સવારનું અખબાર પણ રાત્રે છાપવું પડે છે, કોઇને જગાડતાં પહેલાં સ્વયં જાગવું પડે છે

પુરુષ

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકર

“એલાવ કોણ? અલ્યા તંત્રી ભૈ નીલેશભાઇ, સરોજ ઠાકર હીયર, વાઇફ ઓફ સુભાષ ઠાકર, મારા વરની “હસ્યા તો મારા સમ કૉલમ વિશે વાત કરવી છે.
“બોલો ભાભી.
“અરે ફોન કર્યો જ છે. તો બોલીશ તો ખરી જ ને. નીલેશ ભૈયા. છેલ્લા ત્રણ ત્રણ વરસથી મારા વરની કૉલમ છાપી તમે ગંભીર ભૂલ કરી રહ્યા છે સમજો, અહીં મારા સંસારની વાટ લાગી ગઇ છે. ઇજ્જતનો ફાલુદો થઇ રહ્યો છે. તમારામાં કંઇ જીવદયા જેવું છે કે નઇ?
“અરે શું થયું? કેમ આમ ભડકો છો?
“ભડકો? અરે અહીં રોજ ભડકો થાય છે. શું થયું? એમ નઇ શું નથી થયું એ પૂછો. સાલુ જે ઘરનો હિસાબ બરાબર લખી શકતો નથી, જેેને કોથમીર કે ફૂદીનો કોને કહેવાય એ ખબર પડતી નથી. એને કૉલમ…
“જુઓ ભાભી…
“એક મિનિટ, એ ચેક ભરવા બૅંકના બદલે પૉસ્ટ ઑફિસમાં પહોંચી જાય છે.
“અરે જયાં સુધી વાંચકોની દાદ…
“કકોડા વાંચકો, યુનો? ગઇકાલે જ એના મિત્ર જીતુભાઇ મહેતાનો ફોન આવેલો.
“અલ્યા સુભાષ હું તારા બધા જ લેખ વાંચુ છું. સરસ હોય છે. પણ હવે હાસ્યના લેખ ક્યારે ચાલુ કરીશ. આજે આવશે, આવતા મંગળવારે આવશે એવી આશામાં કેટલા મંગળવાર ગયા… અરે આવું સાંભળી આપઘાત કરવા જેટલો આઘાત લાગે કે નઇ, પણ આ મારા ગગાને કોણ સમજાવે કે કાંતો આપઘાત કરો અથવા લખવાનું બંધ કરો. પણ હિમ્મત લાવવી કયાંથી?
“અરે એમની કૉલમ બંધ કરીને ત્યાં શું છાપશું? જુઓ ભાભી. તંત્રી બોલ્યા.
એનો હારવાળો ફોટો છાપજો. આજુબાજુ અગરબત્તી મુકજો. હેડિંગ આપજો શ્રદ્ધાંજલિ સમજયા? અરે પેલા અર્જુનને જેમ વૃક્ષ પર પંખીની આંખ દેખાયેલી એમ અમારા ગગાને કલમ અને કૉલમ સિવાય કંઇ દેખાતું નથી. બીજી કોઇ વાતમાં બુદ્ધિ પહોંચતી જ નથી. ને તમે…
“જુઓ ભાભી…
“અરે તમે જુઓ ભાભી જુઓ ભાભી ન કર્યા કરો. હું બધુ જ જોઉં છું ને સાંભળુ પણ છું. અરે તમે કૉલમ બંધ કરશો તો કોઇ માઇનો લાલ કે લાલી મોર્ચો કાઢી ચાલુ કરો, ચાલુ કરો સુભાષ ઠાકરની કૉલમ ચાલુ કરો. ના નારા નઇ લગાવે સમજયા?
“પણ ભાભી, વિધાતાએ જ એમના નસીબમાં જ લેખક થવાનું લખ્યું હોય તો…
“તો તમે રોકી શકો. ને વિધાતા કોણ છે. તમારી બેન છે? સાળી છે? ગર્લફ્રેન્ડ…
“અરે ભાગ્યવિધાતા છે. બધાના નસીબ એ જ લખે છે. એટલે યાદ રાખો…
વિધિ સાથે વેર ન થાય, જીવન આખુ ઝેર ન થાય.
કિસ્મત તો લખાયેલો કાગળ છે. એમાં કયાંય ફેર ન થાય… અન્ડરસ્ટેન્ડ.
“અરે મેરે હજુર, વિધિ સાથે વેર પણ થાય, ને કિસ્મતના કાગળને પણ ફેરવાય. અરે કરોડ વર્ષથી કરોડોના લેખ ભલે લખતી હોય
તકદીર લખતી હોય પણ પોતાના તકદીરમાં કેમ લેખક થવાનું ન લખ્યું. એક પુસ્તક તો ઠીક પણ એક ચોપાનીયું બહાર પાડ્યું? પ્રકાશિત
કર્યું? ના. અરે મારા ગયાનો લેખ છાપતા પહેલા તમે વાંચો છો કે ઠોકાઠોક છાપી…
“અરે વાંચવું જ પડે. તમારો ગોરધન ચાલે કે ન ચાલે. અમારે અખબાર ચલાવવું છે. યાદ રાખો. સવારનું અખબાર પણ રાત્રે છાપવું પડે છે, કોઇને જગાડતાં પહેલા સ્વયં જાગવું પડે છે… સમજ્યા?
“હું તો સમજી પણ મારા ગગાને સમજાવો કે હવે પુસ્તક પ્રકાશિત કરવાના ધખારા ન ઉપડે, ડોન્ટ ફીલ બેડ નીલેશભાઇ, પણ તમે વાંદરાને દારૂ પાઇ રહ્યાં છો. વિચારો.
“અરે દારૂ તો શું હું પાણી પણ ન પીવડાવું પણ… ને સરોજે ફોન કર્યો કટ…
ને તુર્ત જ જેવી પલ્ટી મારી કે ટેટણનન્… પાછળ ઊભા ઊભા બધું જ મે સાંભળેલું પછી ડઘાઇ ગઇ. મેં કીધું “એમ ડઘાઇ નઇ જવાનું નઇતર જિંદગી આખી ડઘાઇ જવામાં જ પૂરી થઇ જાય. સાંભળ પેલા શિંદે જેમ ઉદ્ધવને કાઢવા પાછળ આદુ ખાઇને પડી ગયા હતા એમ તુ મને લેખક બનવામાંથી કાઢવા માગે છે. અરે તારા બધા વિધાનો મને આત્મહત્યા કરવા તરફ લઇ જાય છે. પણ મે ગીતામાં વાંચ્યુ કે આત્મા અમર છે. તો એની હત્યા કેમ થાય? નંબર બે, તારા બા-બાપુજીએ લગ્ન વખતે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા છે. એ ખોટા ન પડે. ને તારી પાસે સફેદ સાડી નથી. ને મૂળ તો તારો આ પતિ તારા બધા જ સ્વરૂપ જોનારો ગંગા નદીમાં સ્નાન કરી શકે. પણ તને ગંગા સ્વરૂપ તો ન જ જોઇ શકે. એટલે આત્મહત્યા કરવાનો આખો પ્રોગ્રામ કેન્સલ જાહેર કરું છું. બોલો જય ગુજરાત, જયભારત, જય મહારાષ્ટ્ર…
“આત્મહત્યા કરવાનું કેન્સલ કરો છો પણ લેખ લખવાનું કેન્સલ નથી કરતા.
“અરે કવિ નર્મદે કીધુ છે કે ડગલુ ભર્યું કે ના હટવું ને હું તો બધાથી હટીને લખું છું.
“હટીને લખવા કરતાં લખવામાંથી હટી જાઓ. તમારી રહી-સહી ઇજજતને બચાવી લો.
“અરે બકા મને થયું કે મહાભારત કે રામાયણ જેવા મહાગ્રંથ ભલે હું લખી ન શકયો એ સમાજનું દુર્ભાગ્ય છે, પણ હવે તક મળી છે કે એવું લખ કે તકદીર બદલાઇ જાય…
તમારા તકદીર બદલવામાં મને કેટલી તકલીફ પડે છે. એટલું બોલતા સરોજની આંખમાં જેમ દરમાંથી ઉંદર ડોકી બહાર કાઢે એમ આંખમાંથી ટપક કરતુ આંસુનુ ટીપું દેખાયું. આ શું ડાર્લિંગ, તારી આંખમાં આંસુનુ ટીપું એક મહાન લેખક બનવા જતા લેખકની પત્નીના આંંખમાં આંસુનુ ટીપું જોઇ…
“મને ટીપુ સુલતાન યાદ આવે છે બોલો તમને
તો આવી મજાક બનાવતાં આવડે છે. સરોજ ગદગદીત થઇ ગઇ.
“ના બકા, એવું નથી.
“એવું જ છે. સાલુ મુંબઇ સમાચારવાળા સમજતા નથી. વાંચકો સમજતા કે હવે બહું થયું. સુભાષ ઠાકરને રજા આપીએ. તમને એમ કે કોઇ સંસ્થા સાલ ઓઢાડી સન્માન કરશે. પણ મારું માનો ને સન્માનની ભૂખ હોય તો ઠંડીમાં રોજ રાત્રે પોતે જ સાલ ઓઢીને સૂઇ જઇ પોતે જ સન્માન કરો. તમને એમ કે ઍવોર્ડ મળશે પણ ઍવોર્ડથી ઘર ન ચાલે, તમને હૉસ્પિટલ ઍવોર્ડ દાખલ કરાશે…
“અરે સરકાર મને દાદાસાહેબ કે બાપાસાહેબ ફાળકે ઍવોર્ડ પણ આપે તો ન સ્વીકારું. ઇવન ઉપરથી પોતે જાતે દાદાસાહેબ દાદાગીરીથી મને ઍવોર્ડ આપે નેે ફોર્સ કરે તો પણ ન સ્વીકારું. હું તો દર અઠવાડિયે શબ્દો ગોઠવી વાક્ય બનાવી મુકુ ને મારા ચાહક મોબાઇલ પર માત્ર અંગુઠો અડાડે ને એ દેખાય એ પરમવીર ચક્ર કરતાં મોટો.
એટલામાં ધબ્બ કરતો અવાજ આવ્યો “સરોજ જોતો આ અવાજ શેનો.
“અરે બંધ કબાટે તમારા આર્ટીકલોએ આત્મહત્યા કરી છે ને એક ચીઠ્ઠી મળી એમાં લખ્યું છે. “મોબાઇલના ત્રાસથી-બોલો, હજી લખવું છે તમારે? અરે સાચું પુસ્તક જ તો આપણું મસ્તક છે. આપણે ખુદ છીએ પોતાને સમજી લો તો બધી સમસ્યાનું સમાધાન.
“અરે વાહ તો લે, આ લખવાનું બંધ ને પેન પણ બંધ ને હવે તમે વાંચવાનું કરો બંધ…
શું કહો છો?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.