જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
અલેય
જેઠ સુદ ૧૫, મંગળવાર, તા. ૨૯-૫-૨૦૧૮
હિમાલયમાં અમારી યાત્રા આગળ વધી રહી છે. પગલા નાના છે પણ હિમાલયને ઓળંગી જવા મજબૂત છે. ‘મહાવીરના પુત્ર મહાવીર જ હોય.’ હિમાલય ગમે તેટલો મોટો હોય પણ અમારા પગથી તો નાનો જ છે. આ સામર્થ્ય અમારું નથી વીરપ્રભુનું છે. વીર તો વીર નહીં પણ મહાવીર હતા.
સર્વશક્તિમાન સામર્થ્યવાન વિભૂતિના ફરજંદ કોઈનાથી કંઈ હારે? અમે અડગ ડગે આગળ વધી રહ્યા છીએ આજે અધિક જેઠ મહિનાની પૂનમ છે. સતત ચઢાણ ચઢતા આગળ વધવાનું છે જાણે ચાલીને સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ. ગઈકાલે સાંજથી જ ઊંચા ઊંચા ગિરિશિખરો ઉપર દાવાનળ સળગ્યો છે. હિમાલયમાં દાવાનળ સળગે ત્યારે જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આગ ઓલવાય નહીં. એમાંય પવન ઝડપી વાતો હોય તો કહેવું જ શું? આજે સવારે નીકળ્યા ત્યારથી ધુમાડાના ગોટે ગોટા ઉપર ચઢી રહ્યા છે. અમે ચાલીએ છીએ ત્યાં છેક શિખર પર આગ લાગેલી છે. અમે ચાલી રહ્યા છીએ, ત્યારે ક્યારેક સળગતું ચીડફળ નીચે આવે કે સળગી ગયેલું લાકડું નીચે આવે તો ક્યારેક પત્થર ગગડતા આવે કંઈ કહેવાય નહીં સાવધાનીથી જ ચાલવાનું હતું.
હું અને સંજય આગળ ચાલતા હતા. મુનિ આનંદમંગલ વિ. અને મુનિ સ્વર્ણકલશ મ. મારા થી ૧૦ ડગલા પાછળ હતા અને અચાનક સંજય બરાડી ઉઠયો – “સાહેબજી! સાહેબજી! ઊભા રહો અચાનક પગ થંભી ગયા. ત્યાં તો બે ડગલા આગળ ઉપરથી એક સળગતું લાકડું ધડામ કરતું પડ્યું. રોડ ઉપર સળગતું લાકડું પડતા જ અંગારા વિખરાયા. હું થોડો પાછળ હટ્યો ત્યાં પાછળથી જ મુ. આનંદમંગલ વિ. ત્યાં જ થંભી ગયા તો સ્વર્ણકલશ મ.ની આંખો પહોળી થઈ ગઈ. મુ. રત્નયશ મ. તો આગળ ચાલતા હતા.
સળગતું લાકડું પડ્યું. સારું થયું બે ડગલાં આગ પડ્યું. થોડીક સાવધાની ચૂક્યા હોત તો એ અંગારાનો મહામસ્તકાભિષેક થઈ જાત, પણ એ શક્ય નથી. દેવ-ગુરુ કૃપાની શીળી છાયા અમારી ઉપર છે. વાળ વાંકો એ ન થાય એવો પૂરો ભરોસો છે.
જો કે જૈન સાધુ દેવ – ગુરુની કૃપાના ભરોસે જ તો જીવે છે. ઉપર આકાશ નીચે ધરતી. નથી અસ્ત્ર નથી શસ્ત્ર નથી કોઈ સુરક્ષા, જે છે તે એક જ છે ઉપરવાળાના આશીર્વાદ.
આગ આવે, પાણી આવે કે ભલે પત્થરનો વરસાદ થાય.આંધી આવે કે તોફાન આવે, વાદળ ફાટે કે વાવાઝોડા થાય. જે થવું હોય તે થાય, અમારું પગલું પાછું નહિ હટે. સર્વ સામર્થ્યના સ્વામી પ્રભુ મહાવીરનાં સાંનિધ્યમાં છીએ.
‘આગે બઢો’ એ અમારો હિમાલય જેવો જ અડીખમ નિર્ણય છે. બસ અમે આગળ ચાલતા રહ્યા. સવારે ૧૪ કિ.મી. ચાલીને એક સ્થાને વિશ્રામ કરી પાછા સાંજે આગળ વધ્યા. આગનો પ્રકોપ વધી ગયો હતો હવે તો સળગતા લાકડા જ સીધા રોડ ઉપર થોડા થોડા અંતરે પડવા લાગ્યા. એમાંય મેઘરાજાએ માત્ર ૧૫-૨૦ મિનિટમાં વરસાદની તૈયારી કરી લીધી હજુ તો ઘડિયાળમાં પાંચ વાગી રહ્યા છે અને વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. વરસાદ ચાલુ થયો. એક તરફ પવન તો હતો જ અને સળગતી ઉલ્કાઓ ઉપરથી પડતી હતી. વાહન વ્યવહાર તો બંધ થઈ ગયો, અમે સાવ નાજુક પરિસ્થિતિમાં આવી ગયા. ત્રણ કિ.મી. એક ગામ આવ્યું પણ રોડ ઉપર તો ઊભું રહેવાય તેવું છાપરૂંય નહીં એક કિ.મી. નીચે ખીણમાં ઊતરીએ તો કંઈક મળે પણ જવાનો રસ્તો માટીનો, લપસી જવાય તો એક ના બદલે ૨ કિ.મી. નીકળી જવાય. એવું જોખમ લેવાય નહીં. છતાં હિમ્મત રાખીને આગળ વધ્યા વરસાદ ઓછો થઈ ગયો. વરસાદનું જેટલું જોર હતું એટલો વરસ્યો નહિ પણ છંટકાવ ચાલુ જ હતો. પવન ઓછો થયો. પણ આ ઓછું પાણી પડવાથી આગમાં ધુમાડો વધી ગયો, જાણે ધૂમ્રપ્રભામાં ચાલતાં હોઈએ તેમ લાગ્યું. વધારે ઝડપી ચાલી શકાય તેમ પણ ક્યાં હતું? રોડ ઉપર – ઉપર ચઢતો જતો હતો. લાભુભાઈએ સમાચાર આપ્યા “આગળનું ગામ હજુ ૭-૮ કિ.મી. છે. પણ ત્યાં પહોંચી શકાય તેવું હતું જ નહીં. તપાસ કરતા બે કિ.મી. પર એક ચાની નાનકડી હોટલનું છાપરું હતું. ત્યાં ગોઠવાઈ ગયા. અહીંથી થોડું ઉપર બે-ત્રણ તંબુ હતા. હોટલવાળો સારો માણસ નીકળ્યો. તે હાથ જોડીને આવ્યો અને કહ્યું-
बाबाजी! आप इधर कैसे रूकेंगे. यहाँ तो चारो और खुल्ला है. अभी रात होगी, जंगली जानवर ईंधर-उधर घुमते रहते हैं और रात को ठंडी भी बहुत होगी!
અમે કહ્યું- अब आगे नहीं जा सकते, रात हो गई है और आगे जायेंगे तो कहाँ जायेंगे?
પેલાએ કહ્યું- बस थोडा नजदीक गाँव है, वहाँ आप रात्रि विश्राम कर सकते हैं
અમે કહ્યું- कितना दूर है ?
होगा कोई चार-पाँच किलोमीटर.
आज का विश्राम तो यहिं करने का मन है. आगे जाने में और एक घंटा लगेगा और आज तो काफी थकान है.
जैसी आपकी इच्छा और कोई भोजन-पानी की सुविधा चाहिये ? मैं आपको अपने हाथ से बना के दुं?
नहिं नहिं हम रात को नहिं खाते, आप निश्चिंत रहें.
कुछ फल तो लेंगे ?
रात्रि में हमें पानी भी पीना वर्जित है, फल की तो क्या बात ?
तो क्या ऐसे ही भूखे सो जायेंगे?
नहीं हमने दोपहर में भोजन किया है.
अभी…
अभी नहीं, कल दोपहर बारह बजे.
तब तक कुछ नहिं खायेंगे ?
नहिं. हमारे भगवान महावीर ने यहि उपदेश दिया है ।
માલિક બે હાથ જોડી મૌન થઈ ગયો. એની પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા, પરંતુ અંતરની દૌલત નો તોટો ન હતો. રાત્રિ વિશ્રામ એ છાપરા નીચે જ કર્યો, પરંતુ આજનો આ અતિવિષમ સમય આખી જિંદગી યાદ રહેશે. પૂનમની રાત હતી આખી રાત ચંદ્ર એ અજવાળુ પાથર્યું. ઠંડી એટલી બધી નથી.
બીજા દિવસે સવારે ૪ કિ.મી. ચાલીને ચૌરંગી ગામ પહોંચ્યા. ત્યાંથી વળી એક કાચો રસ્તો મળી ગયો ધોંતરી જવા માટે રોડે ૧૨ કિ.મી. થાય અને કાચા રસ્તે ૭ કિ.મી. અમે તો ઊતરી પડ્યા. સરસ સાફ રસ્તો હતો. નીચે ઉતરાણ હોવાથી એક કલાકમાં તો અમે ગામમાં પહોંચી ગયા. (ક્રમશ:)