વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
અંતે ખાલસા સેનાએ ૧૨ જુલાઈએ અફઘાનો પર હુમલો કરી જ દીધો. આરંભે તો બન્ને પક્ષે લડી લેવાનું જોશ ઘણું હતું. અફઘાન સેનાને માર-કાપ કરીને ગયેલું ઘણું પાછું મેળવવું હતું. એ પાછું મેળવીને ભારતમાં વધુ અંદર ઘૂસવું હતું. એમના પક્ષે ન્યાય કે ધર્મથી વધુ ઝનૂન હતું. અફઘાનો શીખ સામ્રાજય, ખાલસા સેના, મહારાજા રણજીતસિંહની આગેકૂચ કે સરદાર હરિસિંહ નલવાની વીરતા સાથે પ્રોફેશનલી લડતા નહોતા. આ બધી બાબતો અંગત વેરઝેર અને પાગલ ઝનૂનમાં પલટાઈ ચૂકી હતી.
સરદાર હરિસિંહ નલવાના સૈન્યને સામે ધસી આવતા જોઈને અફઘાનોએ પોતાની તોપના નાળચાં ફેરવી દીધા. આ સાથે જ ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. બન્ને સેનાના એક-એક શસ્ત્રનો સામનો કરવા એ જ શસ્ત્ર હાજર હતા. તલવાર સાથે તલવાર અથડાતા તણખલા ઝરે, ભાલા સામે ભાલા ભટકાતા અવાજ થાય. અધૂરામાં પૂરું તોપગોળાના ધમાકા-પ્રકાશ વચ્ચે, ન જાણે કેટલાંય શ્ર્વાસની દુકાન વધાવી લેવાતી હતી. બેમાંથી એકેય પક્ષ ટસનો મસ થતો નહોતો પણ સમય વીતવા સાથે સૂર્યાસ્તના ઓળા બાદ ઉતરી આવેલા અંધારાએ યુદ્ધ પર કામચલાઉ બ્રેક મારી દીધી.
રાતે મેદાનમાં યુદ્ધ અને મરણતોલ ચિચિયારી શાંત પડી જાય પણ સેનાપતિથી લઈને સૈનિકોના મનમાં અંધારામાં આગલા દિવસે જીતવાની-જીવવાની જિજીવિષા હાકલા પડકારા કરતી જ રહે. આ કાળા અંધારામાં જ હરિસિંહ નલવાએ આગલા દિવસની લડાઈ માટે નવો વ્યૂહ વિચાર્યો.
બીજા દિવસની રણભેરી વાગતા જ નલવાની સેનાએ ચાર બાજુ પોતાના સૈન્ય ફેલાવી દઈને હુમલો કર્યો કે જેથી દુશ્મન માટે બે જ વિકલ્પ રહે: મોત કાં શરણગતિ. નવા વ્યૂહ અને વધુ જોમ સાથે ખાલસા સૈનિકો શત્રુઓ પર બરાબરના તૂટી પડ્યા પણ અફઘાનોએ આરંભિક આંચકા બાદ આ હુમલાને ખાળવા, એનાથી બચવા અને વળતો ઘા કરવા માટે ઝઝુમવા માંડ્યા.
એક તરફ બન્ને પક્ષની શત્રુસેના જીવસટોસટની લડાઈમાં ગળાડૂબ હતી, ત્યાં યુદ્ધમાં ધર્મની સેળભેળનું રાજકારણ શરૂ થઈ ગયું હતું: મુસ્લિમ ગાઝીઓ ગામેગામ ફરીને સામાન્ય મુસલમાન પ્રજાને ભડકાવવા માંડ્યા કે હવે ધર્મયુદ્ધ માટે સૌનો મેદાનમાં ઉતરવાનો સમય આવી ગયો છે. ધર્મ જોખમમાં હોવાની વાતોમાં સામાન્યજન ઝડપભેર ભેરવાઈ જાય અને જીવ હથેળીમાં લઈને નીકળી પડે.
