મીમાંસા -કબીર સી. લાલાણી

આપણા હિન્દુ ધર્મમાં જેમ અનેક સાધુ-સંતો, મહાત્માઓ થઇ ગયા છે તેમ ઇસ્લામમાં પણ અનેક સૂફી ઓલિયા, જ્ઞાનીઓ થઇ ગયા છે જેઓ સાવ સામાન્ય જીવન વિતાવતા લોકો પાસેથી પણ ઇલ્મ (જ્ઞાન, બોધ) લેવામાં સહેજે સંકોચ કે નાનપ અનુભવતા નહોતા.
આવા એક ઇલ્મોજ્ઞાન માહિર એવા એક સૂફી આલિયાએ એક વૃદ્ધાને રેંટિયો કાંતતા જોઇ કુતુહલથી પૂછયું-માજી! તમે જિંદગીભર રેંટિયો જ કાંત્યો કે કંઇક અલ્લાહ (ઇશ્ર્વર, પ્રભુ)નો પરિચય પણ સાધ્યો?
માજીએ જવાબ આપ્યો-બધું મેં રેંટિયામાં જ જોઇ લીધું છે!
આલિમે પૂછયું- તો માજી એ બતાવો કે સૃષ્ટિનો સર્જનહાર મૌજૂદ છે કે નહીં?
વૃદ્ધ માજીએ કહ્યું- હા તે મૌજૂદ છે! દિવસ અને રાતની હર પળે, દરેક ક્ષણે સૃષ્ટિનો સર્જક મૌજુદ-ઉપસ્થિત હોય
જ છે!
વિદ્વાન આલિમે ફરી પૂછયું, પણ માજી, તમારી પાસે એની શી દલીલ છે?
માજીએ જવાબ આપ્યો કે-આ મારો રેંટિયો જ એની દલીલ છે!
આલિમ વિદ્વાને આ દલીલનો ખુલાસો કરવા કહ્યું તો વયોવૃદ્ધ એવાં માજીએ જવાબ આપ્યો જે ખરેખર લા’જવાબ હતો. તેમણે કહ્યું કે-તે એવી રીતે કે હુંં જ્યાં સુધી આ રેંટિયાને ચલાવું છું ત્યાં સુધી એ બરાબર ચાલતો રહે છે અને જ્યારે હું તેને છોડી દઉં છું તો તે થોભી જાય છે. તો જ્યારે આ નાનકડા રેંટિયાને હંમેશાં એક ચલાવનારની જરૂર છે તેમ ધરતી અને આકાશ, સૂર્ય અને ચંદ્રના આટલા મોટા મોટા રેંટિયાઓને કેવી રીતે કોઇ ચલાવનારની જરૂર ન હોય એટલે કે જે રીતે મારા રેંટિયાને ચલાવનાર જોઇએ એજ રીતે ધરતી અને આસમાનના રેંટિયાને પણ ચલાવનાર જોઇએ જ ને જ્યાં સુધી તે ચલાવતો રહેશે ત્યાં સુધી આ બધા રેંટિયા ચાલતા જ રહેશે અને જ્યારે તે છોડી દેશે ત્યારે આ બધા થોભી જશે, પણ અત્યાર સુધી હું ક્યારેય પણ ધરતી અને આકાશ, સૂર્ય અને ચંદ્રને સ્થિર જોઇ શકી નથી. માટે મેં જાણી લીધું કે આ બધાને ચલાવનાર દરેક ક્ષણે મોજુદ છે!
પછી આલિમે પૂછયું ‘સારું, હવે એ બતાવો કે, ધરતી અને આકાશનો રેંટિયો ચલાવનાર એક છે કે બે?’
માજીએ ઉત્તર આપ્યો-એક જ છે અને આ દાવાની દલીલ પણ મારો આ રેંટિયો જ છે. કેમકે, જયારે હું મારા આ રેંટિયાને મારી મરજી મુજબ એક તરફ ચલાવું છું તો આ રેંટિયો મારી મરજી મુજબ એક જ તરફ ચાલે છે, અગર કોઇ બીજી વ્યક્તિ મારી મદદગાર થઇને રેંટિયો ચલાવે તો રેંટિયાની ઝડપ જરૂર વધી જાય અને એનું પરિણામ ઊંધું આવે! અગર તે વ્યક્તિ મારી ઇચ્છા વિરુદ્ધની દિશામાં રેંટિયો ચલાવે તો તેનું પરિણામ એ આવે કે, કાં તો રેંટિયો રોકાઇ જાય અથવા તો ભાંગી જાય, પરંતુ કુદરતના ક્રમમાં આવું બનતું નથી. કારણ કે બીજું કોઇ ચલાવનાર હોતું જ નથી. એવી રીતે ધરતી અને આકાશનો ચલાવનાર કોઇ બીજો પણ હોત તો ચોક્કસ આકાશના રેંટિયાની ગતિમાં વધારો થઇને રાત દિવસનો ફેરફાર થઇ જાય, અથવા તે સ્થિર થઇ જાય, યા તો ભાંગી-તૂટી જાય, પણ આવું ક્યારેય બન્યું નથી. માટે આપણે ચોક્કસ પણ માનવું પડશે કે ધરતી અને આકાશના રેંટિયાને ચલાવનાર એક સર્વશક્તિમાન હસ્તી છે, જેને આપણે અલ્લાહ, ઇશ્ર્વર, પ્રભુ, ગૉડ કહીએ છીએ.
બોધ:
દુનિયાની દરેક વસ્તુ ઇશ્ર્વર, અલ્લાહ એક જ હોવાની ગવાહી આપે છે, જેની અનુભૂતિ અહેસાસ કરવાની જરૂર છે. તેણે આપેલાં સાધનો પર ચિંતન, મનન કરવાનો સમય પાકી ગયો છે.
સર્જનહારનો માણસ પરનો વિશ્ર્વાસ
હું જયારે કોઇ નવા ફૂલને ઊગેલું જોઉં છું કે નવજાત બાળકનો મલકતો ચહેરો નિહાળું છું ત્યારે મને ખાતરી થાય છે કે ઇશ્ર્વરે હજુ માનવ પરનો પોતાનો વિશ્ર્વાસ ગુમાવ્યો નથી.
-રવીન્દ્રનાથ ઠાકુર-ટાગોર

Google search engine