Homeએકસ્ટ્રા અફેરનીરવ મોદીને ભારત લાવવાની આશા જાગી ખરી

નીરવ મોદીને ભારત લાવવાની આશા જાગી ખરી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં બૅંકોને લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને બ્રિટન જતો રહેલો ભાગેડુ નીરવ મોદી ફરી ચર્ચામાં છે. નીરવ મોદીનો કાંઠલો ઝાલીને તેને ભારત પાછો લાવવા માટે આપણે લાંબા સમયથી મથ્યા કરીએ છીએ પણ કાનૂની દાવપેચમાં વાત ફસાઈ છે તેથી મેળ પડતો નથી. હવે એવી આશા જાગી છે કે, ભાગેડુ નીરવ મોદીને ટૂંક સમયમાં જ ભારત લાવી શકાશે કેમ કે ભાગેડુ નીરવ મોદીને ભારતને સોપવાની લંડનની હાઇ કોર્ટે લીલી ઝંડી આપી છે.
ભારત લાંબા સમયથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે. મતલબ કે, નીરવ મોદીને ભારત લઈ આવવા માગે છે પણ બ્રિટનમાં આશરો લઈ રહેલો નીરવ મોદી ભારત આવવા નથી માંગતો કેમ કે અહીં આવે તો બાકીની જીંદગી જેલમાં જ જાય. આ કારણે પ્રત્યાર્પણની કાર્યવાહીથી બચવા માટે કાનૂની દાવપેચ રમ્યા કરે છે ને અલગ-અલગ દલીલો કરીને છટકવા માગે છે.
બ્રિટનની નીચલી કોર્ટે આ દલીલો ફગાવી દીધેલી તેથી નીરવ મોદીએ હાઈ કોર્ટમાં અપીલ કરેલી. પ્રત્યાર્પણથી બચવા માટે લંડનની હાઇ કોર્ટમાં નીરવના વકીલે છેલ્લા પાટલે બેસીને ત્યાં સુધી કહી દીધેલું કે, પોતાનો ક્લાયન્ટ નીરવ તો ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જે સ્થિતિ છે એ જોતાં ભારતની જેલમાં ધકેલાય તો નીરવ મોદી સુસાઈડ પણ કરી શકે છે. આ વાહિયાત દલીલના આધારે ભાગેડુ નીરવ મોદીના પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે લંડનની હાઇ કોર્ટે લાંબી સુનાવણી પછી નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે તેથી ભાગેડુ નીરવ મોદીને ભારત પાછા લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. લંડન હાઈ કોર્ટ ભાગેડુ નીરવ મોદીની પ્રત્યાર્પણ રોકવાની અરજીને ફગાવતા કહ્યું છે કે, નીરવનું પ્રત્યાર્પણ અન્યાયી હશે કે તેના પર અત્યાચાર ગુજારાશે એ વાતમાં દમ નથી તેથી ભાગેડુ નીરવ મોદીને ભારતને સોંપવામાં કશું ખોટું નથી.
આ પહેલાં પણ સુનાવણી દરમિયાન લંડન હાઈ કોર્ટના જસ્ટિસ રોબર્ટ જે સાફ શબ્દોમાં કહી જ ચૂક્યા છે કે, બ્રિટન સાથે ભારતના સારા સંબંધો છે અને ૧૯૯૨માં ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિ થઈ ચૂકી છે. બ્રિટને આ સંધીનું સન્માન કરવું જરૂરી છે. કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો ત્યારે પોતાના આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વેસ્ટમિનિસ્ટર કોર્ટે ગયા વર્ષે ભાગેડુ નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપતો ચુકાદો આપ્યો તે એકદમ સાચો હતો. કોઈ વ્યક્તિ આપઘાત કરી લેશે એવો ડર બતાવીને પ્રત્યાર્પણ ના રોકી શકાય.
ભાગેડુ નીરવ મોદી પાસે લંડન હાઈ કોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે પણ યુ.કે.માં ભારત જેવું તંત્ર નથી. સુપ્રીમ કોર્ટમાં આ અરજી ત્યારે જ દાખલ થઈ શકે કે જ્યારે હાઇ કોર્ટ તરફથી એવું કહેવામાં આવે કે, આ અરજી જાહેરહિતની છે. નીરવ મોદીનો કેસ જોતાં લંડન હાઈ કોર્ટ એવું કશું કહે એવી શક્યતા નહિવત્ છે એ જોતાં નીરવને ભારતને સોંપાય એવી પ્રબળ શક્યતા છે. નીરવ મોદીએ ૧૪ દિવસની અંદર યુ.કે.ની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે એ જોતાં નીરવનું શું થશે તેની ખબર પંદરેક દિવસમાં પડી જશે પણ આ વખતે જે રીતે ગાળિયો કસાયો છે એ જોતાં નીરવ મોદી છટકી જાય એવી શક્યતા ઓછી છે.
નીરવ મોદીના કેસમાં શું થશે તેની ખબર એકાદ-બે દિવસમાં પડી જશે પણ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી બંનેને ભારત લવાય એ જરૂરી તો છે જ. ધરાર શોબાજી કરીને પોતાનો પ્રભાવ ઊભો કરનારા મામા-ભાણિયા નીરવ મોદી અને મેહુલ ચોકસીએ આપણી બૅંકોનું ૧૧,૪૦૦ કરોડ રૂપિયાનું કરી નાંખ્યું તેમાં આપણી ઈજ્જતનો બહુ ફાલુદો થયો છે. આટલા મોટા પાયે કરી નાંખ્યા પછી બંને બાપના બગીચામાં લટાર મારવા નિકળ્યા હોય એ રીતે ભાગી ગયા તેમાં આપણી વધારે બદનામી થઈ ગઈ.
આપણી પોલીસ, આપણી એજન્સીઓ, આપણી સરકાર બધાં સાવ નકામાં છે એવી છાપ આખી દુનિયામાં પડી છે. નીરવ મોદી કે મેહુલ ચોકસી બંનેમાંથી કોઈ એકને પણ પકડીને અહીં લવાય તેના કારણે ધોવાયેલી આબરૂ પાછી આવવાની નથી પણ કમ સે કમ આપણે સાવ નકામા છીએ એવો વસવસો તો ઓછો થાય જ.
બીજું એ કે, મેહુલ ચોકસી અને નીરવ મોદીએ કરોડોનું કૌભાંડ કરીને બૅંકોને ચૂનો લગાડી દીધો એ મુદ્ો ઘણા સવાલોના જવાબ હજુ નથી મળ્યા. આ જુગલ જોડીએ સૌથી વધારે ચૂનો પંજાબ નેશનલ બૅંકને લગાડ્યો છે. પીએનબીમાં થયેલા કૌભાંડ માટે પીએનબીના અધિકારીઓ સૌથી વધારે જવાબદાર કહેવાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી પણ પીએનબીએના અધિકારીઓએ પોતાની તાકાત પર મોદી-ચોકસીને કરોડો રૂપિયાની લહાણી કરી દીધી હોય એ શક્ય નથી. બીજાં પણ મોટાં માથા તેમાં સામેલ હોય જ. આ મોટાં માથા કોણ એ સવાલના જવાબ હજુ મળ્યા નથી. આ સવાલોના જવાબ મેળવવા માટે બંનેને અહીં લાવવા જરૂરી છે.
બૅંક અધિકારીઓ સિવાયનાં મોટાં માથાની સંડોવણીની શક્યતા અંગે નરેન્દ્ર મોદી અને તત્કાલિન નાણાં મંત્રી અરૂણ જેટલીને જાણ કરાઈ હતી. છેક ૨૦૧૬માં હરિપ્રસાદ નામના વ્હીસલ બ્લોઅરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી અરૂણ જેટલીને જાણ કરેલી કે મોદી અને ચોકસી બૅંકને ચૂનો લગાડી રહ્યા છે.
હરિપ્રસાદે કેન્દ્ર સરકારની સાત એજન્સીઓને કાગળ લખીને ચેતવેલી છતાં બધાં કેમ ઘોરતાં એ પણ સવાલ છે. ગુજરાતના દિગ્વિજયસિંહ જાડેજાએ ૨૦૧૫ના મે મહિનામાં મેહુલ ચોકસીને તેના મળતિયાઓ સામે અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ફરિયાદ કરેલી. જાડેજાએ ગુજરાત હાઈ કોર્ટમાં કહેલું કે, ચોકસીને તેના સાગરિતો બૅંકોનું કરીને ભાગી જશે પછી રાતા પાણીએ રડવાનો વારો આવશે. આ કેસમાં ગુજરાત સરકાર પક્ષકાર હતી ને ગુજરાત સરકારે પણ કશું ના કર્યું. જાડેજા સો ટકા સાચા પડ્યા એ અલગ વાત છે પણ મુખ્ય સવાલ એ છે કે, એ વખતે કોઈ પગલાં કેમ નહોતાં લેવાયાં.
આ સવાલોના જવાબ મેળવવા માટે મેહુલ ચોકસી કે મોદીને ભારત લાવવા જરૂરી છે. નીરવ મોદીના પ્રત્યાર્પણ આડેના અવરોધો હટી રહ્યા છે તેથી એ આશા જાગી છે.

RELATED ARTICLES

Most Popular