Homeઉત્સવફરી ફૂંફાડો માર્યો મુલ્તાનના નવાબે

ફરી ફૂંફાડો માર્યો મુલ્તાનના નવાબે

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૧૩)
ખરેખર તો સરદાર હરિસિંહ નલવાનીના વ્યક્તિત્વ, વફાદારી, વીરતા, યુદ્ધ- કૌશલ રણનીતિ, વફાદારી અને માનવતા પર અલગ-અલગ પુસ્તક લખી શકાય. લખાવા જ જોઈએ. નલવાના આ બધા પાસાંનો સરસ પરિચય એક એક યુદ્ધમાંથી મળી રહે છે. આપણે કટકના યુદ્ધની વાત આગળ વધારતા પહેલા આ બધું જોઈશું. હરિસિંહે નાના નાના સૈનિકોને છોડીને સીધો દોસ્ત મોહમ્મદ ખાનને જ નિશાન બનાવ્યો.
નલવાએ તલવારના એક ઝાટકાથી દોસ્ત મોહમ્મદને અશ્ર્વ પરથી જમીન ધૂળ ચાટતો કરી દીધો. આ સાથે એની સેનામાં હાહાકાર મચી ગયો કે દોસ્ત મોહમ્મદ માર્યો ગયો. આ સોનેરી તક ઝડપીને નલવાએ પોતાના લશ્કરને દુશ્મન છાવણીમાં બરાબરનો પગપેસારો કરાવી દીધો. પોતાના નેતા અને સેનાપતિ યુદ્ધમાં ખપી ગયાની માન્યતાથી હતાશ થઈ ગયેલા અફઘાન સૈનિકો લડતા હતા. પણ જોશ- જોમ અગાઉ જેવાં નહોતાં. અમુક તો તક મળતાં જ જીવ બચાવવા માટે મેદાન છોડીને પલાયન થઈ ગયા. આખા દિવસની લડાઈ બાદ સૂર્યાસ્ત વેળાએ મોટાભાગના અફઘાનો યુદ્ધના મેદાનમાં મૂળાની જેમ વઢાઈ ગયા. થોડાઘણાં ઊભી પૂંછડીએ નાઠા, પરંતુ ખાલસા સેનાએ એમને આસાનીથી જવા ન દીધા. એટલે દૂર સુધી પીછો કર્યો કે પાછા ફરી જ ન શકે. ખુદ ફતેહ ખાન સુધ્ધાં ભાઈ મરી ગયેલા ભ્રમમાં કાબૂલ ભાગી ગયો. આ રીતે અટકના કિલ્લા પર શીખ સેનાએ કબજો જમાવી લીધો.
આ વિજય મહારાજા રણજીતસિંહ અને શીખ સામ્રાજ્ય માટે બહુ મોટી સિદ્ધિ હતી, જેના મુખ્ય શિલ્પકાર હરિસિંહ નલવા હતા. આ જીતની ઉજવણી રૂપે બબ્બે મહિના બટાલા, લાહોર અને અમૃતસર સહિતના શીખ સામ્રાજ્યનાં મુખ્ય શહેરો રોશનીથી ઝળહળતાં રહ્યાં. આ યશના મીઠા વાવડ લાવનારા દૂતને મહારાજાએ સુવર્ણ આભૂષણની ભેટ આપી હતી.
હરિસિંહ નલવાના આ પરાક્રમથી ખાલસા રાજને શત્રુના શસ્ત્ર સરંજામ અને દારૂગોળાનો જથ્થો મફતમાં મળી ગયો. આ ભૂંડી હાર બાદ અફઘાનો શિયાંવિયાં થઈને લાંબો સમય સુધી ચૂપચાપ સખણા બેસી રહ્યા હતા. પરંતુ સૈનિક અને યોદ્ધા માટે શાંતિ અને શાંતિ હોય? ભલે યુદ્ધ ન ચાલતા હોય પણ સૈનિક ન ક્યારેય રજા પર હોય કે ન ખરી નિરાંતમાં જીવી શકે.
ક્યારેક ધારેલા શત્રુ માથું ઊંચકે, ક્યારેક અણધાર્યા દુશ્મન સામે આવે અને ક્યારેક જૂના- હારેલા શત્રુને ફરી ચળ ઊપડે, છેલ્લી અને ત્રીજી કેટેગરીમાં આવે. નવાબ મુઝફફર ખાન. હા, મુલ્તાનમાં હાર્યા બાદ પૂરેપૂરો મહેસૂલ ચુકવનારો, દંડ ભરનારો અને ભવિષ્યમાં નતમસ્તક ચોક્કસ રકમ ચુકવતા રહેવાનું વચન આપનારો માણસ.
