ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, અમદાવાદમાં રોગચાળાએ માથું ઊંચક્યું

આપણું ગુજરાત

જુલાઈમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ધમરોળ્યું હતું. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટ મહિનામાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. આ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાં પડી શકે છે. નોંધનીય છે કે જુલાઈ મહિનામાં ગત વર્ષ કરતાં આ વર્ષે બમણો વરસાદ પડ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 69 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 189 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 27 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં સરેરાશ 11 ઈંચ વરસાદ નોંધાયો હતો. જે આ વર્ષે 23 ઈંચ નોંધાયો છે. નવા પાણીની આવક થતા હાલ રાજ્યના જળાશયોમાં 62.82% પાણીનો જથ્થો છે.
27 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. જોકે કેટલાંક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાંક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
સતત વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી માહિતી મુજબ ચાલુ જુલાઈ મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો નોંધાયા છે. ઝાડા ઉલટીના 615, કમળાના 193 અને ટાઇફોઇડના 165 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 46, ડેન્ગ્યુ 21, ચિકનગુનિયાના 08 અને ઝેરી મેલેરિયા 02 નોંધાયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.