જાસૂસ અશરફ મારવાનની જિંદગીની કથા કોઈ ફિલ્મની વાર્તાથી ઊતરતી નથી!

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

૨૦૦૭ની ૨૭મી જૂને લંડનના એક વૈભવી વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી એક વ્યક્તિ જમીન પર પટકાય છે અને થોડી સેકંડોમાં જ એનું મૃત્યુ થાય છે. મૃત્યુ પામનાર ૬૩ વર્ષની ઉંમરના અશરફ મારવાન હતા. દુનિયાની દૃષ્ટીએ તેઓ બિઝનેસમેન હતા. અશરફના મૃત્યુનું કારણ અકસ્માત, હત્યા કે આત્મહત્યા હતું એ આજ સુધી જાણી શકાયું નથી. હકીકત એ છે કે અશરફ મારવાને આપેલી એક માહિતીને કારણે ઇઝરાયલ સંપૂર્ણ વિનાશમાંથી ઉગરી ગયું હતું. એક તરફ એવી થિયરી છે કે મૂળ ઈજિપ્તના રહીશ અશરફ મારવાન ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ વતી જાસૂસીનું કામ કરતા હતા. તો બીજી તરફ કેટલાક નિષ્ણાતો ખાતરીપૂર્વક માને છે કે અશરફ ગદ્દાર નહીં, પરંતુ ઈજિપ્તનાં એક શ્રેષ્ઠ ડબલ એજન્ટ હતા. મતલબ કે મોસાદને તેઓ મૂર્ખ બનાવતા હતા કે ઈજિપ્તની સંવેદનશીલ માહિતી ઇઝરાયલને આપી રહ્યા છે, જ્યારે ખરેખર તો તેઓ ઈજિપ્તના ટોચના વડાઓ માટે કામ
કરતા હતા.
અશરફ મારવાનની જિંદગીની કથા કોઈ ફિલ્મની વાર્તાથી ઉતરતી નથી. (અશરફની જિંદગી પરથી ’ધ એન્જલ’ નામની ફિલ્મ પણ બની ચૂકી છે. જોકે એમ કહેવાય છે કે આ ફિલ્મમાં ઇઝરાયલ અને મોસાદની બેવકૂફીને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે). તેમના મૃત્યુના ૧૨ વર્ષ પછી પણ જાસૂસી વિશ્ર્વમાં એ કોયડો ઉકાલાયો નથી કે અશરફ મારવાન ઇઝરાયલના સુપર સ્પાય હતા કે ઈજિપ્તના ડબલ એજન્ટ? એમની હત્યા થઈ હોય તો હત્યા મોસાદે કરાવી હતી કે ઈજિપ્તે ?
અશરફ ઈજિપ્તમાં જન્મયા હતા. અશરફના દાદા ઈજિપ્તની શરીયા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને એમના પિતા પણ લશ્કરમાં હતા. કેરો યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા પછી અશરફ લશ્કરમાં જોડાયા હતા. એ વખતે જ ઈજિપ્તના તત્કાલીન પ્રમુખ નાસીરની પુત્રી મોનાના પ્રેમમાં પડીને એમણે મોના સાથે લગ્ન કયાર્ં હતાં. એમ કહેવાય છે કે પ્રમુખ નાસીરને અશરફ માટે ખાસ માન હતું નહીં. નાસીરની હયાતી દરમિયાન એમણે સરકારમાં નાના હોદ્દાઓ ઉપર જ કામ કર્યું હતું. ૧૯૭૦માં નાસીરના મૃત્યુ પછી પ્રમુખ બનેલા સદાતે અશરફને પોતાના ખાસ સલાહકાર બનાવ્યા હતા. પ્રમુખ સદાત કોઈપણ અગત્યની મિટિંગમાં જાય ત્યારે અશરફ મારવાનને સાથે રાખતા હતા. ઈજિપ્તના રાજકારણ અને લશ્કરની તમામ હકીકતોથી અશરફ માહિતગાર રહેતા. સાઉદી અરેબિયા અને લિબિયા સાથે સંવાદ કરવાની જવાબદારી અશરફને સોંપવામાં આવી હતી. આ બંને દેશના ટોચના સત્તાધીશો સાથે અશરફે અંગત સંબંધ કેળવ્યા હતા. લિબિયાના મુઅમ્મર ગદાફી સાથે પણ અશરફને દોસ્તી હતી.
૧૯૬૭માં ઇઝરાયલ અને ઈજિપ્ત વચ્ચે છ દિવસનું ખૂનખાર યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ઇઝરાયલે ઈજિપ્તનો ઘણો પ્રદેશ જીતી લીધો હતો. ઈજિપ્ત આ હારને ભૂલી શક્યું નહોતું અને હારેલા વિસ્તાર સિનાઇ પેનીનસ્યૂલા પર ફરીથી કબજો જમાવવા માંગતું હતું. સાઉદી અરેબિયા અને લિબિયાની મદદ વડે ઈજિપ્તે ઇઝરાયલ પર આક્રમણ કરવાનું આયોજન કર્યું. આ આખુ આયોજન ખૂબ ખાનગી હતું અને એ વિશે ટોચની પાંચ કે છ વ્યક્તિઓને જ જાણકારી હતી. અશરફ મારવાનને જ્યારે ઈજિપ્તના આયોજનની ખબર પડી ત્યારે તેઓ લંડન હતા. લંડનમાં એમણે ઇઝરાયલની એમ્બેસી દ્વારા મોસાદનો સંપર્ક કર્યો અને ઈજિપ્તે કરેલા યુદ્ધના આયોજન વિશેની માહિતી મોસાદના જાસૂસને પહોંચાડી. એ માહિતીના બદલામાં અશરફને કરોડો પાઉન્ડ મળ્યા હોવાનું કહેવાય છે. અશરફે આ માહિતીને સાચી પૂરવાર કરતા કેટલાક દસ્તાવેજો પણ મોસાદના જાસૂસને આપ્યા હતા. ઈજિપ્તના આયોજનની માહિતી ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન ગોલ્ડામેરના ટેબલ પર પહોંચી. તે વખતે ઇઝરાયલના સંક્ષણ પ્રધાન મોશે દયાન હતા. ૧૯૭૩ના ઓક્ટોબર મહિનામાં ઈજિપ્તે ઇઝરાયલ પર હુમલો કરવાનું આયોજન કર્યું હતું. એપ્રિલ મહિનામાં આક્રમણની સંભાવના વિશે પણ અશરફે મોસાદને જણાવ્યું હતું, પરંતુ એ વખતે ઈજિપ્તે આક્રમણ કર્યું નહોતું. ઇઝરાયલ હુમલા માટે પૂરુ તૈયાર હતું, પરંતુ હુમલો નહી થતા ઇઝરાયલે રાહતનો શ્ર્વાસ લીધો હતો. ત્યાર પછી જ્યારે પણ અશરફે ઈજિપ્તની તૈયારી વિશેની માહિતી મોસાદને આપી ત્યારે ઇઝરાયલ લશ્કરના ઇન્ટેલિજન્સ ઇન કમાન્ડ એની ઝીયરાએ અશરફની માહિતીને ગંભીરતાથી લીધી નહોતી. યુદ્ધ શરૂ થવાના ૪૪ કલાક પહેલા ૪થી ઓક્ટોબરે અશરફ મારવાને લંડન ખાતેના મોસાદના જાસૂસને ફોન કરીને કોડ લેંગવેજમાં વાત કરીને તાત્કાલીક મળવા કહ્યુ હતું. અશરફ મારવાને મોડી રાત્રે મોસાદના જાસૂસને રૂબરૂ મળીને કહ્યું હતું કે ઈજિપ્ત બીજા દિવસે સૂર્યાસ્તના સમયે પહેલો હુમલો કરશે. આ માહિતી મળતા જ ઇઝરાયલે લશ્કરને એલર્ટ કરી તૈયાર રહેવા કહ્યું. જોકે મોડી સાંજને બદલે ચાર કલાક પહેલાં બપોરે ૨ વાગ્યે ઇજીપ્તે ઇઝરાયલ પર હુમલો કર્યો. આ હુમલો એટલો ભયાનક હતો કે ઇઝરાયલ હલબલી ગયું. યુદ્ધના કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે અશરફની માહિતી ભલે સમય બાબતે ખોટી પડી પરંતુ જો આટલી માહિતી પણ ઇઝરાયલને નહીં મળી હોત તો ઇઝરાયલ ખૂબ જ ખરાબ રીતે યુદ્ધ હારી ગયું હોત. યુદ્ધ દરમિયાન પણ અશરફ મારવાન મોસાદના જાસૂસને લંડનમાં મળતા રહ્યા હતા.
