Homeઉત્સવનલવા-સેનાએ આરામની પરવા કર્યા વગર હુમલો કરીને ચોંકાવી દીધા

નલવા-સેનાએ આરામની પરવા કર્યા વગર હુમલો કરીને ચોંકાવી દીધા

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૪)
સતત મૂંઝવણ રહે કે હરિસિંહ નલવાના યુદ્ધ કૌશલમાં રમમાણ રહેવું કે એના ગુણના સાગરમાંથી આચમની લેતી રહેવી. જ્યારે મોગલો સામે ભલભલાના પાઘડાં ઢીલાં પડી જતાં હતાં, આ સરદાર તેમને છઠ્ઠીનું દૂધ યાદ અપાવતા હતા. મોગલોની એક ગંદી આદત કે જીત્યા બાદ રાજ્યમાં લૂંટફાટ મચાવે, સ્ત્રીઓ સાથે દુષ્કૃત્ય કરે અને પોતાની સાથે ઉપાડી જાય, પરંતુ નલવાથી આ સહન કેવી રીતે થાય? મા-બહેનની રક્ષાને પોતાનો ધર્મ અને ફરજ સમજનારા હરિસિંહ માત્ર રડીને માથે હાથ મૂકીને બેસી રહેવામાં માનતા નહોતા. તેમણે પણ પ્રણ લીધું કે હિન્દુસ્તાની નારી હવે મોગલોની વિકૃતિ-વાસના ગુલામીનો ભોગ નહી જ બને. આથી હરિસિંહે રાત્રે બાર વાગ્યા પછી મોગલોની છાવણી ઉપર ઓચિંતા વીજળીની જેમ ત્રાટકતા અનેે બહેન-દીકરીઓને મુક્ત કરાવી લાવતા. નલવાના ગોરીલા યુદ્ધથી મોગલો રીતસરના થથરતા હતા. રાતે બાર વાગવામાં છે, ગમે ત્યારે નલવા પોતાના સાવજો સાથે હુમલો કરશે.
હવે મુંધેર સામેની લડાઇની વાત આગળ વધારીએ નવાબ હાફિઝ અહમદ ખાને પાણીના ઝરણા પાસે કિલ્લા વ્યૂહાત્મક કારણસર બનાવ્યા હતા. આ કિલ્લા જીત્યા સિવાય પાણી ન મળે. રણમાં પાણી દુર્લભ હોય ગરમી, પાણીનો અભાવ અને નવાબની સેના ભલભલા ધૂરંધરોના ટાંટિયા ઢીલા નાખવા માટે પૂરતા હતા.
હાફિઝ અહમદ ખાનના ૨૫ હજાર સૈનિકો સામે એમના વિસ્તારમાં લડવાનું કે જીતવાનું જરાય આસાન નહોતું. લેશમાત્ર નાસીપાસ થવાને બદલે ખાલસા સેનાએ નવો યુદ્ધ-વ્યૂહ અપનાવ્યો. રણજિત સિંહે સરદાર હરિસિંહ નલવા સાથે વ્યાપક ચર્ચા બાદ આ વ્યૂહને લીલી ઝંડી બતાવી હતી.
પૂરેપૂરા સૈનિકો લઇને આક્રમણ કરવાને બદલે અલગ વ્યૂહ અપનાવ્યો. ખુદ હરિસિંહ સાત હજાર સૈનિકો સાથે મુંધેર અને એના સુધી પહોંચવાના માર્ગમાં વચ્ચે આવતા કિલ્લાઓ પર આક્રમણ કરે. સરદાર ખુશહાલસિંહ અને સરદાર દલસિંહ આઠ હજાર જવાન લઇને ડેરા ઇસ્માઇલ ખાન તરફના કિલ્લા પર તૂટી પડે. કૃપારામ અને દીવાનચંદની આગેવાનીમાં દશ હજાર નરબંકા ખાનગઢ અને મૌજગઢ પર હુમલો કરવા નીકળી પડે.
નવાબના બધા સૈનિકો અલગ-અલગ સ્થળે યુદ્ધમાં જોતરાઇ ગયા. કોઇ બીજાની વહાર ન જઇ શકે એ જ રીતે શસ્ત્રો-દારૂગોળા પણ એક જ મોરચે વપરાવાને બદલે એકદમ વિભાજિત થઇ ગયા. આવા વ્યૂહની નવાબે કલ્પના સુધ્ધાં કરી નહોતી.
અલગ યુદ્ધ-નીતિ, નલવા સહિતના કાબેલ સરદારોની આગેવાની મહારાજા રણજિત સિંહની પ્રેમાળ પ્રેરણા અને ખાલસા જવાનોની બહાદુરી હાફિઝ અહમદ ખાન સામેના સૌથી મોટા પડકાર હતા. નવાબ અને એની સેના શાંતિથી બેઠા હતા. તેઓ ગણતરી માંડતા હતા કે ખાલસા સેના મુસાફરીનો થાક ઉતારશે પછી આરામ કરશે અને ત્યારબાદ સંજોગોનો તાગ મેળવીને હુમલાનો દિવસ અને સમય નક્કી કરશે.
પરંતુ અહીં જ મુંધેરવાળા થાપ ખાઇ ગયા. ભલે પઠાણો તૈયાર હતા, પરંતુ અપેક્ષા-ધારણાથી એકદમ વહેલુ આક્રમણ થયું. પહોંચ્યા પછીની વહેલી સવારે જ નલવા આણિ મંડળીએ હુમલા શરૂ કરી દીધા. પઠાણો પોતાની તાકાત, શક્તિ અને શસ્ત્રો મુસ્તાક હતા, તો ખાલસા સેના શૌર્યમાં એ ચાસણીય ઉતરતી નહોતી.
ભયંકર યુદ્ધ શરૂ થયું. તલવારોના સામસામા અથડાવાથી ઘર્ષણના અવાજથી જંગ એ-મેદાન ગુંજવા માંડ્યા. બેઉ બળિયા બરાબરના લડી રહ્યાં હતા. સતત ચાર ચાર દિવસ સુધી મુંધેરના કિલ્લા માટે જીવસટોસટનું યુદ્ધ થતું રહ્યું હતું. લાગતું હતું કે એકેય પક્ષ જરાય મચક આપી રહ્યો નહોતો, પરંતુ પાંચમે દિવસે અણધારી ઘટના બની ગઇ. ખાલસા સેનાના જોશ, જોર અને શૌર્ય વચ્ચે તેમની તોપોએ મુંધેર કિલ્લાની ભીંતો તોડી પાડીને મુંધેર નગરમાં પગ મૂકી દીધા.
આ મહત્ત્વપૂર્ણ વિજય બાદ આગામી લક્ષ્ય હતું મુંધેરના કિલ્લા પર કબજો જમાવવાનું.
કિલ્લા પર ખાલસા-ધ્વજ ફટાફટ ફરકાવાના જોશ સાથે જવાનો લડી રહ્યાં હતા. આ સૌપ્રથમ કિલ્લાને ચોમેરથી ઘેરી લેવાયો. ભલે બન્ને તરફથી ગોળીબાર થતા હતા, તોપગોળા છોડાતા હતા, પરંતુ બેય બાજુ માનસિકતા અલગ હતી. પઠાણો પોતાના કિલ્લામાં સલામત હતા છતાં તેમણે ખાલસા સૈનિકોની બહાદુરી અને યુદ્ધ-કૌશલનો બરાબરનો પરચો મળી ચુક્યો હતો. આ ઉપરાંત ભીંત તોડીને નગરમાં ઘૂસી આવ્યાની હકીકત પણ બન્ને પક્ષના જવાનોના મન પર સવાર હતી. પઠાણો ભલે લડી રહ્યાં હતા પણ મનોમન તેઓ હિન્દુ જવાનો સામે ઢીલા પડવા માંડ્યા હતા.
આવી માનસિકતા સાથે માણસ કેેટલા ટકી શકે કે લડી શકે? મુંધેરના સૈનિકો હવે નવાબને સાથ આપવાને બદલે પોતાનો જીવ બચાવવા મનોમન વિચારતા થઇ ગયા હતા. ઘણા તો યુદ્ધ-મેદાનમાંથી પોબારા ગણીને ભાગવા માંડ્યા હતા અને આ માહોલમાં ૧૯૨૧ની ૧૯મી ડિસેમ્બરે હરિસિંહ નલવાને મોટી સફળતા મળી. વહેલી સવારે જ તેમણે કિલ્લાના પશ્ર્ચિમી દરવાજા સામે તોપની ટુકડી તૈનાત કરીને કામે લગાડી દીધી. ધડાધડ એક પછી એક તોપમારા સામે દરવાજો કેટલો ટકી શકે? સૂર્યાસ્ત અગાઉ દરવાજાએ જાણે શરણાગતિ સ્વીકારી લીધી હોય એમ પૂરેપૂરા ઢળી પડ્યા. એક પળ પણ વેડફયા વગર સરદાર હરિસિંહ પોતાના સૈનિકો સાથે કિલ્લાની અંદર ધસી ગયા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular