જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા
* યમુનોત્રીથી સપ્તર્ષિકુંડ જતા રસ્તામાં વિવિધ જાતના ચિત્ર-વિચિત્ર ફૂલો આવે છે. સૂંઘવા નહીં બેહોશ થઈ જવાય. કેટલીક જડીબુટ્ટીઓ નશીલો વાયુ છોડે છે તેનાથી પણ માણસ બેભાન થઈ જાય સાથે જાણકાર હોય તો ઉપાય થાય.
* યમુનોત્રીનું શિખર ૧૧૦૦૦ ફૂટથી પણ વધુ ઊંચું છે છતાં ‘ઓક્સિજન’ સારું છે. કોઈકને શ્ર્વાસની તકલીફ હોય તો ધ્યાન રાખવું.
* ‘જાનકી ચટ્ટી’થી ૬ કિ.મી. યમુનોત્રી જવા માટે સીધું ચઢાણ છે. બે-અઢી કલાક પગે ચાલીને ઉપર જતા લાગે.
* વરસાદમાં પલળવું નહીં, તબિયત અસ્વસ્થ થશે.
* હરિદ્વારથી ૧૦૦ કિ.મી. ઉપર ચઢી ગયા પછી દરેક વ્યક્તિએ ‘સુદર્શન ઘનવટી’ ઝંડુ ફાર્મસીની ૧-૧ ગોળી સવાર-સાંજ અથવા ૨ ગોળી બપોરે ભોજન પછી લઈ લેવી. જેથી થાક ઓછો લાગશે. ઠંડી હવાની અસર નહીં થાય. તાવ-શરદી નહીં આવે.
* આખી યાત્રામાં ‘અમૃતધારા’ સાથે રાખવી.
* આવશ્યક વસ્તુઓ –
કાપુસ (રૂ) કપુરગોટી સુદર્શન ઘનવટી પેન-ડાયરી-પેન્સિલ લાંબી દોરી (લગભગ ૧૦ મીટર) સેફટીપીન ૧-૨ વિક્સ બામ બેન્ડેડ પટ્ટી અમૃતધારા તેલ સૂઈ-દોરો સોફરામાઈસીન ડેટોલ નાની બોટલ સાથે માણસની પાસે ટોર્ચ કમ્બલ-કામળી
* અહીં દરેક વૃક્ષ – વનસ્પતિનો જાદુઈ પ્રભાવ છે. સમજોને ચિત્રાવેલી અને અમરવેલી ડગલે ને ડગલે છે. કોઈક જાણકાર હોય તો ભંડાર ભરપૂર છે.
* સફેદ દારૂડી પુષ્કળ જોવા મળી.
* આ નાગજાળનાં ફળો કચરામાં પડ્યાં છે.
* અખરોટ-તમાલપત્ર-તજ-ચીડ-લીંચી-દાડમ-જેવાં વૃક્ષોનો પાર નથી.
* રંગબેરંગી પંખીડાં ખૂબ આકર્ષણ ઊભું કરે છે.
* દિવસ અને રાત વિવિધ જાતના પક્ષીઓનો સુમધુર કલરવ અત્યંત આકર્ષણનું કેન્દ્ર છે. રસ્તામાં ચાલતા-ચાલતા પણ પક્ષીઓ આનંદ કરાવે.
* હિમાલયનાં કેટલાંક નાનાં પશુઓ જોવા લાયક છે – જેમકે ખીસકોલી જેવું મોટા કૂતરા જેવું પ્રાણી બે પગ ઊંચા કરી ઊભું રહી આજુબાજુ જુએ. કેવું સરસ લાગે.
* અહીં કાળા કાગડાનો અવાજ જુદી જાતનો છે.
* આ અહીં કૂતરા રીંછ જેવા વાળવાળા હોય છે.
* ગુલાબ ખૂબ મોટા અને પ્રમાણમાં ઘણા થાય છે.
* અહિનાં લોકો ખૂબ સારા છે. ગઢવાલી ભાષા બોલે છે. આપણને સમજમાં ન આવે, હિન્દી ચાલે.
* અહીં આવવાનો પ્રોગ્રામ ફીક્સ દિવસો માટે કરવો નહીં. એટલે ‘આટલા દિવસોમાં આટલું પતાવવું જ’ જ્યાં જાવ ત્યાં ખૂબ આરામથી જાવ. કાલે ક્યાં જવું છે કંઈ ખબર ન હોવી જોઈએ. બસ મસ્તીથી આગળ વધતા રહેવું.
* નદી કિનારે શીલા પર બેસી સુમધુર કલરવ સાંભળતા તાદાત્મ્ય સિદ્ધ કરવું એક રોચક પ્રસંગ છે.
