એક ઉદાર રાજાની ઓળખ!

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ-ભાવાનુવાદ: સંજય છેલ

એક રાજા હતો. એ પોતાને બહુ ‘તાઇ’ એટલે કે ઉદાર સમજતો હતો, એટલે જ લોકો એને હાતિમતાઈ કહેતા હતા.
એ ફક્ત કહેવા પૂરતો જ ઉદાર રાજા નહોતો, એ ખરેખર ઉદાર રાજા હતો. જે કંઈ પણ એ ઈચ્છે તે કરી શકે એવો જાદૂગર પણ હતો. જોકે, એ અમર થવા માગતો હતો, એ વિશ્ર્વમાં પ્રખ્યાત થવા માગતો હતો, સદાયે માટે નામનાં મુકામ પર ટકી રહેવા માગતો હતો. એ માટે એણે ઘણાં કામો કર્યા, જેમ કે પંચવર્ષિય યોજનાઓ બનાવી, એ યોજનાઓને થોડાં વર્ષોમાં જ પૂરી કરાવી.
નદી પર ડેમ કે બાંધ પણ બનાવ્યા, જ્યારે એ તૂટી ગયા ત્યારે એને ફરીથી બનાવ્યા. કૉલેજો ખોલવામાં આવી અને જ્યારે ત્યાં હડતાળ થઈ ત્યારે એને દબાવી દીધી. બેકારોને કામ આપ્યું અને જ્યારે કામ પૂરું થયું ત્યારે એ લોકો પાછા બેરોજગાર થઈ ગયા, તો ફરીથી એ રાજા વિચારવા લાગ્યો કે હવે આ લોકોને શું કામ આપવું? ટૂંકમાં એ એક મહાન રાજા હતો અને સતત સારા કામો કરતો હતો.
એક દિવસ એ રાજાએ વિશ્ર્વપ્રસિદ્ધ થવાની લાયમાં ચિંતિત થઇને એક ફકીરને પૂછ્યું કે, ‘એક મહાન રાજાની ઓળખ શું હોય છે?’
ફકીરે કહ્યું, “જે રાજા પોતે જમતાં પહેલાં એ જાણી લે કે શહેરમાં કોઈ ભૂખ્યું તો નથી અને જે ભૂખ્યું હોય, એને ખવડાવીને પછી જ પોતે ખાય, એ જ સારો રાજા કહેવાય!
હાતિમે કહ્યું, “આ કોઈ અઘરી વાત નથી. હું પણ જમતાં પહેલા પૂછી લઈશ કે શહેરમાં કોઈ ભૂખ્યું તો નથીને?
બીજા દિવસે જ્યારે લંચ માટે જમવાની થાળી સામે આવે ત્યારે હાતિમે કર્મચારીઓને કહ્યું કે, ‘જાઓ, શહેરમાં પૂછીને આવો કે કોઈ ભૂખ્યું તો નથી?’
કર્મચારીઓ શહેરમાં ગયા. ઓફિસરોએ ઘોષણા કરી કે- ‘શહેરમાં કોઈ ભૂખ્યું તો નથીને?’
શહેરમાં ઘણા લોકો એવા હતા જે ભૂખ્યા હતા. એ એવા લોકો હતા જે હંમેશાં ભૂખ્યા જ રહે છે. એ લોકોને રાજા પાસે લાવવામાં આવ્યા. રાજાએ એમને કહ્યું, ‘પહેલા તમે બધા ખાઈ લો, પછી જ હું ખાઈશ.’
આ બધાથી ફ્રી થયા પછી રાજા લંચની થાળી ખાવા બેઠો, પણ ત્યાં સુધીમાં તો ડિનરનો ટાઈમ થઈ ગયો હતો. લંચ કર્યા પછી તરત જ જ્યારે ડિનર એની સામે આવ્યું, ત્યારે એણે ફરીથી કર્મચારીઓને કહ્યું, ‘જાઓ જાણકારી મેળવો કે, શહેરમાં કોઈ ભૂખ્યા તો નથી ને?’
હવે આ જાણકારી મેળવવામાં આખી રાત નીકળી ગઈ. રાજાએ ડિનર સવારના લંચ સમયે ખાધું!
આવી જ રીતે નિત્યક્રમ ચાલવા લાગ્યો. રાજા ડિનરના સમયે લંચ અને લંચના સમયે ડિનર લેતો. મતલબ એ કે એ બંને સમય જમતો, પરંતુ સવારનું જમવાનું સાંજે અને સાંજનું જમવાનું સવારે! અને ભૂખ્યાઓની શોધ ચાલુ રહેતી.
આમ કરતાં કરતાં ઘણાં વર્ષો વીતી ગયા. એક દિવસ રાજાને એના એક નોકરે કહ્યું, ‘હુઝૂર, રોજ રોજ લંચ ઠંડું થઈ જાય છે અને ડિનર વાસી થઈ જાય છે, ઉપરથી તમારી તબિયત ફોગટમાં ખરાબ થઈ રહી છે. જો તમે મંજૂરી આપો તો અમે રાત્રે તાજું લંચ બનાવીએ અને લંચના સમયે ડિનર તૈયાર કરીએ! તેથી ભૂખ્યાઓનું પેટ પણ ભરાતું રહેશે અને તમે પણ સારું જમતા રહેશો.’
