આંગણે આવેલા શત્રુને પણ સમજણ, જ્ઞાન ને આશીર્વાદ આપે એવો છે આ ભૂમિનો ઈતિહાસ

ઉત્સવ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? આ વખતે દિલમાં ઘણા ઉન્માદ છે. વાતાવરણ જ એવું છે જેના વિશે આપણે ભવિષ્યમાં વાત અચૂક કરીશું. પણ આ વખતે ગત સપ્તાહની આપણી રાજા રામ અને રાજા રાવણની શિવભક્તિની વાર્તાનો આસ્વાદ લઈને તહેવારોના રંગને ઓર આનંદમય કરીએ. ગત સપ્તાહે આપણે જોયું કે સંદેશ મળે એટલે આવો એમ કહીને સીતાને વિમાનમાં મૂકીને રાવણ પોતે રામની સામે પહોંચી ગયા.
જામવંતનો સંદેશો મળતાં જ શ્રીરામ તેમના ભાઈ, મિત્ર અને સેના સાથે તેમના સ્વાગત માટે પહેલેથી જ તૈયાર હતા. સામે આવતાં જ વનવાસી રામે, રાવણને હાથ જોડીને પ્રણામ કર્યા.
‘જીવંત રહો! લંકા પર વિજય થાય.’
દસગ્રીવના (રાવણજીનું નામ) આશીર્વાદના આ શબ્દોએ સૌને આશ્ર્ચર્યચકિત કરી દીધા!
ભૂમિશુદ્ધિ પછી રાવણાચાર્ય બોલ્યા, ‘યજમાન! અર્ધાંગિની ક્યાં છે? તેમને તેમના સ્થાને બેઠક આપો.’
શ્રીરામે માથું નમાવીને હાથ જોડીને પ્રાર્થના કરી કે ‘જો યજમાન અસમર્થ હોય તો શ્રેષ્ઠ વિકલ્પની ગેરહાજરીમાં યોગાચાર્ય અન્ય સમકક્ષ વિકલ્પો સાથે પણ કર્મકાંડ કરી શકે છે.’
આચાર્ય: ‘ચોક્કસ, પરંતુ અન્ય વિકલ્પોની ગેરહાજરીમાં તે શક્ય છે, મુખ્ય વિકલ્પની ગેરહાજરીમાં નહીં. તમે ઉપવાસ કર્યો નથી. આ સંજોગોમાં તમે કેવી રીતે પત્ની વિનાની વિધિઓ કરી શકો.’
રામ: ‘કોઈ ઉપાય આચાર્ય?’
આચાર્ય: ‘કર્મકાંડ પછી જરૂરી સાધનો, પૂજાનો સામાન બધું પાછું લઈ જવાશે. જો તે સ્વીકારવામાં આવે, તો કોઈને મોકલો, યજમાનની પત્ની સમુદ્ર પાસે પુષ્પક વિમાનમાં બેઠેલી છે, તેમને આમંત્રણ પાઠવો.’
શ્રીરામે હાથ જોડીને માથું નમાવી, મૌનથી આ શ્રેષ્ઠ યુક્તિ સ્વીકારી. શ્રીરામના આદેશના પાલનમાં, વિભીષણ મંત્રીઓ સાથે પુષ્પક વિમાનમાં ગયા અને સીતા સાથે પાછા ફર્યા.
ના, રામ-સીતા વચ્ચે એ વખતે કોઇ ફિલ્મી દોડાદોડી કે સંગીતની તાન સાથે કોઇ આલિંગનો થયાં નહોતાં. યુદ્ધભૂમિ હતી, ધર્મપાલન કરવાનું હતું. વચન નિભાવવાનું હતું. ત્યાં જ રાવણ બોલ્યા: ‘યજમાનની બાજુમાં બેસો.’
વૈદેહીએ આચાર્યના આ આદેશનું પાલન કર્યું. પછી આચાર્યજીએ ગણપતિની પૂજા, ફૂલદાની સ્થાપિત કરી અને નવગ્રહની પૂજા કર્યા પછી પૂછ્યું, ‘લિંગ દેવતા?’
યજમાનોએ વિનંતી કરી કે ‘પવન પુત્ર તેને લેવા ગઈ રાતના પ્રથમ પ્રહરથી કૈલાસ ગયા છે. હજી પાછા ફર્યા નથી. આવશે. થોડો વિલંબ ખમી શકાશે?’
(હવે મારી દૃષ્ટિએ આને કહેવાય ટ્વિસ્ટ. કહે છે કે રામાવતાર સમયમાં શિવજીએ હનુમાનરૂપ લઈ રામનો સાથ આપ્યો હતો. રાવણ શિવનો ભક્ત. શિવ કરે શું? તો કે હવે એમાં ન ફસાવા માટે શિવ રહ્યા કૈલાસ. (વાહ વાહ ક્યા બાત હૈ!)
રાવણ બુદ્ધિમાન. પોતાના દેવતાને દુવિધામાં ન પડવા દે. આચાર્યએ આદેશ આપ્યો ‘વિલંબ કરી શકાય નહીં! શ્રેષ્ઠ સમય હાજર છે, તેથી વિલંબ કર્યા વિના યજમાન-પત્નીએ રેતીના – પોતાના લિંગ દેવતા બનાવવા જોઈએ.’
