મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
આખી શેરીને ખબર પડી ગઈ કે અમારા ઘરે આવતા અઠવાડિયે લંડન થી મહેમાન આવવાના છે. મારો દીકરો ભારે હરખ પદૂડો.આવું મારા એક મિત્રએ મને કહ્યું.આમ તો એ પણ હરખ પદૂડો જ કહેવાય. કારણ કે આવું તેણે અમારા ૧૦ મિત્રોને કહ્યું. એટલે લગભગ આખા વિસ્તારમાં બધાને ખબર પડી ગઈ છે કે જગા ને ત્યાં વિદેશથી મહેમાન આવવાના છે. મેં મારા મિત્ર ચુનિયાને કહ્યું કે ‘જગા ને ત્યાં વિદેશથી મહેમાન આવવાના છે’. સરવાળે હું પણ હરખ પદુડો થયો. જેવું મેં ચુનિયાને જણાવ્યું એટલે તરત જ તેણે કહ્યું કે ‘જગો મર્યો.’ મને આશ્ર્ચર્ય થયું એ ભલા માણસ વિદેશથી મહેમાન આવતા હોય તેમાં મરવાનું શું? એટલે આખી રામ કહાની ચુનિયાએ ચાલુ કરી મિલનભાઈ મારા સાઢુભાઈના સાળાના દીકરી જમાઈ ગયા વર્ષે એક અઠવાડિયું રોકાઈને ગયા.તેના હપ્તા હજુ હું ભરું છું.
હું પણ આગતા સ્વાગતા માટે અતિ ઉત્સાહી થયો હતો.પરંતુ કોથળામાંથી પાનસેરી આવે છે તેની મને જાણ ન હતી.મારા ચહેરાની રેખાઓ આશ્ર્ચર્ય દેખાડતી હતી એટલે મને ચુનિયાએ કહ્યું કે બેસો ચા મંગાવો એટલે વિગતે વાત કરું.
ચા ની ચૂસકી ભરતા ભરતા ચુનિયાએ શરૂ કર્યું. બરાબર ડિસેમ્બર મહિનામાં મને મારા સાઢુભાઈ નો ફોન આવ્યો કે મારા સાળાના દીકરી અને જમાઈ એક વીક માટે તમારા ઘરે મહેમાન થવાના છે.
વ્યાધિ ન કરતા બહુ જ સરળ માણસો છે. તમને પણ મજા આવશે અને અમુક ગિફ્ટ તેમની સાથે મોકલું છું.
ગિફ્ટ શબ્દ સાંભળતા જ આગલું બધું જ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને ગિફ્ટ શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.અંદરથી અનેરો ઉત્સાહ ઊભરાઈ અને બહાર આવતો હતો. ઘરે સૂચના આપી દીધી કે ઘર વ્યવસ્થિત કરી નાખો.
ઓછાડ, ઓશીકા, નેપકીન, સાબુ, શેમ્પૂ, બ્રશ, પેસ્ટ… બધું જ નવું ખરીદ કરી અને ગોઠવી નાખ્યું. મારા છોકરાને તો મજા આવી ગઈ હતી, કારણ કે આવી મોંઘી વસ્તુ ક્યારેય ઘરમાં આવી ન હતી.
છોકરાને પણ નિરાંતે બેસાડી અને અઠવાડિયા સુધી સમજાવ્યો કે આપણી છાપ તોફાની તરીકે ન પડવી જોઈએ. એન.આર.આઈ. મહેમાનોને શાંત છોકરાઓ જ ગમે. વાંગડ પ્રજા થી તેઓ
દૂર ભાગે.
એટલે આટલા વર્ષમાં જે સૂચના શિખામણ નહોતા આપ્યા તે અઠવાડિયામાં છોકરાને આપી દીધા. અને તેને પણ છેલ્લે કહ્યું કે ડાયો ડમરો રહીશ તો તને પણ ગિફ્ટ આપશે.બસ આગલી બધી જ શિખામણ આ એક જ વાક્યથી તેના સોફ્ટવેરમાં ફીડ થઈ ગઈ અને બે જ દિવસમાં આખા વિસ્તારમાં ખબર પડી ગઈ કે અમારા ઘરે એન.આર.આઈ. મહેમાનો આવવાના છે. અને ગિફ્ટ લાવવાના છે.
રોજ બે પેગ મારવા વાળા બચુભાઈ તે જ રાત્રે મારે ઘેર આવી અને કહી ગયા કે વિદેશથી આવતા મહેમાનો બે લિટર દારૂ લઈ આવી શકે. તો તેમને કહેજો કે બે જણા છે તો ચાર લિટર દારૂ મારા માટે લેતા આવે.વ્યવહાર સમજી લઈશું. અને હા ચાર લીટરમાંથી ચાર પેગ તમારા જુદા કાઢીશ ચિંતા ના કરશો. મને આમ પણ છેલ્લા વાક્યો તરત સંભળાય અને સમજાય છે, પરંતુ પહેલીવાર આવતા હોય તો આપણે તેમને કઈ રીતે કહેવું કે દારૂ લેતા આવજો.
એટલે બચુભાઈને હા એ હા કરી વળાવ્યા, પરંતુ એ અઠવાડિયામાં આવા ચાર ચાર લિટરની વાત કરવાવાળા ૧૫ લોકો મારા ઘરે આવી ગયા. જેમાંના દસ બાર જણા ને તો હું વરસે દહાડે એકાદવાર માંડ મળતો હોઈશ. આમ ૬૦ લિટરનો ઓર્ડર બુક થઈ ગયો, પરંતુ આપણી જીભ કઈ રીતે ઊપડે એટલે બધાને કોણીએ ગોળ લગાડી રવાના કર્યા.
અંતે મહેમાનો ને આવવાનો દિવસ આવી ગયો.હું તેઓને ટેક્સી કરી મુંબઈ લેવા ગયો.
મને એમ હતું કે જેવા ઘરે ઊતરશે એટલે તરત જ ટેક્સી ભાડું ચૂકવી આપશે, પરંતુ “વા..વ, “થેન્ક્યું, “ઓરરાઈટ છે બાના? જેવા શબ્દો બોલી અને ખભ્ભા પર લટકાવેલી નાનકડી બેગો ઉપાડી, મોટી હડિંગ દસ્તા જેવી બેગો મારા હવાલે મૂકી ઘરની અંદર દોડી ગયા. એ બેગ ઉપાડી અને ઘરમાં લઈ જતા મારા બાવડા દુખી ગયા, પરંતુ મનમાં એમ થયું કે ચાલો ગિફ્ટ તો આજ બેગમાં હશે આપણી વસ્તુ આપણે ઉપાડવામાં શું વાંધો? આવતાની સાથે જ ઘરમાં મહેમાનગતિ શરૂ થઈ ગઈ. ગરમા ગરમ નાસ્તો પીરસાઈ ગયો.
નાહવાનું ગરમ પાણી, ફ્રેશ થઈ અને લંડનની વાતો. જમવાના સમયે આઈ લવ દેશી ભોજન, નાઈસ ટેસ્ટ, ડીલેશિયસ, એક્ચ્યુલી અમારા લંડનમાં અમે આવો ટેસ્ટ મિસ કરીએ છીએ.કોઈક આપણને થોડુંક સારું બોલે તો આપણે આપણામાં રહેલા હરખ પદૂડાપણાની માત્રા ડબલ થઈ જાય. અને રાત્રી ભોજનમાં પણ મજેદાર વાનગીઓ જમાડી.
રાત્રે બેઠા હતા ત્યારે મોટી બેગ ખુલી. હું મારી ઘરવાળી અને મારો છોકરો બેગ પર ઝળુંમ્બ્યા. દુકાનદાર જેમ અડધું શટર ખોલે તેમ અડધી જ બેગ ખોલી અને એક બોડી સ્પ્રે,એક પર્ફ્યુમ,મારા ઘરવાળા માટે એક સાડી, દીકરા માટે એક જાકીટ,એટલી વસ્તુ કાઢી અને મને આપી.મિલનભાઈ અમે તો રાજીના રેડ થઈ ગયા કે ફોરેન ની વસ્તુ પહેરવા અને છાંટવા મળશે.રાત્રે સૂતા પહેલા ઠાવકા થઈ અને બંને મારી પાસે બેઠા અને કહ્યું કે “બાના સાંભળ્યું છે કે અહીં લાયન જોવાનો એક લાવવો છે.
એક સરસ બે દિવસનો પ્રોગ્રામ બનાવીએ અને ખૂબ બધા લાયન જોઈએ. “હું ના ન પાડી શક્યો અને બે દિવસ સાસણમાં સિંહ જોવાનો કાર્યક્રમ કરી નાખ્યો. (ક્રમશ:)ઉ
વિચારવાયુ:
દિલાને અમારા મિત્ર એ પૂછ્યું બાના ઓરરાઈટ છે?
દિલો કહે બાના અને બાપુજીના બેયના ઓલ રાઇટ છે અમે ક્યાં ભાગ પાડ્યા છે?