રાજાએ આ વાત મંત્રીમંડળને પૂછી. મંત્રીમંડળે કહ્યું, ‘વાત એકદમ બરાબર છે.’
રાજાએ ભૂખ્યાઓને પૂછ્યું. એમણે કહ્યું, ‘અમને શું? તમારે જ્યારે ઈચ્છા હોય ત્યારે ખાવ. જેમ ઈચ્છા હોય એ રીતે ખાવ!’
હવે હાતિમતાઈ બંને વખત ગરમા-ગરમ જમવા લાગ્યો. ભાષાની દૃષ્ટિએ લંચ ને ડિનર અથવા ડિનર ને લંચ કહેવાથી ગેરસમજ ઊભી થાય છે. એટલે જ મહેમાન મૂંઝવણમાં મુકાઈ જતા હતા. લંચ માટે બોલાવો, તો બપોરે આવી જતા અને ડિનર માટે બોલાવો તો મૂર્ખ લોકો રાત્રે આવી જતા! સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી લંચને ફરીથી લંચ અને ડિનરને ફરીથી ડિનર કહેવાવાનું શરૂ થયું.
આવી રીતે ત્રીસેક વર્ષ નીકળી ગયા.
પછી એક દિવસ એક આઈ.એ.એસ. ઓફિસરે હાતિમતાઈને કહ્યું, ‘સર, આમ રોજ ભૂખ્યાઓને બોલાવીને પૂછવાનું કામ તમે શા માટે પોતાની ઉપર લઈ રાખ્યું છે? આ કામ હું કરી આપીશ. તમારી પાસે બીજી ઘણી બાબત છે.
આંતરરાષ્ટ્રીય સમ્મેલનોના ઉદ્ઘાટનો કરવાનાં છે, વકીલોની કોન્ફરન્સમાં બોલવાનું છે, આસામની સમસ્યા છે, ગુજરાતના ઝઘડા છે, છઠ્ઠી યોજના છે. તમે આ નાની-મોટી વાતોમાં સમય બગાડશો, તો કેમ ચાલશે? બીજું એવું કે, કોઈ માણસ ખરેખર ભૂખ્યો છે એ સાબિત કર્યા વગર એને સરકારી ભોજન કેવી રીતે આપી શકાય?
હાતિમતાઈએ મંત્રીમંડળનો અભિપ્રાય માંગ્યો!
મંત્રીમંડળે કહ્યું, ‘બરાબર છે, એમ જ થવું જોઈએ, જેમ આઈ.એ.એસ. ઓફિસર કહી રહ્યા છે. તેઓ ખોટું તો ક્યારેય બોલતા જ નથી!’
તો આમ ભૂખ્યાઓનું ડિપાર્ટમેન્ટ આઈ.એ.એસ.ઓફિસરને સોંપી દેવાયું. ઓફિસરે એક નિયમ બનાવ્યો. જે ભૂખ્યો હોય, એ લેખિતમાં અરજી કરે. સાથે ભૂખ્યા હોવાનું પ્રમાણપત્ર પણ લાવે. સરકાર વિચાર કરશે ને પછી યોગ્ય વ્યક્તિને પૂરું જમવાનું આપશે.
પછી શહેરમાં ફરી ભૂખ્યાઓ ભૂખે મરવા લાગ્યા. કેટલાક ઍપ્લિકેશન આપ્યા વિના જ મરી ગયા. કેટલાક ઍપ્લિકેશન આપવાના પ્રયાસમાં મરી ગયા, કેટલાક ઍપ્લિકેશન આપીને મરી ગયા! બાકી બધા જવાબની રાહ જોવામાં મરી ગયા!
ઘણાં વર્ષો પછી પેલો જ ફકીર પાછો રાજા હાતિમતાઈ પાસે આવ્યો, જેણે સલાહ આપી હતી કે ભૂખ્યાને ખવડાવીને પછી પોતે ખાવાનું અને એણે હવે કહ્યું, ‘હું ભૂખ્યો છું હાતિમ, મને કંઈક ખવડાવ!’
હાતિમે લંચ ખાતા-ખાતા કહ્યું, ‘હે ફકીર, હું મજબૂર છું. હવે નિયમ બની ગયા છે અને વાત આઈ.એ.એસ. ઓફિસરના હાથમાં છે. તમારે નિયમ પ્રમાણે અરજી કરવી પડશે!’
આટલું કહીને હાતિમ ઊઠ્યો અને આઝાદીની વર્ષગાંઠના કાર્યક્રમમાં ભાષણ આપવા જતો રહ્યો!
એક ઉદાર ઉમદા રાજાની એક ઓળખ આ પણ હતી!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.