જેમ સાધ્ય શુદ્ધ હોવું જોઇએ તેમ સાધન પણ શુદ્ધ હોવું જોઇએ

ધર્મતેજ

એક ગરીબ બ્રાહ્મણ અને સમ્રાટ અશોક વચ્ચે સંવાદ

મીમાંસા -કબીર સી. લાલાણી

સમ્રાટ અશોક કલિંગનું યુદ્ધ ખેલ્યો, પણ યુદ્ધના મહાસંહારે અશોકના અંતરને અકળાવી દીધું. સમ્રાટ અશોકને યુદ્ધના વિનાશથી પારાવાર પસ્તાવો થયો. તે સતત વિચાર કરતો કે એવું શું કરું કે જેથી મારા દુ:ખનો બોજ હળવો થાય.
યુદ્ધમાં મેળવેલા વિજયને કારણે સમ્રાટ અશોકનો ખજાનો સંપત્તિથી છલોછલ ઊભરાતો હતો. એણે દાન આપવાનું શરૂ કર્યું. તે રોજ બ્રાહ્મણોને દાન આપતો હતો. નગરના બધા બ્રાહ્મણો દાન લેવા માટે આવ્યા, પરંતુ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો નહીં. આ બ્રાહ્મણને ધનની ઘણી જરૂર હતી, પરંતુ એ દાન લેવા તૈયાર થયો નહીં.
સમ્રાટ અશોકને આશ્ર્ચર્ય થયું કે આ તે કેવો માનવી? બધા બ્રાહ્મણો દાન લઇ ગયા પણ એ ગરીબ હોવા છતાં કેમ આવતો નથી? સમ્રાટ અશોકે બ્રાહ્મણને બોલાવ્યો અને પોતાને સતાવી રહેલો પ્રશ્ર્ન તેને પૂછયો ત્યારે ગરીબ બ્રાહ્મણે નિર્ભયતાથી જવાબ વાળ્યો. ‘સમ્રાટ, તમે કયાં દાન કરો છો? તમે દાન કરતા હો તો જરૂર હું લેવા આવું.’
આ સાંભળી સમ્રાટ અશોકને વધુ નવાઇ લાગી. તેમણે કહ્યું, ‘જરા વિચાર તો કર, આટલા બધા બ્રાહ્મણો દાન લઇ ગયા અને તું વળી આને દાન જ કહેતો નથી?’
પેલા બ્રાહ્મણે જવાબ આપ્યો, ‘દાન તો એનું થઇ શકે જે સંપત્તિ મેળવવા માટે તેણે જાતે પરસેવો પાડ્યો હોય. તમે આપો છો એ રાજની સંપત્તિ. પ્રજાની સંપત્તિ છે. આ સંપત્તિમાંથી તમે આપો કે ન આપો એનો કશો અર્થ નથી. તમે જાતે પરસેવો પાડીને મેળવેલા ધનનું દાન કરો તો જ સાચા દાનેશ્ર્વરી ગણાવ.’
સમ્રાટ અશોકની આંખ ખૂલી ગઇ. એણે જાતે શ્રમ કરીને કમાણી કરવાનું નક્કી કર્યું. પંદર દિવસ સુધી એણે નહેર ખોદવાનો શ્રમ કર્યો અને પંદર સોનામહોર મેળવી. આ સોનામહોર લઇને સમ્રાટ અશોક ગરીબ બ્રાહ્મણ પાસે ગયો. બ્રાહ્મણ ખૂબ ખુશ થયો. એણે દાનરૂપે એક સોનામહોર સ્વીકારી અને આશીર્વાદ આપ્યા. આનો અર્થ એ કે સાચું દાન તે કહેવાય કે જે ધન મેળવવા માટે માનવીએ પ્રયત્ન કર્યો હોય. સામાન્ય રીતે સમાજમાં એવું જોવા મળે છે કે માનવી ગમે તે સાધનથી ધન મેળવે, અને પછી એ ધનને ધર્મ કે સેવાને માર્ગે વેપારીને કીર્તિ મેળવે. પરંતુ દાન ત્યારે જ આપી શકે જ્યારે તે દાનવીરે મહેનત કરી. પસીનો પાડીને ધન કમાવ્યું હોય. કોઇનું શોષણ કરીને ધન એકઠું કરવામાં આવે અને પછી એ ધનનું દાન કરવામાં આવે તો એનો કશો જ અર્થ નથી. જેમ સાધ્ય શુદ્ધ હોવું જોઇએ તે જ રીતે સાધન પણ શુદ્ધ હોવું જોઇએ.
શુદ્ધ અને સાત્ત્વિક ધન મેળવવા માટે સખત મહેનત તથા સમર્પિતતાને પ્રાધાન્ય આપનારા વિશ્ર્વમાં ઓછા છે, કારણ કે આવા સમર્પિત કુશળ માનવીઓ માત્ર નોકર બનીને રહી જાય છે. આધુનિક યુગમાં નાત-જાતના વાડા નથી, પણ શ્રીમંત તથા ગરીબના જૂથના વાડાઓ ઠેરઠેર જોવા મળે છે. શ્રીમંત અને ગરીબ એકમેકને દોષી માને છે અને પસીનાની વાત શ્રીમંતને ગળે નથી ઊતરતી. તેમ છતાં તેઓ વાતવાતમાં ‘પસીનાની કમાણી’નો ઉલ્લેખ કરે છે, જ્યારે ગરીબ પસીનો પાડીને થાકી જાય છે પણ ધનની અછત તેને
સતાવે છે. ધન અર્થાત્ પૈસા માટે સખત કામ કરનારા પ્રામાણિક માનવીઓને ભ્રષ્ટાચારથી ખરડાયેલા સમાજે હતો ન હતો કરી નાખ્યો હોવા છતાં સામાન્ય માનવી સમાજ માટે ઘણું બધું સારું કાર્ય કરી જાય છે. આવા સંસ્કારી, ચારિત્રવાન માનવીઓને સલામ-નમસ્તે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.