કુરાન કરીમની ભાષા અરબી: માદરી જબાનમાં તરજુમાની તિલાવત વાંચન પણ એટલું જ પુણ્ય આપનારું

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

દુનિયામાં સૌથી વધુ વંચાતી મુકદ્સ (પવિત્ર, પાક) કિતાબોમાં જેની ગણના થાય છે તે ઇલાહી કિતાબ કુરાન મજીદ છે, પરંતુ આજ કિતાબ સૌથી વધારે સમજયા વગર વંચાતી હોવાનું આ લખનારને એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. પવિત્ર કુરાનની ભાષા અરબી છે અને તે દીને ઇસ્લામના સૌથી છેલ્લા અરબી પયગંબર (સંદેશ-વાહક) હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વ આલૈહિ સલ્લમ પર ગેબી વાણી સ્વરૂપ નાઝિબ થઇ છે. દુનિયાના સૌથી મોટા ધર્મની પ્રજાની લગોલગ આવીને ઉભા રહી ગયેલા મુસ્લિમોમાં અરબી પ્રજા માત્ર ૧૫થી ૨૦ ટકા જેટલી છે અને તેઓ એવા ભ્રમમાં છે કે અરબી કુરાનનો તરજુમો કરી શકાય નહીં. એટલે સમજીને કુરાને પાક પઢવું હોય તો ૮૦ ટકા મુસ્લિમોએ ફરજિયાત અરેબિક ભાષા શીખવી પડે, જે બિલકુલ નામુમકીન (અશક્ય) છે. કુરાન તો વિશ્ર્વના દરેક મનુષ્યો માટે આલમગીર (જગત વિજયી) પયગામ (સંદેશ) છે જેના માટે ભાષાની કેદ હોવી જોઇએ નહીં. અલ્લાહતઆલાના મૂળ મકસદ (હેતૂ)ને સમજયા વગર માત્ર અરેબિક અક્ષરો વાંચીને સવાબ (પુણ્ય) માટે કુરાન પાકની તિલાવત (વાંચન) કરવાથી અલ્લાહની હિદાયત (ધર્મની સાચી સમજ, માર્ગદર્શન)ના ફાયદા (લાભો) લોકોને કેવી રીતે મળી શકે?
માતૃભાષામાં તરજુમાને જેટલા ઊંડાણથી સમજી શકાય તેટલું અરેબિક લખી વાંચી શકનાર દરેક આયત (શ્ર્લોક)ના મકસદ (હેતુ)ને અને તેના સ્પષ્ટ અર્થને સમજી શકે નહીં કારણ કે તે તેની ભાષા નથી. એટલે આ પ્રશ્ર્નનો એક જ વ્યવહારુ ઉકેલ છે કે દરેક દેશોમાં વસતા મુસ્લિમો પોતપોતાની માદરી જબાનમાં સહી તરજુમાની તિલાવત (મધ્યમ અવાજમાં મધુર કંઠે) કરવાની શરૂઆત કરે તો જ ઇલાહીવાણી કુરાન પાકને ન્યાય આપી શકે અને હિદાયત (માર્ગદર્શન)ના લાભને મેળવી શકે.
કોમ-ભાઇબંધ કોમના વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! અલ્લાહતઆલા (ઇશ્ર્વર, પ્રભુ)નો મકસદ અરેબીક અક્ષરોમાં કુરાનને વાંચી-વંચાવી માત્ર સવાબ (પુણ્ય, ભલાઇ)નું જ્ઞાન આપવા પૂરતું જ મર્યાદિત નથી. પાક પરવરદિગારને તો તેની ઉમ્મત (પ્રજા, અનુયાયી)નું જીવન અને સંસ્કારનું ઘડતર કરવું છે અને એટલે જ કામયાબ (સફળ) જીવન અને વ્યવહારશુદ્ધિના જે આદેશો, આજ્ઞા-ઉપદેશો પવિત્ર કુરાનમાં મોજુદ છે તેનો અર્થ સમજીને જીવનમાં ઉતારીએ તો જ રબ રાજી થાય અને તેનો હેતુ સફળ બને.