જનકનંદિનીએ આચાર્યની સૂચના મુજબ દરિયાકિનારે ભીની રેણુકામાંથી પોતાનાં કર કમળોથી (પોતાના હાથેથી એ દરિયાઈ રેણુકાઓને (રેતી) ભેગી કરી મઠારી પુષ્પોથી લિંગ દેવતાની રચના કરી. રેણુકાઓને એકત્રિત કરી યજમાન રામ દ્વારા તેમના હસ્તે લિંગ મૂકવાનો આધાર બનાવવામાં આવ્યો અને આચાર્ય મહાજ્ઞાની રાવણના માર્ગદર્શન અનુસાર રામ-સીતાએ એકસાથે શિવલિંગ બનાવ્યું. (હનુમાનજીનું મોડું પડવું તો બહાનું હશે રામ-સીતા પાસે સજોડે આરાધ્ય દેવના આગમન માટે લિંગ બનાવડાવવાનું.)
સીતા-રામે એ જ રામેશ્ર્વરમ સ્થિત મહેશ્ર્વર લિંગ દેવતાની સ્થાપના કરી. પૂજાનો આરંભ થયો. દેવલોકમાં સમાચાર પહોંચાડવામાં આવ્યા. લંકાપતિ રાજા રાવણે પણ આજે, પૂજનીય આચાર્યજી બનીને સંપૂર્ણ વિધિથી પૂજાવિધિ પૂર્ણ કરી. હવે વારો આવ્યો આચાર્યની દક્ષિણાનો.
શ્રીરામે કહ્યું, ‘હે ઉત્તમોત્તમમ બ્રાહ્મણદેવ, આજનું આ દાન ઈતિહાસ બનશે ને જીવન તમારા પરથી પ્રેરણા લેશે. હું આપનો ઋણી છુ. હે શિવભક્ત રાવણ, હવે મને તમારી દક્ષિણા માટે અવસર આપો.’
હવે ફરી એક વાર સૌને ચોંકાવી દીધા આચાર્યના શબ્દોએ. તેમણે કહ્યું: ‘ચિંતા કરશો નહીં, યજમાન. સ્વર્ણપુરીના માલિક પાસે દક્ષિણા મિલકત હોઈ શકે નહીં. આચાર્ય જાણે છે કે તેમના યજમાન હાલમાં વનવાસી છે.’
પરંતુ તેમ છતાં રામ તેમના આચાર્યની જે પણ માગણી હશે તે પૂર્ણ કરવાનું વચન આપે છે. તે આગ્રહ પર રાવણ બોલ્યા કે ‘તો પછી રામ, જ્યારે આચાર્ય મૃત્યુશય્યા પ્રાપ્ત કરે, ત્યારે યજમાન તેમની સામે હાજર રહે.’
આચાર્યએ તેમની દક્ષિણા માગી. યજમાન રામે વચન આપ્યું અને જ્યારે સમય આવ્યો ત્યારે તે વચન પૂરું પણ કર્યું.
‘રઘુકુલ રીતિ સદા ચલી આઈ,
પ્રાણ જાય પર વચન ન જાઈ.’
આ સાંભળીને ઉપસ્થિત સમગ્ર લોકો મનોહર પ્રેમથી ગદ્ગદ થઇ ગયા હતા. બધાએ આ અદ્ભુત આચાર્યને સાચી ભક્તિ સાથે પ્રણામ કર્યા.
રાવણ જેવા ભવિષ્યવેત્તાએ માગેલી દક્ષિણાથી મોટી દક્ષિણા કઈ હોઈ શકે? રાવણ, જે યજ્ઞ-કાર્ય પૂર્ણ કરવા માટે રામની બંદીવાન પત્નીને શત્રુ સમક્ષ રજૂ કરી શકે છે, તે રામ પાસેથી દક્ષિણા કેવી રીતે માગી શકે? (રામેશ્ર્વરમ દેવસ્થાનમાં લખેલું છે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના શ્રીરામના હાથે રાવણ દ્વારા કરાવવામાં આવી હતી.)
આવી છે રામ-રાવણની ભક્તિ. જે શક્તિ સમજવાની નહીં. સમજણશક્તિની વાત કરે છે. જે વેરની નહીં, ધર્મની વાત કરે છે. જે ફરજ અને સ્વયમના અહમ સામે પણ માનવતા સમજે છે તે વિદ્વાન છે, તે ભક્તિ છે. આવી ભક્તિના સાગરમાંથી એક ટીપું પણ જો આપણે ગ્રહણ કરીએ તો પણ આપણી કંઈક બની જવાની દોડમાં થાકી જઇએ છીએ ને ત્રસ્ત રહીએ છીએ એ તરસ થોડી સંતોષાય.
વાચકમિત્રો, આટલા અલ્પ વર્ણનમાં આટલી ભાવના છે તો હકીકતમાં વાતાવરણ કેવું અદ્ભુત હશે. હું તો કલ્પનામાત્રથી જાણે અભિભૂત થઈ ગઈ અને આમ પણ મારા માટે વીકનેસ કહો કે સ્ટ્રેંગ્થ, માતા-પિતાના ત્યાગ, બલિદન અને સજ્જનોની સમજણ ને મૌન પર હું મારી રીતે કહું તો જાનિસાર (અભિભૂત) થઈ જાઉં છું અને વિચારું છું કે આપણી માતાઓ પાસે કેવી અલૌકિક શક્તિ હોય છે. આપણા પિતાની કેવી અદ્ભુત ભક્તિ હોય છે કે શત્રુઓને, તેમની શક્તિને, તેમના અસ્તિત્વને પણ માન આપે છે અને સાહેબ શત્રુ પણ કેવા શૂરવીર, જે આંગણે આવેલા શત્રુને સમજણ, જ્ઞાન અને આશીર્વાદ આપે છે. એવો છે આ ભૂમિનો ઈતિહાસ.
—————
તમારા સવાલો મોકલાવો મુંબઈ સમાચારના એડ્રેસ પર પત્ર દ્વારા અથવા આ ઈમેઈલ આઈડી પર:

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.