યુદ્ધ પુરું થયા પછી પણ ઈજિપ્ત – ઇઝરાયલ વચ્ચેની વાટાઘાટો બાબતે સદાતનો અભિપ્રાય જાણવા માટે મોસાદ અશરફના સંર્પકમાં હતું. યુદ્ધ પૂરું થયા પછી અશરફ મારવાનનું ધંધાકીય સામ્રાજ્ય વિસ્તરતું જ ગયું. ૧૯૭૪માં તેમને વિદેશ બાબતના મંત્રી બનાવવામાં આવ્યા. તે વખતે એમ મનાતું હતું કે કદાચ અશરફને ઈજિપ્તના વિદેશ પ્રધાન પણ બનાવાય. જોકે પ્રગતિની સાથે એમના દુશ્મનો પણ વધતા ગયા અને એમણે બનાવેલા અઢળક પૈસાને લઈને તેઓ વિવાદમાં આવ્યા. છેવટે ૧૯૭૬માં સદાતે એમને પ્રમુખની ઓફિસમાંથી દૂર કરવા પડ્યા.
અશરફ મારવાન પછીથી લંડન સેટલ થઈ ગયા. તેઓ ભાગ્યે જ કોઈ જાહેર સ્થળે દેખાતા હતા. ઇઝરાયલના એક પત્રકારે લખેલા પુસ્તકમાં એવી નાનકડી વાતનો ઉલ્લેખ થયો જેને કારણે દટાઇ ગયેલાં મડદા ંફરીથી બહાર આવ્યા. શરૂઆતમાં તો ફક્ત ઈજિપ્તના એક જાસૂસનો ઉલ્લેખ થયો. ત્યાર પછી ઈજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખના જમાઇ જ મોસાદ વતી જાસૂસી કરતા હતા, એ વાત બહાર આવી. ઇઝરાયલ તેમ જ આરબ જગતમાં હોહા થઈ ગઈ. ઇજીપ્તે એવું સ્ટેન્ડ લીધુ કે અશરફ મારવાન ખરેખર ડબલ એજન્ટ હતા અને મોસાદને ખોટી માહિતી લીક કરવા માટે ઇજીપ્તના સત્તાધીશોએ જ એમને કહ્યું હતું. બીજી તરફ ઇઝરાયલે પણ પોતાની આબરૂ બચાવવા મિડિયામાં એવા રિપોર્ટ લીક કરાવ્યા કે અશરફ મારવાન ઇઝરાયલના એક ‘મહાન’ જાસૂસ હતા. અશરફ મારવાનના રહસ્યમય મૃત્યુ પછી પણ ઈજિપ્તે એમને રાષ્ટ્રિય સન્માન આપ્યું હતું અને ઈજિપ્ત હજી પણ કહે છે કે અશરફ મારવાન ઇઝરાયલના જાસૂસ નહી પરંતુ ડબલ એજન્ટ જ હતા. જે સમયે અશરફ એપાર્ટમેન્ટમાંથી નીચે ફંગોળાયા એ વખતે એમની બાલકનીમાં સૂટ પહેરેલી બે આરબ જેવી દેખાતી વ્યક્તિઓ જોવામાં આવી હોવાનો દાવો એક સાક્ષીએ કર્યો હતો. એમ મનાય છે કે અશરફ મારવાન કોઈક એવી માહિતી પ્રગટ કરવાના હતા કે જેને કારણે એમનું મો બંધ કરવું જરૂરી હતું. આજે પણ જોકે ઇઝરાયલ અને ઈજિપ્ત બંને એક વાતને વળગી રહ્યા છે કે અશરફ મારવાન ‘અમારા’ જ હતા!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.