Homeઈન્ટરવલવિજ્ઞાનને શ્રદ્ધા સાથે જોડતી કડી - શ્રી રામસેતુ

વિજ્ઞાનને શ્રદ્ધા સાથે જોડતી કડી – શ્રી રામસેતુ

તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ

ગત અઠવાડિયે ફિલ્મ ‘રામ સેતુ’ જોઈ. ફિલ્મના શરૂઆતના એક-બે સંવાદ તદ્દન બિનજરૂરી છે, એને થોડીક વાર અવગણી બૃહદ પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો ફિલ્મ કલ્ચરલ જેનોસાઇડ અથવા ‘સાંસ્કૃતિક નરસંહાર’ ની વાત મૂકે છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં સાંસ્કૃતિક નિકંદનના આ વિષયનો અછડતો સ્પર્શ થયો હતો, હમણાં પ્રસિદ્ધ થયેલા મારા પુસ્તક ‘કાશ્મીરી પંડિતોની રુંધાયેલી ચીસો’માં પણ એની થોડીક વાત કરી છે. એક નાનકડું ઉદાહરણ એ છે કે ઈ.સ. ૧૦૩૦ની આસપાસ મહેમૂદ ગઝનીના જ્યોતિષી ઇરાનના અહમદ અલ બેરુનીએ એને એડમની કથા સાથે જોડ્યા હોવાનું મનાય છે. નકશા બનાવનાર બ્રિટિશ અધિકારીએ ઈ.સ. ૧૮૦૪માં સૌપ્રથમ નકશા પર એડમ્સ બ્રિજ નામે સેતુને દર્શાવ્યો હતો. રામસેતુનો ઉલ્લેખ તો છેક વાલ્મિકી રામાયણકાળથી છે. તો પણ વિકિપિડિયા પર એડમ્સ બ્રિજ નામનું પેજ છે જેમાં લખાયું છે કે એને રામસેતુ તરીકે પણ ઓળખાય છે. રામસેતુ સર્ચ કરશો તો વિકી તમને એડમ્સ બ્રિજ નામના પેજ પર લઈ જશે. ‘રામસેતુ’ ફિલ્મની શરૂઆતમાં બામિયાન બુદ્ધના વિધ્વંસવાળી ઘટના દેખાડાય છે, એ વિધ્વંસ એક પરિપ્રેક્ષ્ય છે.
બામિયાનના બુદ્ધ એ અફઘાનિસ્તાનના કાબુલથી આશરે ૧૮૦ કિલોમિટરે પહાડોમાં નિર્મિત ભગવાન બુદ્ધની બે અદ્રુત મૂર્તિઓ હતી. બે પૈકી ‘સલસાલ’ નામે ઓળખાતી પશ્ર્ચિમે હતી એ બુદ્ધની લાંબી મૂર્તિ આશરે ૫૫ મીટર ઊંચી અને પૂર્વમાં સ્થિત નાના બુદ્ધ એટલે કે ‘શમામા’ તરીકે ઓળખાતી બીજી મૂર્તિ આશરે ૩૮ મીટર ઊંચાઈની હતી. સમયાવધિ નક્કી કરવા મૂર્તિઓના મૂળ ભાગની કાર્બન ડેટિંગ પદ્ધતિથી ચકાસણી કરાઈ તો ખબર પડી કે નાની મૂર્તિ ઈ.સ. ૫૭૦ની અને લાંબા બુદ્ધની મૂર્તિ ઈ.સ. ૬૧૮ આસપાસની હતી. બામિયાન ભારત અને મધ્યના દેશો વચ્ચે વેપારમાર્ગના, સિલ્ક રૂટ પર હતું, કાશ્મીરથી લઈને અત્યારના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એમ બધે શિવાલયો, બૌદ્ધ મઠો અને મંદિરો હતાં. સાધુઓ અહીંની ગુફાઓમાં રહેતા, બીજી સદીમાં એ ધમધમતું બૌદ્ધ ઉપાસના કેન્દ્ર હતું એમ મનાય છે. આ બંને ઐતિહાસિક મૂર્તિઓને તાલિબાને મૂર્તિપૂજા પ્રત્યે ભારોભાર અણગમો હોવાથી, તેમના નેતા મુલ્લા ઉમરના આદેશથી માર્ચ ૨૦૦૧માં બોંબ અને એન્ટી એરક્રાફ્ટ તોપથી તોડી.
શ્રી રામસેતુના વિષયને લઈને ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની ચર્ચા બહુ જૂની છે. પર્શિઅન ભૂગોળવેતા ઇબ્ન ખોર્દાદબેહના ઈ.સ. ૮૭૦ની આસપાસ લખાયેલ ‘રસ્તાઓ અને રાજ્યોનું પુસ્તક’ માં ‘શ્રી રામસેતુ ને સેત બંધાઇ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. તમિલનાડુના રામેશ્વરમમાં આવેલા રામનાથસ્વામી મંદિરના રેકોર્ડ મુજબ ઈ.સ. ૧૪૮૦ સુધી આ સેતુ પાણીની ઉપર હતો અને એના પર લોકો ચાલી શક્તા. ભયાનક સમુદ્રી તોફાનને લીધે એ પાણીમાં ગરકાવ થયો એમ લખાયું છે.
ભારતની આઝાદી વખતે આપણાં દુર્ભાગ્યે જ્યારે દેશના બે ટુકડા થયા ત્યારે મુસ્લિમ લીગની માંગણી હતી કે આંદામાન અને નિકોબાર ટાપુઓ પાકિસ્તાનને મળવા જોઈએ જેથી ભારત પૂર્વ અને પશ્ર્ચિમ પાકિસ્તાન વચ્ચેના સમુદ્રી વહેવારને ન અવરોધી શકે. બ્રિટિશ ઇચ્છતા હતા કે એ ટાપુઓ તેમના જ કબજામાં રહે અને તેમનો ભારતીય સમુદ્ર પર કાબૂ રહે. જો કે આપણાં દીર્ઘદ્રષ્ટા નેતાઓએ એમ ન થવા દીધું. ભારત નૌસેના માટેના જહાજોની બાબતમાં રશિયા પર મોટાપાયે આધાર રાખતું, આંખ ખુલી ઈ.સ. ૧૯૭૧માં જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવા બંગાળના અખાતમાં યુએસએસ એન્ટરપ્રાઇઝ મોકલી આપ્યું! રશિયા પડી ભાંગ્યુ એટલે ભારતે આત્મનિર્ભર થવાનો જ ઉપાય બચ્યો. ભારતીય સમુદ્રને સુરક્ષિત કરવા અને ભારતના પૂર્વ પશ્ર્ચિમ બંદરો વચ્ચેના વ્યવહાર માટે શ્રીલંકા ફરીને ન જવું પડે – સમુદ્રી પરિવહન ભારતની જળસીમાઓમાં જ થાય એ માટે ૧૬૭ કિ.મી લાંબી અને ૮૦૦ મીટર પહોળી કેનાલ ધરાવતા સેતુસમુદ્રમ પ્રોજેક્ટનો વિચાર કરાયો હતો એમ એની પ્રારંભિક રૂપરેખામાં લખાયું છે. પ્રોજેક્ટ બહુ મોટો હતો, ખર્ચ ગંજાવર હતો એટલે અનેકવિધ સંગઠનો, રાજકીય પાર્ટીઓ અને એન.જી.ઓ વગેરેનો ચંચુપાત અવશ્યંભાવી હતો પણ અમુક કામ જે તે સમયે ન થાય તો પછી એમનું મહત્ત્વ રહેતું નથી.
ઈ.સ. ૧૮૪૫માં બ્રિટિશરોએ રામસેતુના વિસ્તારનો સર્વે કરાવ્યો હતો. જેમ્સ ટેનેન્ટ ઈ.સ. ૧૮૫૯માં પ્રસિદ્ધ એના પુસ્તક સિલોન (ભાગ ૧) માં પાદટીપમાં લખે છે, ‘એડમ્સ બ્રિજ સિલોન અને રામનાદ વચ્ચે સમુદ્ર પરિવહનના માર્ગમાં અવરોધ છે. રેતીના સ્તર પર એકઠા થયેલા પત્થરોનો સમૂહ જે ઉપરના ભાગે કઠણ છે અને નીચે તરફ આવતાં નરમ થતો જાય છે એ વાતાવરણના ફેરફારોને કારણે બદલાતા જળપ્રવાહોને લીધે ત્યાં જમા થયા છે.’ બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી જેમ્સ રેનેલે ઈ.સ. ૧૭૮૮માં તેને રમણકોઇલ (રામનું મંદિર) કહ્યો, એણે સૂચવ્યું કે છીછરા ભાગોને ડ્રેજિંગ (ઉંડા) કરીને જળમાર્ગ બનાવી શકાય. ઈ.સ. ૧૮૬૦માં અંગ્રેજોના મરીન સર્વે વિભાગના વડા કમાંડર આલ્ફ્રેડ ડુંડાસ ટેઇલરે એ વિચારને આગળ વધાર્યો અને પ્રાથમિક રૂપરેખા આપી.
શ્રીરામ સેતુ તોડી, એ ભાગ ઊંડો કરી ત્યાં વહાણોના પરિવહન માટે માર્ગ બનાવવા સેતુસમુદ્રમ શિપિંગ કેનાલ પ્રોજેક્ટ આરંભાયો. કેન્દ્રમાં સરકારના સાથી ડી.એમ.કે ના કરુણાનિધિનો એ માનીતો પ્રોજેક્ટ હતો તો સામે પક્ષે જયલલિતા એના વિરોધી હતાં. જયલલિતાએ માગ કરી કે રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે. ડી.એમ.કે સેતુસમુદ્રમ કેનાલને ૧૫૦ વર્ષ જૂનું તમિલ સ્વપ્ન ગણાવે છે. જો કે કેનાલ બનવાથી તમિલનાડુનો મત્સ્યોદ્યોગ પડી ભાંગવાનો હતો અને નાના માછીમારોની જીવાદોરી ભયમાં મૂકાવાની હતી, પણ સેતુસમુદ્રમ કેનાલથી તુતિકોરીન બંદર ધમધમતું થઈ જવાનું હતું. વળી પ્રોજેક્ટ પૂરો થયા પછી એ કેનાલ માંથી પસાર થનાર જહાજોને ત્યારે શ્રીલંકામાં પ્રભાવી એલ. ટી. ટી. ઈનો પણ ભય હતો. જો એ કેનાલમાં કોઈક જહાજ ડૂબે તો એને કાઢતા બહુ લાંબો સમય જાય.
કોઈપણ પ્રોજેક્ટમાં સૌપ્રથમ તેની ટેક્નિકલ અને આર્થિક શક્યતાઓનો અભ્યાસ કરાય છે જેથી પ્રોજેક્ટની શક્યતા નક્કી થાય. સાથે પર્યાવરણ પર એની સંભવિત અસરોનો અભ્યાસ થાય, પ્રાથમિક પરિણામ જો અનુકૂળ હોય તો મંજૂરીઓ મળે એ પછી વિગતે આખો પ્રોજેક્ટ રિપોર્ટ બને. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ એ સ્તરે જ આખો બંધ થઈ જવો જોઈતો હતો. ઈ.સ. ૧૮૪૫ – ૧૯૩૫ના સમયગાળામાં જ્યારે એનો વિચાર થયો હશે ત્યારે એ કદાચ અત્યંત ઉપયોગી હોય, પણ ત્યારના જહાજો અને આજના જહાજોની ક્ષમતા વચ્ચે બહુ મોટો ફરક છે. સેતુસમુદ્રમ પ્રોજેક્ટથી બનનારી કેનાલ ફક્ત ૩૦૦૦૦ ટનના નાના જહાજોને જ માર્ગ આપી શકે એમ હતી. જગતભરની કેનાલના અભ્યાસથી એ ખબર પડે છે કે એમાં પસાર થવા લાગતો સમય અને ચૂકવવો પડતો ચાર્જ શિપિંગ કંપનીઓને ભારે પડે છે. સેતુસમુદ્રમ કેનાલમાં ઝડપ ઘટવાથી જહાજોને સમયની ખાસ બચત થતી નહોતી. આર્થિક રીતે પણ એ પરવડે એમ નહોતું. વળી એમ કરવા જતાં ત્યાંના પર્યાવરણ અને અતિ સંવેદનશીલ સમુદ્રી જીવનને પણ એ ભારે નુક્સાન કરનાર હતો. ઈ.સ. ૧૯૫૫માં સરકારે પ્રોજેક્ટની શક્યતાના અભ્યાસ માટે કમિટી બનાવી. ત્યારથી ઈ.સ. ૧૯૮૦ સુધીમાં પાંચ પ્રસ્તાવ સરકાર પાસે આવ્યા જેમાં એકથી વધુ વૈકલ્પિક માર્ગ હતાં.
