Homeઉત્સવઆઈપીઓની કતાર જેટલી લાંબી થશે તેટલી તકેદારીની વધુ જરૂર રહેશે

આઈપીઓની કતાર જેટલી લાંબી થશે તેટલી તકેદારીની વધુ જરૂર રહેશે

ઊંચા લિસ્ટિંગ બાદ ભાવ કેટલો સમય ઊંચા ટકી રહેશે તેની કોઈ ખાતરી મળી શકે નહીં

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

શેરબજારની તેજી, સેન્ટીમેન્ટમાં અને પ્રવાહિતામાં સતત સુધારો, રોકાણકારોનો ઉત્સાહ, લિસ્ટિંગમાં જ ભાવ ઉછાળા સાથે કમાઈ લેવાનું આકર્ષણ વગેરે જેવા કારણોસર આઈપીઓ માર્કેટ ફરીવાર જોરમાં આવી ગયું છે, જયાં રોકાણકારોએ માત્ર અંજાઈને રોકાણ કરવાને બદલે અભ્યાસ કરીને ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સાર રહેશે.
સેક્ધડરી માર્કેટ તો જોરમાં છે જ, ગ્લોબલ પરિબળોને બાજુએ મુકીને પણ આપણી શેરબજાર એકંદરે વધતી રહી નવી ઊંચાઈ હાંસલ કરતી જાય છે. આશાવાદ પણ નવેસરથી વધતો રહે છે. પરિણામે નવી કંપનીઓ મોકો જોઈ ચોકો મારવા તૈયાર છે અને કેપિટલ માર્કેટમાં પ્રવેશવા માટે કતારમાં આવતી જાય છે. અલબત્ત, હવે સમય પારખી અને ભૂતકાળના અનુભવના આધારે આઈપીઓની કવાલિટીમાં સુધારો પણ થવા લાગ્યો છે. વધુમાં બજારની વોલેટિલિટી સાથે ઓવરઓલ તેજીનો કરન્ટ ઉમેરાયો હોવાથી હવે આઈપીઓની એક કતાર બજારમાં અને બીજી કતાર સેબી પાસે મંજૂરી માટે પણ લાગી છે. ૨૦૨૨ની વાત કરીએ તો આ દરમિયાન આવેલા આઈપીઓમાંથી ૭૫ ટકાથી વધુ આઈપીઓના ભાવ તેની ઓફર પ્રાઇસથી ઊંચા બોલાઈ રહયા છે, જે તેની કવાલિટીનાં પુરાવા કહી શકાય. અલબત્ત, કયાંક ભાવોની રમત પણ હોઈ શકે, કેમ કે આ આઈપીઓના ભાવોમાં ગ્રે માર્કેટ-બિનસત્તાવાર બજારની વધઘટ પણ શરૂના દિવસોમાં અસર કરતી હોય છે, જોકે ૨૫ ટકા એવા આઈપીઓને પણ યાદ રાખવા જોઈએ, જેણે નિરાશ કર્યા છે. આ મામલે મહત્ત્વની વાત એ છે કે નિયમન સંસ્થા સેબી (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કેટલાંક નિરાશાજનક આઈપીઓના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ઓફર દસ્તાવેજોની ચકાસણી હવે વધુ ઝીણવટપૂર્વક કરવાનો અભિગમ અપનાવ્યો છે, જેને લીધે આઈપીઓના કિલઅરન્સમાં વધુ સમય લાગવાનું બની શકે. આમ તો ઓફરોની સંખ્યા વધવાથી પણ સમય લાગી રહયો છે. ચોકકસ આઈપીઓમાં રોકાણકારોએ નાણાં ખોયા હોવાથી સેબી આ બાબતે વધુ સજાગ બન્યું છે. એક અભ્યાસ મુજબ ૨૦૨૧માં ૬૬ આઈપીઓ લિસ્ટિંગ બાદ તેમાંથી ૨૭ આઈપીઓ હજી પણ ઓફર પ્રાઇસથી નીચા ભાવે બોલાઈ રહયા છે. જોકે ૨૦૨૨માં ૨૩ આઈપીઓમાંથી ૧૮ આઈપીઓના ભાવ ઓફર પ્રાઇસથી ઊંચા બોલાઈ રહયા છે.
