પોતાના જીવનના ભોગે લોકોનું ભલું કરનારા માણસનું જીવન સાર્થક ગણાય

ઉત્સવ

વિરોધનો કે સંઘર્ષનો સામનો કરીને પણ દુનિયાના ભલા માટે ઝઝૂમનારા વૈચારિક નેતા થોમસ માલ્થસની અનોખી જીવનસફર

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

બે સદી અગાઉ સમાજમાં સુધારો લાવવા માટે દુનિયાને વધુ સારી બનાવવા માટે ઘણા ક્રાંતિકારી નેતાઓએ અવાજ ઉઠાવ્યો અને એ માટે તેમણે આકરી કિંમત પણ ચૂકવવી પડી. એવા જ એક વૈચારિક નેતા હતા, થોમસ રોબર્ટ માલ્થસ. તેમણે પણ બે સદી અગાઉ વિદ્વાનોની અને રાજસત્તાની નારાજગી વહોરી લીધી હતી.
ઈંગ્લેન્ડના ડોરકેનમાં ૧૭૬૬ના વર્ષમાં જન્મેલા થોમસનું કુટુંબ શ્રીમંત હતું. તેમણે શિક્ષણ પૂરું કર્યા પછી પ્રોફેસર તરીકે નોકરી સ્વીકારી લીધી. એ સમયમાં યંત્રપ્રધાન અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે એ વખતના વિદ્વાનો કહેતા હતા કે યંત્રપ્રધાન અર્થવ્યવસ્થાને કારણે વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થશે. સમાજના દરેક વર્ગના લોકોને કામ મળશે. માણસો બેકાર રહેશે નહીં. વસ્તી વધશે છતાં ગરીબી વધશે નહીં.
માલ્થસના ગળે એ વાત ઉતરતી નહોતી. એટલે તેમણે એ વિશે ઊંડો અભ્યાસ કર્યો. અને તેમણે એ સમયના વિદ્વાનોથી તદ્દન વિપરીત મત રજૂ કર્યો કે કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા વધે એટલે કુટુંબની આર્થિક સ્થિતિ પર અસર થાય છે એટલે આર્થિક વિકાસનો વિચાર કરતી વખતે વસ્તીવધારાનો વિચાર સૌ પ્રથમ કરવો જોઈએ. એ સિદ્ધાંત તેમણે રજૂ કર્યો ત્યારે તેમનો પ્રચંડ વિરોધ થયો હતો.
હવે તો દુનિયાના ઘણા દેશો માનતા થયા છે કે વસ્તીવધારાને અને માનવજીવનની ક્વોલિટીને સંબંધ છે, પરંતુ થોમસ માલ્થસે આર્થિક વિકાસ, યંત્રપ્રધાન વ્યવસ્થા અને વસ્તીવધારા વચ્ચેના પરસ્પર સંબંધો પર ઊંડું સંશોધન કરીને ‘એસે ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન’ ગ્રંથ લખ્યો એ પછી ખળભળાટ મચી ગયો હતો.
એ ગ્રંથમાં તેમણે લખ્યું કે દુનિયામાં જમીનનો મર્યાદિત પુરવઠો છે અને અનાજની ઉત્પાદન વૃદ્ધિનો વેગ મર્યાદિત હોય છે. તેમણે એ સમયમાં કહ્યું હતું કે અનાજનું અને અન્ય ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અંક ગાણિતિક દરે એક, બે, ત્રણ, ચાર એ રીતે વધે જ્યારે વસ્તીવધારો ભૌમિતિક દરે એટલે કે એક, બે, ચાર, આઠ, સોળ એ પ્રકારે થાય. એટલે સાધારણ દર પચ્ચીસ વર્ષે જનસંખ્યા દુનિયામાં બમણી થાય છે અને એ સિવાય ગરીબોને મદદ કરનારા કાયદા બનતા રહે છે. એવા કાયદાને કારણે ફરી વસ્તીવધારાને વેગ મળે છે અને ગરીબોની સ્થિતિ વધુ જ કથળે છે.
વસ્તીવધારા અને આર્થિક વિકાસ બાબતનું આ વિષચક્ર લોકો સામે લાવીને માલ્થસે એ સમયના વિદ્વાનોની અને રાજકીય નેતાઓની નારાજગી વહોરી લીધી હતી. તેમણે સમાજની ગરીબી માટે વસ્તીવધારો કારણભૂત હોય છે એટલું તો તેમણે કહ્યું જ, પરંતુ સાથે સાથે એ પણ કહ્યું કે વસ્તીવધારાને અટકાવવા માટે લગ્ન લંબાવવા કે લગ્ન ન કરવા એ ઉપાય અજમાવવો જોઈએ!
એ સમયમાં વિદ્વાનો ખૂબ આશાવાદી હતા કે યંત્રપ્રધાન અર્થવ્યવસ્થાને કારણે સમાજનું ધોરણ ઊંચું આવી જશે. લોકોના જીવનનું ધોરણ ઊંચું આવી જશે. પરંતુ થોમસ માલ્થસે એનાથી તદ્દન વિપરીત ચિત્ર રજૂ કર્યું હતું.
તેમના એ વિચારોને કારણે સામ્યવાદી અને સમાજવાદી વિદ્વાનો અને નેતાઓએ તેમને મૂડીવાદીઓના મિત્રો અને ગરીબોના શત્રુ કહીને તેમનો વિરોધ શરૂ કર્યો. તેમણે કહ્યું કે ઉત્પાદન વૃદ્ધિને કારણે સમૃદ્ધિ જ આવે, પરંતુ થોમસ માલ્થસ લોકોને ખોટા માર્ગે દોરી રહ્યા છે. થોમસ માલ્થસે ગરીબોને મદદ કરનારા કાયદાનો વિરોધ કર્યો એને કારણે તેમનો પણ બહુ વિરોધ થયો. તેમણે એવું પણ કહ્યું કે પ્રાણીઓની સંખ્યા વધતી હોય ત્યારે તેમને જીવનનિર્વાહનાં સાધનોની ઊણપનો સામનો કરવો પડશે. એટલે તેમની સંખ્યા વૃદ્ધિ અટકે છે (એ પછી ચાર્લ્સ ડાર્વિને એ સિદ્ધાંત રજૂ કર્યો કે પરિસ્થિતિ સાથે મેળ બેસાડનાર પ્રાણી ટકી રહે છે. એ સિદ્ધાંત પછી સ્વીકારાયો હતો).
૧૭૯૮માં માલ્થસે વસ્તીવધારો અને આર્થિક વિકાસ સાથેનો પરસ્પર સંબંધ સ્પષ્ટ દર્શાવતો સંશોધન મહાનિબંધ લખ્યો હતો એ સુધારીને ૧૮૦૩માં પોતાના નામે પ્રકાશિત કર્યો. એ ગ્રંથની નવી નવી આવૃત્તિઓ ૧૮૨૬ સુધી પ્રકાશિત થતી રહી. તેમણે છેલ્લી આવૃત્તિમાં તેમના વિચારોમાં થોડું પરિવર્તન આવ્યું હતું અને તેમણે લખ્યું હતું કે લગ્ન લંબાવવા અથવા તો લગ્ન કરવા જ નહીં એવા અંતિમ ઉપાયનો આશરો લેવાને બદલે વસ્તીવધારો અટકાવવા માટે માનવીઓ દંપતીઓ નૈતિક સંયમ પર આધારિત કુટુંબનિયોજન ઉપાય લાગુ કરી શકે એવો વિચાર તેમણે વહેતો કર્યો હતો.
એ સમયમાં માલ્થસનો ખૂબ વિરોધ થયો, પણ તેમણે રજૂ કરેલો વિચાર બે સદી પછી દુનિયાએ સ્વીકાર્યો.
કોઈ માણસ વિરોધનો કે સંઘર્ષનો સામનો કરીને પણ દુનિયાના ભલા માટે વિચારતો હોય અને પ્રવૃત્તિ કરતો હોય એનું જીવન સાર્થક ગણાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.