આરોગ્ય માટે જડીબુટ્ટી સમાન છે આરારૂટ

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. શિવજીનો પ્રિય માસ શ્રાવણ ગણાય છે. ભોળાનાથને રીઝવવાની સાથે સ્વાસ્થ્યને તંદુરસ્તી બક્ષવા અનેક ભાવિકો ઉપવાસ કે એકટાણું કરતા જોવા મળે છે. આવા સંજોગોમાં ભૂખને ભાંગવા ભાવિકો ફરાળી વાનગીને અપનાવી લે છે. કામ-ધંધા માટે ઘરની બહાર નીકળતી વ્યક્તિ માટે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું અશક્ય છે. આવા સંજોગોમાં ફરાળી હલકું-ફૂલકું થોડું ભોજન કરી લેવામાં સમજદારી છે. સતત ભૂખ્યા રહેવાથી ઈશ્ર્વર પણ સાથ નથી આપતા તેથી સીઝન કોઈ પણ હોય, શરીરને અકારણ ભૂખ્યું રાખવું સલાહભર્યું નથી. ફરાળી વાનગીમાં આરારૂટ પાઉડરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ચાલો, જાણી લઈએ ફરાળી વાનગીમાં છૂટથી વપરાતા આ કરામતી કંદની કમાલ વિશે.
એક સમય હતો કે જ્યારે કેરેબિયન દ્વિપમાં આરારૂટનો ઉપયોગ યુદ્ધમાં ઝેરીલા તીરના ઘાના ઈલાજ માટે લેવામાં આવતો હતો, તેથી જ અનેક લોકો તેને એરોરૂટ કે આરારોટ તરીકે પણ ઓળખે છે. આરારૂટ એક પ્રકારની સ્ટાર્ચ ગણાય છે, જે છોડના મૂળમાંથી મળે છે. છોડની લંબાઈ લગભગ ૯૦-૧૮૦ સે. મી. ઊંચી તથા સીધી જોવા મળે છે. લાંબા સમય સુધી આ છોડ જીવંત રહે છે. તેનાં પાન લંબગોળ આકારનાં જોવા મળે છે. પાનની લંબાઈ ૨૫ સે. મીટર તથા પહોળાઈ ૧૧.૩ સે. મી.ની આસપાસ જોવા મળે છે. પાનનો રંગ આછો લીલો તથા ફૂલનો રંગ સફેદ જોવા મળે છે. છોડ પર ફૂલોના ગુચ્છા સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી લહેરાતા જોવા મળે છે. આરારૂટની ખેતી ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ, આસામ તથા કેરળમાં બહોળા પ્રમાણમાં થાય છે. કુદરતી રીતે મળતી કાર્બોહાઇડ્રેટ્સની અમૂલ્ય ભેટ એટલે જ આરારૂટ.
આરારૂટનું વાનસ્પતિક નામ મૈરન્ટા અરૂન્ડિનેસીઆ છે. વિવિધ ભાષામાં આરારૂટને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. હિન્દીમાં તીખુર ભેદ, અંગ્રેજીમાં ઓબિડિયન્સ પ્લાન્ટ, વેસ્ટ ઈન્ડિયન એરોરૂટ, બરમુડા એરોરૂટ, બંગાળીમાં અરારોટ, ક્ધનડમાં કુવેહિટ્ટ, ગુજરાતીમાં તપખીરનો લોટ કે તવખીરનો લોટ, તેલુગુમાં પલાગુંડા, મલયાલમમાં કુવ્વા તથા તમિળમાં કુકાઈ નીરૂ. આ લોટની ખાસ વાત એટલે તે ગ્લુટેન ફ્રી છે. બળવર્ધક, લોહીનું શુદ્ધીકરણ કરનાર, કફનાશક, શીતળ ગણાય છે. ફાઈબરથી ભરપૂર હોવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે પણ લાભદાયક મનાય છે.
