ઘર હવે જરૂરિયાતથી વધીને એશોઆરામનું માધ્યમ બની રહ્યું છે

વીક એન્ડ

આ પ્રકારની રચના પાછળ કયો નિર્ણય મહત્ત્વનો બની રહ્યો હશે! – શું આને સર્જનાત્મકતા કહેવાય! -આજે માછલી કાલે મગર પરમદિવસે વ્હેલ… પણ શું કામ!

તરતા ઘર -હેમંત વાળા

ઘર એ મૂળભૂત રીતે વાતાવરણનાં વિપરીત પરિબળો સામે રક્ષણ આપતું આવરણ છે. ક્રમશ : તેમાં વિવિધ જરૂરિયાતો ઉમેરાતી ગઇ, તે જે તે વસ્તુના સંગ્રહ માટે તથા રોજિંદી ક્રિયાઓ કરવાની સગવડતા માટે પણ બનાવાતું ગયું. રક્ષણની સાથે ઘરની રચનામાં સવલતો તથા પસંદ-નાપસંદની માત્રા ઉમેરાતી તેમ જ વધતી ગઇ. ઘર હવે જરૂરિયાતથી વધીને એશોઆરામનું માધ્યમ બનતું ગયું. તે હવે વ્યક્તિત્વના પ્રતિબિંબ તરીકે પણ લેખાવા લાગ્યું. ઘરમાં પણ પ્રકારો આવતા ગયા અને કેટલાક વ્યક્તિ-સમૂહ માટે રોજિંદું ઘર તથા દીર્ઘઅવકાશ-રજાઓ માટેનું ઘર, એમ અલગ અલગ રચના કરાતી થઇ. આવા એક વેકેશન ઘરનો પ્રકાર એટલે તરતું ઘર. અમેરિકા, દુબઇ, જાપાન તથા ભારતમાં પણ આ પ્રકારના ઘરની માગ વધતી જાય છે. ક્યારેક આવી રચના હોટલ-રિસોર્ટ તરીકે પણ વપરાય છે.
શરૂઆતના તબક્કામાં મજબૂત કરાયેલ પોલિસ્ટિરીન તથા લાકડાનાં પાટિયાનો મંચ બનાવી તેના પર આવાં મકાન બનાવાતાં. પણ ક્ષેત્રફળ તથા ભારવહનની ક્ષમતામાં મર્યાદાને કારણે આ મકાન નાનાં બનાવાતાં, જેનાથી અમુક શ્રીમંત વર્ગની કેટલીક ઇચ્છાઓ અધૂરી રહી જતી. એના તરતા ઘર પોલિસ્ટિરીન ભરેલ કોંક્રીટની એક કરતા વધારે ઊંધા વાડકા જેવી રચના પર બનાવાય છે. કોંક્રીટના આ ફલોટ પર મંચ બનાવી તેના પર વજનમાં હલકી બાંધકામની સામગ્રીમાંથી ઘર બનાવાય છે. આ ઘરને જે તે સ્થાને જકડી રાખવા લંગરના સ્તંભ સાથે તેને બાંધેલા રખાય છે. આ ઉપરાંત ક્યાંક તેને લાંબા દોરડાથી કિનારા સાથે પણ બાંધી દેવાય છે. બાંધવા માટેનાં આ દોરડાં તૂટી ન જાય તેવા મજબૂત અને લચકદાર બનાવાય છે.
આ પ્રકારના ઘર પાણીની સપાટી પર તરતાં રહે છે અને પાણીના સ્તરમાં વધઘટ થતાં તે ઉપર-નીચે પણ જાય છે. પણ આવા ઘર જ્યારે દરિયામાં બનાવાય ત્યારે ભરતી-ઓટની માત્રાનું ખૂબ ધ્યાન રાખવું પડે અને દરિયાના પ્રવાહના બળ સામે તે ટકી રહે. ઇચ્છનીય સમયગાળા સુધી ટકી રહે તે પણ જરૂરી બને. તેથી તરતાં ઘર શાંત પાણીમાં બનાવવામાં આવે છે.
આ પ્રકારની રચનાનું વજન, ઓછું રાખવા તેનું બાંધકામ એલ્યુમિનિયમ જેવી ધાત, કાચ, પ્લાસ્ટિક તથા આબોહવા સામે ટકી શકે તેવાં લાકડાનાં પાટિયામાંથી કરાય છે. વળી તેની દીવાલો વચ્ચમાં અવકાશવાળી-કેવીટી વોલ હોય છે. આનાથી ઘરની અંદરનું તાપમાન અનુકૂળ સ્તરે જળવાઇ રહેવાની સંભાવના વધી જાય છે. આવાં મકાનમાં ગટરની વ્યવસ્થા માટે એક ટાંકી રખાય છે. જેમાં ગંદું નિકાલ કરવા યોગ્ય પાણી ભેગું થાય અને પછી સમયાંતરે આપ મેળે ચાલુ થતી મોટરથી તેને કિનારે ગોઠવવામાં આવેલ પાઇપમાં ખાલી કરાય. આ ઘરમાં શુદ્ધ પાણીના સંગ્રહ માટે પણ ટાંકી હોય છે. જેને જરૂરિયાત પ્રમાણે ભરવામાં આવે છે. આ પ્રકારનાં ઘર અલાયદાં તથા પાણીની સપાટી ઉપર હોવાથી તેમાં સૂર્યનાં કિરણોનો પ્રવેશ સરળ બને છે. તેથી અહીં વીજળી માટે સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરાય છે.
