મેનેજમેન્ટનો માનવીય અભિગમ

ધર્મતેજ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ શ્રી થીયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે The most important single ingredient in the formula of success is knowing how to get along with people.’ મનુષ્યો સાથે કામ લેવાની કુશળતા એ સફળતા માટે સૌથી જરૂરી એકમાત્ર પરિબળ છે.
જેમ કેવળ લોટથી પિંડો બંધાતા નથી. તેમાં મોણ (લોટમાં નંખાયેલું તેલ કે ઘીનું મિશ્રણ) મેળવવું પડે છે. તેમ કેવળ બુદ્ધિથી વ્યાવહારિક કે વ્યાવસાયિક સફળતાનો પિંડો બનતા નથી. તે માટે જરૂરી છે – Emotional intelligence (ભાવનાત્મક બુદ્ધિ).
સફળ મેનેજમેન્ટ માટે તેની અગત્ય જાણવા ખ્યાતનામ લેખક ડેનિયલ ગોલમેને ૧૮૮ લબ્ધ પ્રતિષ્ઠ કંપનીઓનું સર્વેક્ષણ કરી જણાવ્યું છે કે’When I calculated the ratio of technical skills, IQ and emotional intelligence as ingredients of excellent performance, emotional intelligence proved to be twice as important as the others for jobs at all levels.’ અર્થાત્ વ્યાવસાયિક જવાબદારીના કોઈ પણ સ્તરે તકનીકી કૌશલ્ય અને બુદ્ધિક્ષમતા કરતાં ભાવનાત્મક બુદ્ધિનું મહત્ત્વ
બમણું છે.
આવી મહત્ત્વપૂર્ણ ભાવનાત્મક બુદ્ધિને એક ઉદાહરણ દ્વારા સમજીએ. એકવાર સ્ટાન્ડર્ડ ઓઈલ કંપનીના ઉપરી અધિકારીની ભૂલથી કંપનીને વીસેક લાખ ડોલરનું નુકસાન થયું. આ ખબર મળ્યાના દિવસે સૌ કર્મચારીઓ કંપનીના સૂત્રધાર સમા શ્રી જે. ડી. રોકફેલર પાસે જવાનું ટાળવા લાગ્યા. દરેકના મનમાં દહેશત હતી કે બીજાની ભૂલનો ગુસ્સો પોતાના પર ઠલવાય તો?
પરંતુ એડવર્ડ બેડફર્ડ નામના એક પગારદાર મુલાકાત માટે ફાળવેલા સમયે કાર્યાલયમાં પ્રવેશ્યા. તે વખતે રોકફેલર પેન્સિલ વડે પેડ પર કંઈક લખી રહેલા. પૂછતાં ખબર પડી કે તેઓ પેલા ભૂલ કરનારા અધિકારીના સારાં પાસાંઓની યાદી બનાવી રહેલા. તે અધિકારીને ટકોર કરતાં પૂર્વે રોકફેલરે કરેલી આ કવાયત સૌને આશ્ર્ચર્ય પમાડી ગઈ.
ભૂલભરેલાનું ધ્યાન દોરવું જરૂરી છે, પણ તેના ગુણોને કારણે કંપનીને થયેલા ફાયદાને યાદ રાખી જો કહેવામાં આવે તો ટકોર કરતી વખતે નીકળતા શબ્દો, તેના સ્વરભાર અને શરીરના હાવભાવમાં ઘણો ફેર પડી જાય. તેથી સામેવાળાને ચોટ પહોંચે, પણ ઈજા નહીં. તે કારણે એ કર્મચારી કામ કરવામાં સચેત અને સતર્ક થાય, પરંતુ ભાગી ન જાય કે ભાંગી ન પડે. આનું નામ યળજ્ઞશિંજ્ઞક્ષફહ શક્ષયિંહહશલયક્ષભય (ભાવનાત્મક બુદ્ધિ). તેનાથી અન્ય માનવી સાથેના આપણા સંબંધો સુમેળભર્યા રહે. તેથી અંતે વ્યવહાર અને વ્યવસાયમાં ફાયદો થાય.
આ ઈમોશનલ ઈન્ટેલિજન્સની પ્રતિમૂર્તિ સમા હતા – પ્રમુખસ્વામી મહારાજ. તેઓ સન ૧૯૮૧માં અમદાવાદના આંગણે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવી રહેલા. ૩૭ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ માટે બસો એકરની જમીન પર ભવ્ય ‘સ્વામિનારાયણ નગર’ ખડું કરવામાં આવેલું. આ પ્રસંગે ઉમટનારા લાખો ભક્તો-ભાવિકોના આવાસરૂપે ‘છપૈયાપુરમ્’ રચાયેલું. તેમાં રોકાનાર સૌની પાણીની સુવિધા માટે છપૈયાપુરની નજીકમાં આવેલા એક ઊંચા ટેકરા પર પાણીનો હોજ તૈયાર કરાયેલો. આ હોજની ફરતે ધૂળ દાબીને તેને ઢાળ આપી દીધેલો કે જેથી હોજ પાણીથી ભરપૂર હોય તોય હોજની દીવાલ ફાટી-ફસકી ન જાય. આ હોજમાં પાણી ભરવા માટે બાજુમાં આવેલા બોર સાથે હોજનું જોડાણ કરવામાં આવેલું. તેથી વાલ્વ ખોલતાં જ હોજમાં પાણી ભરાવા માંડતું.
પરંતુ તા. ૩/૪/૧૯૮૧ની રાત્રે આ વાલ્વ ભૂલથી ખુલ્લો રહી જતાં હોજ પાણીથી ઊભરાઈ ગયો. તેથી માટીનું ધોવાણ થતાં હોજ મિનિટોમાં ફસકી ગયો. તે કારણે મોટી આર્થિક નુકસાનીની સાથે લોકોને પણ ઘણી હાલાકી પહોંચી. તે જોઈ પાણી વિભાગની જવાબદારી સંભાળતા સંત મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓને મનમાં ફડક હતી કે ‘આ ગંભીર ગફલતને કારણે પ્રમુખસ્વામી મહારાજનો ઠપકો મળશે અને તે વાજબી પણ છે.’
પરંતુ બન્યું સાવ વિપરીત જ. પ્રમુખસ્વામી મહારાજે ભૂલ બદલ ઠપકો નહીં, પરંતુ કાર્યને પુન: ચાલુ કરવા યોગ્ય માર્ગદર્શનની સાથે હૂંફ અને આશીર્વાદ આપ્યા. તેથી પેલા સંત વધુ ઉત્સાહ અને ચીવટપૂર્વક કામ કરવા કટિબદ્ધ થઈ ગયા.
ઉત્તમ મેનેજર એ છે કે જે પોતાના કર્મચારીઓને એવો અહેસાસ કરાવે કે ભૂલના સમયે પણ તે મારી સાથે જ રહેશે. તેથી કર્મચારી નિશ્ર્ચિંત થઈ કામ કરે છે અને ઉત્તમ પરિણામ લાવી આપે છે – આધુનિક મેનેજમેન્ટનો આ સિદ્ધાંત પ્રમુખસ્વામી મહારાજના ઉપરોક્ત પ્રસંગમાં ઝળકે છે. તેઓ ભૂલભરેલાને નભાવી જાણતા. તેથી ભૂલોની પરંપરા અટકતી અને ભૂલભરેલા સુધરતા.
પ્રમુખસ્વામી મહારાજનું આ મેનેજમેન્ટ પૂરેપૂરું માનવીય અને મૂલ્યવાન છે. તેને અપનાવનારી વ્યક્તિના સંસાર અને સદન – બંને શોભી રહે એમ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.