ના સમજાય એ માણસ: મનના ઊંડાણના ઊંડાણમાં!

ઉત્સવ

મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ
માણસને ચાહવો વધારે, સમજવો ઓછો! (છેલવાણી)
એક સુંદર, સૌમ્ય શાંત દેખાતી છોકરીના અમીર પુરુષ સાથે લગ્ન થયા. કપલ, હનીમૂન પર હિલસ્ટેશને ગયું. છોકરીને ઘોડેસવારીનું મન થયું. પતિ, એને ઘોડા પર બેસાડીને પર્વતોની કેડીઓમાં લઇ ગયો. વચ્ચે ઝરણું આવ્યું, ઘોડો કૂદવા ગયો ને પત્ની નીચે પડી ગઇ. પત્નીએ ઘોડાની આંખમાં આંખ નાખીને કહ્યું: “આ પહેલી વાર, જા માફ!
પછી કપલ ઘોડા પર બેસીને થોડું આગળ ગયું. આગળ એક ઝાડ તૂટીને પડેલું હતું. ઘોડાએ ફરી છલાંગ લગાવી ને આ વખતે પતિ નીચે પડી ગયો. પત્નીએ નીચે ઉતરીને ઘોડાની આંખમાં આંખ નાખીને કહ્યું: “આ બીજી વાર પણ માફ!
થોડીવાર ઘોડેસવારી આગળ ચાલી. સામે મોટો ખાડો આવ્યો ઘોડો કૂધ્યો અને આ વખતે પતિ-પત્ની બેઉ નીચે પડી ગયા! હવે પત્નીએ પોતાની પર્સમાંથી રિવોલ્વર કાઢીને ઘોડાના માથે તાકીને કહ્યું: “આ ત્રીજી ને છેલ્લીવાર!… અને છોકરીએ રિવોલ્વરમાંથી ત્રણ ગોળી છોડીને ઘોડાને શૂટ કરી નાખ્યો! પતિ આ જોઇને હેબતાઇ ગયો ને બરાડ્યો: “ઇડિયટ! આ શું કર્યું મૂંગા જાનવર સાથે? કાંઇ દયા જેવું છે કે નહીં! ઘાતકી! જુલ્મી!
-ને પત્નીએ પતિની આંખોમાં આંખો નાખીને કહ્યું: “આ પહેલીવાર જા માફ!
લઘુકથા અહિં પૂરી થાય છે પણ સાર એ છે કે દરેક ક્રિયા માણસનું કેરેક્ટર દેખાડી દે છે! ફિલ્મી પટકથા લખતી વખતે એક ગોલ્ડન રૂલ છે કે: “કેરેક્ટર ઇઝ નોટ વોટ ઇટ સેઇઝ બટ, વોટ ઇટ ડઝ! એટલે કે ‘માણસ શું કહે છે’ એ નહીં પણ ‘શું કરે છે’ એના પરથી એનું ચારિત્ર્ય છતું થાય છે. અચાનક ઓચિંતા કે અજાણતાં જ જાહેરમાં કોઇ સભ્ય માણસના મોંમાંથી ગાળ નીકળી જાય કે હાથ ઉપડી જાય તો એ એની અસલી પહેચાન છે. માણસના મનની અંદર, વ્યક્તિત્ત્વના અનેક સ્તરોની નીચે ક્યાંક ‘અસલી માણસ’ છૂપાયેલો હોય છે. માનસશાસ્ત્રમાં દરેક માણસને ‘શતખંડ’ કહેવામાં આવે છે કે એક માણસમાં ‘શત’ એટલે કે ૧૦૦ માણસો વસતા હોય છે! આપણે આપણી આસપાસ રહેનારા માણસોને કેટલા ઓળખી શકીએ છીએ? અરે, આપણે આપણી અંદર છૂપાયેલા ‘અસલી માણસ’ને કેટલો ઓળખીએ છીએ?
ઇંટરવલ
ચેહરા ક્યા દેખતે હો?
