એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મંગળવારે ૬ ડિસેમ્બરને બાબરી વિધ્વંસની વરસી હતી. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તોડી પડાયા પછી વરસો લગી દર વરસે છ ડિસેમ્બરે ભારે ઉત્તેજનાનો માહોલ રહેતો. હિંદુવાદી સંગઠનોનો એક વર્ગ ૬ ડિસેમ્બરે ઉજવણી કરતો જ્યારે મુસ્લિમો અને કહેવાતા સેક્યુલર ખરખરો કરતા તેના કારણે ૬ ડિસેમ્બરે થોડોક ગરમાગરમીનો માહોલ રહેતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદમાં ચુકાદો આપીને હિંદુઓને રામ જન્મભૂમિ સોંપી દીધી પછી આ વિવાદ ખતમ થઈ ગયો. એ પછી છેલ્લાં બે વરસથી ૬ ડિસેમ્બર આવતી ને જતી રહેતી પણ કોઈ તેને યાદ પણ નહોતું કરતું.
આ વખતે ૬ ડિસેમ્બરે પાછી ઉત્તેજના ને તણાવનો માહોલ પેદા થઈ ગયો કેમ કે, હિંદુવાદી સંગઠનોએ મથુરા વિવાદને ચગાવવાની મથામણ શરૂ કરી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ જાહેરાત કરી હતી કે તેઓ મંગળવારે મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. મહાસભાએ એલાન કર્યું હતું કે, હનુમાન ચાલીસાના પાઠ શ્રી કૃષ્ણ જન્મભૂમિના મૂળ ગર્ભગૃહમાં કરવામાં આવશે અને દુનિયાની કોઈ તાકાત તેને રોકી નહીં શકે.
મહાસભાએ વારાણસીમાં ૧૬ નવેમ્બરે આ કાર્યક્રમનું એલાન કર્યું ત્યારે ૬ ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મસ્થલી મથુરા ચલોનો નારો પણ આપી દીધેલો. તેના કારણે મહાસભાના કાર્યકરો મથુરા તરફ આવવા માંડેલાં. ઉત્તર પ્રદેશમાં અત્યારે ભાજપના યોગી આદિત્યનાથની સરકાર છે તેથી હિંદુવાદી સંગઠનોને એમ હતું કે, મોસાળમાં જમણવાર ને મા પિરસનારી છે તેથી વાંધો નહીં આવે. તેમનો કાર્યક્રમ સુખરૂપ પાર પડી જશે ને આપણો વટ પડી જશે.
મહાસભા શાહી ઇદગાહને ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ સ્થળ ગણાવે છે. તેમણે ચાલીસાના પાઠ અને લડ્ડુ ગોપાલ એટલે કે બાળકૃષ્ણના જલાભિષેકની પણ જાહેરાત કરીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ હિન્દુ નેતાઓએ મથુરા પહોંચવા અપીલ કરી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝની પૌત્રી રાજશ્રી ચૌધરી છે અને તે પણ મથુરા પહોંચી ગયાં હતાં.
આ કારણે એવું લાગતું હતું કે, મહાસભા તેનો કાર્યક્રમ પાર પાડશે પણ યોગી સરકાર મક્કમ સાબિત થઈ. યોગીની સરકારે તેમને મચક ના આપી. યોગી સરકારે મથુરામાં એલર્ટ જાહેર કરીને મસ્જિદના માર્ગ પર બેરિકેડ લગાવી દીધા. વાહનોની તપાસ શરૂ કરી અને ઇદગાહ મસ્જિદ પાસેની રેલ લાઇન બંધ કરી દીધી. યોગી સરકારનાં આ પગલાંના કારણે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ એક વીડિયો જાહેર કરીને હુંકાર કર્યો હતો કે, પોતાને હનુમાન ચાલીસાના પાઠ કરતા અટકાવવામાં આવશે તો આત્મહત્યા કરી લેશે.
યોગી સરકાર આ ધમકીને ઘોળીને પી ગઈ ને મચક જ ના આપી. દિનેશ શર્મા તો પહોંચે એ સવાલ જ નહોતો તેથી તેમણે વહેલી સવારે શાહી ઈદગાહ પર લડ્ડુ ગોપાલનો જલાભિષેક કરવા હિન્દુ મહાસભાના કાર્યકર સૌરભ શર્માને મોકલેલા. યુપી પોલીસે તેમની અટકાયત કરી દીધી તેથી આખો કાર્યક્રમ ફ્લોપ થઈ ગયો.
