શૅરબજારની આગામી ચાલનો આધાર વૈશ્ર્વિક ટ્રેન્ડ, ઇન્ફ્લેશન ડેટા, ક્રૂડના ભાવ અને વિદેશી ફંડોના વલણ પર

વેપાર વાણિજ્ય

મુંબઇ: શેરબજારની આગામી ચાલનો આધાર વૈશ્ર્વિક ટ્રેન્ડ, ઇન્ફ્લેશન ડેટા, ક્રૂડ ઓઇલના ભાવ અને વિદેશી ફંડોના વલણ પર રહેશે. રોકાણકારોની નજર આજે મંગળવારે જાહેર થનારા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર રહેશે. એ નોંધવું રહ્યું કે રિટેલ ઇન્ફ્લેશન જુલાઇમાં ઘટીને ૬.૭૧ ટકાની સપાટીએ પહોંચ્યું હતું અને જુનમાં આઇઆઇપીમાં વધારો થયો હતો. વિશ્ર્વબજારમાં ચાઇનાની મધ્યસ્થ બેન્કે વ્યાજદરમાં ઝાહેર કરેલા ઘટાડાને કારણે સોમવારે સુધારો જોવા મળ્યો હતો. યુએસ ફ્યુચર્સમાં પીછેહઠ હતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં બે ડોલરથી વધુ ઘટાડો થયો હતો. ફ્રેન્કફર્ટ, ટોકિયો અને સિડની શેરબજારમાં સુધારો હતો જ્યારે હોંગકોંગ અને શાંઘાઇમાં નરમાઇના અહેવાલો હતા. યુરોપના શેરબજારોમાં ખૂલતા સત્રમાં જર્મનીનો ડેક્સ ૦.૧ ટકા વધીને ૧૩,૮૧૩.૫૪ની સપાટીએ અને પેરસિનો સીએસી-૪૦ ૦.૩ ટકા વધીને ૬૫૭૪.૫૮ની સપાટીએ પહોંચ્યો હતો. બ્રિટનનો ફૂટસી-૧૦૦ ૦.૨ ટકાના વધારા સાથે ૭૫૧૩.૦૯ની સપાટીએ પહોચ્યો છે જ્યારે, એસએન્ડપી-૫૦૦ ફ્યુચર્સમાં ૦.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડાઉ ઇન્ડસ્ટ્રિયલ ૦.૩ ટકા ગબડ્યો હતો. કોર્પોરેટ પરિણામની મોસમ પૂરી થવા આવી હોવાથી રોકાણકારોનું ધ્યાન મેક્રો ડેટા પર રહેશે. જુલાઇ મહિનામાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો હોવાને કારણે રિટેલ ઇન્ફલેશન ઘટાડા સાથે ૬.૭૧ ટકાની સપાટીએ પહોંચ્યું હોવાનું સરકારી તંત્રોએ જણાવ્યું હતું. જૂન મહિનામાં રિટેલ ફુગાવો ૭.૦૧ ટકાના સ્તરે અને જુલાઇ, ૨૦૨૧માં ૫.૫૯ ટકાની સપાટીએ હતો. જુન મહિનામાં દેશનો ઓદ્યોગિક ઉત્પાદન આંક વધીને ૧૨.૩ ટકાના સ્તરે પહોંચ્યો હોવાનું સરકારી તંત્રોએ જણાવ્યું હતું. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર થયેલા ઇન્ડેકસ ઓફ ઇન્ડસ્ટ્રિયલ (આઇઆઇપી)ના ડેટા અનુસાર જૂન ૨૦૨૨માં મેન્યુફેકચરિંગ સેકટરનું ઉત્પાદન ૧૨.૫ ટકા વધ્યું હતું.
વિદેશી ફંડોનું વલણ હજુ સુધી સકારાત્મક રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ અત્યાર સુધીમાં ઓગસ્ટના પ્રથમ બે સપ્તાહમાં ભારતીય બજારમાં રૂ. ૨૨,૪૫૨ કરોડની લેવાલી નોંધાવી છે. એ જ રીતે, નિકાસમાં પણ વધારો થયો હતો. દેશની નિકાસ જુલાઇ મહિનામાં ૨.૧૪ ટકાના વધારા સાથે ૩૬.૨૭ અબજ ડોલર નોંધાઇ છે, જ્યારે એ જ મહિનામાં વ્યાપર ખાધ ત્રણ ગણી વધીને ૩૦ અબજ ડોલરની સપાટીએ પહોંચી હતી. જુલાઇ ૨૦૨૧માં વ્યાપાર ખાધ ૧૦.૬૩ અબજ ડોલર રહી હતી. આંકડાકીય માહિતી અનુસાર જુલાઇ ૨૦૨૨માં પાછલા વર્ષના સમાન મહિના સામે આયાત ૪૩.૬૧ ટકા વધીને ૬૬.૨૭ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે. પાછલા સપ્તાહે સેન્સેક્સ ૧૦૭૪ પોઇન્ટ અથવા તો ૧.૮૩ ટકા જેવો વધ્યો હતો. જ્યારે નિફ્ટીમાં ૩૦૦ પોઇન્ટ અથવા તો ૧.૯૫ ટકાનો ઉમેરો થયો હતો. આ રીતે સતત ચોથા સપ્તાહમાં આગેકૂટ નોંધાઇ હતી. કોર્પોરેટ હલચલમાં ફાર્મસી એગ્રીગેટર ફ્રેંચાઈસી મોડેલ અપનાવનારી જેનેરિક આધાર દ્વારા પ્રોડક્ટ એક્સપાશન હેઠળ જેનેરીક દવાઓ પર ૮૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર નવી ૫૧ દવા બજારમાં મૂકવામાં આવી છે. કંપની ૧૫૦ શહેરમાં ૧૫૦૦ ફાર્મસી સાથે સહયોગ ધરાવે છે. ભારત વિશ્ર્વમાં જનેરિક દવામાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે.બેંકોએ હર ઘર તિરંગાને સીએસઆરનો ભાગ બનાવ્યો હતો. કરૂર વૈશ્ય બેન્કે બે અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ દરેક ઘરે તિરંગાને પહોંચાડવાના ભાગરૂપે કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબિલિટી (સીએસઆર) પ્રવૃત્તિ તરીકે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સિક્યુરિટી ફોર્સ, ઓએનજીસી વગેરે માટે રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું હતું. હબટાઉન લિ.ને ૩૦ જૂન, ૨૦૨૨ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૧,૪૨૪ લાખની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧,૭૧૧ લાખ થઈ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.