વેલ્યુએશન મામલે વધુ સજાગતા
મહત્ત્વની વાત એ છે કે સેબી હવે આઈપીઓ લાવતી કંપનીઓને શેરના વેલ્યુએશન બાબતે પણ ભારપૂર્વક પૂછે છે અને ઝીણી-ઝીણી બાબતો પર સવાલ ઊઠાવીને સ્પષ્ટતા માગે છે, જેને કારણે ઘણાં આઈપીઓના કિસ્સામાં સેબીએ મંજૂરી માટે ૨૦૦ થી ૪૦૦ દિવસ કરતા વધુ સમય પણ લીધો છે. જેથી એક આશા એવી જાગી રહી છે કે હવે આઈપીઓની ઓફર પ્રાઈસ માર્કેટમાં સ્વીકાર્ય બને અથવા વાજબી ગણાય એવી બનવાની આશા વધી છે. અમુક આઈપીઓએ પ્રતિકુળ સંજોગો જોઈને પોતાની ઓફર મોકુફ રાખી હોવાનું પણ બન્યું છે.
રાજી-નારાજીવાળા આઈપીઓ
રોકાણકારોને સારું વળતર અપાવવામાં સફળ રહયા હોય એવા આઈપીઓમાં અદાણી વિલ્માર, વેરાન્ડા લર્નિગ, વિનસ પાઈપ્સ, કેમ્પસ એકટિવવેર, હરીઓમ પાઈપ, વેદાંત ફેશન, ઈલેકટ્રોનિકસ માર્ટ, એથર ઈન્ડ., પેરાદીપ ફોસ્ફેટ, ડ્રીમફોલ્ક સર્વિસીસ, રેઈનબો ચિલ્ડ્રન્સ, સિરમા એસજીએસ ટેકનોલોજીસ, હર્ષા એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. રોકાણકાર વર્ગને સૌથી વધુ નિરાશ કરનાર કોઈ કંપની હોય તો એ સરકાર હસ્તકની જ લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) રહી છે. જોકે તે આગળ જતાં કંઈક એવું કરશે, જેમાં રોકાણકારોનો વિશ્ર્વાસ પુન: જીતી શકાય એવી ઉમ્મીદ છે. આ સાથે દેલ્હીવેર નામની કંપનીના ઈસ્યૂએ પણ રોકાણકારોને નિરાશ કર્યા હતા.
આઈપીઓ તરફથી ઊભું કારાયેલું ભંડોળ
૨૦૨૧માં ૬૩ કપંનીઓએ આઈપીઓ લાવી આશરે ૧.૧૯ લાખ કરોડ રૂપિયા ઊભા કર્યા હતા, જયારે કે ૨૦૨૦માં ૧૫ કંપનીઓએ રૂ.૨૬,૬૧૩ કરોડનું ભંડોળ ઊભું કર્યુ હતું. એની સામે ૨૦૨૨ના આઈપીઓ એકંદરે બહતેર ગણી શકાય. હાલ ૭૧ જેટલા નવા આઈપીઓ બજારમાં આવવાની તૈયારી કરી રહયા હોવાના અહેવાલ છે અને તેઓ બધી મળીને રૂ.૧.૦૫ લાખ કરોડનું ભંડોળ એકત્ર કરશે. અન્ય ૪૩ કંપનીઓએ સેબીને રૂ.૭૦,૦૦૦ કરોડ બજારમાંથી એકત્ર કરવાની દરખાસ્ત સુપરત કરી છે, જેમના ઈશ્યૂને હજી મંજૂરી મળવાની બાકી છે. આ કુલ ૧૧૪ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓ ન્યૂ એજ ટેકનોલોજી કંપની છે, જે આશરે રૂ.૩૫,૦૦૦ કરોડ એકત્ર કરવા માગે છે. આ ઉપરાંત એપીઆઈ હોલ્ડિંગ્સ, સનાતન ટેક્સટાઈલ્સ, પુરાણિક બિલ્ડર્સ, પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ, કેવેન્ટર એગ્રો અને એશિયાનેટ સેટેલાઈટ કોમ્યુનિકેશન્સનો સમાવેશ પણ આઈપીઓ લાવી રહેલી કંપનીઓની યાદીમાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ છ મહિનામાં ૧૪ કંપનીઓએ આઈપીઓ મારફત રૂ.૩૫,૪૫૬ કરોડ એકત્ર કર્યા છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલી રકમમાં સૌથી અધિક એટલે કે ૫૮ ટકા હિસ્સો લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી)નો રહ્યો હતો. એલઆઈસીએ રૂ.૨૦,૫૫૭ કરોડ એકત્ર કર્યા હતા. એ પછીના ક્રમે દેલ્હીવેર (રૂ.૫,૨૩૫) અને રેઈનબો ચિલ્ડ્રન્સના (રૂ.૧,૫૮૧ કરોડ) હતા. યાદ રહે, ફિનટેક અને ન્યુએજ તેમ જ ટ્રેક રેકોર્ડ વિનાની કંપનીઓથી વધુ સાવચેત રહેવું જોઈશે.
નાના રોકાણકારોનો મોટો ફાળો
તાજેતરના ઈસ્યૂઓમાં મેદાંતા ગ્લોબલ હેલ્થ લિ.
૨૦ ટકા ઊંચો લિસ્ટ થયો, બિકાજી સાત ટકા ઊંચો લિસ્ટ થયો, આમ એકંદરે મોટાભાગના આઈપીઓ ઊંચા લિસ્ટિંગ મેળવી રહયા છે, એમ તો નીચા લિસ્ટિંગના પણ દાખલા છે. અલબત્ત, લિસ્ટિંગના ભાવને કોઈ ચોકકસ કાયમી માપદંડ બનાવી શકાય નહીં. આગળ જતાં આ ભાવો કેટલા સમય સુધી ઊંચા ટકશે યા વધતા રહેશે એ સવાલના જવાબની કોઈ ખાતરી મળી શકે નહીં. અલબત્ત, હાલ તો આઈપીઓની સફળતામાં મોટો ફાળો રિટેલ ઈન્વેસ્ટર્સનો રહયો છે, જેમનો માર્કેટમાં વિશ્ર્વાસ વધી રહયો છે અને શેરબજારની તેજી તેમાં વધુ આશા ઉમેરી રહી છે. આમ પણ બજારમાં હાલ પ્રવાહિતા ભરપૂર અને સેન્ટીમેન્ટ મજબૂત હોવાથી રોકાણકારો જોરમાં છે. લોકો પાસે ભંડોળ હોવાથી રોકાણ માટે સારા સાધનો કે તક જોઈતી હોય છે. આવામાં કોઈ લેભાગુઓ ચાલાકીપૂર્વક લલચાવીને તમારા નાણાં સેરવી ન લે એ માટે સજાગ રહેજો દોસ્તો….ખાસ કરીને ફિનટેક- ન્યુએજ કંપનીઓ, માત્ર એપ્સ આધારિત કંપનીઓ કે રિઅલ્ટી કંપનીઓ પ્રત્યે વધુ સજાગ રહેવામાં શાણપણ.
———-
તાતા ગ્રૂપની નવી પહેલ: કોન્ફિડન્સિયલ પ્રિ-ફાઈલિંગ
સેબીએ થોડો વખત પહેલાં આઈપીઓ લાવવા ઈચ્છતી કંપનીઓ માટે એક ખાસ સુવિધા જાહેર કરી હતી, જે મારફત કંપની પોતાના હરીફોથી સજાગ રહેવા સેબી સમક્ષ તેના ઓફર દસ્તાવેજોનું કોન્ફિડન્સિયલ ફાઈલિંગ કરી શકે. આ વિષયમાં તાતા ગ્રૂપે પહેલ કરી હોવાનું જાણવા મળે છે. દેશની સૌથી મોટી ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર કંપની તાતા પ્લે (અગાઉનું નામ તાતા સ્કાય) પોતાના આઈપીઓ માટે સેબીમાં કોન્ફિડન્સિયલ પેપર્સ ફાઈલ કરે એવી શકયતા છે. આ કંપની પોતાના સેકટરમાં ૩૩ ટકાથી વધુ માર્કેટ હિસ્સો ધરાવે છે. હવે તે ઓટીટી અને બ્રોડબેન્ડ સર્વિસ ક્ષેત્રે પણ પ્રવેશી છે. હાલ તેના સાત કરોડ આસપાસ સબ્સક્રાઈબર્સ છે. તેના વર્તમાન શેરધારકોમાં તાતા સન્સ, ડિઝની ટિમાસેક, તાતા ઓર્પ્યુનિટીઝ ફંડ અને તાતા કેપિટલ છે. તેના હરીફોમાં ડિશ ટીવી, સન ડાયરેકટ ટીવી, ભારતી ટેલિમીડિયાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular