ચીફ જસ્ટિસ સાથે સ્ટેજ પર બેસનારા મુખ્ય પ્રધાન શિંદે સામે વિરોધપક્ષે ઉઠાવ્યો વાંધો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વની શિવસેના અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગ્રુપની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, એવા સમયે દેશના ચીફ જસ્ટિસ યૂ.યૂ. લલિત સાથે એક જ સ્ટેજ પર બેસવા બદલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મહાવિકાસ આઘાડીએ આકરી ટીકા કરીને સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે.
શિવસેના અને કૉંગ્રેસ સાથે મહાવિકાસ આઘાડીમાં રહેલી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(એનસીપી)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલને ટ્વીટ કરીને કહ્યું હતું કે એકનાથ શિંદેની સરકારની કાયદેસરતાને પડકારતી અરજી પણ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. ત્યારે એવા સમયે શિંદેએ ભારતના ચીફ જસ્ટિસ સાથે એક જ સ્ટેજ પર બેસવું અયોગ્ય કહેવાય. તે પ્રોટોકોલની વિરુદ્ધ ગણાય.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા યૂ.યૂ. લલિતનું શનિવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજીજુ પણ હાજર હતા.
કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતં કે રાજ્ય માટે ગર્વની વાત છે કે તેમનો પુત્ર દેશના ચીફ જસ્ટિસ બની ગયા છે.
કૉંંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે શનિવારના કાર્યક્રમનો ફોટો ટ્વીટ કરતા કહ્યું હતું કે ‘જયારે સન્માનીય સુપ્રીમ કોર્ટ દ્વારા શિંદે-ફડણવીસ સરકારની કાયદેસરતાની તપાસ કરી રહી છે અને ના ફક્ત વર્તમાન રાજ્ય સરકાર પણ સરકારનું નેતૃત્વ કરનારી વ્યક્તિને પણ ગેરલાયક જાહેર કરી શકે છે, ત્યારે આ રીતે સ્ટેજ પર ચીફ જસ્ટિસ સાથે બેસવું અયોગ્ય કહેવાય.
શિવસેનાના પ્રવક્તા અરવિંદ સાવંતે દાવો કર્યો હતો કે હાલ નિયમ, કાયદા મુજબ કંઈ પણ નથી થઈ રહ્યું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં શિંદેના નેતૃત્વમાં શિવસેના સામે બળવો થયો હતો, જેને પગલે ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ ૩૦ જૂનના શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
સુપ્રીમ કોર્ટે હાલમાં જ શિવસેના અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગ્રુપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પાંચ ન્યાયાધીશોની બેન્ચ પાસે મોકલી દીધી છે. આ અરજીમાં પક્ષપલટો, વિલય, અયોગ્યતા લઈને અનેક બંધારણીય સવાલો કરવામાં આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.