Homeઉત્સવદેશના સૌથી મોટા ઉપવાસી સત્યાગ્રહી શહીદ જતીન્દ્રનાથ દાસ

દેશના સૌથી મોટા ઉપવાસી સત્યાગ્રહી શહીદ જતીન્દ્રનાથ દાસ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

૧૩ સપ્ટેમ્બર : ક્રાંતિવીર જતીન્દ્રનાથ દાસનો ‘બલિદાન દિવસ’, જાણો તેમની આઝાદી માટેની અજ્ઞાત કુરબાની વિશે
બંગાળનો યુવકવીર જતીન્દ્રનાથ
જીતી ગયો જગત જીવન જન્મ મૃત્યુ,
જીત્યો વળી હ્રદય ચિત્ત સ્વમાન શત્રુ;
સ્વાધીન કીધ નિજ રાષ્ટ્ર રહી જ દાસ – દેશળજી પરમાર
ભારતની ક્રાંતિકારી ચળવળના આવા અનેક મહાન સિતારા છે, જેમણે પોતાની દિવ્ય આભાથી ભારતના તત્કાલીન નવમંડળને પોતાના ઝળહળતા પ્રકાશથી ઝળહળીને પોતાનું સર્વશ્રેષ્ઠ બલિદાન આપ્યું હતું. એવું જ એક નામ જતીન્દ્રનાથ દાસનું છે, જેમને તેમના સાથી ક્રાંતિકારીઓ ‘જતિન દા’ તરીકે બોલાવતા હતા.
ભારત દેશની આઝાદીમાં અનેક જાણીતા ક્રાંતિકારી અને લડવૈયાઓનો છે તેટલો જ મોટો ફાળો કેટલાક અજ્ઞાત વીર શહીદીઓનો પણ છે. આવા જ અજ્ઞાત ક્રાંતિવીરમાંથી એક છે જતીન્દ્રનાથ દાસ. તેમણે અંગ્રેજોની સરકારને અનેક વખત હચમચાવી દીધી હતી. ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ આ વીર સપૂત અમર થયા તે દિવસથી ૧૩ સપ્ટેમ્બરને બલિદાન દિવસ તરીકે પણ ઉજવાય છે.
તેમનો જન્મ ૨૭ ઓક્ટોબર ૧૯૦૪ના રોજ બંગાળમાં એક સાધારણ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બંકિમ બિહારી દાસ હતું અને તેમની માતાનું નામ સુહાસિની દેવી હતું. જતીન્દ્રનાથ દાસ જ્યારે ૯ વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેમને જતિન દાસ નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ એક મહાન ભારતીય અને સ્વતંત્રતા સેનાની હતા.
૧૧ વર્ષની ઉંમરે, જ્યારે તેણે શહેરની શેરીઓમાં લોકોને ઇજા પહોંચાડનાર ગાંડાતૂર બનેલ ઘોડા પર કાબૂ મેળવ્યો, ત્યારે લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી. તેમની માતા કવિ સ્વભાવની હતી, અને વકીલ મામાના ક્લાયન્ટ રવીન્દ્ર નાથ ટાગોર સાથે તેમનો પરિવાર ઘણીવાર મળતો હતો. જતિન પર આ બધાની ખૂબ અસર પડી હતી.
લાહોર જેલમાં તેમણે ૬૩ દિવસ સુધી ભૂખ હડતાલ કરી હતી. જ્યારે તેમનું નિધન થયું ત્યારે ભારતભરમાં જાણે ભૂકંપ મચી ગયો. સ્વતંત્રતા મળે તે પહેલા અનશનથી શહીદ થનાર એકમાત્ર વ્યક્તિ જતિન દાસ હતા.
જતિન દાસના દેશપ્રેમની કોઈ વ્યાખ્યા આપી ન શકાય. તેઓ દેશની આઝાદી માટે બંગાળમાં એક ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિ સાથે જોડાયા હતા. જતીન્દ્રનાથ દાસએ ૧૯૨૧માં ગાંધીજીના અસહયોગ આંદોલનમાં માત્ર ૧૭ વર્ષની વયની ઉંમરે ભાગ લીધો હતો. નવેમ્બર ૧૯૨૫માં કોલકાતામાં વિદ્યાસાગર કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતા જતિન દાસની રાજકીય પ્રવૃત્તિઓમાં સહભાગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ તેમને મિમેનસિંહ સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા.ત્યાંજ નજર કેદ થયા.
અહીં તેમણે રાજનીતિક કેદીઓ સાથે થતો દુર્વ્યવહાર જોયો અને તેના વિરોધમાં ભૂખ હડતાલ શરૂ કરી. વીસ દિવસ ઉપવાસ કર્યા બાદ જેલ અધિક્ષક ઝૂકયા અને માફી માગી પછીથી તેમણે ઉપવાસ છોડી દીધા. આ ઘટના બાદ દેશમાં અલગ અલગ જગ્યાએ આઝાદી માટે લડત લડતા ક્રાંતિકારીઓએ તેમનો સંપર્ક કર્યો તો શરૂઆતમાં તેમણે કોઈપણ સાથે જોડાવાની ના કહી, પરંતુ ત્યારબાદ જ્યારે સરદાર ભગતસિંહે તેમને સમજાવ્યા તો તેમના સંગઠન માટે બોમ્બ બનાવવા અને ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવા તે સહમત થયા.સચીન્દ્રનાથ સન્યાલે તેમને બોમ્બ કેવી રીતે બનાવવા તે શીખવ્યું.
પાછળથી જતીન્દ્રનાથ દાસ પણ સેવા દળમાં જોડાયા, જ્યાં તેઓ સુભાષ ચંદ્ર બોઝ ભગતસિંહની ખૂબ નજીક આવ્યા. જતીન્દ્રનાથ દાસે સમગ્ર દેશમાં પ્રવાસ કરીને તમામ ક્રાંતિકારીઓમાં બોમ્બ બનાવવાની કળા ફેલાવી. તમને જાણીને નવાઈ લાગશે કે ભગતસિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં જે બોમ્બ ફેંક્યો હતો તે જતીન્દ્રનાથ દાસે જ બનાવ્યો હતો.
૧૪ જૂન ૧૯૨૯ના રોજ તેમને ક્રાંતિકારી ગતિવિધિઓ માટે ફરી ધરપકડ કરવામાં આવી. તેમની ધરપકડ લાહોર ષડયંત્ર કેસ અંતર્ગત કરી તેમને લાહોરની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. દાસે યુરોપીય રાજકીય કેદીઓ અને ભારતીય રાજકીય કેદીઓની પ્રત્યે સમાનતાની માંગ સાથે તેમણે અનશન શરૂ કર્યું. જેલોમાં ભારતીય રહેવાસીઓની સ્થિતિ ખેદપૂર્ણ હતી. જેલમાં ભારતીય કેદીઓએ જે ગણવેશ પહેરવા અપાતા હતા તે ઘણા દિવસોથી ધોવાતા નહોતા, અને ઉંદરો અને વાંદાઓ રસોડામાં ફરતા અને ખોરાકને ખાવા માટે અસુરક્ષિત બનાવતા હતા. ભારતીય કેદીઓને વાંચવા માટે અખબારો જેવી કોઈ સામગ્રી કે લખવા માટે કાગળ પૂરા પાડવામાં આવતાં ન હતાં. એ જ જેલમાં બ્રિટીશ કેદીઓની સ્થિતિ આશ્ર્ચર્યજનક રીતે અલગ હતી.
જેલમાં શરૂ થયેલી જતિનદાસ અને તેમના સાથીઓની ભૂખ હડતાલ અવૈધ નજરબંધીઓ વિરુદ્ધ પ્રતિરોધમાં એક મહત્ત્વપૂર્ણ પગલું બની. આ અનશન યાદગાર બની ગયું. ભૂખ હડતાલ ૧૩ જુલાઈ ૧૯૨૯ ના રોજ શરૂ થઈ અને ૬૩ દિવસ સુધી ચાલી. આ દિવસો દરમિયાન જેલ અધિકારીઓએ બળજબરીપૂર્વક જતિન દાસ અને તેના સ્વતંત્રતા સેનાનીઓની ભૂખ હડતાલ તોડવાના અનેક ક્રૂર પ્રયત્નો કર્યા. તેમને ઢોર માર મારવામાં આવ્યો. ભૂખ હડતાલ તોડવાના અધિકારીઓના દરેક પ્રયત્ન નિષ્ફળ રહ્યા તો તેમણે તેમને પીવાના પાણી સિવાય કોઈ વસ્તુ ન આપી. જતિન દાસ ૬૩ દિવસથી અનશન પર હતા અને ઉપરથી અધિકારીઓના બળજબરીપૂર્વકના વર્તનથી તેમની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી.
આખરે, જેલ સત્તાધીશોએ તેમની બિનશરતી મુક્તિની ભલામણ કરી, પરંતુ સરકારે તે સૂચન નામંજૂર કરી અને તેને જામીન પર મુક્ત કરવાનો પ્રસ્તાવ મુક્યો.
જો કે અંગ્રેજ અધિકારીઓના પ્રયત્ન ત્યાં ન અટક્યા અને તેમણે એક ષડયંત્ર રચી, પાગલખાનાના ડૉક્ટરને બોલાવી જતિન દાસની નસોમાં એવી દવા નાખી તે ધીરે ધીરે મૃત્યુ તરફ ધકેલાવા લાગ્યા. અંગ્રેજોનું આ ષડયંત્ર સફળ રહ્યું અને તેના કારણે ૧૩ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ જતિન દાસ અમર થઈ ગયા. જો કે મૃત્યુ સુધી તેમની ભૂખ હડતાલ અતૂટ રહી હતી.
મહાન ક્રાંતિકારી દુર્ગા ભાભીએ જેલમાંથી બહાર આવ્યા બાદ જતીન્દ્રની અંતિમયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. તેમના પાર્થિવ દેહને રેલવે દ્વારા લાહોરથી કોલકાત્તા લાવવામાં આવ્યો. દરેક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. અહીં હજારો લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને મોટી ભીડ સ્ટેશન પર ઊમટી પડી હતી. તેમના અંતિમ સંસ્કાર સમયે કોલકાતામાં બે મીલ લાંબી લોકોની ભીડ જોવા મળી હતી. અહીં લોકોએ શોભાયાત્રા કાઢી આ સાચા યોદ્ધાના દર્શન કર્યા હતા. લોકો તેમના પાર્થિવ શરીર સાથે સ્મશાન સુધી પહોંચ્યા અને જતિન દાસ અમર રહો, ઈન્કલાબ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. સુભાષ ચંદ્ર બોઝે તેમની શહીદી પર કહ્યું હતું જેમ મહર્ષિ દધીચિએ વજ્ર બનાવવા માટે પોતાના હાડકાં દાન કર્યાં હતા. એ જ રીતે જતિને પણ પોતાનું શરીર દાન કર્યું છે. તેઓ આધુનિક ભારતના યુવા દધીચિ છે.
શહીદને નમન
પંચાગ્નિજ્યોત તપતો નર એ તપસ્વી
ચાલ્યો અનાશન કરી કરમી સુ અંગો
છોડી ગયો સ્વજનના કટુ કર્મબંધો;
વૈકુંઠનો અતિથિ અમૃત એ તરસ્વી

RELATED ARTICLES

Most Popular