બૉટ હાઉસ, યૉટ કે શિકારા કરતાં આ રચના ભિન્ન ગણાય છે. આ ઘર તરતું તરતું કયાં અન્ય સ્થળે નથી જતું. જોકે આમાં પણ અપવાદ છે, પરંતુ તરતું ઘર જે તે સ્થાને પાણી પર કાયમી રહે છે. તેનું સ્થાન કિનારાથી બહુ દૂર નથી રખાતું અને સંરચનાકિય તથા સામાજિક પ્રવૃત્તિ માટે તેનું સ્થાન તે પ્રમાણે વિચારીને નક્કી કરાય છે. તેની કિંમત ઘણી બાબતો પર આધાર રાખે છે. તેનું ક્ષેત્રફળ તેમાં સમાવાયેલ સવલતો, એક કે બે માળની તેની ઊંચાઇ, તે જે સ્થાને બનાવાય ત્યાં પાણીના પ્રવાહની ગતિ, તે સ્થાનની નીચે આવેલ જમીનની ઊંડાઇ, ત્યાં લાગુ પડતા પવનની દિશા અને તીવ્રતા, સલામતી તથા સાવચેતીનાં પગલાં માટે પ્રયોજાયેલાં ઉપકરણો, તેમાં અંકુશમાં રખાયેલી ચલિતતા, આ અને આવી બાબતો પર આવા તરતાં ઘરની કિંમત અવલંબે છે.
આ પ્રકારની રચનાથી જમીન બચે, પણ તેની બનાવટમાં જે સામગ્રી વપરાય તેનો ભાર તો જમીન પર જ આવે. પણ આવાં ઘર નાનાં જ બનાવાતાં હોવાથી ક્યાંક તો પર્યાવરણ પરનો ભાર ઓછો થવાની સંભાવના રહેલી હોય છે. સાથે સાથે આ ઘર વધારાનું ઘર હોવાથી તેમાં વધારાની ખપત તો થાય છે જ.
પાણીની સપાટી પર આવેલ આવાં ઘરમાં ગરમી-ઠંડીની માત્રા આપે મેળે જ અમુક અંશે નિયંત્રિત રહે છે. આવાં ઘર અલાયદાંં હોવાથી તેના ઉપયોગથી વ્યક્તિગતતા વધતી જાય છે અને સામાજિક માળખું ક્યાંક ક્ષતિગ્રસ્ત થતું લાગે છે. સહવાસની ભાવના અહીં ક્ષીણ થતી અનુભવાય છે. આને ખાળવા આવાં તરતાં આવાસ સમૂહમાં પણ બનાવાય છે. પાણીની સપાટી પર સતત રહેવાથી અહીં રહેનાર વ્યક્તિમાં અમુક પ્રકારની શારીરિક તેમ જ માનસિક બીમારી વધુ રહેવાની સંભાવના હોય છે, તેની સામે ઘણા લોકોનું મન પ્રફૂલ્લિત પણ રહી શકે. અહી પહોંચવા કાર-સ્કૂટર કામમાં ન આવતાં હોવાથી નાનાં યાંત્રિક હોડકાં રખાય છે. જો તરતું ઘર દરિયાના પાણી મધ્યે હોય તો વાતાવરણમાં રહેલી ખારાશ જુદા જ પ્રકારના પ્રશ્ર્નો સર્જી શકે. આવાં ઘરની રચનામાં કાચની દીવાલો મહત્તમ પ્રયોજાય છે જેથી ચારે તરફનો નજારો માણી શકાય. ઘણીવાર તો ઘરના કેટલાક વિસ્તારમાં ફર્શ પણ કાચની બનાવાય છે. આ પ્રકારના ઘરમાં ક્યારેક કેટલાક ઓરડા પાણીની સ્તરની નીચે બનાવાતા હોય છે. જેની કાચની દીવાલ થકી જળચળ સૃષ્ટિને વ્યવસ્થિત જોઇ શકાય. તરતાં ઘરની રચનામાં બહારની ખુલ્લી જગ્યાનું મહત્ત્વ સામાન્ય રીતે વધારે જ હોય. તેથી અહીં બાલ્કની તથા અગાશીનો મહત્તમ તથા વ્યવસ્થિત ઉપયોગ થાય તેનું ધ્યાન રખાય છે. પરંપરાગત ઘરની સરખામણીમાં તરતાં ઘરના આયોજનમાં મુક્ત-સ્થાન આયોજન-ઓપન પ્લાનિંગના સિદ્ધાંતો જ અનુસરાય છે. અહીં ગોપનીયતાની વ્યાખ્યા જ જાણે બદલાઇ જાય છે.
ઠંડકની મઝા છે. લહેરોના સંગીતની મઝા છે. ચારે તરફની મોકળાશને માણવાની મઝા છે. જાત સાથે જોડવાની સંભાવના વધી જાય છે. અહીં કુદરતી એકાંત મળી રહે. કુદરતના ખોળે માનવી જાણે અહીં ઝુલવા લાગે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.