બંગાળી રિમેકનો બુલંદ ઈતિહાસ

મેટિની

સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાનું ચલણ હાલ જોરમાં છે. જોકે બંગાળી ફિલ્મોની રિમેકનો સિલસિલો વર્ષો જૂનો છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રિમેકનું ચલણ અત્યારે જોરમાં છે. એક અહેવાલ પ્રમાણે સાઉથની વીસેક ફિલ્મની રિમેક બનાવવાના પ્રયત્નો જોરશોરમાં ચાલી રહ્યા છે. અલબત્ત એમાંથી કેટલી બનશે અને કેટલી ચાલશે એ તો અત્યારે અટકળના વિષયથી વિશેષ કશું જ નથી. હિન્દી ફિલ્મના ઈતિહાસના અભ્યાસુઓના કહેવા પ્રમાણે રિમેક કે ડબ ફિલ્મોની શરૂઆત આજથી સિત્તેરેક વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે. સામાજિક ફિલ્મોનું લેબલ ધરાવતા ચિત્રપટ બનાવવા માટે જાણીતા એસ. એસ. વાસન અને તેમની ફિલ્મ કંપની જેમિની સ્ટુડિયોનું નામ આ પરંપરા સાથે સંકળાયેલું છે. ૧૯૪૮માં વાસને તગડા બજેટમાં તમિળમાં ‘ચંદ્રલેખા’ નામની ફિલ્મ બનાવી હતી. કમનસીબે આ ફિલ્મ સમગ્ર દક્ષિણ ભારતમાં બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. એ વખતે ‘ચંદ્રલેખા’ને હિંદીમાં ડબ કરી રિલીઝ કરવાની સલાહ વાસને સ્વીકારી લીધી. અલબત્ત કેટલાક હિસ્સાનું શૂટિંગ હિંદીમાં કરવામાં પણ આવ્યું. ‘ચંદ્રલેખા’ને હિંદીમાં જબરદસ્ત સફળતા મળી. આ સફળતાનો સ્વાદ મિસ્ટર વાસને તો ચાખ્યો જ, પણ એનાથી અનેકગણો મોટો લાભ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થયો. આ ફિલ્મની સફળતાને પગલે સાઉથના બેનર્સ માટે હિંદી ફિલ્મ જગતનો દરવાજો ખુલી ગયો. સાઉથની રિમેકના ઈતિહાસ પર નજર નાખતા દિલીપ કુમાર – મીના કુમારીની ‘આઝાદ’નું સ્મરણ થાય. આ ફિલ્મ એકથી વધુ કારણોસર નોંધપાત્ર હતી. સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટ્રેજેડી કિંગ અને ટ્રેજેડી ક્વિનનો ખિતાબ ધરાવતા હીરો – હીરોઈન ફિલ્મમાં હળવાફૂલ પાત્રમાં હતા. જોકે, નોંધવા જેવી વાત એ છે એ સાઉથની રિમેક કરતા જૂનો ઇતિહાસ બંગાળી ફિલ્મોની રિમેકનો છે. અલબત્ત એક મુખ્ય ફરક એ છે કે સાઉથની સોશિયલ અને એક્શન ફિલ્મોની રિમેક બની છે જ્યારે સંવેદનશીલ વિષયોની સાહિત્ય કૃતિ પરથી બનેલી બંગાળી ફિલ્મોની રિમેક બની છે.
બંગાળી સાહિત્યિક કૃતિઓ માટેનો આદર જાણીતો છે. બંગાળી વાર્તા – નવલકથા પરથી બનેલી બંગાળી ફિલ્મોની હિન્દી રિમેકનો ઈતિહાસ સાઉથની ફિલ્મો કરતા જૂનો માનવામાં આવે છે. સ્મૃતિને ઢંઢોળીએ એટલે સૌપ્રથમ સ્મરણ થાય ‘દેવદાસ’નું. શરદબાબુની અત્યંત લોકપ્રિય નવલકથા પરથી ૧૯૨૮માં બંગાળીમાં ‘દેવદાસ’ બની. ત્યારબાદ કલકત્તાના ન્યુ થિયેટર્સના બેનર હેઠળ પી. સી. બરુઆએ ૧૯૩૫માં બંગાળી અને હિંદીમાં સાથે ‘દેવદાસ’ બનાવી. હિન્દી સંસ્કરણમાં કુંદનલાલ સેહગલ મુખ્ય પાત્રમાં હતા. ત્યારબાદ બિમલ રોયે દિલીપ કુમારને લઈને અને સંજય લીલા ભણસાલીએ શાહરુખ ખાનને ચમકાવી આ જ ફિલ્મ બનાવી. રસપ્રદ વાત એ છે કે બરુઆની ફિલ્મમાં બિમલદા કેમેરામેન હતા અને ૨૦ વર્ષ પછી તેમણે એ જ ફિલ્મ ડિરેક્ટ કરી. શરદબાબુની જ અન્ય લોકપ્રિય નવલકથા ‘પરિણીતા’ પરથી બિમલ રોયે અશોક કુમાર અને મીના કુમારીને લઈને ફિલ્મ ૧૯૫૩માં બનાવી હતી. એના પાંચ દાયકા પછી વિધુ વિનોદ ચોપરાના નિર્માણ હેઠળ પ્રદીપ સરકાર દિગ્દર્શિત ‘પરિણીતા’ આવી જેમાં સૈફ અલી ખાન, સંજય દત્ત અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા.
