Homeધર્મતેજમન ખૂબ ચંચળ હોય છે, એનું ચાંચલ્ય વધે તેવો ખોરાક તેને ન...

મન ખૂબ ચંચળ હોય છે, એનું ચાંચલ્ય વધે તેવો ખોરાક તેને ન આપવો

માનસ મંથન -મોરારિબાપુ

મારાં ભાઈ બહેનો, આપ ઘણો ખર્ચ કરીને અહીં કથામાં સ્વિત્ઝરલેન્ડ સુધી આવ્યા છો; અહીં ખૂબ જાગૃત રહેજો. કારણ કે આપણું મન એક મોટી મુશ્કેલી છે. અને ‘માનસ’ના વક્તાઓએ એવો આગ્રહ રાખ્યો છે કે કથા સાંભળો તો મન, બુદ્ધિ અને ચિતથી સાંભળો કારણકે મનનો સ્વભાવ ચંચળ છે. એક તો મન પોતે ખૂબ જ ચંચળ છે અને જો આપણે તેની સાથે વધારે પ્રવૃત્તિ કરીએ તો એ વધુ ચંચળ બનશે. વધુ પ્રવૃત્તિ કરવાથી મનને ખોરાક મળશે. તો, મન ચંચળ છે, તેની સાથે વધારે પ્રવૃત્તિ કરવાથી આપણે જે હેતુથી અહીં આવ્યા છીએ, તે હેતુને સિદ્ધ કરવામાં આપણને તે ડિસ્ટર્બ કરશે અને આપણને અન્ય પ્રવૃત્તિઓ તરફ વાળી દેશે કારણ કે તેને વધુ ચંચળ બનવું છે! એથી આપણને જે સમય મળ્યો છે તેમાં આપણા મનને વિશેષ ચંચલ બનવાનો અવસર ન આપીએ.
મારો કહેવાનો મતલબ એ છે કે મન જ્યારે ઉહાપોહમાં હોય છે; તેનો સ્વભાવ છે; એવે સમય જો આપણે તેને ખોરાક આપશું; જેમ તમે બાળકને આઇપેડ પકડાવી દો છો, ક્યારેક ફોન આપી દો છો; તમારી પાસે સમય નથી, તમારે છટકી જવું છે, એટલે લે ભાઈ, આનાથી રમ. આવું કરવાથી બાળકની આદત વધી જાય છે. પછી સાધુ-સંતો પાસે આવી તમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. આપ ખુદ બેઈમાન છો, કારણ કે મનને તમે વધુને વધુ ચતુર બનાવી રહ્યા છો. સંકટ સૌના જીવનમાં આવે છે. સંકટ આવે ત્યારે એક કામ કરજો, મનને ધીર રાખજો. મારી પાસે અથવા તો મારી વ્યાસપીઠ પાસે જે લોકો સમર્પિત છે, આશ્રિત છે, મારાં ફ્લોઅર્સ છે, તેમના પર ભગવાન કરે કોઈ સંકટ ન આવે, પરંતુ જો સંકટ આવે તો હું કહું છું ધૈર્ય રાખો, ધીરજ રાખો. બાકી આપણે શું કરી શકીએ? ધીરજ એક સાધના છે; પ્લીઝ, યાદ રાખજો. સામાન્ય રીતે આપણે વાપરીએ છીએ એ અર્થમાં પ્લીઝ શબ્દ નથી કહેતો. ધૈર્ય એક સાધના છે. નહિતર ‘શીવસૂત્ર’માં ભગવાન શિવ એમ ન કહેત કે ધૈર્ય તારી કંથા છે ! જીવનમાં થોડું ધૈર્ય પણ જરૂરી છે. મારો પણ અનુભવ છે, મારો સ્વભાવ, જે કહો તે, પરંતુ જ્યારે સંકટની પરિસ્થિતિ આવે તો થોડા સમય માટે એકલા થઈ જાવ. એકાંતમાં ચાલ્યા જાઓ.
સ્વામી શરણાનંદજીને કોઈએ પૂછ્યું કે કેટલાય લોકો એવા હોય છે કે, જે લોકો કશુંય ભણેલા નથી હોતા છતાં વેદની વાતો કરે છે તો આવું વેદજ્ઞાન એમને ક્યાંથી પ્રાપ્ત થાય છે ? સ્વામીજીએ સ્પષ્ટ જવાબ આપેલો; જે મને પણ બહુ ઉપયોગી થાય છે, કારણ કે મારો અનુભવ પણ તેની સાથે જોડાયેલો છે. સ્વામીજીનો જવાબ હતો કે સ્થિર થયેલી બુદ્ધિમાં વિશ્વનું તમામ જ્ઞાન આપોઆપ ઉતરી આવે છે! ન કોઈ પુસ્તકની જરૂરત પડે છે, કે ન કોઈ વસ્તુની જરૂરત. સ્થિર બુદ્ધિ અને સ્થિર મન! ભગવાન કબીર ક્યાં વેદ પઢવા ગયા હતા ? કબીર સ્થિર મનના માલિક હતા. ગુરુનાનક દેવ પણ ક્યાં વેદ પઢવા ગયા હતા ? તેઓ પણ સ્થિર મનના માલિક હતા. પયગંબર સાહેબ કેટલું ભણેલા હતા ? કંઈ નહોતા ભણ્યા! ગંગાસતી શું ભણ્યા હશે ? જીસસ શું ભણ્યા ? બિલકુલ અભણ લોકો વિશ્ર્વનું સમસ્ત જ્ઞાન પોતાનાં જીવનમાં પ્રગટ કરે છે જેનું ઉદ્ગમસ્થાન હોય છે સ્થિર થયેલી બુદ્ધિ. સ્થિર બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. તો, સ્વામીજીએ કહ્યું કે, એકાંત આવી સ્થિર થયેલી બુદ્ધિ માટેની પાઠશાળા છે અને મૌન તેનો અભ્યાસક્રમ છે. કેટલું સટીક જીવન ઉપયોગી સૂત્ર છે! ઘરમાં થોડું વાતાવરણ બગડે, તો ઉપેક્ષા ન કરો; કોઈ એમ ન કહે કે તમે રિસાઈ ગયા છો. એક શેર સંભળાવું? મને ગમ્યો કદાચ તમને પણ ગમશે.
