મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આતંકવાદી હુમલાની કથિત ધમકી આપનારા ૨૮ વર્ષના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ સોમવારની રાતે ૯.૫૬ વાગ્યે ઍરપોર્ટ ખાતે ફોન કર્યો હતો. પોતાની ઓળખ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય ઈરફાન શેખ તરીકે આપનારા શખસે ઍરપોર્ટ પર આતંકવાદી હુમલાની ધમકી આપી હતી. ધમકીભર્યો કૉલ આવતાં જ તપાસ માટે પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. જે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો તેને ટ્રેસ કરી આરોપીને ચેમ્બુર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે આરોપીએ એક વેબ સિરીઝ પરથી પ્રેરણા મેળવી કથિત ધમકી આપી હતી, પરંતુ પોલીસ બધાં પાસાઓની તપાસ કરી રહી છે.
આરોપી વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. પોલીસને શંકા છે કે તે માનસિક રીતે અસ્થિર છે અથવા અન્ય કોઈ વ્યક્તિને ઇશારે કામ કરી રહ્યો છે. આ પ્રકરણે સહાર પોલીસે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો
હતો. (પીટીઆઈ)