(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રેન્દ્રિય અંદાજપત્રની રજૂઆત અને અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરને લગતા નિર્ણય અગાઉના સાવચેતીના માનસ વચ્ચે સેન્સેક્સ સાધારણ સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં બંધ થયો છે. સત્રના અંતિમ તબક્કામાં લેવાલીનો ટેકો મળતા સેન્સેક્સ ૪૯.૪૯ પોઇન્ટ અથવા તો ૦.૦૮ ટકાના સુધારા સાથે ૫૯,૫૪૯.૯૦ પોઇન્ટની સપાટીએ અને નિફટી ૧૩.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૦૭ ટકાના સુધારા સાથે ૧૭,૬૬૨.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
વર્ષ ૨૦૨૪ માટે અર્થતંત્ર અંગે થયેલી આગાહીથી વિપરીત ભારતીય શેરબજારના વેલ્યુએશન ઊંચા રહ્યાં હોવાથી વિશ્ર્વના અન્ય બજારો સામે ભારતીય બજારમાં કેટલાક દિવસથી નબળાઇ દેખાઇ રહી છે. જિઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે વેલ્યુએશન્સમાં ઘટાડો થયો હોવા છતાં તે વિશ્ર્વના ઘણા શેરબજારોના વેલ્યુએશન્સથી ઊંચા છે. આ ઓછું હોય તેમ અદાણી પ્રકરણને કારણે કરેકશન આગળ વધ્યું અને એફઆઇઆઇની વેચવાલી પણ વધી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધતી વેચવાલીને કારણે સેન્ટિમેન્ટ ખરડાયેલું રહે છે. હવે બજારનું ધ્યાન બજેટ અને ફેડરલ રિઝર્વની પોલિસી પર છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૫૩ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા અગ્રણી શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ, સ્ટેટ બેન્ક, આઇટીસી, ટાટા મોટર્સ, ટાઇટન અને એનટીપીસીનો સમાવેશ હતો. જ્યારે ટીસીેસ, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એશિયન પેઇન્ટ, એચસીેલ ટેક અને એચડીએફસી ટોપ લૂઝર રહ્યાં હતાં. અદાણી એન્ટરપ્રઆઇસનો આઇપીઓ જોકે પૂર્ણ ભરાઇ ગયો છે. કુલ ૪.૫૫ કરોડ શેરની ઓફર સામે ૪.૬૨ કરોડ શેર માટે બિડ મળી હતી. ક્વીબ્સનો હિસ્સો ત્રણગણો ભરાયો છે. જોકે, રિટેલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો ૨.૨૯ કરોડ શેરની ઓફર સામે માત્ર ૧૨ ટકા ભરાયો છે અને કર્મચારીઓનો હિસ્સો ૧.૬૨ લાખ શેર સામે ૫૫ ટકા ભરાયો છે. આ તરફ ફેમિલી કેર હોસ્પિટલનો રાઇટ ઇશ્યૂ સાતમી ફેબ્રુઆરીના દિવસે બંધ થઇ રહ્યો છે. આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ઉપરાંત ડિજીટલ સહિતના વિસ્તરણ માટે રૂ. ૪૮.૯૨ કરોડ એકત્ર કરવા ધારે છે. શેરદીઠ રૂ. ૧૨નો ભાવ નક્કી થયો છે. કંપનીએ પ્રત્યેક ૧૦૦ શેર સામે ૧૨૭ શેરના રાઇટ હક્કની જાહેરાત કરી છે.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઈન્ડસ્ટ્રીયલ્સ અને યુટિલિટીઝ સર્વાધિક વધ્યા હતા. સેન્સેક્સની ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૭૦.૨૩ લાખ કરોડ રહ્યું હતું. જે ગઈ કાલે રૂ. ૨૬૮.૪૭ લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ. ૧.૭૬ લાખ કરોડનો વધારો નોંધાયો છે. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૬ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૪૭ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૨.૨૧ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૩૬ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૫૬ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૬૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૧૭ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૩ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૨૫ ટકા વધ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૧.૮૮ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૧.૩૯ ટકા, એફએમસીજી ૦.૭૧ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૨.૧૦ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૨.૧૦ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૨.૦૮ ટકા, યુટિલિટીઝ ૨.૨૦ ટકા, ઓટો ૧.૮૬ ટકા, બેન્કેક્સ ૦.૦૯ ૦.૬૨ કેપિટલ ગુડ્સ ૧.૭૦ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૫૩ ટકા, મેટલ ૧.૦૨ ટકા, પાવર ૧.૮૭ ટકા અને રિયલ્ટી ૧.૦૩ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૦.૯૪ ટકા, હેલ્થકેર ૦.૩૪ ટકા, આઈટી ૦.૭૨ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૯૦ ટકા અને ટેક ૦.૭૧ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૫૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૦૯ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૩.૦૨ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૮૫ ટકા અને આઈટીસી ૨.૨૧ ટકા વધ્યા હતા, જ્યારે ટીસીએસ ૨.૨૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૨.૨૬ ટકા, ટેક મહિન્દ્રા ૨.૦૧ ટકા, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૫૧ ટકા અને એશિયન પેઈન્ટ્સ ૧.૪૩ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૮ કંપનીમાંથી ૧૪ કંપનીઓને ઉપલી અને ૪ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.