રિસેશનથી રિકવરીની યાત્રા પડકારજનક: યુએસ ક્યાં અને ભારત ક્યાં?

ઉત્સવ

સ્પેશિયલ – જયેશ ચિતલિયા

અમેરિકામાં રિસેશન ખરેખર આવી ગયું છે કે આવી રહ્યું છે? ભારતના આર્થિક હાલાત શું છે? આ વિષયમાં હાલ કંઈ જ સ્પષ્ટ કહી શકાય એવું નથી. નિષ્ણાંતો-આર્થિક પંડિતો, એનાલિસ્ટ વર્ગ સૌ તેલ અને તેલની ધાર જોઈ અનુમાન બાંધી રહ્યા છે. આમાં ભારત કયાં છે? રિસેશનમાંથી રિકવરી કયારે શરૂ થશે? તમામ સ્તરે પડકાર છે, આશાવાદ છે અને અનિશ્ર્ચિતતા પણ છે. બચત-રોકાણમાં સાવચેતી અને વિવેક આવશ્યક છે
તાજેતરના દિવસોમાં ઈન્ફલેશન બાદ સૌથી વધુ ચર્ચાસ્પદ અને ચિંતાપ્રેરક શબ્દ કોઈ બન્યો હોય તો એ છે રિસેશન. આ શબ્દથી જ ભય લાગવા માંડે. હાલ અમેરિકામાં રિસેશનની સંભાવનાનો ગભરાટ જગતભરમાં ફેલાઈ રહ્યો છે. ઈન્ફલેશન એટલે મોંઘવારી એ સમજી શકાય છે પણ રિસેશન એટલો કોમન શબ્દ નથી, તેથી જ હાલ જયારે અમેરિકાના હાલાત જોઈ તે રિસેશનમાં જઈ રહ્યું હોવાની ચર્ચા ચાલુ થઈ છે તે બીજા દેશોને પણ ચિંતામાં મૂકી રહી છે.
ખરેખર રિસેશન એ શું છે? કયા સંજોગોને રિસેશન કહેવાય? આ સવાલનો સરળ જવાબ છે, સતત બે કવાર્ટર (ત્રિમાસિક ગાળા) ઈકોનોમી મંદ રહે કે ઘટે યા સંકોચાય તેને રિસેશન કહેવાય છે. અમરિકામાં અત્યારે આ સંજોગો છે અને નોમુરા નામની રિસર્ચ સંસ્થાએ આ વરસ ૨૦૨૨ના અંત સુધીમાં અમેરિકા રિસેશનમાં પ્રવેશી જશે એવો અભિપ્રાય વ્યકત કર્યો છે. વિશ્ર્વનું સૌથી વિશાળ અર્થતંત્ર આમ મંદ પડતા તેની ફેડરલ રિઝર્વ તેમ જ પ્રેસિડન્ટ ઓફિસ તરફથી ચિંતા વ્યકત થઈ રહી છે. અમેરિકામાં હાલ રહેઠાણો, ફૂડ, સહિત ઘણી ચીજો મોંઘી બની ગઈ છે. રોજગાર સર્જનમાં ઓટ આવી છે. ફેડરલ રિઝર્વે મોંઘવારીને અંકુશમાં રાખવા વ્યાજદરમાં ઐતિહાસિક વધારો અમલી બનાવ્યો છે અને હજી વ્યાજ વધારાની શકયતા ઊભી છે. પરિણામે અન્ય દેશોના શેરબજારોમાં જ નહીં, બલકે અમેરિકન સ્ટોક એકસચેંજમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ ચાલ્યો. જો કે અહીં એક વાત નોંધવા જેવી છે કે કોવિડ સમયમાં પણ અમેરિકામાં રિસેશનનો ગાળો માત્ર બે મહિના ચાલ્યો હતો.