બપોર પછી અફઘાનોના સૈનિકો કરતાં મુસ્લિમ પ્રજાજનો મેદાનમાં વધી ગયા. તેઓ જોશપૂર્વક આગળ ધસી જતા અને તોપગોળાનો શિકાર બનવા માંડ્યા. તોપ, તલવાર, બંદૂક અને ભાલાના ભયંકર અવાજ વચ્ચે મેદાનનો રંગ લાલ થવા માંડ્યો. ઠેર-ઠેર ઘાયલોની ચીસ અને મૃતકોના મૌન થકી ભયંકર વાતાવરણ સર્જાતું હતું: ઉપરથી સૂરજની કાળઝાળ ગરમી.
બન્ને પક્ષ યુદ્ધની પદ્ધતિ અને નેતાઓ-આગેવાનોના વર્તન-વ્યૂહના નિરીક્ષણ અભ્યાસમાં મોટો તફાવત ઊડીને આંખે વળગે એવો હતો. નલવા પોતાના સૈનિકોને પાનો ચડાવતા હતા, હિમ્મત બંધાવતા હતા. એમનામાં જીતવાની આશા જગાવતા હતા અને પોતે એમની પડખે હોવાની બાંહેધરી આપતા હતા. આનાથી તદ્દન વિપરીત સીનારિયો અફઘાન છાવણીમાં હતો. યુદ્ધમાં મોખરે રહીને લડવાને બદલે ફતેહ ખાન અને દોસ્તમોહમ્મદ ખાન શું કરતા હતા? લડવા માટે મેદાન સુધી પહોંચેલા એક-એક સામાન્ય મુસલમાનોનું ગાજી (ધર્મ-યોદ્ધા) તરીકે સન્માન કરતા હતા. ટૂંકમાં પોતાને બદલે સામાન્ય નાગરિકોને લડાઈમાં મરવા માટે મોકલાતા હતા. આમ કરવા પાછળનો ઈરાદો દુશ્મનને થકવી નાખવાથી લઈને તેમના શસ્ત્રો ઉપરાંત હિમ્મત ખતમ કરવાનાં હોઈ શકે. પરંતુ એ કેટલું ઉચિત ગણાય?
આ નૈતિકતાના સવાલની પરવા કર્યા વગર યુદ્ધ તો પૂરજોશમાં ચાલી રહ્યું હતું: બન્ને તરફથી બહાદુરી બતાવાતી હતી. સાથોસાથ બેય તરફ એક જ લાગણી કે કાલે ભલે જે થયું એ પણ આજે તો આપણે જીતવાના જ. આમાં તર્ક ઓછો, ને આત્મ-વિશ્ર્વાસ અને આશા વધુ હતા. ઉપરથી પોતાના અગ્નિ-ક્ષેયકાસ્ત્ર સતત વરસાવતા સૂર્યદેવ જાણતા હતા કે નીચે યુદ્ધ લડવાનું જરાય આસાન નથી. બન્ને તરફથી સૈનિકો ગરમી અને તોપગોળાની આગથી શેકાતા-ભૂંજાતા હતા, ભાલાથી હણાતા હતા. કે બંદૂકથી વિંધાતા હતા. આમને આમ લાંબું ચાલે એ ન પરવડે. આવા જ કોઈક વિચાર સાથે યુદ્ધની ભીષણતા અને વિભિષિકાને વિસારીને નિજાનંદમાં મસ્ત હરિસિંહ નલવા કંઈક વિચારીને આગળ વધ્યા.
નાના પ્યાદાને ખતમ કરવામાં શક્તિ શસ્ત્ર-સમય વેડફવાને બદલે મોટામાથાને નિશાન બનાવવાથી વધુ સારું પરિણામ મળશે એવી ખાતરી સાથે તેઓ આગળ ધસી ગયા. એમની નજર દોસ્તમોહમ્મદ ખાન પર જ હતી. નજીક જઈને એવી જોરથી તલવાર વીંઝી કે ખાન પોતાના અશ્ર્વ પરથી નીચે ગબડી પડ્યો. આ જોઈને અફઘાન સેનામાં ઘોંઘાટ મચી ગયો કે દોસ્તમોહમ્મદ ખતમ હો ગયે. આટલા સંદેશા સાથે અફઘાન સેનાના જોશ અને ઉત્સાહનો ફુગ્ગો ફૂટી ગયો અને એકદમ દોડધામ મચી ગઈ. (ક્રમશ:)