સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ

26

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિશ્ર્વની સૌથી પ્રાચીન તેમ જ સમૃદ્ધ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વની તમામ સંસ્કૃતિની જનની માનવામાં આવે છે. જીવવાની રીત ભાત હોય, રાજકારણનું ક્ષેત્ર હોય કે પછી વિજ્ઞાન હોય, તેમાં ભારતીય સંસ્કૃતિનું વિશેષ સ્થાન રહેવા પામ્યું છે.
બીજા દેશોની સંસ્કૃતિ તો સમયના પ્રવાહની સાથે સાથે નાશ પામતી રહી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા આદિકાળથી જ પરંપરાગત રીતે અસ્તિત્વ સાથે અજર અમર બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિની ઉદારતાને લીધે સમન્વયવાદની વિચારધારામાં અન્ય સંસ્કૃતિઓ પણ સામેલ થઈ છે, તેમ છતાં ભારતીય સંસ્કૃતિ તેના અસ્તિત્વના મૂળને સુરક્ષિત રાખી શકી છે. તેથી જ તો પશ્ર્ચિમના વિદ્વાનો પોતાના દેશની સંસ્કૃતિને સમજવા માટે ભારતીય સંસ્કૃતિને પહેલા સમજવા પ્રયાસ કરે છે.
સંસ્કૃતિ દેશ, જાતિ અને સમુદાયનો આત્મા હોય છે. સંસ્કૃતિથી જ દેશના જાતી અને સમુદાયના સમસ્ત સંસ્કારની જાણકારી મળે છે. જેના આધારે તે પોતાના આદર્શો અને જીવન મૂલ્યો નક્કી કરે છે.
આજના સમયમાં સંસ્કૃતિ અને સભ્યતાને પર્યાયવાચી શબ્દ સમજવામાં આવે છે.પરિણામે અનેક પ્રકારના ભ્રમ પેદા થાય છે. વાસ્તવમાં સંસ્કૃતિ અને સભ્યતા અલગ અલગ છે.
સભ્યતા આપણા બાહ્ય જીવનની સાથે જોડાયેલી છે. અર્થાત આપણા ખાન-પાન, રહેણી-કરણી, બોલ-ચાલ જેવી બાબતો સભ્યતા સાથે જોડાયેલી છે. જ્યારે આપણી વિચારધારા આપણું ચિંતન અને સમજણ જે છે, તે સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતો છે. સંસ્કૃતિનું ક્ષેત્ર ખૂબ જ મોટું અને ઊંડાણ ભર્યું છે.
સભ્યતાનું અનુકરણ થઈ શકે, જ્યારે સંસ્કૃતિનું અનુકરણ ન થઈ શકે. ઉપરની વાત ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે કે, બન્નેની પ્રવૃત્તિઓ અલગ અલગ છે, તેમ છતાં બન્ને પરસ્પર જોડાયેલી પણ છે. સભ્યતામાં મનુષ્યની રાજનીતિ, વહીવટી, આર્થિક, ટેકનીકલ તેમ જ દૃશ્યકલા વગેરે રૂપોનું પ્રદર્શન થાય છે.
જે જીવનને સુખી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે સંસ્કૃતિમાં કલા, વિજ્ઞાન, સંગીત, નૃત્ય અને માનવ જીવનની ઉચ્ચતમ સિદ્ધિઓનો સમાવેશ થાય છે. આથી એમ કહી શકાય કે સભ્યતા એટલે જે આપણે બનાવીએ છીએ, જ્યારે સંસ્કૃતિ એટલે જે આપણે જીવીએ છીએ.
ભારતીય સંસ્કૃતિ વિશ્ર્વની પ્રાચીન સંસ્કૃતિ માંહેની એક છે, એવું માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ યુનાની, રોમ,મિશ્ર અને ચીનની સંસ્કૃતિની જેમ પ્રાચીન છે. કેટલાક ભારતીય વિદ્વાનો તો ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વની સૌથી વધુ જૂની પ્રાચીન સંસ્કૃતિ
માને છે.
વેદને વિશ્ર્વના સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. ભારતમાં નદીઓ, વડ, પીપળ જેવા વૃક્ષો, સૂર્ય તથા અન્ય કુદરતી દેવી-દેવતાઓની પૂજા અર્ચનાનો ક્રમ સદીઓથી ચાલ્યો આવે છે. દેવતાઓમાં માન્યતા હવન અને પૂજા પાઠની પદ્ધતિની નિરંતરતા પણ આજ સુધી અચળ રહી છે. વેદો અને વૈદિક ધર્મમાં કરોડો ભારતીયોની આસ્થા અને વિશ્ર્વાસ આજે પણ એટલો જ છે, જેટલો હજારો વર્ષ પહેલા હતો. ગીતા અને ઉપનિષદોનો સંદેશ હજારો વર્ષોથી આપણી પ્રેરણા અને કર્મનો આધાર
રહ્યો છે.
વિશ્ર્વની કોઈપણ સંસ્કૃતિમાં કદાચ આટલી સહનશીલતા નહીં હોય, જેટલી ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતીય હિન્દુ કોઈ દેવી દેવતાઓની આરાધના કરે કે ના કરે, પૂજા હવન કરે કે ન કરે, વગેરે સ્વતંતત્રતા પર ધર્મ અથવા સંસ્કૃતિના
નામે ક્યારેય કોઈ બંધન લગાવવામાં આવ્યું નથી.
ભારતીય સંસ્કૃતિના આ ગતિશીલ સ્વરૂપમાં જ્યારે પણ જડતાની સ્થિતિ
નિર્માણ થવા પામી છે, ત્યારે કોઈને કોઈ મહાપુરુષે તેને ગતિશીલતા આપી, તેની સહિષ્ણુતાને એક નવી આભાથી સન્માનિત કરી છે.
આ દૃષ્ટિએ પ્રાચીન કાળમાં બુદ્ધ અને મહાવીર દ્વારા, મધ્યકાળમાં શંકરાચાર્ય, કબીર, ગુરુ નાનક અને ચૈતન્ય મહાપ્રભુના માધ્યમથી અને આધુનિક કાળમાં સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ તેમ જ મહાત્મા જ્યોતિબા ફુલે દ્વારા કરવામાં આવેલ પ્રયાસ, આ સંસ્કૃતિના મહત્ત્વના ધરોહર બની
ગયા છે.
પ્રાચીન ભારતમાં શારીરિક વિકાસ માટે યમ -નિયમ, પ્રાણાયામ, આસન અને બ્રહ્મચર્ય દ્વારા શરીરને પુષ્ટ કરવામાં આવતું હતું. લોકો લાંબુ જીવન જીવતા હતા. આશ્રમ વ્યવસ્થાનું પાલન કરવાની સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર રહ્યો છે. પ્રાચીન ભારતના ધર્મ, દર્શન, શાસ્ત્ર, વિદ્યા, કલા, સાહિત્ય, રાજનીતિ અને સમાજશાસ્ત્ર વગેરેમાં ભારતીય સંસ્કૃતિનું સાચું સ્વરૂપ જોઈ શકાય છે. માનવતાના સિદ્ધાંત પર સ્થિર હોવાને લીધે જ તમામ આઘાતો છતાં પણ આ સંસ્કૃતિ પોતાના અસ્તિત્વને સુરક્ષિત રાખી શકી છે. યુનાની, પર્શિયન અને શક જેવી વિદેશી જાતિઓના હુમલા તેમ જ મોગલો અને અંગ્રેજ સામ્રાજ્યના આઘાતની વચ્ચે પણ ભારતીય સંસ્કૃતિ નષ્ટ થઈ નથી. તેના બદલે જોમ અને જુસ્સાના પોતાના સ્વભાવગત ગુણને લીધે વધુ સશક્ત અને સમૃદ્ધ બની છે.
આમ જોઈએ તો ભારતીય સંસ્કૃતિનું વર્તમાન સ્વરૂપ અને મહત્ત્વ તેમ જ ભારતીય સંસ્કૃતિના નવા પરિમાણોનો પ્રારંભ બ્રિટિશ સામ્રાજ્યના પ્રારંભની સાથે થયો. આ સમયમાં સભ્યતાએ સંસ્કૃતિને દબાવવાનો પ્રયત્ન કર્યો. તેથી સંસ્કૃતિનું વાસ્તવિક સ્વરૂપ ઊભરી ન શક્યું. આ યુગમાં સામાજિક આચાર વિચાર પર પશ્ર્ચિમિ સંસ્કૃતિનો પ્રભાવ વધારે હતો. સંયુક્ત પરિવારની જગ્યાએ પરિવારોનું વિભાજન થવા લાગ્યું. ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતે ધર્મને પાછળ ધકેલી દીધો. વિજ્ઞાને જ્ઞાનથી વધુ આવશ્યક હોવાનું પુરવાર કરવા લાગ્યું. ભૌતિકવાદનું પ્રભુત્વ વધવા લાગ્યું. ભારતીયોનો સાંસ્કૃતિક દૃષ્ટિકોણ પોતાના મૂળ લક્ષ્યથી વિખુટો પડી ગયો. આધુનિકવાદની માન્યતાને સમાજમાં આવવું સરળ થઈ ગયું. વૈશ્ર્વિકરણ અને આધુનિકરણ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ આધુનિક થઈ ગયું, ત્યારે ચોક્કસ દિશામાં થઈ રહેલું પરિવર્તન પણ દેખાવા લાગ્યું. બુદ્ધિવાદ, વિવેકીકરણ અને ઉપયોગીતા વાદ જેવા દર્શનનો ઉદય સંસ્કૃતિનું નવું સ્વરૂપ બની ગયું. જેમાં પ્રગતિની મહત્ત્વકાંક્ષા, વિકાસની આશા અને પરિવર્તનને અનુરૂપ પોતાને ઢાળવાની ક્ષમતા છે. આધુનિકતાનું મૂળ યુરોપીય પુનર્જાગરણ સાથે જોડાયેલું છે. યુરોપીય પુનર્જાગરણમાં નવા સંશોધનો અને શોધ, ધર્મ અને દર્શનના નવા સ્વરૂપ સામે આવ્યા. કલા અને વિજ્ઞાનની નવી સાધનાના શ્રીગણેશ થયા. રાજનીતિક અને સમાજ વ્યવસ્થામાં મૌલિક ક્રાંતિના મંડાણ થયા. પરિણામ સ્વરૂપ પશ્ર્ચિમ યુરોપ તેમ જ એશિયા(ભારત)માં એક નવી ચેતના પ્રસરી ગઈ. મહિલાઓને યોગ્ય સ્થાન મળ્યું. મતલબ કે બદલાયેલી સંસ્કૃતિમાં મહિલાઓ પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ. મહિલાઓને સશક્તિકરણ તરફ લઈ જવાના પ્રયત્નો થવા લાગ્યા. અનેક ચર્ચા અને આંદોલનનો સહારો લેવામાં આવ્યો. આ પ્રમાણે સાંસ્કૃતિક,માનવતાવાદી તેમજ વ્યક્તિવાદી સ્વરૂપ જોવા મળ્યું. સંસ્કૃતિના નવા સ્વરૂપમાં ગામડાની સંસ્કૃતિ છોડીને આધુનિક સંસ્કૃતિને અપનાવવા લાગ્યા.
આથી એ સ્પષ્ટ છે કે ભારતમાં ક્યારેય પણ એક જ સંસ્કૃતિ સંપૂર્ણ રીતે વ્યાપ્ત નથી રહી. ન તો કોઈ એક મોટા પ્રદેશમાં ક્યારેય એક જ સંસ્કૃતિ રહી હોય. આ દેશમાં આધ્યાત્મિક સંસ્કૃતિનો પ્રભાવ રહ્યો છે. આમ,સંસ્કૃતિમાં ફેરફાર તો થતો જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!