—————
આરારૂટના તંદુરસ્તીલક્ષી ફાયદા
ગ્લુટેન ફ્રી
ગ્લુટેન ફ્રી વસ્તુમાં મોટે ભાગે સ્ટાર્ચની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે, જે વાનગીને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે. શિશુ માટે બજારમાં મળતા દૂધના પાઉડરમાં પણ આરારૂટનો ઉપયોગ તેને ઘટ્ટ બનાવવા માટે કરવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ
વધારવામાં ગુણકારી
આરારૂટના ઉપયોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ છે ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોવાની સાથે તેમાં ગ્લુકોઝની માત્રા શરીરમાં પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે છે, જે લાંબે ગાળે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
વિટામિન બીનું
પાવરહાઉસ ગણાય છે
આરારૂટમાં વિટામિન બીની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. તેમાં રિબોફ્લેવિન, નાઈસીન વગેરે ગણાવી શકાય. નાઈસીનની માત્રા પૂરતા પ્રમાણમાં હોવાને કારણે શરીર માટે સારા ગણાતા એચડીએલ કૉલેસ્ટરોલની માત્રા જાળવી રાખે છે. તેને કારણે હૃદય સંબંધિત તકલીફથી બચી શકાય છે. મેડિકલની ભાષામાં એવું કહેવામાં આવે છે કે નાઈસીનની માત્રા શરીરમાં જળવાઈ ન રહે તો શરીરને ચાર ‘ડી’નો ખતરો રહે છે. તેમાં ઝાડા (ડાયેરિયા), ભૂલી જવાની તકલીફ (ડિમેન્શિયા), ત્વચા રોગ (ડર્મિટાઈટિસ), મોત(ડેથ) ગણવામાં આવે છે. ફોલેટની માત્રા પણ શરીરમાં જળવાઈ રહે તો શરીરમાં બ્લડ સેલની માત્રા વધારવામાં મદદ મળે છે. એનિમિયાની તકલીફમાં પણ રાહત મળે છે.
—————
ઊંઘ સારી લાવવામાં લાભદાયક
શું આપને ગાઢ ઊંઘ લેવામાં તકલીફ પડે છે તો શરીરમાં મેગ્નેશિયમની માત્રા ઘટી નથીને તેની તપાસ કરાવી લેવી આવશ્યક છે. આરારૂટમાં મેગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે, જેથી ગાઢ ઊંઘ લાવવામાં આરારૂટનો ઉપયોગ ગુણકારી ગણાય છે. ૧૦૦ ગ્રામ આરારૂટમાં ૨૫ મિલિગ્રામ મેગ્નેશિયમની માત્રા સમાયેલી જોવા
મળે છે.
હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક
અનેક સંશોધન બાદ એવું જાણવા મળ્યું છે કે હૃદયની તંદુરસ્તી માટે પોટેશિયમની માત્રા જેમાં વધુ સમાયેલી હોય તેવો આહાર લેવો આવશ્યક ગણાય છે. આરારૂટમાં સારી માત્રામાં પોટેશિયમનું પ્રમાણ સમાયેલું છે જે વાસોડાયલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ રક્તકોશિકામાં સુચારુરૂપે થાય તેની કાળજી લે છે. બ્લડ પ્રેશર વધતું રોકવામાં મદદ કરે છે. હૃદયરોગના વિવિધ વિકારોથી સ્વાસ્થ્યને બચાવી શકાય છે.
વજન નિયંત્રણમાં
રાખવામાં મદદરૂપ
આરારૂટને કૉલેસ્ટરોલ ફ્રી અથવા ઓછી કૅલરી ધરાવતું કંદમૂળ ગણવામાં આવે છે. ૧૦૦ ગ્રામ આરારૂટમાં ફક્ત ૦.૦૨૦ ગ્રામ કૅલરી સમાયેલી છે. વળી ૧૦૦ ગ્રામ આરારૂટમાં ૧.૩ મિલિગ્રામ ફાઈબરની માત્રા સમાયેલી જોવા મળે છે. વિવિધ મિનરલ્સની માત્રા પણ સારા પ્રમાણમાં હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
—————-
રમતવીરના પગની કાળજી
માટે ગુણકારી
રમતવીરના પગને લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે પગની પાનીમાં ચેપ લાગવાનો ભય રહે છે. પગમાં લાંબા સમય માટે સ્પોર્ટ્સ શૂઝ પહેરવાને કારણે પગના નખમાં કે આંગળીમાં ફંગલ ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જતી હોય છે. ઉપરોક્ત સંજોગોથી બચવા માટે આરારૂટનો આહારમાં સમાવેશ કરવો આવશ્યક છે. આરારૂટમાં એન્ટિફંગલ તથા ઍન્ટિબૅક્ટેરિયલના ગુણો સમાયેલા છે, જેથી તેનો આહારમાં ઉપયોગ કરવાની સાથે ચેપથી બચી શકાય છે.