બંગાળી ભાષાની વાત નીકળે એટલે ગુરુ રવીન્દ્રનાથ ટાગોરનું નામ તરત આંખો સામે તરવરે. ‘અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન’ જેવું સદાબહાર ગીત ધરાવતી ફિલ્મ ‘કાબુલીવાલા’ ટાગોરની કૃતિ પર આધારિત હતી. સૂકા મેવાનું વેચાણ કરતા અફઘાની વિક્રેતાના પુત્રીપ્રેમને કેન્દ્રમાં રાખી બનેલી આ હૃદયસ્પર્શી ફિલ્મની રિમેક મનોજ કુમારને લઈને બનાવવાની વાત કેટલાક વર્ષ પહેલા થઈ હતી. જોકે, અકળ કારણોસર વાત હકીકત ન બની શકી. ધર્મેન્દ્ર – મીનાકુમારીને લઈને બનેલી હૃષીકેશ મુખરજીની ‘મજલી દીદી’ બંગાળી ફિલ્મ ‘મેજ દીદી’ (૧૯૫૦)ની રિમેક હતી. તેમની મજેદાર ફિલ્મ ‘ચુપકે ચુપકે’ જો તમે જોઈ હશે તો આજે પણ નહીં ભૂલ્યા હો. આ ફિલ્મ બંગાળી ચિત્રપટ ‘છદ્મબેશી’નો હિંદી અવતાર હતી. હ્રષિદાની જ ‘બાવર્ચી’ (૧૯૭૨) પણ તપન સિંહાની ૧૯૬૬ની બંગાળી ફિલ્મ ‘ગલ્પા હોલિયો સત્તિ’ પર આધારિત હતી. જાણવા જેવી વાત એ છે આ હિંદી સંસ્કરણથી પ્રભાવિત થયેલા સાઉથના ફિલ્મમેકરોના પ્રયત્નોથી એક વાર તમિળમાં અને બે વાર કન્નડમાં એની રિમેક બની હતી. ‘આરાધના’ પછી શક્તિ સામંતે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરને લઈ સંવેદનશીલ ફિલ્મ ‘અમર પ્રેમ’ બનાવી હતી જે બંગાળી ફિલ્મ ‘નિશી પદ્મા’ પર આધારિત હતી. સ્વતંત્ર દિગ્દર્શક તરીકે ગુલઝારની પહેલી ફિલ્મ ‘મેરે અપને’ પણ નેશનલ ઍવૉર્ડ જીતનારી બંગાળી ફિલ્મ ‘આપનજન’ પર આધારિત હતી. બંગાળી ડિરેક્ટર આસિત સેને પોતાની જ બે ફિલ્મની રિમેક બનાવી હતી. પહેલી હતી ‘મમતા’ જે નેશનલ ઍવૉર્ડ વિજેતા ‘ઉત્તરા ફાલ્ગુની’ની રિમેક હતી જ્યારે ‘ખામોશી’ બંગાળી ફિલ્મ ‘દીપ જવેલે જાય’ની રિમેક હતી. વિજય આનંદ અને જયા ભાદુડીને લીડ રોલમાં ચમકાવતી ‘કોરા કાગઝ’ પણ ૧૯૬૩ની બંગાળી ફિલ્મ ‘સાત પાકે બાંધા’ની રિમેક હતી. ઉત્તમ કુમારે પોતાની જ ફિલ્મ ‘અગ્નિપરીક્ષા’ (૧૯૫૫)ની રિમેક ‘છોટી સી મુલાકાત’ (૧૯૬૭) બનાવી હતી. ઉત્તમ કુમાર એના નિર્માતા પણ હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવી પીટાઈ ગઈ કે ઉત્તમ કુમારની હાલત બગડી ગઈ હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.