૨ જુલાઈ ૨૦૦૫ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહની સરકારે ડ્રેજિંગનું કામ શરૂ કરવા સેતુસમુદ્રમ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી, ભારે વિરોધ થયો. ૧૯ જૂન ૨૦૦૭ના દિવસે હાઇકોર્ટે હુકમ આપી સરકારે આર્કિઓલોજીકલ સર્વે કરાવ્યો છે કે નહીં એમ પૂછ્યું, અને વિગતો સાથે જવાબ માંગ્યો. ૩૧ ઑગસ્ટ અને ૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭ના હુકમમાં સુપ્રીમકોર્ટે રામસેતુ તોડવાની મનાઈ કરતો હુકમ આપ્યો. ઈ.સ. ૨૦૦૮ માં પ્રોજેક્ટ વિશે વિગતે તપાસ કરવા આર. કે. પચૌરીની અધ્યક્ષતામાં આઠ સભ્યોની કમિટી બનાવાઈ જેણે રિસર્ચ પછી કહ્યું કે એ પ્રોજેક્ટ આર્થિક કે પર્યાવરણની રીતે યથાર્થ નથી. સરકારે કમિટીના રિપોર્ટને ફગાવી દીધો અને આગળ વધવાનું નક્કી કર્યું. સરકારે કોર્ટમાં સોગંદનામું કરીને કહ્યું કે રામસેતુ માનવે બનાવ્યો હોવાના કોઈ પુરાવા નથી. એ રીતે શ્રીરામના અસ્તિત્વ પર, ઇતિહાસ પર પ્રશ્ર્નાર્થ મૂકાયો અને દેશભરમાં રોષ ફાટી નીકળ્યો. વિરોધ પક્ષે સરકાર પર પસ્તાળ પાડી અને દેશની માફી માગવા કહ્યું. વિરોધને જોઈ સરકારે ફેરવી તોળ્યું, કહ્યું કે શ્રીરામ ભારતની સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. ચૂંટણીઓની તૈયારી થઈ અને સરકારે પ્રોજેક્ટ પડતો મૂક્યો.
ડિસેમ્બર ૨૦૧૫માં અન્ના યુનિવર્સિટી અને મદ્રાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ દ્વારા ફાળવાયેલા અનુદાનથી રિસર્ચ કર્યું. તેમને જાણવા મળ્યું કે ૨૦૦૪ના ભયંકર સુનામીની પણ મન્નારના અખાત તરફ વિશેષ અસર થઈ નહોતી. રામેશ્ર્વરમ પાસે એકદમ ઊભા ઢાળવાળા દરિયાઈ સ્તરોની એથી જાણ મળી. એ ઢોળાવ દરિયા તરફ ઊંડો હતો અને રામસેતુ તરફ આવતાં સપાટીએ આવી જતો. દરિયાની વચ્ચે એક રેતીનો પટ્ટો હોય એવી એ રચના હતી.
એ ઢોળાવમાં પાણીની ૨૬૦ મીટરની ઊડાઈ પછી માટીના સ્તરમાંથી પરવાળા અને છીપલાંના અવશેષો મળ્યાં જે પૂર્વ ભારતના દરિયા કિનારા પર ક્વચિત જ મળે છે. એ અવશેષ અમેરિકાની બીટા એનાલિટિક્સને મોકલાયા જેણે કાર્બન ડેટિંગ પદ્ધતિથી એની ઉંમર શોધવાની હતી. દરિયાઈ જમીનમાં ૯૪ થી ૧૩૨ સેમીની ઊડાઈએ મળેલા અવશેષ આશરે ૧૮૪૦૦ વર્ષ જૂના હતાં. પણ ઉપરના સ્તરની રેતીમાંના અવશેષ આશરે ૪૦૦૦ વર્ષ જૂના હતાં.
