નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સ બજેટમાં પણ બમ્પર વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારે યુવા અને રમતગમત બાબતોના મંત્રાલય માટે રૂ. ૩૩૯૭.૩૨ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જે ગયા વર્ષના બજેટ કરતાં રૂ. ૭૨૩.૯૭ કરોડ વધુ છે. ગયા વર્ષે પણ સ્પોર્ટ્સ બજેટમાં ૪૨૩.૧૬ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
વર્ષ ૨૦૨૦-૨૧માં રમતગમતનું બજેટ ૨૮૨૬.૯૨ કરોડ રૂપિયા હતું. ૨૦૨૧-૨૨માં તેમાં ૬૦૬.૭૩ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો એટલે કે ૨૦૨૧-૨૨માં સ્પોર્ટ્સ બજેટ ૨૨૫૦.૧૯ કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે કુલ સ્પોર્ટ્સ બજેટ રૂ. ૩૦૬૨.૬૦ હતું, જે વધારીને ૨૬૭૩.૩૫ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૭૨૩.૯૭ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા રમતગમતના બજેટમાં વધારો કરવાથી રમતગમતની સુવિધાઓ સુધારવામાં મદદ મળી શકે છે. આ વર્ષે ભારતે એશિયન ગેમ્સ સિવાય ઘણી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. ખેલો ઈન્ડિયા કાર્યક્રમમાં ૨૦૨૩-૨૪ માટે આ બજેટ વધારીને ૧૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
ઓલિમ્પિક્સ સહિત તમામ બહુવિધ રમતોની તૈયારીઓ માટે વિદેશમાં સ્પર્ધા અને પ્રેક્ટિસનો ખર્ચ ખેલ મંત્રાલય ઉઠાવે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ) દ્વારા મળેલા બજેટમાં રૂ. ૩૬.૦૯ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂપિયા ૭૮૫.૫૨ કરોડ છે. આ વર્ષના બજેટમાં નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી માટે ૨૧.૭૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે પરીક્ષણોનું સંચાલન કરતી એનડીટીએલને ૧૯.૫૦ કરોડ રૂપિયા મળશે. આ વર્ષના બજેટમાં નેશનલ સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર માટે ૧૩ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
મોદી સરકાર દ્વારા ખેલો ઈન્ડિયાના બજેટમાં ૪૦૦ કરોડ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો હતો. હવે તેનું બજેટ વધારીને ૧૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં રમતગમતના પ્રચાર માટે ૧૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે ૧૦૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે. નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સહાય માટેનું બજેટ હવે રદ કરવામાં આવ્યું છે, ગયા વર્ષે અહીં ૨૮૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
————
બજેટથી સુરતનો હીરો ઝળક્યો: કાપડ ધોવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય બજેટમાં ડાયમંડ સિટી માટે મહત્ત્વની જાહેરાત કરી લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદન અંગે નિર્ણય જાહેર કરતા સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ દેખાયો હતો. બીજી બાજુ કેન્દ્રીય બજેટમાં ટેક્સ્ટાઇલ માટે સરકારે કોઈ જાહેરાત ન કરતા ટેક્સ્ટાઇલ સેક્ટરમાં બજેટ બાદ નિરાશા જોવા મળી હતી. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા છેલ્લું બજેટ રજૂ કરવામાં આવેલા બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વ્રારા આવકારવામાં આવ્યું છે. બજેટમાં સામાન્યવર્ગ અને મધ્યમવર્ગ માટે અનેક જાહેરાત કરાઈ છે, આ અંદાજપત્રમાં ઇન્કમટૅક્સ મુક્તિ મર્યાદા વધારવા સહિતના અનેક પગલાં ભર્યા હોવાનું ચેમ્બરના પ્રમુખે જણાવ્યું હતું. સુરત ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખએ કેન્દ્રીય બજેટને આવકારતા જણાવ્યું હતું કે, આ બજેટથી સુરતને ઘણો ફાયદો થશે, કેન્દ્રીય બજેટથી રોજગારીની તકો વધે તેવી શક્યતા વ્યક્ત કરી લેબગ્રોન ડાયમંડમાં થયેલી જાહેરાતથી હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર ફેલાઇ હોવાનું જણાવી તેમને વધુમાં ઉમેર્યું હતું કે ટેક્સ્ટાઇલ સેક્ટર માટે સરકારે કોઈ જાહેરાત ન કરતા ચેમ્બર પ્રમુખ દ્વારા માંગ કરવામાં અમારો પનો ટૂંકો પાડયો હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. જોકે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટથી બજેટથી સુરતને ઘણો ફાયદો થશે તેવું જણાવ્યું હતું. દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ એકંદરે સુરત માટે સારું છે પણ જો બજેટમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગને લગતી માંગણી સમાવી લેવામાં આવી હોત તો ચોક્કસપણે ટેક્સ્ટાઇલ ઉદ્યોગકાર હાલ જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમાં રાહત મેળવી શક્યા હોત. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ કેન્દ્રીય બજેટને આવકારવામાં આવ્યું હતું. બજેટ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં ચેમ્બરે કરેલા સૂચનોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એમએસએમઈની બે વર્ષ જૂની માંગણી બજેટમાં પૂર્ણ થઈ છે. તેમજ સર્વાંગી વિકાસ માટે અને બિઝનેસ માટે બજેટ ફાયદાકારક થશે. તેમજ બજેટમાં ગ્રામ્ય કલ્ચરમાં પણ ભાર આપવામાં આવ્યો છે અને ખેતી અને વીજળીનું પણ બજેટમાં ધ્યાન રાખ્યું છે. બજેટ મુદ્દે સીઆઈઆઈના ઈમીજીયેટ પોસ્ટ ચૅરમૅને પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ડાયમંડ પર સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવામાં આવી છે. દેશના યુથ સ્કીલને માટે ભાર આપવામાં આવ્યો છે. તેમજ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને વેગ મળશે અને ૧૫ વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની વાત સારી છે.