જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
એક ગામમાં એક ફકીર જેવો માણસ રહેતો હતો. પોતાની પાસે કાંઈ નહોતું પણ દિલનો ઉદાર. પોતાને એક રોટલો મળે તો તેમાંથી અર્ધો રોટલો બીજાને આપતાં કદી અચકાતો નહીં. એકલો રહેતો હતો અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો.
આ માણસનાં ઘરમાં એક રાતે ચોર આવી ચડ્યો. ચોરે ઘરમાં ચારે બાજુ ફાંફાં માર્યા પણ કશું હાથ લાગ્યું નહીં. બે ચાર તૂટ્યાં ફૂટ્યા વાસણો સિવાય કશું હતું નહીં. ચોર પરેશાન હતો. આ માણસ ધાબળો ઓઢીને સૂતો હતો અને બધું જોઈ રહ્યો હતો. તેને થયું આ બીચારો મારા કરતાં પણ ગરીબ લાગે છે. તે આમ ખાલી હાથે જશે તો મને દુ:ખ થશે. ઘરમાં આપવા જેવું કશું નહોતું. પોતે ઓઢેલો ધાબળો તેને કામ લાગે તેમ હતો. તેને થયું ઊભો થઈને આ ધાબળો તેને આપી દઉં. પછી મનમાં થયું કે હું એકાએક ઊભો થઈશ તો ચોર ગભરાઈ જશે અને ભાગી છૂટશે. ચોરને કેવી રીતે મદદ કરવી તેની ચિંતામાં આ માણસ પડી ગયો. છેવટે તેને યુક્તિ સૂઝી. ઊંઘવાનો ડોળ કરીને તે ધીરે ધીરે ધાબળામાંથી સરકી ગયો જેથી ચોર આ ધાબળો ઉઠાવી શકે.
ઘરમાં આમ તેમ જોતાં ચોરની નજર ધાબળા પર ગઈ. ચોરને પણ આશ્ર્ચર્ય થયું આટલી ઠંડી છે અને આ માણસ ધાબળાને દૂર કરીને ઉઘાડો કેમ પડ્યો છે. ચોરને ધાબળો ઉઠાવી લેવાનું મન થયું પણ તે અટકી ગયો. તેને પણ દયા આવી કે હું આ ધાબળો લઈ જઈશ તો આ માણસ આટલી ઠંડીમાં રાત કેવી રીતે કાઢશે.
ચોરે પાછા જવા માટે પગલાં ઉપાડ્યા અને બારણાં સુધી પહોંચ્યો કે સૂતેલા માણસે તેને અટકાવીને કહ્યું ભાઈ આમ ખાલી હાથે તું જઈશ તો મને દુ:ખ થશે. મારા ઘરમાં બીજું તો કાંઈ નથી. આ ધાબળો લેતો જા. ચોરે કહ્યું પછી તમે શું ઓઢશો? પેલાં માણસે કહ્યું મારી ફીકર કર નહીં. હું તો આ રીતે રહેવા ટેવાયેલો છું.
ચોર આ માણસનાં પગમાં પડી ગયો અને કહ્યું અત્યાર સુધી ચોરી કરવા માટે હું જે શ્રીમંતોના ઘરમાં ગયો છું તે બધા હવે મને કંગાળ લાગે છે. અને કાંઈ પણ ન હોવાં છતાં તમારા જેવો સમૃદ્ધ માણસ મેં કદી જોયો નથી.
માણસ જેટલું આપી શકે જેટલો ત્યાગ કરી શકે છે એટલે તેની સમૃદ્ધિ છે. પરિગ્રહની પકડ એટલી મજબૂત છે કે કશું છોડી શકાતું નથી. વસ્તુ ઘરમાં બિન ઉપયોગી પડી હોય અને ભૂલથી બીજાને અપાઈ જાય પછી અફસોસ થાય કે આ ચીજ કામની હતી. ન આપી હોત તો સારું થાત. નકામી ચીજ પણ બીજાનાં હાથમાં જાય છે ત્યારે કિંમતી બની જાય છે. અને તેનો ત્યાગ કરવાનું મુશ્કેલ બને છે. કોઈ આપણું ચોરી જાય, છીનવી જાય ત્યારે તેના પ્રત્યે ક્રોધ અને ઘૃણા ઊભી થાય છે. પરંતુ કરુણા ઊભી થતી નથી. ચોરને ચોરી કેમ કરવી પડી તેનો વિચાર થતો નથી. આપણે નોકર ચાકર અને આપણે ત્યાં કામ કરતા માણસો પ્રત્યે પણ ઉદાર બની શકતા નથી. લાખો રૂપિયાનું દાન કરનારા માણસો પણ પોતાને ત્યાં કામ કરતા માણસોના દુ:ખ દર્દ જોઈ શકતા નથી. કોઈ પણ જાતના સ્વાર્થ અને અપેક્ષા વગર બીજાના ભલા માટે પોતાનાથી બનતું કરવાની ભાવનામાં એક અનેરો આનંદ છે. માનવતા સૌથી મોટો ધર્મ છે. આપણે ગમે તેટલો ધર્મ કરીએ પણ પ્રેમ, દયા અને કરુણા ન હોય તો તેનો કોઈ અર્થ નથી.