ત્વચાને ચમકીલી
બનાવવામાં ઉપયોગી
આરારૂટમાં ત્વચાને ટૂંક સમયમાં જ સજાવી શકાય તેવા ગુણો સમાયેલા છે, જેમ કે પ્રોટીન, વિટામિન, ઍન્ટિઑક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે, તેથી ત્વચા સંબંધિત વિવિધ તકલીફ જેવી કે લાલ ચકામાં, કાળા ડાઘથી છુટકારો મળે છે. ત્વચાની ઉપર તેનો લેપ લગાવવાથી ચહેરાની ત્વચા ચમકદાર બની જાય છે.
આરારૂટનો ઉપયોગ કઈ રીતે કરવો
સામાન્ય રીતે આરારૂટના પાઉડરનો ઉપયોગ ભારતીય વ્યંજનમાં કરવામાં આવે છે, જેમ કે ફરાળી પેટીસના માવાને ઘટ્ટ બનાવવા માટે કેળા કે બટાકામાં આરારૂટ પાઉડર જરૂર મુજબ ભેળવવામાં આવે છે. આરારૂટનો હલવો પણ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. સૂપ, ગ્રેવી કે મિલ્કશૅકને ઘટ્ટ બનાવવા માટે પણ આરારૂટને પાણીમાં ભેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે. કટલેટને ક્રિસ્પી બનાવવા માટે આરારૂટમાં રગદોળવાથી સારું રિઝલ્ટ મેળવી શકાય છે.

આરારૂટનો પાઉડર બનાવવાની પદ્ધતિ
આરારૂટના કંદને પાણીથી બરાબર સાફ કરીને તેની છાલ કાઢી લેવામાં આવે છે. છાલને યોગ્ય રીતે કાઢવી અગત્યની
છે, કારણ કે છાલ યોગ્ય રીતે કાઢવામાં ન આવે તો
આરારૂટના પાઉડરમાં એક અલગ પ્રકારની વાસ આવે છે. છાલ કાઢ્યા બાદ તેનો માવો બનાવીને તેમાં સમાયેલા પ્રવાહીને એક મોટા વાસણમાં એકઠું કરવામાં આવે છે. તેને મલમલના કપડાથી ગાળવામાં આવે છે. દૂધ જેવું પ્રવાહી ઉપર રહે છે તથા નીચે ઘટ્ટ ભીનું મિશ્રણ તૈયાર થાય છે. તેને સૂકવીને આરારૂટ પાઉડર બનાવવામાં આવે છે. સુકાઈ ગયા બાદ તેને ઝડપથી પેક કરવો આવશ્યક છે. —————
આરારૂટનો ઉપયોગ કરીને બનાવાતી ફરાળી પેટીસની રીત
સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાકા, ૩ મોટી ચમચી આરારૂટ પાઉડર, ૧ નાની વાટકી તાજું કોપરાનું ખમણ, સ્વાદાનુસાર મીઠું, ૨ ચમચી લીલાં મરચાં-આદુંની પેસ્ટ, ૧ મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧ ચમચી શેકેલા તલ, ૧ ચમચી સિંગદાણાનો અધકચરો ભૂકો, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી વરિયાળી, તળવા માટે તેલ.
બનાવવાની રીત: સૌપ્રથમ બટાકાને બાફી લેવા. તેનો માવો બનાવીને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તૈયાર કરવો.
પૂરણ માટે: કોપરાના છીણમાં મીઠું, ખાંડ, શેકેલા તલ, સિંગદાણાનો ભૂકો, આદું-મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર વગેરે ભેળવીને માવો તૈયાર કરવો. બટાકાના માવામાં જરૂર મુજબ આરારૂટ ભેળવીને તેની નાની હાથેથી થેપીને પૂરી બનાવીને પૂરણ ભરી લેવું. ગોળ પેટીસ બનાવી લેવી. પેટીસને આરારૂટમાં રગદોળીને ગરમ તેલમાં તળી લેવી. તળવી ન હોય તો નૉનસ્ટિક તવા પર સાંતળી પણ શકાય છે. પેટીસ તૂટે નહીં તથા ક્રિસ્પી બને તે માટે આરારૂટનો ઉપયોગ અવશ્ય કરવો. કાચા સિંગદાણાની ચટણી બનાવી સાથે પીરસવી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.