* જંગલમાં રીંછ-દીપડો-હરણ-સુવર-હાથી-જંગલી શિયાળ અને હિમાલયી નાના-મોટા જીવો ઘણા પ્રમાણમાં છે. રોડ ઉપર ચાલશો તો દૂર પર્વતની કોતરોમાં જોવા મળે. રોડ ઉપર કોઈ નહીં આવે.
* દર ૪-૫ કિ.મી. ઉપર એક ગામ હોય છે. વાહનોની અવર-જવર પુષ્કળ છે. ડર જેવું કશું નથી.
* રસ્તામાં ચાલતા યોગી-દરવેશ-યાત્રિક ઘણા મળે સૌ ‘જય જય’ કરતા આગળ વધે.
* અહીં આખા દિવસમાં ગમે ત્યારે વિહાર થઈ શકે, વાતાવરણ ઠંડું છે. સૂરજની હાજરીમાં ખુશનુમા
વાતાવરણ હોય. રાત્રે ઠંડી વધી જાય. હવા ન આવે એવા સ્થાનમાં રાત્રિ વિશ્રામ વધારે ઉચિત છે.
* ઝરણાનું પાણી કાંચ જેવું શુદ્ધ હોય છે.
* ઉચ્ચ સાધનાના ઈચ્છુકો માટે સૌ પ્રથમ ‘ભય જીતવો જોઈએ’ તે માટે હિમાલય ખૂબ ઉત્તમ છે.
* કોઈ પણ સ્થાને બેસતા અજાણ્યો ભય આવી જાય. નદી કિનારે બેઠા હોઈએ તો એવા વિચાર આવે
ક્યાંય સાપ-વીંછી-કાનખજૂરો-કાચીંડો અથવા અન્ય કોઈ ઝીણા જીવડા તો નહીં આવી જાય ને?
એકાન્ત સ્થાને ઝાડ નીચે બેઠા હોઈએ તો પણ કોઈ જાનવર તો આવી નહીં જાય ને? આવો ભય સતત મનમાં રહે. એકાન્તમાં જેને સાધના કરવી છે તેઓએ આવો ક્ષુદ્રભય જરૂર જીતવો પડે એ પછી જ આગળ વધી શકાય અન્યથા કાયક્લેષ માત્ર થઈ રહેશે.
* એક ને એક સ્થાને ૧૦ દિવસ આસન જમાવીને સ્થિર થાવ તો ધીરે-ધીરે ભય ઓછો થઈ જશે.
* સાધનામાં બીજુ ચરણ છે. વાતાવરણમાં ચારે બાજુ આવતા અવાજોને એક-એક કરીને સાંભળો. જો જો કોઈ દિશા કે કોઈ અવાજ બાકી રહી જાય નહીં. એ પછી સમસ્ત અવાજનો એક સાથે અનુભવ કરવો.
* હવે સાધનાના પ્રારંભનું ત્રીજું ચરણ છે. અવાજ આવે છે તે અવાજ વચ્ચેની ખાલી જગ્યા ઉપર ધ્યાન આપો. ધીરે-ધીરે બધા જ અવાજ વિલીન થઈ જશે શૂન્યાવકાશ માત્ર રહેશે.
* જ્યારે શૂન્યાવકાશનો સ્પર્શ થશે ત્યારે સૌપ્રથમ આજ્ઞાચક્રનાં આહ્લાદક દર્શન થશે એ પછી તેમાં લીન
થઈ જવાશે. બે પાંખડીવાળા આજ્ઞાચક્રનો આકાર તેજસ્વી રેખાઓમાં પ્રકાશિત થશે.
* આહાર અને ઊંઘ ક્ષેત્રનાં પ્રભાવથી જ ઓછા થઈ જાય છે.
* અહીં રહેનાર સામાન્ય લોકો અથવા બહારથી આવનાર યાત્રિકો સાથે ક્યારે પણ કડવા શબ્દોથી વ્યવહાર કરવો નહીં.
* અહીં લગભગ ૧૫૦ ફૂટથી પણ ઊંચાં ઊંચાં વૃક્ષો થાય છે.
* રોડ પર ચાલતા એક તરફ ઊંચો પહાડ હોય અને બીજી તરફ ઊંડી નદી હોય. તો નદી તરફ જ ચાલવાનું રાખવું. પહાડ ઉપરથી પથ્થર પડવાની સંભાવના ઘણી છે. અરે વાંદરા કે હરણ જેવા પશુઓએ ગબડાવેલા પથ્થરો સીધા માથા ઉપર આવી જાય એવું બને.
* અજાણ્યા રસ્તે જવું નહીં. રસ્તો ભટકી જવાય. (ક્રમશ:).