પરિગ્રહનું મુખ્ય કારણ માણસ ભય અને ચિંતામાં જીવી રહ્યો છે. તેને આજ કરતા ભવિષ્યની વધુ ચિંતા છે. જિંદગીના સુખ માટેની જે દોટ છે તે ભવિષ્યની સલામતી માટેની છે. માણસ જેટલું મેળવી શકાય તેટલું મેળવી લેવા ઈચ્છે છે. જેટલો સંચય થઈ શકે તેટલો કરી લેવા માંગે છે. માણસ સમજે છે કે હાથ પગ ચાલે છે ત્યાં સુધી બધું ભેગું કરી લઈએ પછી ભવિષ્યની ચિંતા રહે નહીં. પછી નિરાંતે આનંદ માણીશું પણ આવો મોકો મળતો નથી. ભેગું કરવામાં જ જીવન વીતી જાય છે. વૃદ્ધાવસ્થાને આરે ઊભેલો માણસ પણ ભવિષ્યની ચિંતામાં છે. તે પણ કશું છોડી શકતો નથી. ભવિષ્યની ચિંતામાં આજનું સુખ છીનવાઈ જાય છે. માણસને ભૂતકાળની સ્મૃતિઓ સતાવે છે અને ભવિષ્ય તેને નિરાંતે ઊંઘવા દેતું નથી.
પરિગ્રહના કારણે મોહ, લોભ અને આસક્તિ ઊભી થાય છે. માણસને જીવવા માટે, સુખેથી રહેવા માટે બહુ સાધનોની જરૂર પડતી નથી. આમ છતાં સુખના વધુને વધુ સાધનો પ્રાપ્ત કરવાની મહેચ્છા છે. ધન, દોલત અને સગવડો સાથે સુખને કોઈ સંબંધ નથી. કેટલાકને આ બધું મળ્યું હોવા છતાં અસુખ અનુભવે છે. કેટલાક કશું હોતું નથી છતાં આનંદથી જિંદગી ગુજારે છે. ઈચ્છા અને તૃષ્ણાનો કોઈ અંત નથી. આપણી પાસે જે કંઈ હોય તેમાં આનંદ અને સુખ માણવું જોઈએ. આનો અર્થ એવો નથી કે પુરુષાર્થ ન કરવો. સારા જીવન માટેના પ્રયત્નો ન કરવા, બધું તકદીર પર છોડી દેવું. દરેક માણસનું પોતાનું લક્ષ્ય હોવું જોઈએ અને તેને માટે મહેનત પણ કરવી જોઈએ. પરંતુ આ માટે આંધળી દોટ મૂકવાની જરૂર નથી. ખોટા માર્ગે જવાની જરૂર નથી. અને કદાચ મહેનત કરવા છતાં સારું પરિણામ ન આવે તો નિરાશ થવાની પણ જરૂર નથી. આપણા પોતાના સાધનોમાં આનંદ અનુભવી શકીએ એ સાચું સુખ છે.
જૂનાં વખતમાં બર્ફિલા પ્રદેશમાં રહેતી એસ્કિમો જાતિમાં અપરિગ્રહની જે ભાવના હતી તેનો જોટો મળવો મુશ્કેલ છે. લોકો ગરીબ હતાં પરંતુ તેઓ કોઈ ચીજનો સંગ્રહ કરતા નહોતાં. તેઓ એકબીજાની ચીજો અને વસ્તુઓ બદલતા રહેતા હતાં. કોઈને પોતાની વસ્તુ ગમી તો કોઈ પણ જાતના ખચકાટ વગર આપી દેતા હતા. આમાં તેઓ ખૂબ આનંદ અનુભવતાં હતાં અને પોતાનું અહોભાગ્ય સમજતાં હતાં. તેઓ આજનું સુખ માણતાં હતાં. આવતી કાલની તેમને કોઈ ચિંતા નહોતી. સુખ અને દુ:ખને તેઓ વહેંચી લેતા હતાં. આ જાતિના લોકો માનતા હતા કે કોઈને પોતાની વસ્તુ ગમી તો એની થઈ ગઈ. આ જાતિના એક વૃધ્ધ આગેવાનને આ પ્રકારની ભાવનાનું કારણ પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે વસ્તુઓ કોઈની માલિકીની હોતી નથી. આજે મારી પાસે છે આવતી કાલે બીજા કોઈની પાસે હોઈ શકે છે તેથી તેના પર મોહ રાખવાની જરૂર નથી. બીજું વસ્તુ હાથમાં આવી જાય અને તમે ઉપયોગ કરી લીધો પછી એ ચીજ તમારા માટે વ્યર્થ બની જાય છે. ચીજ આપણી પાસે હોતી નથી ત્યાં સુધી જ તેનું આકર્ષણ રહે છે. મળી ગઈ તો વાત પતી ગઈ. કશી પક્કડ રહેતી નથી. અને ત્રીજું કારણ એ છે તમે આપી શકો છો ત્યારે જ તમને તેના માલિક હોવાનો અહેસાસ થાય છે. તમે જે આપી શકતા નથી તેના તમે માલિક નથી. તે વસ્તુ પરનું તમારું પ્રભુત્વ નથી.
આપણી પાસે કેટલી વસ્તુ છે તે મહત્ત્વનું નથી પરંતુ તે વસ્તુ સાથે આપણે કેટલા બંધાયેલા છીએ તે મહત્ત્વનું છે. આ મારું અને આ તારું એવો વિચાર પરિગ્રહમાંથી જન્મે છે પરિગ્રહ ન હોય તો લોભ અને ઈર્ષા અને અદેખાઈ ના રહે. જે કાંઈ મળે તેમાં સંતોષ અનુભવી શકાય. જીવનમાં જે કંઈ આવે તેનો સ્વીકાર. સુખ તો સુખ, દુ:ખ તો દુ:ખ કોઈ બાબત પરેશાન કરી શકે નહીં. જીવન સરળ અને શાંત બની જાય અને કોઈ જાતનો કોઈ જાતનો માથા પર બોજ રહે નહીં.