મુસ્લિમ કોમમાં એવા ઉલ્લેખનીય ફીરકા અને તેની જમાતો છે જેની માતૃભાષા ગુજરાતી છે. ૬૦ કરતાં વધુ વર્ષોથી પ્રગટ થતી ‘મુખ્બિરે ઇસ્લામ’ કટાર પેઢી દર પેઢી વંચાય છે એ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. આજે પણ ‘મુંબઈ સમાચાર’ એવા કુટુંબ પરિવારોનું અવિભાજય અંગ બની રહ્યું છે, જે તેની સર્વધર્મ સમભાવની નીતિને આભારી છે.
માનવ જીવનને ઉપયોગી એવી સિરાતે મુસ્તકીમ (સીધો માર્ગ, સન્માર્ગ) તરફ લઇ જતી પવિત્ર કુરાનની કેટલીક આયતોને અલગ તારવીને સરળ ગુજરાતીમાં તૈયાર કરેલ આ લખે વાંચકોને ઉપયોગી થશે અને જીવનનું સંભારણું બની રહેવા પામશે એવી ખુદાવંદે કરીમ પાસે દુઆ:
* તે (અલ્લાહ) એ જ છે જેણે તમો સર્વને એક જ વ્યક્તિમાંથી પેદા કર્યા અને તેમાંથી તેનું જોડું બનાવી કાઢયું કે જેથી તેની સાથે તે (પુરુષ) સુખચેનથી રહે. પછી જયારે પુરુષે તેની સાથે સંબંધ કર્યો ત્યારે સ્ત્રીને હલકા પ્રકારનો ગર્ભ રહ્યો કે તે (ગર્ભને) લઇ હરફર કરતી રહી, પછી જ્યારે તે ગર્ભનો ભાર વધ્યો ત્યારે બન્નેએ અલ્લાહ (યાને તેમના) પરવરદિગારને યાચના કરી કે જો તું અમને સદાચારી (બાળક) અર્પણ કરશે તો અવશ્ય અમે આભાર માનનારાઓ માંહેના થઇશું.
* અને (હે રસુલ!) લોકો તમને રૂહ (આત્મા) સંબંધી સવાલ કરે છે, તું કહે કે રૂહ એ મારા પરવરદિગારની આજ્ઞાઓ માંહેની એક (આજ્ઞા) છે અને તમને એ સંંબંધી ઘણું જ થોડું જ્ઞાન આપવામાં આવ્યું છે.
* અને અમે તમારી થોડાક ભયથી અને થોડીક ભુખથી તથા માલ તથા પ્રાણ અને ફળો (ફરજંદો)ના નુકસાનથી અજમાયશ કરીશું અને (હે રસુલ!) તે સબર (ધીરજ) કરનારાઓને ખુશખબર સંભળાવી છે.
* અને આ જાણી લો કે તમારો માલ તથા તમારી ઓલાદ (એ તમારા માટે) અજમાયશ છે, અને બેશક મોટો બદલો અલ્લાહની જ પાસે છે.
* બસ જયારે મનુષ્ય પર કોઇ સંકટ આવી પડે છે ત્યારે તે અમારાથી દુઆ માગવા લાગી જાય છે. પછી જયારે અમે તેને અમારા તરફથી કોઇ નેઅમત (ઇશ્ર્વરીય દેણગી) આપીએ છીએ ત્યારે કહી દે છે કે એ તો મને મારા જ્ઞાનના પ્રતાપે સાંપડી છે, (તેની માન્યતા ખોટી છે) વાસ્તવમાં તો આ તો એક અજમાયશ (પરીક્ષા) છે, પણ તેઓ માંહેના ઘણા ખરા જાણતા નથી…!
– જાફરઅલી ઇ. વિરાણી
અલ્લાહનો વાયદો
અગર તમે સીધા રસ્તા પર આવશો તો તમારી મહોબ્બત અમો લોકોના દિલમાં કાયમ કરી દેશું.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.