રિસેશનની વ્યાખ્યા અને પ્રકાર
અમેરિકામાં નેશનલ બ્યુરો ઓફ રિસર્ચના અર્થશાસ્ત્રીઓ રિસેશનની વ્યાખ્યા કરે છે, અમુક મહિનાથી વધુ સમય આર્થિક પ્રવૃત્તિઓ નોંધપાત્ર પ્રમાણમાં સંકોચાઈ જાય, તમામ આર્થિક ક્ષેત્રોમાં મંદી છવાઇ જાય ત્યારે એ સમયગાળાને રિસેશન માનવામાં આવે છે. રિસેશન અન્ય ધોરણો કે સંકેતોથી પણ ડિફાઈન કરાય છે અને તેની માત્રા પણ એના આધારે નકકી થાય છે. જયારે બેરોજગારી છેલ્લા ત્રણ મહિનાનાં તેના નીચા સ્તરેથી અડધો પોઈન્ટ પણ વધે તો ઈકોનોમી રિસેશનમાં પ્રવેશી ગણાય. રિસેશન ગહન હોઈ શકે, પરંતુ થોડા સમય માટે જ હોય એવું બની શકે, જેમ કે પેન્ડેમિક વખતે ૨૨૦ લાખ લોકોએ નોકરી ગુમાવી હતી અને બેરોજગારીનો દર વધીને ૧૪ ટકા ઉપર પહોંચી ગયો હતો.
ગ્રોથ રિસેશન પણ હોય
આ ઉપરાંત દાયકા સુધી ચાલનારા રિસેશન પણ આવીને પસાર થાય છે, જે ગ્રેટ રિસેશન કે ડિપ્રેશન પણ કહેવાયા છે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ અને વિશ્ર્લેષકો હાલના રિસેશનને ટૂંકસમયની સ્થિતિ ગણે છે અને તેમાં ઇકોનોમીને વધુ ગંભીર અસર થવાની શકયતા જોતા નથી. એક શબ્દ ગ્રોથ રિસેશન પણ છે, જેમાં ગ્રોથ સંકોચાતો નથી, કિંતુ ગ્રોથ રેટ તેના વાર્ષિક લોંગટર્મ ૧.૫ થી ૨ ટકાના ગ્રોથ રેટ કરતા ધીમો રહે છે. જોકે તેમાં બેરોજગારી વધે છે. આ સમયગાળામાં બોન્ડ યિલ્ડ વધે છે. ઈક્વિટી કરતા બોન્ડસનું વળતર વધતા લોકોનું મહત્તમ રોકાણ બોન્ડસમાં જાય છે.
૨૦૨૩ સુધી આમ જ રહેશે?
એક અભ્યાસ મુજબ ૧૯૪૮થી અત્યાર સુધીમાં શૅરબજારમાં આવેલી મંદીના અથવા ભારે ઘટાડાના ૧૨ કિસ્સામાંથી નવ કિસ્સા રિસેશન સાથે જોડાયેલા હતા. તેથી જ તાજેતરનો ઘટાડો પણ ચિંતાજનક અને ચેતવણીરૂપ ગણાય છે. નોમુરા માને છે કે ફેડરલ રિઝર્વ જેમ વ્યાજ વધારશે તેમ સંજોગો વધુ વણસી પણ શકે. આ સિલસિલો ૨૦૨૩ સુધી ચાલી શકવાની શકયતા છે. જીડીપી ગ્રોથ પણ નીચે આવવાની ધારણા મુકાઈ છે.
મજાની વાત એ છે કે યુએસ જેવી લાર્જેસ્ટ ઈકનોમીમાં રિસેશનની શકયતા છતાં ભારતીય સહિત એશિયન માર્કેટ સોમવારે-મંગળવારે નોંધપાત્ર રિકવરી દર્શાવી હતી. યુએસ પ્રેસિડન્ટ જોડે બાઈન માને છે કે આ સંભવિત રિસેશન ટાળી શકાય એવું છે. યુએસના ઈન્વેસ્ટર્સને પણ આશા છે કે પૉલિસી મેકર્સ રિસેશનને રોકી શકશે.
કોવિડ દરમ્યાનની ઉદારતા ભારે પડી?
વાસ્તવમાં હાલના ઊંચા ઈન્ફલેશનનું કારણ કોવિડ દરમ્યાન વધુ પડતી ઉદારતાથી અપાયેલી રાહતો-સ્ટિમ્યુલસ પેકેજ ગણી શકાય, જેમાં પ્રવાહિતા અતિ વધી જતા મોંઘવારી વૃદ્ધિ પામી હોઈ શકે. એ સમયમાં ઈક્વિટી માર્કેટ પણ વધી ગઈ. જો કે ભારતે આ પ્રકારના સ્ટિમ્યુલસ પેકેજ આપ્યા હતા, તેમ છતાં તેમાં સંયમ અને સમતોલપણુ જાળવ્યું હતું. જોકે ફુગાવો અહીં પણ ઊંચે ગયો છે, જેનું વધુ જવાબદાર કારણ રશિયા-યુક્રેન વિવાદ-યુધ્ધને પગલે સર્જાયેલી પરિસ્થિતી કહી શકાય. હવે પછી ડિમાંડ મંદ પડતા ભાવ પણ નીચા આવવાની ધારણા બાંધી શકાય છે. ભારતનો સવાલ છે ત્યાં આપણે ત્યાં આર્થિક ડેટામાં સુધારા દેખાય છે, ચોમાસાના અમીછાંટા નજરે પડે છે. વીજ વપરાશમાં અને પેસેન્જર્સ વાહનોના વેચાણમાં વૃધ્ધિ નોંધાઈ છે. આવા રિકવરીના સંકેત આશા આપે છે. આપણા દેશમાં મોટી આશા એ છે કે ઇન્ફલેશન નીચે આવવા સાથે માર્કેટ રિકવરી ઝડપી બનશે, જોકે સમયની ધારણા મૂકી શકાતી નથી. કિંતુ એ બહુ સમય નહીં લે એવું માની શકાય. ભારત સરકાર સતત આર્થિક સુધારાના પગલાં ભરી રહી છે અને રિઝર્વ બેંક સતત સજાગ છે એ સારા સંકેત ગણી શકાય. ઊભરતા રાષ્ટ્રોમાં ભારત બહેતર સંજોગો અને ભાવિ ધરાવે છે.
ભારતીય સરકાર અને રિઝર્વ બૅંકની જવાબદારી
અલબત્ત, ઈકોનોમિક સ્લો ડાઉનની અસરની ઉપેક્ષા કરી શકાશે નહીં. આની અસર વ્યાપક થઈ શકે અને વધી પણ શકે. કેટલાંક એકસપર્ટ કહે છે કે અમેરિકામાં રિસેશન આવશે એ વાત ખોટી છે, અમેરિકામાં રિસેશન ઓલરેડી આવી ગયું છે. હાલના સંજોગો રિસેશનની સાક્ષી પૂરે છે. ફેડરલ રિઝર્વે આ વરસે ત્રણ વાર મળીને વ્યાજદર દોઢ ટકો વધારી દીધો છે, આગામી ૨૦૨૩ના અંતસુધીમાં આ દર હજી બે ટકા વધવાની શકયતા છે. ફેડ પાસે કડક બન્યા સિવાય કોઈ ઉપાય નથી. ફેડ જેમ-જેમ નાણાંનીતિ કડક કરશે તેમ રિસેશન વધશે એવું ભૂતકાળમાં જોવાયું છે. લોકો પાસે હાલ ખર્ચ માટે નાણાંની તંગી છે. જેથી પરચેસિંગ પાવર ઘટી રહ્યો છે. બેરોજગારીનો દર વધી રહ્યો છે. આ દર પાંચથી છ ટકા ન વધે તો એ રિસેશન બહુ ભારે નહી પડે, કિંતુ જો રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ રહ્યું તો યુએસએ સહિત મોટાભાગના દેશોની આર્થિક -સામાજિક પીડા અને પડકાર વધશે. આ બધાંની અસરથી ભારત મુકત રહી શકે નહી. ભારત સરકારે વિકાસલક્ષી-રોજગારલક્ષી આર્થિક પગલાં ભરવા જોઈશે, રિઝર્વ બેંકે નાણાંનીતિનું વ્યવહારું સંચાલન કરીને ઈન્ફલેશન અને ગ્રોથનું બેલેન્સ કરવું જોઈશે. પ્રજાએ સાવચેતીના અભિગમ સાથે વર્તમાન પડકારોનો સામનો કરવાનો રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.