મુંબઈ: બેન્કોમાં પ્રવાહિતાની ખેંચને પરિણામે કમર્શિયલ પેપર્સના દરમાં થયેલો વધારો જો વધુ લાંબો સમય જારી રહેશે તો ઉદ્યોગ ક્ષેત્રની ઇન્પુટ કોસ્ટમાં વધારો કરશે અને તેમના નફાના માર્જિન પર દબાણ લાવશે એવી ચિંતા ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
લિક્વિડિટીની ખેંચ તથા સરકાર દ્વારા ઊંચા બોરોઈંગ્સને પરિણામે દેશની કંપનીઓએ પોતાની નાણાંની આવશ્યકતા ઊંચા ખર્ચના કમર્શિઅલ પેપર્સ (સીપી) મારફત પૂરી કરવાની સ્થિતિ ઊભી થઈ છે. પરિણામે ટૂંકી મુદત માટે કમર્શિઅલ પેપર્સના દર વધી રહ્યા છે.
આમ કમર્શિયલ પેપર્સ મારફત નાણાં ઊભા કરવાનું કંપનીઓ માટે વધુ ખર્ચાળ બની રહેશે. રિઝર્વ બેન્કે જ્યારથી ગયા વર્ષથી વ્યાજ દર વધારવાનું શરૂ કર્યું છે ત્યારથી ટૂંકી મુદતના દરોમાં વધારો થઈ રહ્યો છે. ટૂંકી મુદતના દરો છેલ્લા ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.
બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટીની ખેંચ અને સરકાર દ્વારા બોરોઈંગ્સમાં વધારાને પરિણામે ટૂંકી મુદતના દરોમાં વધારો થયો છે.
વર્તમાન સપ્તાહના પ્રારંભમાં નાબાર્ડે ત્રણ મહિનાની મુદત માટે ૭.૬૫ ટકાના દરે ભંડોળ ઊભું કરવાની ફરજ પડી હતી જે એક મહિના પહેલા ૪૦ બેઝિસ પોઈન્ટ સસ્તું હતું. એક તરફ ધિરાણ માગમાં વધારો અને બીજી બાજુ થાપણ વૃદ્ધિ મંદ રહેતા બેન્કોમાં લિક્વિડિટીની ખેંચ જોવા મળી રહી છે.
કમર્શિયલ પેપર્સની દરવૃદ્ધિ કંપનીઓના નફાનું માર્જિન ઘટાડશે
RELATED ARTICLES