બસ યેનકેન પ્રકારેણ કાલાવાલા કરીને જીવ બચાવી લીધો. થોડા સમય પછી એની પૂંછડી ફરી હતી એવી વાંકીને વાંકી થઈ ગઈ. ઈતિહાસની જેમ ભવિષ્યમાં એક-બે નહિ, એની હરકત પુરાવા બની રહેવાની હતી કે આ નવાબ ક્યારેય નહિ સુધરે.
પહેલા પરાજય બાદ હિન્દુ સેનાના પાછા ફર્યા બાદ એ મુઝફફર પોતાના મૂળ રંગમાં આવી ગયો. આ એની ફિતરત હતી. ઈસવીસન ૧૮૦૨થી ૧૮૧૮ વચ્ચે તેણે સાત- સાત વાર બળવો કર્યો. સાતેય વાર હાર્યો અને દરેક વખતે માફી માગીને જીવ બચાવતો રહ્યો. આવા માણસ થશે- શું કહેવું કે કેવું વિશેષણ આપવું એને?
અત્યાર સુધી ભલમનસાઈ અને માનવતાના ધોરણે હાર છતાં મુઝફ્ફર ખાનના જીવ અને રાજ્ય બચી જતા હતા. મહારાજા રણજીતસિંહને આ વખતે લાગ્યું કે બહુ થયું હવે. તેણે નક્કી કર્યું કે હવે મુલ્તાન જીતીને આપણા સામ્રજ્યમાં ભેળવી દેવું. આ નિર્ણયની જાણકારી નવાબ મુઝફ્ફર ખાન સુધી પહોંચી ગઈ.
મુઝફ્ફર ખાને ફરી એનું એ જૂનું ધર્મનું પત્તું ઉપાડવાનું નક્કી કર્યું. ખાને ધર્માંધતાનો હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે પોતાની ખાસ સેનાને કામે લગાડી દીધી હતી. તેના આઠેય દીકરા, પૌત્રો, ભત્રીજાઓ અને અનેક મૌલવીઓ રાજ્યભરમાં ફરવા માંડ્યા. બધે એક જ વાત કે ધર્મ ખતરામાં છે. સૌ ધર્મયુદ્ધમાં સામેલ થઈ જાઓ.
ફરી એક વાર મુઝફફર ખાન ઈચ્છતો હતો એ જ થયું. ધર્માંધ મુસલમાનોના ટોળેટોળા લડવા માટે નીકળી પડ્યા. આ વખતે મુઝફફર ખાનને આગળના અણસાર હતા કે યુદ્ધ નિર્ણાયક હોવાથી ઘણું લાંબું ચાલી શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેણે શસ્ત્ર- દારૂગોળા અને ખાદ્ય સામગ્રી ભરપૂર પ્રમાણમાં એકઠી કરી- કરાવી રાખી હતી. મુલ્તાનના વિજય માટે શીખ સામ્રાજ્ય તરફથી પાંચ નામાંકિત યોદ્ધાની પસંદગી થઈ હતી. સરદાર હરિસિંહ નલવા, સરદાર શ્યામસિંહ અટારીવાલે, સરદાર ફતેહસિંહ, સરદાર ધન્નાસિંહ અને રાજકુમાર ધન્નાસિંહ. આ પાંચ સાવજ ગમે તેટલા શિયાળવાને ભરી પીવા માટે સશક્ત- સમર્થ હતા. એમની તાકાતનો એક દાખલો જુઓ. આગેકૂચ દરમિયાન અકસ્માતે હરિસિંહના લશ્કરથી મુઝફ્ફર ગઢ પર હુમલો થઈ ગયો. પરિણામ? બીજું શું હોય? મુઝફ્ફર ગઢ જીતી લીધું. સંપૂર્ણ વિશ્ર્વાસ અને જોશ સાથે ખાલસા સેના મુલ્તાન પહોંચી ગઈ. ફરી યુદ્ધની નિરર્થકતાનો સવાલ ઊભો થયો.
આ વખતે રાજકુમાર ખડગસિંહે પોતાના ત્રણ દૂત દીવાન મોતીરામ, મૌલાના- મિર્ઝા હુસેન હિન્દુસ્તાની અને ખલીફા નુરદ્દીનને મોકલીને નવાબને કહેવડાવ્યું કે નકામા લોહી વહાવવાથી કોઈ ફાયદો નહિ થાય. જો ભવિષ્યમાં શાંતિ જાળવવાનું વચન નવાબ આપે તો યુદ્ધ હજીય ટાળી શકાશે. એટલું જ નહિ, મુઝફફર ખાન માટે સારી એવી મોટી જાગીર પણ આપીશું.
આ સંદેશો સાંભળીને નવાબે શું વિચાર્યું? કેવો પ્રતિભાવ આપ્યો? (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular