મોહિની પ્રકૃતિ

ધર્મતેજ

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં ભગવાનમાં મનુષ્યભાવ ન જોવાના ઉપદેશ પછી હવે આગળ પ્રકૃતિના મોહક સ્વરૂપને સમજીએ.
યુગો યુગોથી માનવી એક પછી એક સતત પ્રગતિની સિદ્ધિને સર કરતો જાય છે. અનેક નવા સંશોધન અને શોધ માનવીને ઊંચી પદવી પર લઈ જાય છે, તે સ્વીકારવું જ રહ્યું. પરંતુ આ સાથે જ માનવીની બાહ્ય સુખ અને સમૃદ્ધિની તૃષ્ણા પણ વધતી જાય છે. બાહ્ય સુખની છબી મૃગજળ જેવી છે. જેમ વધારે સુખની નજીક જાઓ એમ હતાશા, નિરાશા અને ખાલીપો પણ વધતો જાય.
વળી આ દોડમાં માનવીને એમ જ છે કે હું શ્રેષ્ઠ છું અને હું જે કરું છું તે જ ઉત્તમ અને સારું છે. મને કોઈની જરૂર નથી, જે મારું જ્ઞાન છે એ જ સાચું છે. આવા વહેમની આડઅસરને લીધે તેમજ એ અજ્ઞાનતા અને જડતાને લીધે માનવી એની અંદર રહેલા સુખને પ્રાપ્ત કરી શકતો નથી. સાચે જ અહંકાર જ્ઞાનને ઢાંકી દે છે.
અહમ્ ઓગળે તો અવિનાશી એવો આંતરિક આનંદ અનુભવાય એ નિર્વિવાદ છે. અને તો જ આત્મામાં રહેલા પરમાત્માનાં દર્શન થાય. પરંતુ અજ્ઞાનતા અને જડતાના કારણે માનવીમાં એ સાચું જ્ઞાન આવતું નથી. પરિણામે પોતાના આનંદસ્વરૂપ આત્માનું સુખ પણ છેટે રહી જાય છે. માનવીના આ અહંકારના મૂળમાં મોહ રહ્યો છે. મોહના કારણે તેની મતિ મંદ થાય છે. તેનું આંતરિક સુખ આચ્છાદિત થાય છે.
શ્રેષ્ઠ ગદાધારી દુર્યોધન પોતાના અહમ્માં મોહાંધ હતો તેથી ભગવાન શ્રીકૃષ્ણને ઓળખી ના શક્યો. બીજી બાજુ વૃંદાવનની ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના હૃદય અને આત્મા સાથે બાંધી દીધા.
એક જગ્યાએ કહેવાતા બુદ્ધિશાળી દુર્યોધનનો સત્તાનો મોહ છે તો બીજી બાજુ ગરીબ અને સામાન્ય ગોપીઓની ભગવાન શ્રી કૃષ્ણ માટેની અનન્ય ભક્તિ છે. સુખ અને આનંદ કોના ભાગ્યમાં આવ્યું?
અર્જુને પોતાના રથની દોરી શ્રી કૃષ્ણ ભગવાનને સોંપી તો ઓછા સૈન્યબળ છતાં પાંડવોનો વિજય થયો. બીજી બાજુ મોહાંધ કૌરવોએ શકુનિની વાત માની તો યુદ્ધમાં પરાજય મળ્યો.
તાત્પર્ય એ છે કે આપણામાં રહેલ મોહ આપણને સાચા જ્ઞાન સુધી પહોંચવામાં અવરોધ બને છે.
ગીતાના અધ્યાય ૯ ના ૧૨ શ્ર્લોક માં કહ્યું છે કે मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः॥
राक्षसीमासुरीं चैव प्रकृति मोहिनीं श्रिता॥ માયામાં મોહિત આવા લોકો નિર્દય થઈને વિનાશક કાર્યમાં જ જોડાય છે. આ વ્યર્થ અજ્ઞાન કેવળ નિરાશામય સિદ્ધ થાય છે. અહીં પ્રકૃતિને એટલે કે માયાને મોહિની કહી છે. આ રીતે મોહ માયિક છે એમ સિદ્ધ થાય છે.
ભગવાન સ્વામિનારાયણ કહે છે, “મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે; પછી આ કરવા યોગ્ય ને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી.માટે જ્યાં સુધી રમણીય પંચવિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાતું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં. એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ.
આ મોહ ટાળવા માટે ઉપાય બતાવતાં ભગવાન કહે છે કે ‘મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દૃઢ કરી રાખવી જે,’ હું આત્મા છું પણ દેહ તે હું નહીં.’ એક તો એ વિચાર દૃઢ કરવો. અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશયપણે સમજવું.
સ્વામિનારાયણ ભગવાને બતાવેલો આ ઉપાય મુમુક્ષુ ગુરુની કૃપાથી મેળવે છે અને આધ્યાત્મિક માર્ગે ગતિ કરે છે. હા, ગુરુના આશરાથી જ આ મોહરૂપી દરિયો તરાય છે. જે ગુરુનો આશરો કરે છે એને પરમ આનંદની અનુભૂતિ થાય છે.
આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ સાહેબે પણ ગુરુના આશરાની વાત દૃઢ કરાવી છે. તેઓએ પોતાના પુસ્તક પરાત્પરમાં (Transcendence) પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેની એમની આધ્યાત્મિક સફરની વાત રજૂ કરી છે. જેમાં તેમણે પ્રમુખસ્વામી મહારાજને પોતાના Ultimate Teacher (ગુરુ) કહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.