Homeઆમચી મુંબઈઆફતાબના કેસમાં સ્થાનિક પોલીસે તત્કાળ કાર્યવાહી કરવી જોઇતી હતી

આફતાબના કેસમાં સ્થાનિક પોલીસે તત્કાળ કાર્યવાહી કરવી જોઇતી હતી

ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ પોલીસની ગંભીર ભૂલ ગણાવી

વિરોધ પ્રદર્શન: આફતાબ પૂનાવાલાએ લગ્નોત્સુક શ્રદ્ધા વાલકરની હિચકારી હત્યા કરી તેનો વિરોધ કરવા અને આફતાબને ફાંસીની સજા આપવાની માગણી સાથે લઘુમતી કોમના યુવાનોએ ગુરુવારે દેખાવો કર્યાં હતા. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: લિવ-ઇન-પાર્ટનર આફતાબ મારી હત્યા કરશે અને મૃતદેહના ટુકડા કરી નાખશે, એવી શ્રદ્ધા વાલકરે ૨૦૨૦માં નોંધાવેલી લેખિત ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે તુરંત પગલાં લેવાં જોઇતાં હતાં, એવો મત રાજ્યના ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.
શ્રદ્ધાની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે તેનું નિવેદન નોંધવું જોઇતું હતું. ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવી જોઇતી હતી. જોકે અમુક અધિકારીએ શ્રદ્ધાએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી તેને દોષ આપ્યો હતો.
શ્રદ્ધાએ નવેમ્બર, ૨૦૨૦માં વસઇના તુલિંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. જોકે પોલીસે બાદમાં શ્રદ્ધાનો સંપર્ક કરતાં તેણે આફતાબ સાથે સમજૂતી થઇ ગઇ હોવાનું જણાવીને ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે તપાસ કરાશે, એવું જણાવ્યું છે.
ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રેમ ક્રિશન જૈને જણાવ્યું હતું કે શ્રદ્ધાએ લેખિત ફરિયાદ આપ્યા બાદ તેનું નિવેદન નોંધવું જોઇતું હતું અને એફઆઇઆર દાખલ કરવો જોઇતો હતો. પોલીસની તે ફરજ છે. શ્રદ્ધાએ ૨૦ દિવસ બાદ ફરિયાદ પાછી ખેંચી લીધી, જે દર્શાવે છે કે તે દબાણ હેઠળ હતી. આથી આરંભમાં ફરિયાદ પર પોલીસે પગલાં કેમ નહીં લીધાં, તેની તપાસ થવી જોઇએ.
ભૂતપૂર્વ ડીજીપી ડી. શિવાનંદને જણાવ્યું હતું કે પોલીસે મહિલાઓની સુરક્ષાને અગ્રતા આપવી જોઇએ. મહિલા દ્વારા નોંધાતી ફરિયાદોને ગંભીરતાથી લેવી જોઇએ અને યોગ્ય પગલાં લેવાં જોઇએ. શ્રદ્ધાની ફરિયાદ બાદ પોલીસે આફતાબને બોલાવીને તેની સામે પગલાં લેવાં જોઇતાં હતાં. જોકે શ્રદ્ધાએ બાદમાં ફરિયાદ પાછી ખેંચી લીધી હોય તો તેમાં પોલીસની ભૂલ નથી. જો ફરિયાદ દૃઢ ન હોય અને યુગલ વચ્ચે સંબંધ હોય તો પોલીસ કશું કરી નહીં શકે. ફરિયાદ પાછી ખેંચી લીધા બાદ પગલાં લેવાની કોઇ જોગવાઇ નથી.
રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી પ્રવીણ દીક્ષિતે કહ્યું હતું કે જો મહિલા ફરિયાદ લઇને આવે તો તેની ગંભીર દખલ લેવી જોઇએ અને કેસમાં પૂછપરછ કરવા પોલીસ કર્મચારીને મોકલવો જોઇએ. આવા કિસ્સામાં પોલીસે ફરિયાદી સાથે જઇને પગલાં લેવાં જોઇએ. કોર્ટે પણ બિનદખલપાત્ર ગુનાની પોલીસ દ્વારા કરાતી તપાસ સામે વાંધો ન ઉઠાવવો જોઇએ, કારણ કે તે ઘરેલું હિંસા સંબંધી હોય છે. સરકારે નિર્દેશ જારી કરવા જોઇએ કે ઘરેલું હિંસાની ફરિયાદ થતાં જ એક કલાકમાં પોલીસકર્મીને પૂછપરછ કરવા મોકલવો જોઇએ.
શ્રદ્ધાના કિસ્સામાં પીએસઆઇએ બે-ત્રણ વાર તેને બોલાવી હતી. તે હોસ્પિટલમાં દાખલ થઇ ત્યારે હોસ્પિટલ પ્રશાસને પણ પોલીસને માહિતી આપી નહોતી. પોલીસ ત્રણ સપ્તાહ બાદ પૂછપરછ કરવા ગઇ, જ્યારે આફતાબનાં માતા-પિતાએ
કહ્યું કે તેમનો પુત્ર શ્રદ્ધા સાથે પરણી જશે, જેને લઇ શ્રદ્ધાએ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)
———-
પોલીસે ભાયંદર ખાડીમાં મોબાઇલની શોધ આદરી
મુંબઈ: કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરની હત્યાના કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે ગુરુવારે ભાયંદર ખાડીમાં મોબાઇલની શોધ ચલાવી હતી. મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના અધિકારીઓની મદદથી મોબાઇલની શોધ ચલાવવામાં આવી હતી. દિલ્હી પોલીસની ટીમ છેલ્લા કેટલાક દિવસથી વસઇમાં ધામા નાખીને છે. તેમણે શ્રદ્ધા અને આફતાબના મિત્રો, સંબંધીઓ અને બંને જણ જ્યાં ભાડે રહેતા હતા ત્યાંના માલિકો સહિત બે ડઝનથી વધુ લોકોની પૂછપરછ કરીને તેમનાં નિવેદન નોંધ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મહરૌલી વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના ૩૫ ટુકડા કર્યા હતા, જે ત્રણ સપ્તાહ સુધી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા.
——
આફતાબ પૂનાવાલા શ્રદ્ધાને સિગારેટના ડામ આપતો: મિત્રનો દાવો
મુંબઈ: શ્રદ્ધા વાલકરની નિર્દયતાથી હત્યા કરવા બદલ પકડાયેલા લિવ-ઇન-પાર્ટનર આફતાબ પૂનાવાલા શ્રદ્ધાને સિગારેટના ડામ આપતો હતો, પણ આફતાબના વર્તનમાં બદલાવ આવવાની આશાએ તે પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળતી હતી, એવો દાવો તેના મિત્રે કર્યો હતો.
શ્રદ્ધાના કોલેજના મિત્ર રજત શુકલાએ જણાવ્યું હતું કે આફતાબ સાથે સંબંધ બંધાયા બાદ શ્રદ્ધાએ તેના પરિવારજનો અને મિત્રોથી સંપર્ક ઘટાડી નાખ્યો હતો. ૨૦૨૧માં શ્રદ્ધાએ તેની મિત્રને જણાવ્યું હતું કે મારી પીઠ પર આફતાબે સિગારેટના ડામ આપ્યા છે. આ જાણીને અમને ખૂબ દુ:ખ થયું હતું. આથી શ્રદ્ધાના મિત્રો આફતાબને મળ્યા હતા અને તેને જો તે ફરી આવું કરે તો તેની સામે પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી, એમ જણાવી શુકલાએ ઉમેર્યું હતું કે આફતાબને વધુ એક તક આપવાનું શ્રદ્ધાએ અમને કહ્યું હતું. (પીટીઆઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular