રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્ત્વના રહેશે

આમચી મુંબઈ

વેધશાળાએ અતિવૃષ્ટિનો આપ્યો સંકેત

ભારે વરસાદને કારણે નાલાસોપારામાં ભરાયેલા પાણી અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પડેલા ખાડા. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદનું જોર વધ્યું છે. મુંબઈ, થાણે, કોંકણ તેમ જ મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. કોંકણ તેમ પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં નદીઓ છલકાઈને વહી રહી છે. આ પાર્શ્ર્વભૂમિ પર વેધશાળા વિભાગે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ મુશળધાર વરસાદ વરસવાની શક્યતા દર્શાવી છે. દરમિયાન ગુરુવારે પણ મુંબઈ અને થાણેમાં જોરદાર વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદ વરસવાને કારણે ગુરુવારે પણ લોકલ ટ્રેનો મોડી દોડતાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર રાજ્યમાં હવે મોન્સૂન સક્રિય થઇ ગયું છે. આને કારણે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસે એવી શક્યતા છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી બે દિવસ દરમિયાન અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે, જ્યારે મરાઠવાડા અને વિદર્ભમાં મધ્યમથી જોરદાર વરસાદ વરસે એવી શક્યતા છે. આને કારણે હાલના હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો તેમ જ નોકરિયાતોએ કાળજી રાખવી, એવી અપીલ કરવામાં આવી છે.
મુંબઈ, થાણે અને ઉપનગરમાં ગુરુવારે પણ ભારે વરસાદ વરસ્યો હતો. આને કારણે રેલવેની ત્રણેય મધ્ય રેલવે, પશ્ર્ચિમ રેલવે અને હાર્બર લાઈનનો વ્યવહાર ખોરવાયો હતો. ટ્રેનો મોડી દોડવાને કારણે પ્રવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી ૬૫ જણનાં મોત થયાં છે, જ્યારે ૪૫૦૦ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રાયગડમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આને કારણે અહીંના મહાડ વિસ્તારનું જનજીવન ખોરવાઈ ગયું હતું. મદદ અને બચાવકાર્ય ચાલી રહ્યું હોઇ એનડીઆરએફની ટીમ પ્રવેશી ચૂકી છે. કોંકણમાં આગામી ચાર દિવસ જોખમી હોવાથી અહીં રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું.
——-
વસઈમાં ગટરમાં પડી ગયેલા યુવાનનું મૃત્યુ
પાલઘર: પાલઘર જિલ્લાના વસઈ ખાતે ગટરમાં પડી ગયેલા યુવાનનું મૃત્યુ થયું હતું. છેલ્લા અમુક દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પાણીથી ઊભરાતી ગટરમાંથી યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રાહુલ વિશ્ર્વકર્મા તરીકે થઈ હતી. ભારે વરસાદમાં પગ લપસી જવાને કારણે વિશ્ર્વકર્મા ગટરમાં પડી ગયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
વસઈના મધુબન વિસ્તારમાંથી પસાર થતી ગટરમાં યુવાનનો મૃતદેહ નજરે પડતાં સ્થાનિક રહેવાસીએ બુધવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં વાલિવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. વિશ્ર્વકર્મા નજીકની ફૅક્ટરીમાં કામ કરતો હતો. આ પ્રકરણે એડીઆર નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)
———
ભૂસ્ખલનને કારણે પરશુરામ ઘાટ સેક્શનથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો
મુંબઇ: ચિપલુણ નજીક પરશુરામ ઘાટ વિસ્તારમાં થયેલાં ભૂસ્ખલનને કારણે મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. સોમવારે ભારે વરસાદના કારણે પરશુરામ ઘાટ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે અહીંનો ટ્રાફિક ચિરણી-લોટે-કલંબસ્તે રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી વાહનો સરળતાથી પસાર થઈ શકે. પરશુરામ ઘાટમાં કાટમાળ હટાવવાનું કામ ચાલુ હોવાથી આવતા બે દિવસ સુધી ઘાટનો વાહનવ્યવહાર બંધ રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)
——–
થાણેમાં મકાનનો હિસ્સો તૂટી પડ્યો: જાનહાનિ નહીં
