વ્યપાર માટે લીધેલી લોનની રકમની ભરપાઇ ન કરી શકતા ડિપ્રેશનમાં આવેલ 26 વર્ષનો યુવક આત્મહત્યા કરવાનો હતો. એ જ વખતે એણે દિલ્લી એમ્સના ડોક્ટરને ટ્વીટર પર ટેગ કરી દેહદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાતની જાણ થતાં મુંબઇ પોલીસની ગુન્હા શાખાએ ચાર કલાકમાં જ આ યુવકને શોધી તેનો જીવ બચાવી તેને પરિવારજનોને સોંપ્યો હતો. મૂળ સાતારામાં રહેતા યુવકે શુક્રવારે સાંજે લગભગ સવા સાત વાગે પોતે આત્મહત્યા કરી રહ્યો છે તેવું ટ્વીટ કર્યુ હતુ. એ જ વખતે તેણે મૃત્યુબાદ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી પોતાના ટ્વીટમાં દિલ્લી એમ્સના ડોક્ટરને ટેગ કર્યા હતા.
આ વાતની જાણકારી કેટલાંક પત્રકારોના માધ્યમથી મુંબઇ પોલીસને મળી હતી. માહિતી મળતા જ ગુન્હા શાખાના કક્ષ – 5, કક્ષ – 9, કક્ષ-3, સીઆઇયુ, સાયબર પોલીસ જેવા વિવિધ વિભાગોએ મળીને લગભગ પાંચ જૂથ તૈયાર કર્યા હતા. દરમિયાનમાં આત્મહત્યા કરનાર યુવક ચિકીનો વ્યવસાય કરતો હોવાની જાણકારી પોલીને મળી હતી. જેને પગલે પોલીસે ચિકીના વ્યવસાયમાં અગ્રેસર એવા દાદર, કર્જત, લોનાવલા જેવા સ્થળોએ પોલીસ દળ મોકલ્યા હતા. તથા ટેક્નોલોજીની મદદથી આ યુવકનું ઠેકાણું મેળવી કર્જતમાંથી તેને પકડ્યો હતો અને આત્મહત્યા કરતા રોક્યો હતો. ત્યાર બાદ પોલીસે તેના સમઝાવી અને તેના પરિવારજનોને સોંપ્યો હતો.