ઘર ચલાવવા ચાર સંતાનની માતા બની ઈલેક્ટ્રિશિયન

લાડકી

ફોકસ -પ્રથમેશ મહેતા

કહે છે, સમય સહુને બધું જ શીખવી દે છે. સમય સારો હોય તો માણસે નમ્ર બનવું જોઈએ અને ખરાબ હોય તો મહેનતુ, જેથી સફળતામાં છકી ન જવાય અને નિષ્ફળતામાં હિંમત ન હારી જવાય. આપણો કપરો સમય આપણને ઘણું શીખવી જાય છે, જે આપણને જીવનમાં સફળતાનો રાહ પણ ચીંધે છે. બિહારના ગયામાં રહેતાં સીતા દેવીના જીવનમાં પણ આવો કપરો સમય આવ્યો, જેણે તેમના માટે જીવનમાં સફળતાનાં નવાં દ્વાર ખોલી આપ્યાં. આજથી પંદર વર્ષ પહેલાં સીતા દેવી અન્ય લાખો સ્ત્રીઓની જેમ એક સામાન્ય ગૃહિણી હતાં, જે પોતાના ઘર-પરિવારનું ધ્યાન રાખતાં હતાં, પણ હવે તેઓ પોતાના શહેરમાં મહિલા ઈલેક્ટ્રિશિયન રૂપે મશહૂર થઈ ગયાં છે.
સીતા દેવી વર્ષોથી ગયાના કાશીનાથ વળાંક પર વીજળીનાં ઉપકરણો બનાવવાનું કામ કરી રહ્યાં છે. એક સમયે આ કામ તેમણે મજબૂરીમાં શરૂ કર્યું હતું, પરંતુ આજે તેઓ આ કામ
પોતાની મરજીથી કરે છે, કેમ કે આ કામે ન માત્ર તેમને પોતાનું ગુજરાન ચલાવવામાં મદદ કરી, પણ સાથે તેમને નામના
પણ આપી.
સીતા દેવી બલ્બથી લઈને એસી અને માઇક્રોવેવ સુધી બધાં જ ઉપકરણોનું સમારકામ કરી શકે છે. તેમના જણાવ્યા મુજબ, ‘મારી પાસે કોઈ પણ ગ્રાહક ગમે તે મશીન લઈને આવે, હું આરામથી તેને ઠીક કરી શકું છું. આ કારણે મને ક્યારેય કામની કમી નથી નડી.’
આશ્ર્ચર્યની વાત એ છે કે સીતા દેવી ક્યારેય શાળાનો દાદરો ચડ્યાં નથી! પણ તેમના પતિ ઈલેક્ટ્રિશિયન છે. લાંબી માંદગીને કારણે તેઓ કામ નથી કરી શકતા. બાળકો નાનાં હતાં અને પતિને લિવરમાં સોજાની તકલીફ થઈ ગઈ હતી. તેમના પતિ સીતા દેવીને પોતાની સાથે વર્કશોપ પર લઈ જતા હતા.
પતિ જેમ કહેતા તેવી રીતે સીતા દેવી પંખા, મિક્સર
ગ્રાઈન્ડર જેવાં ઉપકરણોનું સમારકામ કરતાં હતાં. ધીરે ધીરે
સીતા દેવી એટલાં માહિર થઈ ગયાં કે આખી વર્કશોપ એકલાં સંભાળવા લાગ્યાં.
સીતા દેવીએ જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે તેમનાં ચાર બાળકો (બે દીકરા અને બે દીકરી)ને સંભાળવાની જવાબદારી પણ હતી. નાનો દીકરો તો ત્યારે માત્ર એક વર્ષનો હતો. કામ કરતાં કરતાં ચારેય બાળકોના ઉછેર અને શિક્ષણની જવાદારી પણ નિભાવી. આજે તેમના બંને દીકરા મનોહર અને મુકેશ તેમને દુકાનમાં મદદ કરે છે. તેમના મોટા દીકરા મનોહરે જણાવ્યું કે તે પોતાની માતા પાસેથી જ કામ શીખ્યો છે. તે જણાવે છે કે ‘જ્યારથી સમજણો થયો છું, ત્યારથી માને કોઈ ને કોઈ ઇનામ મળતાં જોઉં છું. એ જોઈને ખૂબ ગર્વ થાય છે.’ માતાની કામ પ્રત્યેની લગની જોઈને મનોહર પણ ખૂબ પ્રેરિત થાય છે.
પરંતુ આજથી પંદર વર્ષ પહેલાં એક મહિલા માટે ઈલેક્ટ્રિશિયન જેવું કામ કરવું આસાન નહોતું. સગાંઓ તો ઠીક, પાડોશીઓ પણ સીતા દેવીના કામ કરવા પર વાંધો ઉઠાવતા હતા. તે સમયે કોઈ મહિલા દુકાન સુધ્ધાં નહોતી સંભાળતી ત્યાં મેકેનિક જેવું કામ તો દૂરની વાત છે, પણ સીતા દેવીના પતિ પોતાના કામ માટે બહુ જાણીતા હતા એટલે લોકોએ તેમના પર પણ વિશ્ર્વાસ મૂક્યો
અને સીતા દેવીએ ગ્રાહકોના વિશ્ર્વાસને સાચો પણ સાબિત કર્યો. લોકો શું કહેશે તે વિચારવાને બદલે તેમણે માત્ર કામ પર ધ્યાન આપ્યું. પરિણામ સ્વરૂપ મહેણાં મારનારા લોકો તેમનાં વખાણ કરવા મજબૂર થયા.
એ વખતે તો કામ શીખવું અને કરવું તેમની મજબૂરી હતી. તેમને ઘર સાચવવા સિવાય કોઈ કામ આવડતું નહોતું. જો આ કામ પણ ન કરે તો પતિ અને બાળકોને ખવડાવે કોણ? પણ હવે સીતા દેવી કોઈ અનુભવી અને સફળ વ્યાવસાયિકની જેમ કામ સંભાળે છે અને રોજના હજારથી બારસો રૂપિયા કમાઈ લે છે. સીતા દેવીએ સાબિત કર્યું કે સ્ત્રી પોતાના પરિવાર અને બાળકો માટે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ સામે પણ બાથ ભીડી શકે છે. કામ માત્ર કામ હોય છે, મહિલાનું કે પુરુષનું નહિ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.