થાણે: થાણેમાં ગુરુવારે બપોરે એક માળના મકાનનો હિસ્સો તૂડી પડ્યો હતો, પણ આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ અવિનાશ સાવંતે કહ્યું હતું કે કલવા વિસ્તારમાં મકાનની ગેલેરીનો હિસ્સો તૂટી પડ્યો હતો.
બનાવની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાજુની બી-વિંગમાં રહેતા ત્રણ પરિવારના સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બાદમાં તેઓ પાછા પોતાના ઘરે જતા રહ્યા હતા.
દરમિયાન થાણેમાં બુધવારે સરકાર સંચાલિત ઇએસઆઇએસ હોસ્પિટલની સંરક્ષણ દીવાલનો ભાગ તૂટી પડતાં ૭૩ વર્ષના વૃદ્વાને ઇજા પહોંચી હતી, એમ સાવંતે કહ્યું હતું. (પીટીઆઇ)
————
લોકલ ટ્રેનોને અસર
મુંબઇ: મુંબઇગરાઓને સતત ચાર દીવસથી પડી રહેલા વરસાદમાંથી ગુરુવારે પણ રાહત મળી નથી. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેના ટ્રેક પર એક દીવાલ પડી ગઇ હતી. જેના કારણે રેલવ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રેનો મોડી ચાલી રહી હતી તેથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ગુરુવારે શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદની તેમ જ અલગ-અલગ
સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે એવી આગાહી કરી છે.
આઇએમડીએ ૪૦-૫૦ કિ.મી.થી લઇને ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનાર જોરદાર પવનની સંભાવનાની પણ આગાહી કરી છે, એમ એક પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
આ વર્ષે વરસાદમાં હજી સુધી મુંબઈમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયું ન હતું, ત્યારે હાર્બર લાઈનના ડાઉન (ઉત્તર તરફના) ટ્રેક પર દક્ષિણ મુંબઈમાં મસ્જિદ અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો વચ્ચે દીવાલનો એક નાનો હિસ્સો ધરાશાયી થયો હતો, જેના કારણે તે રૂટ પરના ટ્રેનવ્યવહારને અસર થઈ હતી, એમ મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ અને પડોશી થાણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉપનગરીય લોકલ ટ્રેનસેવાઓ થોડી મિનિટો વિલંબિત થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.
પશ્ર્ચિમ રેલવેની ટ્રેનસેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે, પરંતુ કેટલાક મુસાફરોએ રૂટ પરની ટ્રેનો થોડી મિનિટો મોડી દોડતી હોવાની અને કોચમાં ગર્દી હોવાની ફરિયાદ કરી હતી, એમ પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૮૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરોમાં અનુક્રમે ૧૦૯ મિ.મી. અને ૧૦૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો, એમ એક પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
અંધેરી સબ-વે જેવા નીચાણવાળા વિસ્તારોને બાદ કરતાં શહેરમાં ક્યાંય પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયાં નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોના કેચમેન્ટ વિસ્તારોમાં સારા વરસાદને કારણે ગુરુવારે સવારે તેમના જળસ્તરમાં ૧૯ ટકા સુધીનો વધારો થયો છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
———–
મુખ્ય પ્રધાનના ઘર પાસે પાણી ભરાયાં
બુધવારે આખી રાત વરસાદ વરસવાને કારણે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વિવિધ સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઇ હતી અને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની આસપાસ પણ પાણી ભરાઇ ગયાં હતાં, એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. થાણે પાલિકાના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે કહ્યું હતું કે સ્થાનિક ફાયરમેનને ગુરુવારે સવારે ૬.૧૫ વાગ્યે શહેરના લુઈસવાડી વિસ્તારમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન નજીક પાણી ભરાઈ ગયાં હોવાની માહિતી મળી હતી. સુધરાઈ કર્મચારીઓને તાબડતોબ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને પૂરનાં પાણીને સાફ કરવામાં આવ્યાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.