દિલ મેં ઉતર કે દેખો ના (મદન પાલ)
હમણાં મુંબઇમાં ૨ ગજબની ઘટનાઓ ઘટી. મુંબઇના થાણા ઇલાકામાં એક ૭૬ વરસના બિલ્ડરે એની પુત્રવધૂની ગોળી મારીને હત્યા કરી નાખી! કારણ? પુત્રવધૂએ સસરાને નાસ્તો પીરસવામાં વાર લગાડી અને બિલ્ડર સાહેબનો પિત્તો ગયો અને રિવોલ્વર કાઢીને ગોળીઓ ધરબી દીધી! સાવ સામાન્ય લાગતી વાતમાં મર્ડર થઇ શકે? જી હાં, થઇ! પુત્રવધૂનું મૃત્યુ થઇ ગયું અને પછી ૭૬ વરસના એ વૃદ્ધ બિલ્ડરે, રેલવે સ્ટેશન પર કે ક્યારેક રસ્તા પર કે રિક્ષામાં ભટકી ભટકીને છેવટે બે દિવસ બાદ પોલીસ સામે ધરપકડ વહોરી લીધી. વૃદ્ધનું કહેવું છે કે પરિવાર એમનું ધ્યાન નહોતું રાખતું અને સતત અવગણનાથી ત્રાસીને આવું કર્યું!
આપણે સૌ એવા સમય અને સમાજમાં જીવી રહ્યાં છીએ જ્યાં બધાંના દિમાગના તાર સતત તંગ હોય છે ને કોનું ક્યારે છટકે કહેવાય નહીં! જરા વિચારો કે હત્યા કર્યા બાદ એ વડીલના મનમાં ભટકતી વખતે શું શું વિચારો આવ્યા હશે? પરિવારના લોકોના મન પર શું શું વિત્યું હશે કે જેને આદરપાત્ર માનીને કાલ સુધી પગે પડતા હતા એમણે આવું કર્યું? કાંઇ જ સમજાતું નથી. આપણે માત્ર કલ્પનાઓ જ કરી શકીએ. માણસ, ખરેખર એક ઉખાણું છે!
પેલી કરૂણ કે વિચિત્ર ઘટના બાદ બીજી એવી જ એક ઘટના ઘટી! વન્સ અગેઇન, થાણે જિલ્લાના જ ભાયંદર પરામાં નિલેશ ઘાગ નાના પતિએ પત્નીને પીટી પીટીને અને પછી ગળું દબાવીને મારી નાખી કારણ કે પત્નીએ સાબુદાણાની ખીચડીમાં મીઠું વધારે નાખી દીધું હતું ને ઉપવાસ કરનાર ભૂખ્યા નીલેશનો પિત્તો ગયો! બસ પછી તો એ પત્નીને મારવા માંડ્યો, દીકરો વચ્ચે પડ્યો પણ નીલેશ ના જ માન્યો, ગળું દબાવ્યા બાદ, કપડા સૂકવવાની રસ્સીથી પત્નીને રહેંસી નાખી! ખીચડીમાં મીઠું વધારે હોય તો કોઇ મર્ડર કરે? રસોઇમાં નમક વધારે પડી જાય તો સાંસ-બહુની સિરિયલમાં સસ્તા ડ્રામાથી ભરપૂર એપિસોડ પર એપિસોડ બનતા હોય છે પણ સાવ ખૂન કરવામાં આવે એવું તો હજી નથી ભાળ્યું! અમારા જેવા ફિલ્મી લેખક જો ફિલ્મ કે ટીવી સિરિયલની પટકથામાં આવો સીન લખે તો લોકો અમારું ગળું દબાવીને મારી નાખે અથવા તો ટીકા કરી કરીને રહેંસી નાખે પણ વાસ્તવિકતા ઘણીવાર કલ્પના કરતાંયે વિચિત્ર હોય છે! વિચાર કરો કે જીવનની છેલ્લી ઘડીએ મૃત્યુની સમીપે પત્ની પર શું વીત્યું હશે?
કદાચ આપણાં સમાજમાં સહનશક્તિનો પારો એટલો નીચે આવી ગયો છે કે કોઇપણ
કારણોથી હત્યા, મોબ લીંચિંગ, દંગા કે નફરતની કોઇપણ હદ્ કોઇપણ માણસ અચાનક વટાવી શકે છે!
હવે તો આઇનામાં ચહેરો જોતાં પણ ડર લાગશે કે આપણી અંદર કોણ ને કેવો માણસ વસે છે?
એંડ ટાઇટલ્સ
આદમ: મારી અંદરના જાનવરને ના જગાડ!
ઇવ: હું ઉંદરથી નથી ડરતી!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.