ગાય નહીં, ગધેડીના દૂધમાંથી બને છે દુનિયાનું સૌથી મોંઘું પનીર

વીક એન્ડ

સાંપ્રત -ઊર્મિલ જોશી

આજની પેઢી પનીરમાંથી બનતી ચીજો પાછળ ઘેલી છે. શાકભાજીથી માંડીને ફરસાણ કે પછી લગ્નમાં પીરસાતા સ્ટાર્ટરમાં પનીરની બોલબાલા જોવા મળે છે. પનીરનો ઉપયોગ દિનપ્રતિદિન વધતો જાય છે. આપણે ત્યાં જે પનીરનો ઉપયોગ થાય છે એ ગાય, ભેંસ કે બકરીના દૂધમાંથી બને છે, પણ શું તમને ખબર છે કે ગધેડીના દૂધમાંથી પણ પનીર બને છે?
જી… હાં, યુરોપના સર્બિયા દેશમાં ગધેડીના દૂધમાંથી પનીર બનાવવામાં આવે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે, પરંતુ આ દૂધમાંથી બનતું પનીર ગાય-ભેંસના દૂધમાંથી બનતા પનીર કરતાં ઘણું
મોંઘું છે.
ભારતની કરન્સી પ્રમાણે આ પનીરની કિંમત ૮૦,૦૦૦ રૂપિયે પ્રતિ કિલો ગણાય. ફ્લેવરથી યુક્ત આ પનીર બેહદ સ્વાદિષ્ટ તો હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ હોય છે. જોકે આ પનીર માટે સામાન્ય ગધેડી નહીં, પણ સર્બિયામાં જોવા મળતી ખાસ પ્રજાતિ ‘બાલ્કન’નું દૂધ વપરાય છે. આ પનીર પ્યૂલ ચીઝના નામે ઓળખાય છે જેનું ઉત્પાદન દરેક દેશમાં શક્ય નથી. આ પનીર સર્બિયાના ‘જૈસાવિકા સ્પેશિયલ નેચર રિઝર્વ’માં તૈયાર કરવામાં આવે છે જેનો માલિક સ્લોબોડન સિમિક છે. સિમિકને જ ગધેડીના દૂધમાંથી પનીર બનાવવાનો વિચાર આવ્યો હતો. સિમિકને આવું પનીર બનાવવાનો વિચાર આવ્યો ત્યારે શરૂઆતમાં ઘણી તકલીફ પડી હતી. આ દૂધમાં કેસિન નામક તત્ત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે જે પનીર બનાવવા માટે બાઇન્ડિંગ એજન્ટ તરીકે કામ કરતું હોય છે. જોકે સિમિકને જૈસાવિકાના જ એક સભ્યે સલાહ આપી કે આ દૂધમાં બકરીનું દૂધ મેળવવામાં આવે તો સરસ પનીર બને. આ પનીર બનાવવા, બાલ્કન ગધેડીના ૬૦ ટકા દૂધમાં ૪૦ ટકા બકરીનું દૂધ ભેળવવામાં આવે છે. ત્યાર બાદ તેના પર વિવિધ પ્રક્રિયાઓ કરીને પ્યૂલ ચીઝ બનાવવામાં આવે છે. એક કિલો પનીર બનાવવા બાલ્કન ગધેડીનાં ૨૫ લિટર તાજા દૂધની જરૂરત હોય છે. હવે ખાસ વાત એ છે કે એક ગધેડી એક દિવસમાં એક લિટર દૂધ પણ નથી આપતી, જ્યારે તેની જગ્યાએ ગાય રોજનું સરેરાશ ૪૦ લિટર દૂધ આપી શકે છે. આ જ કારણે આ પનીરનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. એક વર્ષમાં આ ફાર્મમાં ૬થી ૧૫ કિલો જ પનીર બને છે. આવું ડોન્કી પનીર બધે ન બનતું હોઈ મોંઘું પડવાનું જ. આ પનીર મોંઘા ભાવે લેવાવાળા પણ પડ્યા છે, કારણ કે સિમિકનો એવો દાવો છે કે આ બાલ્કન ગધેડીઓના દૂધમાં માના દૂધ જેવા ગુણો હોય છે. સંતાનને જન્મ આપ્યા બાદ પહેલા દિવસથી જ આ દૂધ પીવડાવી શકાય છે અને તે પણ તેને પાતળું કર્યા વગર. સિમિક તો આ દૂધને કુદરતનોે ચમત્કાર કહે છે. આ દૂધમાં પ્રોટીન પણ ખૂબ પ્રમાણમાં હોય છે. અસ્થમા અને બ્રોંકાઇટિસ જેવા રોગોમાં પણ લાભદાયક છે એમ સિમિક કહે છે. ગધેડીના દૂધમાં વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી-૧૨ વિપુલ પ્રમાણમાં હોય છે. હાલ સિમિક પાસે ૩૦૦ ગધેડીઓનું ધણ છે. જે લોકોને કે તેમનાં બાળકોને ગાયના દૂધની એલર્જી હોય તેવા લોકો પણ બાલ્કન ગધેડીનું દૂધ કે પનીર વાપરે છે. આપણે ગધેડા જેવા પ્રાણીને ગણતરીમાં લેતા નથી. ઘણા મૂર્ખ લોકોને ગધેડો કહીને સંબોધીએ છીએ, પરંતુ રાણી ક્લિયોપેટ્રા ગધેડીના દૂધથી જ નહાતી હતી. ગધેડીના દૂધમાંથી સાબુ અને દારૂ પણ બનાવવામાં આવે છે. ચીનના ઘણા દવા ઉત્પાદકો ગધેડાનાં હાડકાં સહિત અનેક અંગોનો ઉપયોગ દવા બનાવવા કરે છે. ગામડાંઓમાં હજુ પણ ગધેડાઓનો ઉપયોગ માલવાહક પશુ તરીકે થાય છે. મતલબ એ જ કે સામાન્ય ગધેડાઓ પણ માનવજાત માટે ઘણા ઉપયોગી હોય છે એટલે આ પશુને વગોવવાનું બંધ કરવું જોઇએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.