યોગી સરકારે દાખવેલી સતર્કતાની પ્રસંશા કરવી જોઈએ. યોગી સરકારે બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડ્યા વિના કાયદો અને વ્યવસ્થાની જાળવણીની તેની ફરજ સારી રીતે બજાવી છે. યોગી સરકારે પહેલા જ કહી દીધેલું કે, પરવાનગી વગર કોઈ કાર્યક્રમ થવા દેવામાં આવશે નહીં અને આ કાર્યક્રમને પણ તેમણે મંજૂરી નહોતી આપી. આ કારણે પણ યોગી સરકારે મક્કમતા બતાવીને કોઈને શાહી ઇદગાહ નજીક ફરકવા પણ ના દીધા.
યોગી સરકારના મક્કમ વલણના કારણે ૬ ડિસેમ્બરે ધમાધમી કરવાની હિંદુ મહાસભાની યોજના સફળ ના થઈ પણ મંગળવારનો ઘટનાક્રમ એ વાતનો સંકેત આપે છે કે, હિંદુવાદી સંગઠનો ભવિષ્યમાં મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો પણ ચગાવવા માગે જ છે. આ વાત આમ તો નવી નથી કેમ કે અયોધ્યાના ભગવાન રામ જન્મભૂમિ મંદિરનો વિવાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે પતી ગયો પછી હિંદુવાદી સંગઠનો અને ભાજપના પણ કેટલાક નેતા કાશીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરની વાત માંડીને બેસી જ ગયેલા.
આ પૈકી વારાણસીની મસ્જિદનો વિવાદ નરેન્દ્ર મોદીની સૂઝબૂઝના કારણે લગભગ પતી ગયો છે. ગંગા નદીના કિનારે દશાશ્ર્વ મેધ ઘાટની ઉત્તરે લલિતા ઘાટ પાસે ઊભેલી જ્ઞાનવાપી મસ્જિદ મહાદેવનું મંદિર તોડીને બનાવાઈ હોવાથી હિંદુઓને સોંપી દેવાની માગ લાંબા સમયથી ચાલે છે. હિંદુઓ આ મસ્જિદને જ્ઞાનવાપી મસ્જિદ કહે છે જ્યારે મુસ્લિમો તેને જામા મસ્જિદ ગણાવે છે.
હિંદુઓને દાવો છે કે, આ મસ્જિદ ભગવાન મહાદેવના મંદિરને તોડીને બનાવાઈ છે પણ મુસ્લિમો આ વાતનો ઈન્કાર કરે છે. તેનો વિવાદ કોર્ટમાં પણ પહોંચ્યો છે. આ મંદિર કોનું તેનો નિર્ણય કોર્ટ કરવાની છે પણ મોદીએ કાશીને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરતાં આ વિવાદ કોર્ટ બહાર જ પતી જાય એવા પૂરા સંજોગો છે.
મોદીએ કાશી વિશ્ર્વનાથ ધામ પ્રોજેક્ટ દ્વારા કાશી વિશ્વનાથ મંદિરને ગંગા નદીના ઘાટ સાથે જોડી દીધો છે. મંદિર અને લલિતા ઘાટ વચ્ચેના અવરોધો દૂર કરીને એવો કોરિડોર બનાવાયો છે કે જેમાં થઈને કાશી વિશ્ર્વનાથ મંદિરથી સીધા ગંગા નદીના લલિતા ઘાટ પર જઈ શકાશે. આ પ્રોજેક્ટ હેઠળ કાશી વિશ્ર્વનાથ મંદિરની આસપાસનાં બાંધકામ દૂર કરીને વિશાળ સંકુલ બનાવાયું છે. લગભગ પાંચ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ સંકુલમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થાથી માંડીને મોલ સુધીની બહુ બધી સગવડો ઊભી કરાઈ છે. તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ધમધમવા માંડી છે તેથી આ વિવાદ લગભગ પતી જ ગયેલો છે ને મુસ્લિમો પણ તેમાં પડે એવી શક્યતા
ઓછી છે.
અયોધ્યા અને કાશીનો વિવાદ ખતમ થઈ જાય પછી હિંદુવાદી સંગઠનો પાસે ચગાવવા માટે મથુરાનો જ મુદ્દો બચે છે. કેન્દ્ર અને યુપી સરકારે અયોધ્યા અને કાશીની જેમ મથુરામાં પણ આર્થિક પ્રવૃત્તિઓ ધમધમે એવો પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ. આર્થિક સદ્ધરતા આવતી હોય તો લોકો બીજું બધું ભૂલી જતા હોય છે એ જોતાં આ વિવાદ ચગે નહીં એ માટે મોદીના રસ્તે જવું જોઈએ.