સેતુની નજીકના અવશેષ જિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ લેવડાવ્યાં, કુલ દસ બોર કરાયાં જેના નમૂના જેમ હોય એ જ અવસ્થામાં લઈ લેબોરેટરીમાં અભ્યાસ કરી શકાય. પાણીના સ્તર પછી જમીનના ઉપરના છ મીટર રેતીનું સ્તર હતું, એની નીચે રેતીનો પત્થર, પરવાળાના અવશેષ, મધ્યમથી મોટા પત્થરના ટુકડા મળ્યાં. એ ચારથી પાંચ મીટરના થર પછી પાછી રેતી મળી. પત્થરના ટુકડાની ઉંમર લગભગ ૭૦૦૦ થી ૭૩૦૦ વર્ષ આંકવામાં આવી. પરવાળા પાણીમાં ટકતાં નથી, એને વિકસવા પત્થર જેવો મજબૂત આધાર જોઈએ, તો એ પત્થર રેતી પર ક્યાંથી આવ્યા એનો કોઈ જવાબ વૈજ્ઞાનિકો આપી શક્યા નથી, અને એ જ આ સેતુના માનવસર્જિત હોવાનો મુખ્ય આધાર ગણાય છે. વાદળીજેવા છિદ્રવાળા પ્યુમિસ પત્થરો કદાચ થોડો સમય તરી શકે પણ મજબૂત એવા સદીઓથી આજે પણ તરતાં પત્થરોનું રહસ્ય પણ હજુ વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી.
આ સંશોધનને પ્રમાણિત કરતા હોય એમ ડિસેમ્બર ૨૦૧૭માં ડિસ્કવરીની અમેરિકન ચેનલ સાયન્સ ડાયરેક્ટના ‘વ્હોટ ઑન અર્થ’ કાર્યક્રમની ક્લિપ ભારતભરમાં વાઇરલ થઈ. જ્યાં રામસેતુ છે ત્યાં રેતીની લાંબી પણ સાંકડી ઓછી ઊડાઈવાળી પટ્ટી નાસાની સેટેલાઇટ તસવીરોના માધ્યમે દેખાડાઈ. ભૂસ્તરશાસ્ત્રી ડો. એલન લેસ્ટર અને ડો. એરિન આર્ગિલને કહ્યું કે રેતીની એ સાંકડી પટ્ટી કુદરતી રચના છે. કાર્બન ડેટિંગ પદ્ધતિથી એ રેતી પરના પત્થરની ઉંમર તપાસાઈ. પુરાતત્વવિદ ચેલ્સીયા રોઝનું કહેવું છે કે એ પત્થર એની નીચેની રેતી કરતા હજારો વર્ષ જૂના છે અને એ ત્યાં નિર્માણ પામ્યા હોય એવી શક્યતા નથી. પત્થર ૭૦૦૦ વર્ષ જૂના છે પણ એ ફક્ત ૪૦૦૦ વર્ષ પહેલાની રેતી પર બેઠેલા છે. એનો અર્થ એ કે એ ત્યાં બહારથી લાવીને હેતુપૂર્વક મુકાયેલા છે. અને સેતુ લગભગ પાંચેક હજાર વર્ષ પહેલા બન્યો હોવાનું અનુમાન છે.
શ્રીરામસેતુ વૈજ્ઞાનિકો માટે આજે પણ એક કોયડો છે, પર્યાવરણવિદો માટે, ભૂસ્તરશાસ્ત્રીઓ અને પુરાતત્વવિદો માટે એ અભ્યાસનું પડકારજનક અભિયાન છે. જાન્યુઆરી ૨૦૨૧માં શ્રીરામસેતુના વિશદ અભ્યાસ માટે વૈજ્ઞાનિક અભિયાનની સરકાર દ્વારા જાહેરાત કરાઈ જેના અભ્યાસની અને એથી નીકળતા પરિણામની આપણે રાહ જોવી રહી.
(દરિયાઈ બાંધકામ ક્ષેત્રમાં છેલ્લાં વીસ વર્ષથી કામ કરતા જિજ્ઞેશ અધ્યારૂએ જિઓટેકનિકલ એન્જિનિઅરિંગમાં માસ્ટર્સ કર્યું છે.)

RELATED ARTICLES

Most Popular