(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: અરબી સમુદ્ર પાસે સર્જાયેલા હવાના હળવા દબાણની અસર હેઠળ મોસમ વિભાગે આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી માવઠાની આગાહી કરી છે પરંતુ છેલ્લા બે દિવસથી માવઠાના વાદળો વિખેરાતા ગરમીનો પ્રકોપ શરૂ
થયો છે.
વાદળછાયા વાતાવરણને કારણે ગરમીના ડંખથી બાકાત રહેલાં જિલ્લા મથક ભુજમાં સ્વચ્છ આકાશ થવા સાથે નીકળેલા તડકાની સંગાથે મહત્તમ તાપમાનનો આંક ૩૭ ડિગ્રી પર પહોંચી જતાં જનજીવન બેચેન બન્યું છે.
આ ઉપરાંત કંડલા બંદર પર ૩૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જયારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ઊંચું તાપમાન ૩૬ ડિગ્રી પર રહ્યું હતું જયારે લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી સે.જેટલું નીચું રહેતાં વહેલી સવારે વાતાવરણમાં ટાઢક અનુભવાઈ હતી.
ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે રણકાંધીના સીમાવર્તી ગ્રામ્ય વિસ્તારો જેમાં ખાવડા અને રાપરમાં પણ ૩૭ ડિગ્રીને પાર કરી ગયેલા તાપમાનના લીધે રણકાંધીના વિસ્તારોનું ગ્રામીણ જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.ઉ