(દેવાંશ દેસાઈ)
મુંબઈમાં આઠ વર્ષ બાદ રેડબુલ શો-રન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓરેકલ રેડ બુલ રેસિંગની પ્રતિષ્ઠિત RB7 કારને બાંદ્રા બેન્ડસ્ટેન્ડમાં રવિવારની સવારે રેડબુલ શો-રનમાં જોવાનો લ્હાવો મળ્યો હતો . સુપ્રસિદ્ધ 13-વખતના ગ્રાન્ડ પ્રિકસ વિજેતા ડેવિડ કોલ્ટહાર્ડે બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ રોડના 1-કિમીના પટ્ટામાં ઝિપ… કરીને, ઓરેકલ રેડ બુલ રેસિંગ કારના અદ્ભુત આઉટપુટ સાથે પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું.

સુપર કાર ક્લબ ઓફ ઈન્ડિયાના સ્થાપક અને ચેરમેન ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની માલિકીના સુપર કાર ક્લબ ગેરેજમાંથી સુપરકાર્સની પરેડ સાથે ઇવેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેણે એડ્રેનાલિન-ઇંધણવાળી સાંજ માટે સૂર સેટ કર્યો હતો. લિથુઆનિયન ફ્રીસ્ટાઇલ સ્ટંટ બાઈકર અરસ ગીબીઝાએ આ ઈવેન્ટને ચાર ચાંદ લગાવ્યા હતા.
RB7એ આઠ-સિલિન્ડર 2,400cc એન્જિન સાથે 750-હોર્સપાવરની કાર છે, જે પ્રતિ મિનિટ 18,000 રિવોલ્યુશન ઉત્પન્ન કરે છે. તેમણે 2011માં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે પ્રથમવાર ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ જીતી હતી અને તે સિઝનમાં 19 રેસમાંથી કુલ 12 જીત નોંધાવી હતી.

રેડ બુલ શોરન માટે ભારતની ત્રીજી મુલાકાતનો અનુભવ કેવો રહ્યો એવા ‘મુંબઈ સમાચાર’ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા ડેવિડ કોલ્ટહાર્ડે જણાવ્યું હતું કે ભારતમાં પાછા આવવાનો અનુભવ હંમેશાથી જ સારો રહ્યો છે. આ દેશના F1 ચાહકોએ હંમેશા જ હૂંફ અને ઉમળકાથી અમને આવકાર્યા છે એની અમે લોકો ખૂબ જ પ્રશંસા કરીએ છીએ. આ શોરનને જે બાબત વધુ વિશેષ બનાવતી હતી તે એ હતી કે ઓરેકલ રેડ બુલ રેસિંગ મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડની ગલીઓમાં ફોર્મ્યુલા વન કાર ચલાવનાર પ્રથમ ટીમ બની હતી. આ શહેર અને તેનો ઉત્સાહ આ બે એવી વસ્તુઓ છે કે જે હું મારા ઘરે કાઉલ્થર્ડ ખાતે પાછો ફરીશ ત્યાર બાદ પણ લાંબા સમય સુધી યાદ રહેશે. આ ઇવેન્ટ સ્પીડ, પાવર અને ફોર્મ્યુલા વન રેસિંગના રોમાંચ માટે મુંબઈના પ્રેમ માટે એક પરફેક્ટ ટ્રીબ્યુટ છે.

રેડ બુલ શોરન મુંબઈ 2023 એ એક ઇવેન્ટ હતી જેણે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જે ઓરેકલ રેડ બુલ રેસિંગ કારની અદ્ભુત શક્તિ અને સુંદરતા દર્શાવે છે. આ એક એવો અનુભવ હતો જે સાક્ષી બનેલા તમામ લોકો માટે ખરેખર અવિસ્મરણીય હતો. આ ઇવેન્ટ સ્પીડ અને ફોર્મ્યુલા વન રેસિંગ પ્રત્યેના પ્રેમનો પુરાવો હતો જે મુંબઈમાં છે અને તે ભવિષ્યમાં આવી ઘણી વધુ ઇવેન્ટ્સ માટેના દરવાજા ખોલશે, એ વાતમાં કોઈ શંકા જ નથી.

RB7ના અદભૂત એન્જિનિયરિંગ વિશે બોલતા ડેવિડે વધુમાં જણાવ્યું હતું કે જો તમે આ કાર (RB7) ના પાછળના ભાગને જોશો તો તમે જોઈ શકશો કે તે કેટલી નાની અને ચુસ્ત રીતે પેક કરેલી છે. આ કાર એ એન્જિનિયરિંગ કળાનો સુંદર નમૂનો છે. તે ખૂબ જ હરવા-ફરવામાં ચપળ કે ચાલાક છે. શોરનના સમાપન સમારોહ દરમિયાન ડેવિડે ભારતીય તિરંગો લહેરાવીને ભારત પ્રત્યેના પોતાના પ્રેમનું પ્રદર્શન કર્યું હતું, એટલું જ નહીં પણ આ ડેવિડની હેલ્મેટ પર ટ્રાયો કલરમાં નમસ્તે એવું પણ લખવામાં આવ્યું છે.