कितना महफूज हूं ईस कोने में?
कोई अडचन नहीं है रोने में।
કોઈ અડચણ નહીં રોને મેં મં જ્યારે બહુ જ પીડા થાય, દુ:ખ સતાવે ત્યારે કોઈ એક ખૂણામાં ચાલ્યા જાઓ. તો હું આપને એ નિવેદન કરી રહ્યો હતો કે એકાંત એ એક પાઠશાળા છે. પછી આ એકાંતમાં તમે ફોન સાથે નહીં લઈ જતા. ૂwhatsapp વગેરે વગેરે. ફોન આપણો ગુલામ હોવો જોઈએ નહીં કે આપણે ફોનના ગુલામ હોવા જોઈએ. આપણે એના માલિક હોવા જોઈએ. આતો દુનિયામાં જે આજકાલ હું જોઉં છું એ કહું છું. મનને સ્થિર કરવાનો સૌથી સરળ અને સૌથી પહેલો ઉપાય બતાવ્યો છે એ છે, ભગવતકથાનું શ્રવણ. ભગવતકથાના શ્રવણથી મન સ્થિર થાય છે, ચિત્તશુદ્ધિ થાય છે, બુદ્ધિ અવ્યભિચારિણી થાય છે અને અહંકારનો નિતાંત નાશ થયા છે, એવો કૃપાશ્રિત સાધકોનો અનુભવ છે. મનને સ્થિર કરવું એ સૌથી અઘરી વાત છે.
मुन स्थिर करि तब सुंभ सुजन ।
लेग करुन रुुघनयक ध्यन ॥
તો, મન વધુ ચંચળ બને એવો ખોરાક એને ન આપવો. હવે શું થશે ? છોડો એને. આ ઘટના ઘટી એ પહેલા આમ હતું અને તેમ હતું, પ્લીઝ, મહેરબાની કરી આ બધું છોડી દો. આપણા મનને ધીરજવાન બનાવીએ. એ ધૈર્યમાંથી પછી જે નિર્ણય નીકળશે તેને કારણે આગળ પાછળની ચિંતા માંથી મુક્ત થઈ શકીશું. જ્યારે મન ધૈર્યવાન બનશે, શાંત બનશે ત્યારે તેમાંથી એક નવી ચેતનાનો જન્મ થશે. એ ચેતના પરિવાર માટે, સમાજ માટે ઉપયોગી નિવડશે. આપણને શીખવવામાં આવ્યું છે કે મનને મારો! મન ક્યાં મરે છે? એને પોતાના સ્વભાવમાં રહેવા દો ને ! મન સાથે તકરાર શા માટે કરીએ? એકરાર કરીએ. ગુરુકૃપાથી હું પણ થોડું સમજી શક્યો છું. હું તો એ પક્ષનો માણસ છું કે મન સાથે તકરાર કરવામાં ઘણાં વર્ષો વીતી જાય છે! અને જિંદગી બહુ મૂલ્યવાન છે. મનને બાંધો નહીં, મનને સાંધો. આપણને શીખવવામાં આવ્યું છે કે મનને બાંધો. આ લાલ વસ્તુ છે એના પર મનને કેન્દ્રિત કરો. ૐકાર પર કેન્દ્રિત કરો. આ જ્યોતિ પર કેન્દ્રિત કરો. માછલી કેવી સુંદર હોય છે ! માછલીની જેમ આપણું મન ચંચળ હોય તો એની સાથે મહોબ્બત કરો. મધ્યકાલીન સંતોએ બહુ સારો પ્રયોગ કર્યો, મન સાથે સમજૂતી કરી, મન સાથે ગુફ્તેગો કરી; મન સાથે અનુનય-વિનય કર્યો, જિદ્દ ન કરી. હા, મધ્યકાલીન સંતોએ ક્યારેક મનની આલોચના કરી પરંતુ બહુધા તો સ્નેહથી મન સાથે વાતો કરી.
તો બાપ, આપની સાથે હું સંવાદ કરી રહ્યો છું. મન સાથે સમજૂતી કરવી જોઈએ. લોકો આવે છે અને કહે છે, ‘બાળક બહુ ચંચળ છે!’ બાળક ચંચળ હોવું જ જોઈએ. વધારે ચંચળતા બરાબર નથી, પરંતુ બાળક તો નર્તન કરવું જોઈએ. બાળક તો આનંદિત રહેવું જોઈએ. મન ભગવાનની વિભૂતિ છે. એની સાથે દુશ્મની ન કરવી જોઈએ. દોસ્તી કરવી જોઈએ. તકરાર શા માટે? માછલીઓ તરતી હોય તો બહુ સુંદર લાગે છે. એને બાંધો,પકડી લો તો એ મરી જશે! એને તરવા દો. ક્યાં તરવા દેવાની છે? ભક્તિના જળમાં. માછીમાર ન બનો. આ મનના ચાંચલ્યને દીક્ષિત કરવું જોઈએ.
– સંકલન: જયદેવ માંકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular