્યો. પાંચમી મેના રોજ લેફટનન્ટ બેઝલગેટ સાથે સિરોહીના સૈનિકો અને મેવાડ ભીલ કોર્પ્સના જવાનો રોહેરા પહોંચી ગયા. સવારના પહોરમાં ત્રણેય ગામના મુખીઓને તાત્કાલિક શરણાગતિ સ્વીકારવાનો આદેશ અપાયો. સાથે ભીલોને સ્પષ્ટ ચીમકી અપાઇ કે જો તમે કર જમા નહીં કરાવો તો ગામમાં પ્રવેશીને લશ્કરે દંડાત્મક પગલાં ભરવા પડશે.
આ પગલાંના પ્રતિસાદરૂપે જવાબ આવ્યો ખરો. મુખીઓએ કહેવડાવ્યું, અમે અન્ય ગામો સાથે આ બાબતમાં ચર્ચા કરીએ છીએ. સંમતિ સધાશે એ મુજબ આગળ વધીશું અત્યારે તો અમે બધા બિરાદરીમાં ભાઇચારા માટે વ્રત અને વચનથી બંધાયેલા છીએ.
આ સાંભળાવેંત અધિકારીઓએ તડને ફડ કહી દીધું કે અમને આ એકતા અને વ્રત તોડવાનો આદેશ અપાયો છે. આટલા ઓછા શબ્દોમાં ટૂંકમાં ઘણું કહી દેવાયું. જોકે ગામવાળા ભૂતકાળના અનુભવ પરથી જાણતા હતા કે ગમે ત્યારે સૈનિકો આવી પહોંચશે. આ કાફલા જ બધા ગ્રામજનો પહાડો પર જઇને સંતાયા ત્યારે છ-સાત દિવસની ખાધા-ખોરાકી સાથે લઇને જ ગયા હતા.
આ ભોળા માણસોએ ઘરમાંથી કંઇ હટાવ્યું નહીં. બિચારા એમ માનતા હતા કે સૈનિકો કે પોલીસ ઘરમાં નહીં પ્રવેશે અથવા કંઇ નુકસાન નહીં કરે. વધુમાં વધુ તેઓ કરની રકમ જેટલું અનાજ કદાચ જપ્ત કરી લે.
જોકે કરવેરાની લેણી રકમ વિશે કોઇ સંંમતિ નહોતી. બન્ને પક્ષ અલગ અલગ રકમ હોવાનો દાવો કરતા હતા. આનો કંઇક નિવેડો લાવવા અને કર ચુકવણી અંગે નિર્ણય લેવા માટે વાલોરિયા ગામમાં પંચાયતની બેઠક બોલાવાઇ. આમાં સિરોહી, દાતા અને મેવાડના ભીલો પહેલેથી જ હાજર હતા. વધુ ભીલોને બોલવવા માટે ડ્રમ વગાડી-વગાડીને સંદેશા મોકલાવતા હતા.
આ બધુ જોઇને સરકાર તરફી અધિકારીઓને લાગ્યું કે નથી આ લોકો ડરવાના કે નથી આપણી વાત માનવાના. આ લોકોએ મળીને ભયંકર યોજના ઘડી કાઢી. ત્રણ દિવસમાં ત્રણ ગામ પર હુમલો કરવાની. આમાં ફરી એક અમાનુષી હત્યાકાંડ સર્જાવાનો હતો, જેની નોંધ ઇતિહાસમાં ખૂણે ખાંચરે બીજી આદિવાસી કરુણાંતિકા તરીકે લેવાવાની હતી.
હજી દઢવાવ હત્યાકાંડના લોહીના ડાઘા પૂરેપૂરા ભૂંસાયા નહોતા, ત્યાં વધુ એક રક્તપાત ? આ લોકોમાં માનવતા જેવું કંઇ નહીં હોય!
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -